કચ્છના બન્નીમાંથી માલધારીઓની હિજરત : ભારતના સૌથી મોટા ઘાસિયા મેદાનમાં હવે ઘાસ ઓછું કેમ થાય છે?

ઇમેજ સ્રોત, Akbar Jat
કચ્છમાં આ વર્ષે દુષ્કાળ પડતા જિલ્લાના લખપત અને અબડાસા તાલુકાના માલધારીઓ ઑગસ્ટ-સપ્ટેમ્બર મહિના દરમિયાન ભરચોમાસે તેમની ગાયો-ભેંસો સાથે હિજરત કરીને પાડોશી ભુજ તાલુકામાં આવેલા બન્ની ઘાસિયા મેદાનમાં જતા રહ્યા હતા. ત્યાર બાદ સપ્ટેમ્બર મહિનાના ત્રીજા અઠવાડિયામાં થોડો વરસાદ થતા ત્યાંથી હિજરત અટકી હતી.
જોકે એકંદર વરસાદ ઘણો ઓછો રહેતા બન્નીમાં ગયેલા માલધારીઓને હવે બન્ની પણ છોડવું પડ્યું છે. તેમણે ત્યાંથી હિજરત કરીને મધ્ય-ગુજરાતની વાટ પકડી છે.
દુષ્કાળના કારણે 2618 વર્ગ કિલોમીટર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલા ભારતના આ સૌથી મોટા ઘાસિયા મેદાનમાં જ ઘાસ-ચારાની તંગી કેટલી તીવ્ર છે તેનો સંકેત આપતી બાબત એ છે કે બન્નીમાં જ કાયમી ધોરણે વસવાટ કરતા માલધારીઓને પણ બન્ની છોડીને તેમના માલઢોર સાથે ગુજરાતના અન્ય જિલ્લામાં જવાની ફરજ પડી છે.
બન્નીમાં આવેલાં આશરે 50 ગામોમાંથી સેંકડો માલધારી પરિવારો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર તેમજ મધ્ય-ગુજરાતના અમદાવાદ જિલ્લા તરફ હિજરત કરી ગયા છે તેમ સ્થાનિક આગેવાનો જણાવે છે.
ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે 26 ઑક્ટોબરના રોજ કચ્છ તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતના જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં વિધિવત્ રીતે દુષ્કાળ જાહેર કર્યો હતો અને પશુપાલકોને દૈનિક ધોરણે પશુ દીઠ 80 રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી હતી.
જોકે માલધારીઓનો દાવો છે કે આ જાહેરાતના એક મહિના બાદ પણ તેમને આ સહાય મળવાનું ચાલુ થયું નથી. તેઓ ઉમેરે છે કે એક સમયે એશિયાના સૌથી સારા ગ્રાસલેન્ડ (ઘાસિયા મેદાન) ગણાતા બન્નીમાં હવે ઘાસ કે પાણી બચ્યાં નથી તેથી તેમના પશુધનને બચાવવા માટે હિજરત કરવા સિવાય તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ રહ્યો નથી.
માણસ ન દેખાય તેટલું ઊંચું ઘાસ થતું તે બન્નીમાંથી માલધારીઓને હિજરત કેમ કરવી પડી?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
સહજીવન સંસ્થાના નેજા હેઠળ કામ કરતી બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન નામની સંસ્થાના પ્રમુખ અને બન્નીના ગોરેવાલી ગાગના વતની ઈસા મુતવા કહે છે કે છેલ્લાં પચાસેક વર્ષમાં બન્નીનો ચહેરો સાવ બદલાઈ ગયો છે.
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વાત કરતા 55 વર્ષની ઉંમરના આ માલધારી આગેવાને કહ્યું, "બન્ની જ્યારે ખરા અર્થમાં એક ગ્રાસલૅન્ડ હતી ત્યારે અહીં પાંચ-સાત ફૂટ ઊંચું ઘાસ થતું અને વીરડામાં સરેરાશ પંદર દિવસ પાણી રહેતા. મેં આ વાત વડીલો પાસેથી સાંભળી છે અને મારી પોતાના બાળપણની ઝાંખી સ્મૃતિ છે. ત્યારે સતત બે વર્ષ દુષ્કાળ પડે તો પણ પશુઓ માટે ઘાસ રહેતું હતું, પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે. હવે ઘાસ એકથી બે ફૂટ જેટલું જ ઊંચું થાય છે અને ઝડપથી ખૂટી રહે છે. 2018માં દુષ્કાળ પડતા બન્નીના માલધારીઓને ઘાસ-પાણીના અભાવે હિજરત કરવી પડી હતી. આ વર્ષે પણ તેવી જ દશા થઈ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેઓ કહે છે કે હોડકો, મિસરિયાડો, ભોજારડો, ઉડઈ, સરાડા વગેરે ગામોમાંથી સેંકડો માલધારીઓ તેમની ગાયો-ભેંસો સાથે હિજરત કરી ગયા છે.
ઈસા મુતવા કહે છે કે બન્નીમાં આશરે 95,000 ભેંસો અને આશરે 35000 ગાયો સહિત અંદાજે 1.5 લાખ પાલતુ પશુઓ છે.
"આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં થોડોક વરસાદ થયો એટલે ઘાસ ઊગી નીકળ્યું, પરંતુ ત્યાર બાદ દોઢ-બે મહિના સુધી વરસાદ ન આવતા તે ઘાસ સુકાઈ ગયું. તે સૂકા ઘાસ ઉપર સપ્ટેમ્બરમાં વરસાદ વરસતાં તે સડી ગયું. તેથી, આ વર્ષે ઘાસ વહેલું જ પૂરું થઈ ગયું છે."
બન્નીમાં આવેલા સરાડ ગામના આગેવાન અને સરાડા જૂથ ગ્રામપંચાયતના માજી સરપંચ ફકીરમામદ જત કહે છે કે સરાડા જૂથ પંચાયતના નાના સરાડા, મોટા સરાડા, રભુવાંઢ અને સાવલપર વાંઢમાં રહેતા આશરે 700 પરિવારોમાંથી લગભગ 400 પરિવારો હિજરત કરી ગયા છે.
તેઓ કહે છે, "ગામની આજુબાજુ ઘાસ તો નામનુંય નથી. તેથી માલઢોર ઝેરી બાવળ (ગાંડો બાવળ)નાં પાંદ અને ફળી (શીંગો) ખાઈને દિવસો કાઢતા. પરંતુ દુષ્કાળના વરસમાં એ પણ કેટલા ટકે? છેવટે પશુ લઈને માલધારીઓએ ગામ છોડવા પડ્યા. આઠ-દસ ભેંસો હોય તેવા નાના માલધારીને દૂધની ઝાઝી આવક હોય નહીં અને ભેંસોને સુરેન્દ્રનગર કે અમદાવાદ પહોંચાડવા માટે ટ્રકનું રૂપિયા 25,000 ભાડું પરવડે નહીં. તેથી, તેઓ હજુ પણ બન્નીમાં બેઠા રહ્યા છે એ આશાએ કે સરકાર ઢોરવાડા શરૂ કરશે."
બન્નીમાં હવે ઘાસ ઓછું કેમ થાય છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ઈસા મુતવા કહે છે કે ગાંડા બાવળનું આક્રમણ તેના માટે જવાબદાર સૌથી મોટું કારણ છે. તેઓ કહે છે, "બન્ની ગ્રાસલૅન્ડ કચ્છના મોટા રણને અડીને આવેલું છે. રણને આગળ વધતું અટકાવવા 1960-70ના દાયકામાં સરકારે રણના કાંઠે ગાંડા બાવળ વાવ્યા, પરંતુ આ બાવળ પછી બન્નીમાં ફેલાઈ ગયા. આજે બન્નીમાં બધે ગાંડો બાવળ જ દેખાય છે. તે ઘાસને બે ફૂટ ઊંચું તો માંડ થવા દે છે અને ઘાસને ઊગવા માટેની જમીનને દિવસે ને દિવસે ઘટાડતો જાય છે."
એક સંશોધન મુજબ 1960ના દાયકામાં ગાંડા બાવળને બન્ની નજીક વાવવામાં આવ્યો ત્યાર પછીના ચાર દાયકામાં તે બન્નીના 55 ટકા વિસ્તારમાં ફેલાઈ ગયો. સંશોધન અનુસાર 1980થી 1988ના સમયગાળામાં ગાંડો બાવળ દર વર્ષે બન્નીના 54 વર્ગ કિલોમીટરમાં ફેલાતો ગયો, જ્યારે ખુલ્લા વિસ્તારમાં ઘાસનો વિસ્તાર ઘટતો ગયો.
એ સંશોધન કરનારા બે વૈજ્ઞાનિકોમાંના એક વૈજ્ઞાનિક હતા ડૉ. વી. વિજયકુમાર. તેઓ કચ્છના જિલ્લામથક ભુજમાં આવેલા ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેઝર્ટ ઇકૉલૉજીના ડાયરેક્ટર છે. બીબીસી સાથે વાત કરતા ડૉ. વી. વિજયકુમારે જણાવ્યું કે કચ્છ જિલ્લાના પશ્વિમ વિસ્તારમાં આવેલા બન્નીમાં ગાંડા બાવળના તીવ્ર આક્રમણ માટે માનવીય હસ્તક્ષેપ અને કુદરતી પરિબળો જવાબદાર છે.
સંશોધન અનુસાર 1998માં બન્નીના 51 ટકા વિસ્તારમાં જમીન અતિશય ખારી થઈ ગઈ હતી અને તેમાં ઘાસ ઊગી શકતુ નથી.
ડૉ. વી. વિજયકુમાર કહે છે, "બન્નીની જમીન નીચે કુદરતી રીતે ખારાશ છે. એક સમયે ચોમાસામાં કચ્છની સાત નદીઓનાં પાણી બન્નીમાં ઠલવાતાં હતાં. તેના કારણે ખારાશ અંકુશમાં રહેતી અને પરિણામે ઘાસ સારું થતું, પરંતુ આ નદીઓ પર 1955થી ચાલુ કરીને 1981 દરમિયાન ડૅમો અને ચેકડૅમો બંધાતા પાણીનો તે પ્રવાહ લગભગ અટકી ગયો છે."
"1960ના દાયકામાં બન્નીમાં રોડ બંધાતા પાણીનો ફેલાવો અટકી ગયો. તેથી, બન્નીમાં જમીન નીચે રહેલ ખારાશ ઉપર આવવા લાગી. ઉપરાત રોડના બાંધકામને કારણે કચ્છના મોટા રણમાં દરિયાના ભરતીના પાણી ભરાવા લાગતા હવામાં ઊડતી ખારાશ બન્નીના ઉત્તર ભાગમાં ખારાશ વધારવા લાગી. જે ભાગમાં ખારાશનું પ્રમાણ વધ્યું ત્યાં ઘાસ ઊગવાનું ઓછું થયું. જોકે ગાંડો બાવળ આવી ખારાશને સહન કરી જાય છે એટલે તે ત્યાં ઊગવા માંડ્યો."

ઇમેજ સ્રોત, Fakirmamad Jat
તેઓ કહે છે, "ગાંડા બાવળની ફળીઓ ગાયો-ભેંસો ખાવા લાગતા તેના છાણ મારફત ગાંડો બાવળ જ્યાં સારી જમીન છે ત્યાં પણ ફેલાવા લાગ્યો. ત્યાં ભેજ, સૂર્યપ્રકાશ અને જગ્યાની હરીફાઈમાં ગાંડા બાવળ સામે ઘાસ ટકી શક્યું નહીં. પરિણામે ઘાસની જગ્યા ગાંડો બાવળ અંકે કરતો ગયો. તેથી, બન્ની એક ગ્રાસલૅન્ડમાંથી સવાના (ઘાસ અને ઝાડી-ઝાંખરાંનું પાંખું જંગલ)માં ફેરવાતું ગયું."
ડૉ. વી. વિજયકુમાર ઉમેરે છે કે કુદરતી પરિબળો પણ અહીં કામ કરી રહ્યા છે.
તેઓ કહે છે, "કચ્છમાં દર પાંચ વર્ષમાંથી માત્ર બે જ વરસમાં સામાન્ય કે સામાન્ય કરતાં વધારે વરસાદ થતો જ્યારે ત્રણ વર્ષ દરમિયાન વધતી-ઓછી તીવ્રતાવાળા દુષ્કાળ પડતા. પરંતુ આબોહવા પરિવર્તનને કારણે 2001ના ભૂકંપ બાદનાં વર્ષોમાં વરસાદ ખૂબ વધારે પડવા માંડ્યો. વધારે વરસાદને કારણે બન્નીમાં લાંબા સમય સુધી પાણી ભર્યાં રહે તો ઘાસનાં બીજ ઊગી ન શકે. પરંતુ ગાંડા બાવળને તે માફક આવે. વધારે વરસાદ કોઈ વિસ્તારને ગ્રાસલૅન્ડમાંથી વુડલૅન્ડ (મોટાં વૃક્ષોનું વન)માં ફેરવી શકે છે. બન્નીમાં પણ આવું થઈ રહ્યું છે."
માલધારીઓના જીવન પર કેવી અસર પડી છે?

ઇમેજ સ્રોત, Fakirmamad Jat
સરાડાના માલધારી ખેરમામદ જત અને તેમના પરિવારના દસેક સભ્યો આશરે 500 ભેંસો અને 80 ગાયો લઈને કચ્છ જિલ્લાના પૂર્વ ભાગમાં આવેલા કડોલ ગામે હિજરત કરી ગયા છે.
ફોન પર વાત કરતા તેઓ બીબીસીને જણાવે છે, "ભેંસોનું દૂધ 300 લિટર થતું હતું તે 120 લિટર થઈ ગયું, કારણ કે ઘાસના અભાવે દૂધ સુકાવા લાગ્યા અને મરવા લાગ્યા. તેથી, અમારે બન્ની છોડવું પડ્યું. કડોલની સીમમાં થોડું ઘાસ છે ત્યાં ભેંચોને ચરવા લઈ જઈએ છીએ અને 300 રૂપિયા પ્રતિ મણના ભાવે લીલી જુવાર વેચાતી લઈને ગાયો-ભેંસોને આપીએ છીએ. થોડો ચારો મળતા પાછું 300 લિટર દૂધ મળવા લાગ્યું છે."
તેઓ કહે છે કે તેમના વિસ્તૃત પરિવારનાં આશરે 10 બાળકો શાળાએ જતાં હતાં, પરંતુ હિજરત કરવાની ફરજ પડતા હવે તેઓ શાળાએ જઈ શકતા નથી.
નાના સરડા ગામના અબ્દુલ જત નામના અન્ય એક માલધારી કહે છે કે તેઓ હિજરત કરીને એકાદ અઠવાડિયા પહેલા સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામમાં પડાવ નાખ્યો છે.
તેઓ કહે છે, "બન્નીમાં હવે પાણી ખારું થઈ ગયું છે. તે ખારું પાણી પીવાને કારણે ભેંસો નબળી પડતી જતી હતી. પહેલા નજીકના છછલા ગામે વીરડા ખોદતાં અને તેમાંથી મીઠું પાણી મળતું. પણ હવે તેમાં પાણી ખારું થઈ ગયું છે. તેથી, માલને બચાવવા અમારે હિજરત કરવી પડી છે. મારી દીકરી અનીસાબાઈ બીજા ધોરણમાં ભણે છે પણ તે હવે આ વર્ષે શાળાએ જઈ શકશે નહીં."
બીબીસી ગુજરાતીના કચ્છસ્થિત સહયોગી આશુતોષ ગઢવી સાથેની વાતચીતમાં એડિશનલ કલેક્ટર પીએલ વિઠાણીએ કહ્યું કે, "રૂપિયા 80ની સહાય સીધી ખાતામાં આપવાની માગ નીતિવિષયક બાબત છે. ઘાસ ડેપોમાં હાલ ઘાસ ઉપલબ્ધ નથી, જે માટે સરકાર સમક્ષ માગણી કરવામાં આવી છે, પ્રોક્યોરમેન્ટ પ્રોસેસમાં છે. જ્યારે દુષ્કાળ સહાય અંગે સરકાર તરફથી હજુ ડ્રાફ્ટ મળ્યો નથી, ડ્રાફ્ટ મળ્યા બાદ ઑનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે."
બન્ની ઓલાદની ભેંસોનું મહત્ત્વ કઈ રીતે વધ્યું?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
બન્ની ઓલાદની ભેંસો ઓછો ચારો ખાઈને પણ વધારે દૂધ આપવાની તેની ક્ષમતાને કારણે વખણાય છે, પરંતુ ડૉ. વી. વિજયકુમાર કહે છે કે 1980ના દાયકાથી બન્નીના પશુધનમાં મોટા ફેરફારો થયા છે.
તેઓ હે છે, "બન્નીમાં પહેલાં દૂધ વેચીને આવક રળવાની પરંપરા ન હતી. દૂધ વાછરડા કે પાડીને પીવા માટે છે તેવું માનવામાં આવતું અને માલધારીઓ વધારાના દૂધમાંથી ઘી અને માવો બનાવીને વેચી તેમની આજીવિકા રળતા હતા. ખરેખર તો કાંકરેજ પ્રકારની ગાયોની સંખ્યા વધારે હતી, કારણ કે તેના વાછરડા મજબૂત બળદ થતા હતા અને તેને વેચીને માલધારીઓ તેમનું ગુજરાન ચલાવતા હતા."
"પરંતુ શ્વેતક્રાંતિ બાદ 1980થી દૂધ ઉત્પાદન તરફ લોકોનું ધ્યાન ગયું. ડેરીના અમૂલ મૉડલમાં જે દૂધમાં ફૅટની માત્ર વધારે હોય તે દૂધનો ભાવ માલધારીને વધારે મળે છે. તેથી, લોકો ગાયોને બદલે ભેંસો પાળવા માંડ્યા, કારણ કે તેના દૂધમાં ફૅટની માત્રા વધારે હોય છે. બીજું કારણ એ કે ટ્રૅક્ટર અને અન્ય વાહનો આવી જતા બળદની જરૂરિયાત ઘટી હતી. ગાયો કરતાં ભેંસોને વધારે ચારો જોઈએ. બન્નીમાં જલદી ઘાસ ખૂટી જવાનું આ પણ એક કારણ છે."
ઈસા મુતવા કહે છે કે ગાંડા બાવળનો વ્યાપ વધતા બન્નીના આશરે 10થી 15 ટકા માલધારી ગાંડા બાવળના લાકડામાંથી કોલસો બનાવી વૈકલ્પિક આજીવિકા પણ રળતા થયા છે.
બીબીસી માટે ક્લેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























