ગુજરાતમાં શેરડીની ખેતી છોડીને ખેડૂતો બીજા પાક કેમ વાવવા લાગ્યા છે?

શુગર મિલ, બીબીસી ગુજરાતી, ગુજરાત, ખેતી, gujarat, sugarcane agriculture, gujarat sugar mills

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

"આજથી 10 વર્ષ અગાઉ શેરડીની ખેતીમાં જે ફાયદો હતો તે આજે નથી રહ્યો, શેરડીના ભાવ કેટલાય વર્ષથી વધ્યા નથી અને તેની સામે ખેતીનો ખર્ચ ઘણો વધી ગયો છે. ખાતર, લેબર ખર્ચ, દવાઓ બધુ મોંઘું થઈ ગયું છે. ખાંડના ભાવ ભલે વધ્યા પણ ખેડૂતોને તેમાં કોઈ ફાયદો નથી મળ્યો."

આ શબ્દો છે સુરત નજીક મોરથાણ ગામના સરપંચ જયપ્રકાશ દેસાઈના, જેઓ વર્ષોથી શેરડીનું વાવેતર કરે છે, પરંતુ હવે ધીમે ધીમે બીજા પાક તરફ વળવા લાગ્યા છે.

દેશમાં ખાંડના ભાવમાં ઓચિંતા ઉછાળા પછી ખાંડ ઉદ્યોગ ચર્ચામાં આવ્યો છે. શેરડીના ઉત્પાદનમાં બ્રાઝિલ પછી ભારત સમગ્ર દુનિયામાં બીજા નંબરે છે ત્યારે ગુજરાતમાં શેરડીના ખેડૂતો કેવી સ્થિતિમાં છે તે જાણવું જરૂરી છે.

આંકડા શું કહે છે?

બીબીસી ગુજરાતી ગુજરાત ખેડૂત શેરડી ખાંડ ભાવ સહકારી મિલ કારખાના સુરત વલસાડ

ઇમેજ સ્રોત, pib.gov.in

ઇમેજ કૅપ્શન, ભારતમાં છેલ્લાંં 10 વર્ષમાં શેરડીના ઉત્પાદનમાં 43 ટકાથી વધુ વધારો થયો છે.

યુએસડીએ (યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઑફ એગ્રીકલ્ચર)ના આંકડા પ્રમાણે હાલમાં બ્રાઝિલ ખાંડના ઉત્પાદનમાં 24 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે ભારત 16 ટકા હિસ્સા સાથે બીજા નંબર પર છે.

ભારત સરકારનો ડેટા કહે છે કે શેરડીની ખેતી દેશમાં લગભગ પાંચ કરોડ ખેડૂતોને ટેકો આપે છે અને ખાંડની ફૅક્ટરીઓ તથા સંલગ્ન ઉદ્યોગોમાં પાંચ લાખ લોકોને રોજગારી મળે છે.

કૃષિ મંત્રાલય મુજબ 2025-26માં ભારતમાં શેરડીનું ઉત્પાદન 500 મિલિયન મેટ્રિક ટન રહ્યું હતું. છેલ્લાં 10 વર્ષમાં શેરડીના ઉત્પાદનમાં લગભગ 43.5 ટકાનો વધારો થયો છે.

2015-16માં શેરડીના વાવેતર હેઠળનો વિસ્તાર 49.27 લાખ હેક્ટરથી વધીને 2025-26માં 58.87 લાખ ટન હેક્ટર થયો હતો.

હાલમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર એ દેશમાં શેરડીનું ઉત્પાદન કરવામાં સૌથી આગળ છે. ફૅક્ટશીટ મુજબ ભારતે 2016-17માં 0.47 લાખ ટન ખાંડની નિકાસ કરી હતી જે 2025-26 માં વધીને આઠ લાખ ટન થઈ હતી.

ગુજરાતમાં શેરડીની ખેતી

બીબીસી ગુજરાતી ગુજરાત ખેડૂત શેરડી ખાંડ ભાવ સહકારી મિલ કારખાના સુરત વલસાડ

ઇમેજ સ્રોત, Jaiprakash Desai

ઇમેજ કૅપ્શન, જયપ્રકાશ દેસાઈ કહે છે કે ખાતર, મજૂરી, દવાઓનો ખર્ચ બહુ વધી ગયો છે, જેની સામે શેરડીના યોગ્ય ભાવ નથી મળતા.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતમાં સુરત, નવસારી, તાપી, નર્મદા, ભરૂચ અને વલસાડ શેરડીના ઉત્પાદનમાં આગળ છે અને રાજ્યમાં કુલ શેરડી ઉત્પાદનમાંથી આ જિલ્લાઓમાં 99 ટકા ઉત્પાદન થાય છે. ભારતમાં શેરડીના ઉત્પાદનમાં લગભગ 48 ટકા હિસ્સા સાથે ઉત્તર પ્રદેશ સૌથી આગળ છે, ત્યાર પછી મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતનો વારો આવે છે. દેશમાં શેરડીના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો ત્રણ ટકા જ છે.

ગુજરાતમાં લાખો ખેડૂતો શેરડીના ઉત્પાદન સાથે સંકળાયેલા છે, પરંતુ અલગ અલગ કારણોથી કેટલાક ખેડૂતો હવે બીજા પાક તરફ વળી રહ્યા છે.

બીબીસીએ કેટલાક ખેડૂતો સાથે વાત કરી જેમણે કહ્યું કે શેરડીની ખેતીનો ઊંચો ખર્ચ, મિલો તરફથી પેમેન્ટમાં વિલંબ, ઘટતા જતા નફાના માર્જિન, જંગલી ઢોરના ત્રાસ અને લેબરના ઊંચા ખર્ચના કારણે તેઓ બીજા પાક તરફ વળી રહ્યા છે.

સુરત નજીક ઓલપાડ તાલુકાના મોરથાણ ગામના સરપંચ જયપ્રકાશ દેસાઈએ જણાવ્યું કે તેઓ પણ ધીમે ધીમે શેરડીના બદલે બીજા પાક તરફ વળી રહ્યા છે.

બીબીસી સાથે વાત કરતા દેસાઈએ કહ્યું કે, "શેરડીમાં હાલમાં 3600થી 3700 રૂપિયા પ્રતિ ટનની આસપાસ ભાવ ચાલે છે જે ભાવ આઠ-દસ વર્ષ પહેલાં પણ હતો. બીજી તરફ ખાંડનો ભાવ 10 વર્ષમાં ઘણો વધી ગયો છે. એટલે કે ખેડૂતોને આ પાકમાં ફાયદો નથી."

બીબીસી ગુજરાતી ગુજરાત ખેડૂત શેરડી ખાંડ ભાવ સહકારી મિલ કારખાના સુરત વલસાડ

ઇમેજ સ્રોત, Viral Patel

ઇમેજ કૅપ્શન, કામરેજ શુગર ફૅક્ટરીના વિરલ પટેલે કહ્યું કે શેરડીનો પુરતો જથ્થો ન મળવાથી શુગર મિલો બંધ થઈ રહી છે.

તેમણે કહ્યું કે, "એક દાયકામાં ખાતરનો ભાવ ઘણો વધી ગયો છે. 400 રૂપિયામાં મળતી ખાતરની થેલીનો ભાવ આજે 1700થી 2000 રૂપિયા થઈ ગયો છે. અત્યારે ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયા ભાવ મળે તો જ ખેડૂતોને પોસાય તેવું છે."

જયપ્રકાશ દેસાઈએ કહ્યું કે "મેં ગયા વર્ષથી 10 વિઘા જમીન પર શેરડીના બદલે કેસર કેરીની ખેતી શરૂ કરી છે. અમારી નજીકનાં ગામોમાં ઓછામાં ઓછા 300થી 400 વિઘામાં ખેડૂતોએ શેરડીના બદલે આંબાવાડી બનાવી છે. આવી જ હાલત શાકભાજીની છે અને તેમાં પણ કોઈ નફો નથી."

આ ઉપરાંત શેરડી હજુ ખેતરોમાં હોય ત્યાં જ મિલો દ્વારા નીચો ભાવ જાહેર કરી દેવાય છે અને ઊંચા ભાવે શેરડી ખરીદવામાં આવતી નથી. આ બધાં કારણોથી ખેડૂતો બીજા પાક તરફ વળ્યા છે તેમ તેઓ કહે છે.

બીબીસી ગુજરાતી ગુજરાત ખેડૂત શેરડી ખાંડ ભાવ સહકારી મિલ કારખાના સુરત વલસાડ

ઇમેજ સ્રોત, pib.gov.in

ઇમેજ કૅપ્શન, ભારતમાંથી ખાંડની નિકાસ છેલ્લા એક દાયકામાં વધી છે, પરંતુ હાલમાં નિયંત્રણો લાદવામાં આવ્યા છે.

કામરેજ શુગર ફૅક્ટરી સાથે સંકળાયેલા અને શેરડીની ખેતી કરતા વિરલ પટેલે બીબીસીને જણાવ્યું કે, "ખાંડ ઉદ્યોગ માટે સૌથી મોટી સમસ્યા શેરડીના પુરવઠાની છે. ઉદાહરણ તરીકે સાયણ શુગર ફૅક્ટરીને એક સિઝનમાં 10 લાખ ટન શેરડીની જરૂર છે તેની સામે માંડ સાડા છથી સાત લાખ ટન શેરડી મળે છે."

"પુરવઠો ન મળવાનાં ઘણાં કારણો છે. જેમ કે અનિયમિત વરસાદ, ક્લાઇમેટ ચેન્જથી ઉત્પાદનને અસર થાય છે."

"આ વખતના ચોમાસામાં શરૂઆતમાં ભારે વરસાદ પડ્યો, પરંતુ અત્યારે વરસાદ બંધ છે જેના કારણે શેરડીમાં રોગ આવ્યા છે."

આ ઉપરાંત વધતું જતું ઔદ્યોગિકીકરણ પણ શેરડીને નડે છે.

વિરલ પટેલે કહ્યું કે "ઘણા લોકો હવે જમીન વેચીને ઉદ્યોગોને આપે છે. આ ઉપરાંત બધી જગ્યાએ ભૂંડનો બહુ ત્રાસ છે જે આખેઆખા ખેતરોને નષ્ટ કરી નાખે છે. ઓલપાડ, કામરેજ, માંગરોળ કે પલસાણામાં આ બહુ મોટી સમસ્યા છે."

શેરડીના નીચા ભાવ સૌથી મોટી સમસ્યા

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ફેબ્રુઆરી 2023માં પ્રકાશિત એક સંશોધન લેખ મુજબ દક્ષિણ ગુજરાતમાં શેરડી એ મુખ્ય રોકડિયો પાક છે. શેરડી ઉગાડતા 240 ખેડૂતોના સૅમ્પલનો અભ્યાસ કરીને લેખમાં જણાવાયું હતું કે સૌથી મોટી સમસ્યા સહકારી મંડળીઓ દ્વારા આપવામાં આવતા નીચા ભાવની છે. ત્યાર પછીની મોટી સમસ્યાઓમાં મજૂરીનો વધતો ખર્ચ, ટ્રાન્સપોર્ટેશનનો ઊંચો ખર્ચ તથા વેઇંગ બ્રિજ પર શેરડીનું વજન કરવામાં થતી ગરબડો છે.

અભ્યાસ અનુસાર આ ઉપરાંત પાકની લણણી પછી તેમણે લાંબી રાહ જોવી પડે છે ત્યાર પછી સહકારી ખાંડ મિલોમાં તેમનો વારો આવે છે. આ દરમિયાન પાકની ગુણવત્તાને અસર થાય છે.

શેરડીના ખેડૂતોએ તેમના પાકનું વળતર મળવામાં વિલંબ, ટૉલ અને બીજા ચાર્જિસના નામે બિનજરૂરી રૂપિયા કપાઈ જવા, મિકેનિકલ હાર્વેસ્ટરની અછત, પાકમાં રોગ વગેરેને પણ આ ખેતીની સમસ્યા તરીકે ગણાવ્યા હતા.

'ખાંડ પર સરકારી નિયંત્રણોથી ખેડૂતોને નુકસાન'

બીબીસી ગુજરાતી ગુજરાત ખેડૂત શેરડી ખાંડ ભાવ સહકારી મિલ કારખાના સુરત વલસાડ

ઇમેજ સ્રોત, Darshan Naik

ઇમેજ કૅપ્શન, દક્ષિણ ગુજરાતમાં સહકારી ક્ષેત્રના આગેવાન અને સાયણ ખાંડ ફેક્ટરી સાથે સંકળાયેલા દર્શન નાયક કહે છે કે બંધ થયેલી શુગર મિલોમાં ખેડૂતોના નાણાં ફસાઈ ગયા છે.

ભારતમાં ખાંડના ભાવ એક સંવેદનશીલ મુદ્દો છે અને તે આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ આવે છે. દેશમાં ખાંડના ભાવ વધશે તેવો અંદેશો હોય ત્યારે સરકાર તેની નિકાસ પર પ્રતિબંધ મૂકતી હોય છે.

હાલમાં 30 સપ્ટેમ્બર, 2026 સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ છે.

આ ઉપરાંત ઓપન માર્કેટમાં વેચાણ પર પણ સરકારનાં નિયંત્રણો હોય છે જેનાથી ખેડૂતોને નુકસાન થાય છે એવું કેટલાક નિષ્ણાતો માને છે.

સુરત નજીક સાયણ શુગર ફેક્ટરીના ડાયરેક્ટર દર્શન નાયકે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે "ભારતમાં 700થી વધારે ખાનગી અને સહકારી ધોરણે ચાલતી શુગર ફૅક્ટરીઓ છે."

"દેશમાં જરૂરિયાત કરતા વધારે ખાંડનું ઉત્પાદન થાય છે, પરંતુ તાજેતરમાં ખાંડના ભાવ વધ્યા છે."

તેમણે કહ્યું કે "રાજ્યમાં લગભગ 22 શુગર ફૅક્ટરીઓ છે જેમાંથી એક ડઝન કરતા વધુ દક્ષિણ ગુજરાતમાં છે."

"છેલ્લાં 10 વર્ષમાં ભાજપના શાસન દરમિયાન ગુજરાતમાં કાવેરી શુગર ફૅક્ટરી, મરોલી, માંડવી, વટારિયા, કોડિનાર શુગર ફૅક્ટરી વગેરે બંધ થઈ ગઈ છે."

"જેના કારણે 500 કરોડનો શેરફાળો, એટલા જ કરોડની લોન વગેરે આ સહકારી સંસ્થાઓમાં ફસાયા છે. બે લાખ જેટલા શેરડીના ખેડૂતોને મિલો બંધ થવાથી નાણાં નથી મળ્યા."

બીબીસી ગુજરાતી ગુજરાત ખેડૂત શેરડી ખાંડ ભાવ સહકારી મિલ કારખાના સુરત વલસાડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શેરડીના ખેડૂતોને સારા ભાવ નથી મળતા તે સૌથી મોટી સમસ્યા ગણાય છે.

તેમણે કહ્યું કે, "છેલ્લા એક દાયકામાં ખાંડના ભાવ જે રીતે વધ્યા તેની સામે ખાંડના ભાવ વધ્યા નથી. દર એકરે ઉત્પાદન પણ ઘટી ગયું છે જેના કારણે શેરડીનો પુરવઠો ઘટી રહ્યો છે."

દર્શન નાયકના કહેવા પ્રમાણે "સહકારી ક્ષેત્રની અયોગ્ય નીતિના કારણે ખેડૂતો શેરડીથી દૂર જઈ રહ્યા છે."

"દક્ષિણ ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ સાથે જમીનની ગુણવત્તા સુધરી છે."

"ખાંડની નિકાસ કરવાનાની છૂટ નથી મળતી અને કેટલો માલ બજારમાં વેચવો તેના પર પણ નિયંત્રણ હોય છે. આવામાં ખેડૂતોને સારા ભાવ મળતા નથી."

સરકારના ડેટા પ્રમાણે હાલમાં ખાંડના ભાવ વધ્યા હોવાથી સરકારે 10 લાખ ટન કાચી ખાંડની ડ્યૂટી-ફ્રી આયાતને મંજૂરી આપવા નિર્ણય લીધો છે.

આ ઉપરાંત રાજ્યો અને શુગર મિલોને 15 ઑક્ટોબર, 2026થી શેરડીનું પિલાણ શરૂ કરવા સલાહ આપવામાં આવી છે.

તેનાથી ઑક્ટોબર મહિનામાં ખાંડનું ઉત્પાદન સામાન્ય રીતે ત્રણથી ચાર લાખ મેટ્રિક ટન હોય છે જે વધીને 10 લાખ ટન થવાનો અંદાજ છે.

ગુજરાત સરકારે ખાંડની મિલો માટે 1500 કરોડનું પૅકેજ જાહેર કર્યું

જ્યારે હાલમાં જ ગુજરાત સરકારે વર્ષ 2007-2008થી લઈને 2016 સુધી શુગર મિલોએ ખેડૂતોને જે ભાવ ચૂકવ્યા હતા તેને મંજૂરી આપી દીધી છે.

આ નિર્ણય વિશે માહિતી આપતા ગુજરાતના કૃષિ અને સહકારિતા મંત્રી જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે સહકારી શુગર મિલો દ્વારા વર્ષ 2007-08થી લઈને 2014-15 દરમિયાન ખેડૂતોને જે વળતર આપવામાં આવ્યું છે તેની મંજૂરી મળી જતાં શુગર મિલોને 'પંદરસો કરોડ રૂપિયાનો લાભ' થયો છે.

તેમણે જણાવ્યું કે ગુજરાતની શુગર મિલો મોલાસિસ, ઇથેનોલ અને વીજ ઉત્પાદન જેવાં કાર્યો કરે છે, જેનાથી વધારાની આવક મેળવવામાં મદદ મળી છે. આ વધારાની આવકના કારણે રાજ્ય સરકાર ખેડૂતોને વધુ વળતર આપી શકી છે.

જિતુ વાઘાણીએ જણાવ્યું કે આ નિર્ણયથી સહકારી ખાંડ મિલોની નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, કાયદાકીય અને કર સંબંધિત અનિશ્ચિતતાઓમાં ઘટાડો થશે અને ખેડૂતોને સમયસર ચુકવણી કરવામાં મદદ મળશે.

સરકારનું માનવું છે કે આ પગલાંથી ગુજરાતની સહકારી અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનશે, ખાંડ સહકારી સંસ્થાઓના ટકાઉપણામાં વધારો થશે અને સમગ્ર રાજ્યના શેરડી ઉત્પાદક ખેડૂતોને વધુ આવકની સુરક્ષા મળશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન