કેરળમાં એક-બે દિવસમાં ચોમાસું બેસે તેવી શક્યતા, ગુજરાતમાં પણ સિઝન પહેલાં વરસાદની આગાહી

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

હવામાન વિભાગે 26 મેની આસપાસ એટલે કે આજથી કેરળમાં ચોમાસું આવવાની આગાહી કરી છે.

વરસાદની સ્થિતિ અનુકૂળ રહે તો કેરળમાં એક કે બે દિવસની અંદર ચોમાસું પ્રવેશી શકે છે.

હાલમાં કેરળમાં સતત બે દિવસથી સતત છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. તો ગુજરાતમાં પણ ચોમાસું તેના નિર્ધારિત સમયે આવવાની શક્યતા છે.

જો હાલની પરિસ્થિતિ અનુકૂળ રહે તો ગુજરાતમાં 10થી 15 જૂનની આસપાસ ચોમાસું આવવાની શક્યતા છે.

પરંતુ હવામાન વિભાગ અનુસાર, ચોમાસું આવે તે પહેલાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ આવી શકે છે.

આવો જાણીએ કયા કયા વિસ્તારોમાં ક્યારે ચોમાસા પહેલાં વરસાદ પડી શકે છે?

ચોમાસું હાલ કેટલે પહોંચ્યું છે?

હવામાન વિભાગ અનુસાર, કેરળમાં આજથી ચોમાસું શરૂ થઈ શકે છે, ત્યારે ગુજરાતમાં હાલ વાતાવરણ સૂકું છે, અમદાવાદ ખાતે ગઈ કાલે (25 મે) તાપમાન 42.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર તરફથી જાહેર કરેલા બુલેટિન મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગરહવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહ્યું હતું.

આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. જોકે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું હતું, જ્યારે બાકીના વિસ્તારોમાં તે સામાન્ય રહ્યું હતું.

આગામી 7 દિવસ એટલે કે 1 જૂન 2026 સુધીની આગાહી મુજબ, શરૂઆતના ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ત્યાર પછીના દિવસોમાં તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે.

ભારતમાં હવામાન વિભાગે 26મેની આસપાસ એટલે કે આજથી કેરળમાં ચોમાસું આવવાની આગાહી કરી હતી. જોકે છેલ્લા બે દિવસથી ચોમાસું લક્ષદ્વીપના ટાપુઓ પર નથી પહોંચ્યું.

જોકે હાલની પરિસ્થિતિની અનુકૂળતાને ધ્યાનમાં રાખીએ, તો ગુજરાતમાં 10થી 15 જૂનની આસપાસ ચોમાસું આવવાની શક્યતા છે.

ચોમાસા પહેલાં ગુજરાતમાં વરસાદની ક્યાં શક્યતા છે?

હવામાન વિભાગ અનુસાર, ચોમાસું આવે તે પહેલાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ જશે.

સામાન્ય રીતે 31મેથી લઈને 1 જૂન સુધી વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 31મે સુધીમાં તોફાનની સ્થિતિ રહેવાની શક્યતા છે. તેનો અર્થ એ છે કે ગુજરાતમાં છૂટોછવાયો, ગાજવીજ સાથે અને સામાન્ય પવન સાથે ખૂબ ઓછા વિસ્તારમાં વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ અનુસાર, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આને કારણે વરસાદ પડવાની શક્યતા છે.

ત્યાર બાદના દિવસોમાં ઉત્તર ગુજરાતમાં વરસાદ નહીં હોય, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોમાસાના વરસાદની શક્યતા દેખાઈ રહી છે.

હવામાનનું મૉડલ દર્શાવી રહ્યું છે કે 1 જૂનની આસપાસ ઉત્તર ગુજરાતના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. બીજી જૂનથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા લાગી રહી છે.

ખૂબ ઝડપથી ચોમાસું આગળ વધી જાય તેવી કોઈ શક્યતા નથી, પણ કેરળમાં ચોમાસું આવ્યા પછી તેની પ્રગતિ શું છે તેના પર ગુજરાતના ચોમાસાનો આધાર છે.

ગુજરાતમાં હવામાન કેવું રહેશે?

આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ હવામાનશાસ્ત્ર વિભાગ દ્વારા સંચાલિત એગ્રો મટિરિલૉજિકલ ઑબ્ઝર્વેટરી તરફથી તારીખ 26મે 2026 જાહેર થયેલા હવામાનના આંકડા મુજબ, આજનું તાપમાન 40.5°C નોંધાયું હતું, જ્યારે લઘુતમ તાપમાન 29.0°C રહ્યું હતું.

સવારના સમયે હવામાં ભેજનું પ્રમાણ 68% જેટલું ઊંચું જોવા મળ્યું હતું.

બીજી તરફ, હવાની દિશા પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ તરફની રહી હતી અને પવનની ગતિ 6.9 કિમી પ્રતિ કલાક નોંધાઈ હતી, જે સામાન્ય ઝડપ દર્શાવે છે.

વધુમાં છેલ્લા 24 કલાકમાં બિલકુલ વરસાદ નોંધાયો નથી, એટલે કે વરસાદનું પ્રમાણ 0.0 mm રહ્યું છે. એકંદરે, આ આંકડા ઉનાળાની તીવ્ર ગરમી અને લાંબા સમય સુધી રહેતા તડકાની સ્થિતિ તરફ ઇશારો કરે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન