રાજકોટમાં એકના એક પુત્રની હત્યાના આરોપમાં વૃદ્ધ પિતાની ધરપકડ, શું છે કારણ?

રાજકોટમાં વૃદ્ધ પિતાએ તેના એકમાત્ર પુત્રની હત્યા કેમ કરી? પછી પિતાએ શું કર્યું? બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, રાજકોટમાં રામ સવસેટાની હત્યાનો આરોપ તેના પિતા પર જ લાગ્યો છે.
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

રક્ષાબંધનનો તહેવાર માંડ બે અઠવાડિયાં દૂર છે ત્યારે રાજકોટમાં ત્રણ બહેનોના એકના એક ભાઈની કથિત રીતે હત્યા કરવામાં આવી છે.

પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે આ હત્યાના આરોપમાં આ બહેનોના પિતાની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે કહ્યું કે ગુરુવારે સાંજે રામ સવસેટા નામના 33 વરસના યુવાન શહેરના આહીર ચોક નજીક આવેલા તેમના ઘરની અંદર મૃત હાલતમાં મળી આવ્યા હતા. થોડી જ વારમાં પોલીસને ખબર પડી કે રામની હત્યા કરવામાં આવી છે અને તેનો આરોપી બીજું કોઈ નહીં પરંતુ તેમના પિતા બાબુભાઈ સવસેટા જ છે.

ઘટનાની પ્રાથમિક માહિતી મળતા પોલીસે રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશને આ બાબતે ગુરુવારે રાત્રે હત્યાની એક એફઆઈઆર નોંધી પિતાની ધરપકડ કરી લીધી છે.

પિતા દ્વારા પુત્રની કથિત હત્યા મામલે પોલીસે શું કહ્યું?

રાજકોટમાં વૃદ્ધ પિતાએ તેના એકમાત્ર પુત્રની હત્યા કેમ કરી? પછી પિતાએ શું કર્યું? બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, રામ સવસેટાની હત્યાના આરોપી પિતા બાબુભાઈ સવસેટા

બાબુભાઈ સવસેટાનાં પત્ની હંસાબહેને ભક્તિનગર પોલીસ સ્ટેશને ગુરુવારે રાત્રે સાડા નવ વાગ્યે એક ફરિયાદ આપી.

62 વરસનાં હંસાબહેને તેમની ફરિયાદમાં જણાવ્યું કે તેમના પતિ એ જ તેમના એકના એક દીકરાની હત્યા કરી છે.

હંસાબહેને પોલીસને જણાવ્યું કે તેમના પતિ બાબુભાઈ તે "ચોરી ચપટી કરે છે" અને "છેલ્લાં 26 વરસથી કોઈ કામ કરતા નથી."

હંસાબહેને તેમના પતિના ચારિત્ર બાબતે પણ પોલીસ સમક્ષ આક્ષેપ કર્યા.

હંસાબહેનને ટાંકીને એફઆઈઆરમાં લખવામાં આવ્યું છે, "મારો દીકરો રામ મારા પતિને સુધરવા માટે અવાર-નવાર કહેતો હતો અને તેના કારણે મારા પતિ તથા મારા દીકરા રામ બંંનેને ઘરમાં ઝઘડા થતા હતા."

"તેમ છતાં મારા પતિ સુધારતા ન હતા અને હું મારા પિતાનું પણ માન્યો નથી તો મારા છોકરાનું શું માનું આમ કહેતા હતા અને મારા પતિ બાબુભાઈ દીકરા રામને મારવા માટે જાડા જાડા લોખંડના પાઇપ, કુહાડા તેમ જ લોખંડના હથોડા જેવા હથિયાર અમારા મકાનમાં રાખતા હતા."

"મારો દીકરો રામ અવાર-નવાર માર પતિ બાબુભાઈને સુધારવાનું કહેતો હોય જે મારા પતિને ગમતું ન હોય અને આ જ કારણથી આજરોજ બપોરના સમયે પણ ઝઘડો થયેલ હોય અને તેના કારણે મારા દીકરા રામને માથાના ભાગે લોખંડના હથોડા જેવા હથિયારથી મારી નાખ્યો હતો."

રાજકોટ, બીબીસી ગુજરાતી, પોલીસ રાજકોટમાં વૃદ્ધ પિતાએ તેના એકમાત્ર પુત્રની હત્યા કેમ કરી? પછી પિતાએ શું કર્યું? બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, રાજકોટમાં વૃદ્ધ પિતા પર તેના એકમાત્ર પુત્રની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે, પોલીસ આરોપીના ઘરની તપાસ કરી રહી છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શુક્રવારે બપોરે પત્રકારો સાથે વાત કરતા રાજકોટ સિટી પોલીસના બી ડિવિઝનના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર ભાવેશ જાદવે જણાવ્યું, "બાપ અને છોકરા વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. આરોપી પિતાને ખરાબ ટેવો હતી અને સ્ત્રીસંગત હતી અને અવારનવાર આ બન્ને વચ્ચે માથાકૂટ થતી હતી."

"આ બાબતે તેમનાં પત્ની સાથે પણ ઝઘડા થતા હતા. તેના અનુસંધાને ઝઘડા બાદ આ કૃત્ય કરવામાં આવેલું છે. હાલ, પી.આઈ. તપાસ કરી રહ્યા છે અને આરોપી કસ્ટડીમાં છે."

ભક્તિનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. એટલે કે પોલીસ ઇન્સ્પેક્ટર જે. ડી. પરમારે શુક્રવારે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે "પિતાએ તેના યુવાન દીકરા પર બેરિંગમાં હાથો ભરાવીને બનાવવામાં આવેલા હથોડી જેવા હથિયારથી હુમલો કરીને તેની હત્યા કરી નાખી."

ઇન્સ્પેક્ટર પરમારે કહ્યું, "પ્રાથમિક તપાસમાં એવી વિગત જાણવા મળી છે કે બપોરે પિતા-પુત્ર વચ્ચે બોલા-ચાલી થયા બાદ રામ તેના ઘરના એક રૂમમાં સુઈ ગયો. તે સૂતો હતો ત્યારે પિતા એક હથોડી જેવા હથિયારથી તેના પર હુમલો કર્યો અને માથામાં ઘા મારી દીધા. એ હુમલામાં થયેલ ઈજાથી યુવાનનું મોત થઇ ગયું તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે."

હત્યા બાદ કયો નાટકીય ઘટનાક્રમ સર્જાયો?

રાજકોટમાં વૃદ્ધ પિતાએ તેના એકમાત્ર પુત્રની હત્યા કેમ કરી? પછી પિતાએ શું કર્યું? બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, રાજકોટના કોઠારીયા રોડ પર આવેલ ભક્તિનગર પોલીસ સ્ટેશન

એસીપી ભાવેશ જાદવે જણાવ્યું કે દીકરાની હત્યા કાર્ય બાદ પિતા સાંજના પાંચેક વાગ્યે ભક્તિનગર પોલીસ સ્ટેશન આવ્યા.

"આરોપીએ પોલીસ સ્ટેશને આવીને જાણ કરી કે મારો છોકરો બીમાર છે અને તેને દવાખાને લઈ જવાનો છે. ત્યાર બાદ પોલીસ તાત્કાલિક (તેના ઘરે) પહોંચી જતા આ આખી હકીકતની જાણ થઈ હતી."

પોલીસ ઇન્સ્પેક્ટર જે. ડી. પરમારે બીબીસીને જણાવ્યું," અમે તેમના ઘરે તપાસ કરતા રામ મૃત અવસ્થામાં મળી આવ્યો હતો."

આ કેસની વધારે વિગત આપતાં જે. ડી. પરમારે બીબીસીને જણાવ્યું કે પ્રાથમિક રીતે એવું જણાય છે કે ગુરુવારે બપોરના સમયે બાબુભાઈએ પોતાના દીકરા રામની હત્યા કરી નાખી.

પોલીસ ઇન્સ્પેક્ટરે ઉમેર્યું કે રામ મોબાઇલની એક દુકાનમાં કામ કરતા હતા પરંતુ લગભગ છ મહિના પહેલાં તેમણે ત્યાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. ત્યારથી તે પણ કોઈ કામ-ધંધો કરતા ન હતા.

"પરિવાર પાસે કેટલાંક દુકાન-મકાન છે. તેનાં ભાડાંમાંથી પરિવારનું ગુજરાન ચાલતું હતું તેવી પ્રાથમિક માહિતી મળી છે."

ઇન્સ્પેક્ટર પરમારે બીબીસીને શુક્રવારે સવારે જણાવ્યું કે, "પિતાની માનસિક સ્થિતિ બરાબર ન હોય તેવું પ્રાથમિક રીતે જણાય છે. અમે તેની ધરપકડ કરી ડૉક્ટરો પાસે લઈ જઈને તેના આરોગ્યની તપાસ કરાવી લેવાની તૈયારી કરી રહ્યા છીએ."

પરિવારના અન્ય સભ્યોને આ ઘટનાની જાણ થતાં તેઓ આહીર ચોક નજીક ન્યૂ નહેરુનગર સોસાયટીમાં આવેલ બાબુભાઈ સવસેટાના મકાને દોડી ગયા હતા.

દીકરાની હત્યા થઈ છે તેની માતાને કઈ રીતે ખબર પડી?

રાજકોટમાં વૃદ્ધ પિતાએ તેના એકમાત્ર પુત્રની હત્યા કેમ કરી? પછી પિતાએ શું કર્યું? બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, બનાવ વિષે શુક્રવારે પત્રકારોને માહિતી આપી રહેલ એસીપી ભાવેશ જાદવ

પોલીસ અધિકારીએ જણાવ્યું કે બાબુભાઈ અને બાબુભાઈનાં પત્ની હંસાબહેન વચ્ચે પણ અવારનવાર બોલા-ચાલી થતી હતી.

ઇન્સ્પેક્ટર પરમારે બીબીસીને જણાવ્યું કે, "પતિ-પત્ની વચ્ચે અણબનાવને કારણે પત્ની શહેરના મોરબી રોડ પર આવેલા સિલ્વર પાર્કમાં રહેતી તેની નાની દીકરી સાથે કેટલાક સમયથી રહેતાં હતાં."

હંસાબહેને પોલીસને જણાવ્યું કે બાબુભાઈ સાથે લગ્ન બાદ તેમણે ત્રણ દીકરીઓ અને એક દીકરાને જન્મ આપ્યો હતો. ત્રણેય દીકરીઓ પરિણીત છે જયારે દીકરા રામનાં લગ્ન થયાં ન હતાં.

હંસાબહેને જણાવ્યું કે તેમની નાની દીકરીને અઢી મહિના પહેલાં પગે ઈજા થયા બાદ ઑપેરશન કરવું પડ્યું હતું.

એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે દીકરીની સેવા-ચાકરી માટે માતા અઢી મહિનાથી દીકરી સાથે રહેતાં હતાં.

પોલીસ ઇન્સ્પેક્ટર પરમારે કહ્યું, "ફરિયાદી તેમની દીકરીના ઘરે ગયાં ત્યારથી પિતા-પુત્ર તેમના ઘરે એકલાં જ રહેતાં હતાં."

એફઆઈઆરમાં ઉમેરવામાં આવ્યું છે કે હંસાબહેનના કૌટુંબિક ભત્રીજા રાહુલ જીલરિયાને રામની હત્યા થયાની માહિતી મળતા તેમણે હંસાબહેનની સૌથી મોટી દીકરીના પતિ રાજેશ ડાવેરાને જાણ કરી હતી.

એફઆઈઆર પ્રમાણે રાજેશ ડાવેરાએ હંસાબહેનને આ ઘટનાના સમાચાર આપ્યા હતા.

આ બાબતે બાબુભાઈ સવસેટાનો તાત્કાલિક સંપર્ક થઈ શક્યો ન હતો. જ્યારે તેમની સામેના આરોપો અંગે તેમનો પક્ષ જાણવા મળશે ત્યારે અહીં ઉમેરવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન