You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોનમ વાંગચુકનો ભૂખ હડતાળ ખતમ કરવાનો ઇનકાર, અભિજિત દીપકેએ કહ્યું કે 'પોલીસ રાતે કાર્યવાહી કરી શકે'
સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને શનિવાર સવારે જંતરમંતર પરથી હટાવીને હૉસ્પિટલ લઈ જવાયા છે.
નીટ પરીક્ષામાં કથિત અનિયમિતતાઓ વિરુદ્ધ તેમની ભૂખ હડતાળ 21મા દિવસમાં પ્રવેશ કરી ગઈ છે.
છેલ્લા 20 દિવસથી અનિશ્ચિતકાલ સુધી ભૂખ હડતાળ પર બેસેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને સફદરજંગ હૉસ્પિટલ લઈ જવાયા છે. જંતરમંતર પર ભારે સંખ્યામાં પોલીસ દળ તહેનાત છે.
સોનમ વાંગચુકનાં પત્ની ગીતાંજલિ જે અંગમોએ કહ્યું કે સહમતી વિના તેમના મોઢા અથવા નસો મારફતે કંઈ પણ ન આપવામાં આવે.
તો કૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ ભૂખ હડતાળની જાહેરાત કરી છે. તેમણે શનિવારે સાંજે ઍક્સ પર એક વીડિયો જાહેર કરીને ભય વ્યક્ત કર્યો હતો કે દિલ્હી પોલીસ રાત્રે વિરોધસ્થળ પર કાર્યવાહી કરી શકે છે.
ઍક્સ પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં અભિજિત દીપકેએ કહ્યું હતું કે "આજે સવારે તમે જોયું કે સોનમસરને તેમની ઇચ્છા વિરુદ્ધ અહીંથી કેવી રીતે લઈ ગયા, પરંતુ અમારો વિરોધ ચાલુ છે. મેં આજે સવારે સર સાથે વાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે આપણે 20 જુલાઈની કૂચને સફળ બનાવવાની છે."
કૉક્રોચ જનતા પાર્ટીએ 20 જુલાઈએ "સાંસદ ચલો" કૂચની જાહેરાત કરી છે.
સોનમ વાંગચુકનાં પત્ની ગીતાંજલિ જે. એંગ્મોએ સોનમને તાત્કાલિક હૉસ્પિટલમાંથી રજા આપવાની માગ કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગીતાંજલિએ ઍક્સ પર લખ્યું, ''હું દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં છું, જ્યાં સોનમ વાંગચુકને દાખલ કરાયા છે. કૃપા કરીને તેમના મોઢા અથવા નસો મારફતે કોઈ પણ દવા કે પ્રવાહી ત્યાર સુધી ન આપવામાં આવે, જ્યાં સુધી મારી, તેમના પરિવાર અથવા છેલ્લા 20 દિવસથી તેમના આરોગ્ય પર નજર રાખતા ડૉક્ટરો પાસેથી સહમતી ન લઈ લેવામાં આવે.''
ગીતાંજલિએ શનિવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ''અમને જણાવાયું છે કે સોનમના શરીરમાં પોટેશિયમનું સ્તર ઘટી ગયું છે અને તેમના જીવને ખતરો છે. કાલે પોટેશિયમ 4.3 હતું, જે આજે 2.9 થઈ ગયું છે. અહીંના ડૉક્ટર્સ કહે છે કે આનાથી તેમને જીવનું જોખમ હોઈ શકે છે.''
તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, "સોનમ વાંગચુકને જંતર-મંતરથી અહીં (સફદરજંગ હૉસ્પિટલ) લઈ જવાયા છે. આ વિશે તેમને અથવા મને જાણ નહોતી કરાઈ. કાલે સાંજે જ સફદરજંગ હૉસ્પિટલના ડૉક્ટર્સએ તેમની તપાસ કરી હતી અને તેમના સ્વાસ્થ્ય સંકેત સામાન્ય હતા."
ગીતાંજલિએ કહ્યું કે, "જો સોનમ માર્ચમાં સામેલ નહીં થાય તો માર્ચનું નેતૃત્વ હું કરીશ. આ માર્ચ સોમવારે પહેલાંથી નક્કી યોજના મુજબ થશે. માત્ર એટલા માટે જ સોનમને જબરદસ્તી અહીં લવાયા છે, તેઓ અર્થ એ નથી કે માર્ચને રોકી શકાશે."
સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય પર સફદરજંગ હૉસ્પિટલે શું કહ્યું
હૉસ્પિટલ પ્રશાસન અનુસાર, લાંબા સમય સુધી ઉપવાસના કારણે તેમને થોડી નબળાઈ અને શરીરમાં પાણીની ઊણપ (ડિહાઇડ્રેશન)ની ફરિયાદ છે. હાલ તેઓ સ્થિર પરિસ્થિતિમાં છે. અને બાકી બધા સ્વાસ્થ્ય માનક સામાન્ય છે.
ડૉ ચારુ બંબાએ સમાચાર સંસ્થા એએનઆઈને કહ્યું કે, "સોનમ વાંગચુક આજે સવારે લગભગ 7.40 વાગ્યે હૉસ્પિટલ પહોંચ્યા. લાંબા સમયથી ઉપવાસ કરવાને કારણે તેમને થોડી નબળાઈ છે અને શરીરમાં પાણીની ઊણપ છે."
ડૉ ચારુ અનુસાર, "વાંગચુકના બધા વાઇટલ પેરામીટર સામાન્ય છે. તેઓ સતત દેખરેખમાં છે અને તેમની સારવાર ચાલી રહી છે. તેઓ પૂર્ણ રીતે સભાન છે અને તેમની પરિસ્થિતિ સ્થિર છે."
"હૉસ્પિટલ પહોંચવા પર સૌથી પહેલાં ઇમર્જન્સી મેડિસિન વિભાગે તેમની સારવાર કરી. ત્યાર બાદ તેમને મેડિસિન વિભાગમાં દાખલ કરાયા છે."
હૉસ્પિટલ તંત્રે જણાવ્યું કે, "વાંગચુકના શરીરમાં પાણીની કમીના કારણે તેમને ઇલેક્ટ્રોલાઇટ સ્તર પર અસરના સંકેત મળ્યા છે. તેના કારણે તેમને થોડા સમય માટે હૉસ્પિટલમાં દેખરેખમાં રાખવામાં આવ્યા છે. પહેલાં આને ઠીક કરવામાં આવશે અને પછી તેમની હાલતની ફરી તપાસ કરાશે."
અભિજિત દીપકેએ કહ્યું, 'ભૂખ હડતાળ પર બેસીશ'
આ દરમિયાન કૉક્રોચ જનતા પાર્ટીએ ઍક્સ ઍકાઉન્ટ પરથી જાહેરાત કરી કે અભિજિત દીપકે આમરણ ભૂખ હડતાળ પર બેસશે.
સીજેપીએ કહ્યું કે, ''20 જુલાઈના પ્રસ્તાવિત'ચાલો સંસદ' માર્ચ નક્કી કાર્યક્રમ અનુસાર યોજાશે.
સમગ્ર ઘટનાક્રમ પર કૉક્રોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજિત દીપકેએ જણાવ્યું કે તેઓ થોડી વાર માટે ધરણાસ્થળ પરથી બહાર ગયા હતા.
તેમણે કહ્યું કે, ''જ્યારે હું અહીંથી સવારે સાત વાગ્યે ફ્રેશ થવા માટે નીકળ્યો ત્યારે પોલીસના લોકો આવ્યા અને સોનમ સરને ઢસળીને લઈ ગયા. ભૂખ હડતાળ પર બેસેલી 60 વર્ષની વ્યક્તિને પોલીસ જબરદસ્તી લઈ ગઈ. જ્યારે હું પોતાના મિત્રના ઘરેથી જંતર-મંતર તરફ આવી રહ્યો હતો ત્યારે મને સમાચાર મળ્યા કે સોનમ સરને પોલીસ લઈ ગઈ છે.'
તેમણે કહ્યું કે, ''પોલીસે મારી સાથે મારપીટ કરી. હું વિદેશથી પોતાના દેશ પાછો આવ્યો તો હું અપરાધી છું?''
ડીસીપી નવી દિલ્હીએ આ મામલે માહિતી આપતા ઍક્સ પર લખ્યું કે, ''દિલ્હી હાઇકોર્ટના આદેશ અને નિષ્ણાત ડૉક્ટરોની સલાહ અનુસાર સોનમ વાંગચુકની બગડતા આરોગ્યને જોતાં તેમને જરૂરી મેડિકલ સાર-સંભાળ માટે હૉસ્પિટલ લઈ જવાયા છે.''
શનિવાર સવારે શું-શું થયું
શનિવાર સવારે દિલ્હીમાં જંતરમંતર ખાતે ચાલી રહેલા પ્રદર્શન મામલે મોટો વળાંક આવ્યો હતો. 20 દિવસથી અહીં ભૂખ હડતાલ પર બેસેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને પોલીસ હૉસ્પિટલે લઈ ગઈ છે. ત્યાર પછી તરત જંતરમંતર પરથી પ્રદર્શનકારીઓને હટાવવાનું શરૂ થઈ ગયું હતું.
એએનઆઈના અહેવાલ પ્રમાણે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ અહીંથી લોકોને હટાવી રહ્યા હતા. મહિલાઓને હટાવવા માટે મોટી સંખ્યામાં મહિલા પોલીસ કર્મચારીઓ આવ્યા હતા.
પીટીઆઈ મુજબ સોનમ વાંગચુકને સફદરજંગ હૉસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક અભિજિત દીપકેને પણ અટકાયતમાં લેવામાં આવ્યા છે.
દીપકેએ ઍક્સ પર લખ્યું હતું કે "દિલ્હી પોલીસે મારી સાથે મારપીટ કરી છે અને મને અટકાયતમાં લીધો છે."
દિલ્હી પોલીસે શું કહ્યું?
દરમિયાન દિલ્હી પોલીસે ઍક્સ પર પોસ્ટ કરી છે કે, "હાઈકોર્ટના આદેશ અને સોમન વાંગચુકની કથળતી હાલત વિશે તબીબી નિષ્ણાતોની સલાહના પગલે તેમને જરૂરી તબીબી સારસંભાળ માટે હૉસ્પિટલે ખસેડવામાં આવ્યા છે."
પોસ્ટમાં જણાવાયું છે કે "પ્રદર્શનકારીઓએ અવરોધ સર્જવા પ્રયાસ કર્યો હતો, જેથી થોડો સમય હંગામો થયો હતો. જોકે, પોલીસે મહત્તમ સુરક્ષા સાથે કાર્યવાહી પૂરી કરી હતી."
કૉકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરભ દાસે 'X' પર લખ્યું છે કે, "દિલ્હી પોલીસે અભિજિત દીપકેને તેમના રોકાણના સ્થળેથી અટકાયતમાં લીધા છે."
"લોકો મને જણાવી રહ્યા છે કે સોનમ વાંગચુકને વિરોધ પ્રદર્શનના સ્થળેથી ઉઠાવી લેવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે."
દિલ્હી હાઈકોર્ટે સરકારને સોનમ વાંગચુકની તબિયત પર નજર રાખવાના નિર્દેશ આપ્યા હતા.
કોઈ અદાલતે આ પ્રદર્શનમાં દખલ કરી હોય એવું આ પહેલી વખત હતું.
અદાલતના નિર્દેશનો અર્થ એવો હતો કે જો તેમની હાલત કથળે, તો તેમનો હૉસ્પિટલે લઈ જઈ શકાય.
દિલ્હી હાઈકોર્ટની બે જજની બેન્ચે સમક્ષ એક અરજી આવી હતી જેમાં વાંગચુકની હાલત ગંભીર થાય તે અગાઉ તેમને બળજબરીથી ભોજન આપવાની માંગણ કરવામાં આવી હતી. તેના પર સુનાવણી કરતી વખતે કોર્ટે અધિકારીઓને કહ્યું હતું કે ડૉક્ટરોની સલાહના આધારે જરૂરી પગલાં લેવામાં આવે.
સીજેપીએ 20 જુલાઈએ ભૂખ હડતાલના સ્થળેથી સંસદ ભવન સુધી કૂચ કરવાની જાહેરાત કરી હતી, તે અગાઉ જ કોર્ટનો આદેશ આવ્યો હતો. આ કૂચનો લક્ષ્ય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અને પરીક્ષા પ્રણાલીમાં સુધારાની માંગને ઉગ્ર બનાવાનો હતો.
અનિશ્ચિત મુદ્દતની ભૂખ હડતાલ શરૂ કર્યા પછી સોનમ વાંગચુકના વજનમાં 9 કિલોથી વધુ ઘટાડો થયો હતો. ડૉક્ટરોએ ચેતવણી આપી હતી કે તેઓ એવી ચિંતાજનક સ્થિતિમાં પહોંચી શકે છે, જેમાં તેમના અવયવોને નુકસાન થવાનો ખતરો છે.
ભૂખ હડતાલના 19મા દિવસે ડૉક્ટર સતીષ લાંબાએ વાંગચુકની હાલત વિશે માહિતી આપતા કહ્યું હતું કે તેઓ માનસિક રીતે સંપૂર્ણ સતર્ક છે અને તેમની મેડિકલ સ્થિતિ હાલમાં સ્થિર છે. જોકે, તેમણે કહ્યું કે ડૉક્ટરો તેમની હાલત પર સતત નજર રાખી રહ્યા છે જેથી સ્થિતિ કથળે તો તરત પગલાં લઈ શકાય.
સોનમ વાંગચુકને હટાવવા વિશે લોકો શું કહે છે?
આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે દિલ્હી પોલીસના આ પગલાંની ટીકા કરી છે. સંજય સિંહે ઍક્સ પર લખ્યું કે આ કેવી ગુંડાગીરી ચાલે છે? મોદીજી, સત્તાનો આ અહંકાર લાંબો સમય નથી ચાલતો. જે યુવાનો પર લાઠીઓ ચલાવો છો, તે જ તમારો તખ્ત ઉખાડશે. સોનમ વાંગચુક છેલ્લા 21 દિવસથી આમરણ ઉપવાસ પર છે, તેમની માંગણીઓ સાંભળવાના બદલે બળજબરીથી પકડીને હૉસ્પિટલમાં ભરતી કરી દેવાયા.
સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવે પણ સોનમ વાંગચુકને બળજબરીથી હૉસ્પિટલે લઈ જવાનો વિરોધ કર્યો છે.
ડિમ્પલ યાદવે કહ્યું કે સોનમ વાંગચુકને બળજબરીથી હટાવવા એ માત્ર એક કાર્યવાહી નથી, પરંતુ લોકશાહી અને સંવિધાનને કચડવાનું કામ છે. ભાજપ સરકાર હવે શાંતિપૂર્વક વિરોધ પણ સહન કરી શકતી નથી. આ તાનાશાહી છે.
જંતરમંતર પર હાજર એક વ્યક્તિએ સમાચાર સંસ્થા એએનઆઈને કહ્યું કે, સવારના પહોરમાં આ લોકોએ ડૉક્ટરની ટીમ બોલીને 10 પોલીસવાળાને અંદર મોકલ્યા. અમે સમજી ગયા હતા કે તેઓ કદાચ પોલીસવાળા છે, કારણ કે તેઓ ડૉક્ટર જેવા દેખાતા ન હતા.
તેમણે બધા વૉલંટિયર્સને ત્યાંથી હટી જવા કહ્યું. વૉલંટિયર્સે કહ્યું કે પોણા નવ વાગ્યે સોનમજીનું ચેક અપ થાય છે, તે સમયે આવો. અચાનક તેઓ કહેવા લાગ્યા કે હાઈકોર્ટનો હુકમ છે. સોનમજીને સાથે લઈ જવાના રહેશે.
તેમણે કહ્યું, "અભિજીત દીપકે ટોયલેટ તરફ ગયા હતા અને તેમની પણ ધરપકડ કરવામાં આવી છે. તેથી તેઓ અહીં આવી શકતા નથી અને તેમનો ફોન પણ નથી લાગતો. પોલીસે પ્રદર્શનકારીઓ સાથે મારપીટ કરી હતી. પોલીસવાળા સિવિલ ડ્રેસમાં હતા અને લોકોને હટી જવા કહેતા હતા. મારપીટમાં કેટલાક લોકોને ઈજા થઈ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન