કેરળ : નવા મુખ્ય મંત્રી વી.ડી. સતીશને પહેલા જ દિવસે લીધા બે મોટા નિર્ણય - ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

વી.ડી. સતીશનના નેતૃત્વવાળી કેરળની કૉંગ્રેસ સરકારે પોતાની પહેલી જ કૅબિનેટમાં બે મોટા નિર્ણયો લીધા છે.

તેમણે આશાવર્કર્સનો પગાર વધારવાનો નિર્ણય લીધો છે. મુખ્ય મંત્રી સતીશને તેની જાણકારી આપી હતી.

તેમણે ઍક્સ પર લખ્યું કે, "UDF સરકારે પોતાનાં વચનો પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. અમારી પહેલી જ કૅબિનેટ બેઠકમાં, આશા વર્કરોના માનદ વેતનમાં ત્રણ હજાર રૂપિયાનો વધારો મંજૂર કરવામાં આવ્યો હતો અને વૃદ્ધોના કલ્યાણ માટે એક અલગ વિભાગ બનાવવામાં આવ્યો હતો."

"આંગણવાડી કાર્યકરો, રસોઈ બનાવનારા કર્મચારીઓ, પ્રી-પ્રાઇમરી શિક્ષકો અને આયા બહેનોના માનદ વેતનમાં વધારો પણ મંજૂર કરવામાં આવ્યો છે."

આ સિવાય તેમણે મહિલાઓ માટે બસમાં મફત મુસાફરીની યોજનાની પણ જાહેરાત કરી દીધી છે.

તેમણે લખ્યું હતું કે, "મહિલાઓ માટે કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપૉર્ટની બસોમાં મફત યાત્રાની સુવિધા 15 જૂનથી લાગુ થઈ જશે."

અહીં ઉલ્લેખનીય છે કે વી.ડી.સતીશને આજે જ મુખ્ય મંત્રી પદના શપથ લીધા હતા.

મહેન્દ્રસિંહ ધોની હૈદરાબાદ સામે કેમ ન રમ્યા, ઋતુરાજ ગાયકવાડે આપ્યો જવાબ – ન્યૂઝ અપડેટ

ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે)ના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડે સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ)ની સામે મહેન્દ્રસિંહ ધોનીના નહીં રમવાનું કારણ જણાવ્યું છે.

ટૉસ સમયે જ્યારે રવિ શાસ્ત્રીએ ગાયકવાડને ધોની સાથે જોડાયેલો સવાલ પૂછવામાં આવ્યો તો તેણે જવાબ આપતા કહ્યું, "સારી વાત એ છે કે તેઓ અહીં છે. પરંતુ તેઓ રમવાની સ્થિતિમાં નથી."

તેમણે વધુમાં ઉમેર્યું, "આશા છે કે અમે આ મૅચ જીતીશું અને છેલ્લી મૅચમાં શું થશે તે નથી ખબર."

ઉલ્લેખનીય છે કે સોમવારે સીએસકે પોતાના હોમગ્રાઉન્ડ ચૅપોકમાં હૈદરાબાદ સામે રમી રહી છે. સીએસકેના કૅપ્ટન ગાયકવાડે ટૉસ જીતીને પહેલા બૅટિંગ પસંદ કરી છે.

ચૅપોક સ્ટેડિયમમાં સીએસકેની આઈપીએલ- 2026 સિઝનની છેલ્લી મૅચ છે. ત્યાર પછી સીએસકેને વધુ એક મૅચ રમવાની છે અને તે અમદાવાદ ખાતે છે. ગુરુવારે, 21 મે ના રોજ ગુજરાત ટાઇટન્સ સામે સીએસકે આમને-સામને થશે.

નૉર્વેમાં પીએમ મોદીએ મધ્ય-પૂર્વ અને યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવાને લઈને આ વાત કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નૉર્વેમાં કહ્યું કે ભારત મધ્ય-પૂર્વ અને યુક્રેનમાં સંઘર્ષ સમાપ્ત કરવાના તથા શાંતિના તમામ પ્રયાસોનું સમર્થન કરે છે. તેમણે કહ્યું કે સૈન્ય સંઘર્ષથી કોઈ પણ મુદ્દાનું સમાધાન નથી થતું.

પીએમ મોદીએ આ વાત નૉર્વેના વડા પ્રધાન યોનસ ગાર સ્ટોરે સાથેની સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સમાં કહી.

તેમણે કહ્યું, "ભારત અને નૉર્વે બંને નિયમો પર આધારિત ઑર્ડર, સંવાદ અને કૂટનીતિ પર ભરોસો રાખે છે. અમે એકમત છે કે સૈન્ય સંઘર્ષથી કોઈ પણ મુદ્દાનું સમાધાન નથી થતું. યુક્રેન હોય કે પછી પશ્ચિમ એશિયા, અમે સંઘર્ષની જલદી સમાપ્તિ તથા શાંતિના તમામ પ્રયાસોનું સમર્થન કરીએ છીએ."

વડા પ્રધાન મોદીએ કહ્યું, "અમે એ વાત પર પણ એકમત છીએ કે વધતા વૈશ્વિક પડકારોના સમાધાન માટે વૈશ્વિક સંસ્થાઓનું રિફૉર્મ અનિવાર્ય છે. તથા આતંકવાદનાં તમામ સ્વરૂપને જડમૂળથી સમાપ્ત કરવા અમારી સંયુક્ત પ્રતિબદ્ધતા છે."

પીએમ મોદી સંયુક્ત આરબ અમીરાત (યુએઈ), નેધરલૅન્ડ્સ અને સ્વીડન બાદ હવે નૉર્વે પહોંચ્યા છે.

નીટ પેપરલીક : પ્રખ્યાત કોચિંગ ક્લાસના માલિકની પણ થઈ ધરપકડ, એ કોણ છે?

નીટ પેપરલીક કેસમાં સોમવારે સીબીઆઈએ લાતુરની એક પ્રખ્યાત કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર શિવરાજ મોટેગાંવકરની પુણેથી ધરપકડ કરી છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર , દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મોટેગાંવકરને નવ દિવસ માટે સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દીધા છે.

રસાયણશાસ્ત્રના પ્રોફેસર તરીકે જાણીતા મોટેગાંવકરે લાતુરમાં નીટ અને જેઈઈ પરીક્ષાની તૈયારીના ક્ષેત્રમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે.

મોટેગાંવકર લાતુર સ્થિત કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ રેણુકાઈ કૅરિયર સેન્ટર (RCC)ના સ્થાપક છે.

આ સંસ્થાની સ્થાપના વર્ષ 2003માં થઈ હતી. શરૂઆતમાં, આરસીસી મહારાષ્ટ્ર હોટલ મૅનેજમેન્ટ કૉમન ઍન્ટ્રન્સ ટૅસ્ટ (MH-CET) ની તૈયારી કરાવતું હતું.

મહારાષ્ટ્રમાં આ એક મોટું કોચિંગ સેન્ટર ગણાય છે. આ ક્લાસીસની મરાઠવાડા, પુણે, નાસિક, નાંદેડ, છત્રપતિ સંભાજીનગર તથા અન્ય શહેરોમાં પણ બ્રાન્ચ છે.

'પ્રેમથી માને તો ઠીક, નહીંતર...', રસ્તા પર નમાજ પઢવાને લઈને યોગી આદિત્યનાથે શું કહ્યું? - ન્યૂઝ અપડેટ

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં 'રસ્તા ઉપર નમાજ પઢવા'ને લઈને નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું કે જગ્યાની કમી હોય તો પણ રસ્તા પર નમાજ પઢવાને બદલે શિફ્ટમાં નમાજ પઢવામાં આવે.

યોગી આદિત્યનાથે કહ્યું, "નમાજ અદા કરવી જરૂરી છે તો તમે શિફ્ટમાં અદા કરો. અમે તેમને રોકીશું નહીં, પરંતુ રસ્તા પર નહીં. રસ્તાઓ ચાલવા માટે હોય છે... સરકારનો નિયમ તમામ લોકો પર સરખી રીતે લાગુ થાય છે. અમે તમામને કહ્યું છે કે રસ્તા પર અરાજકતા ફેલાવવા નહીં દઈએ."

તેમણે કહ્યું કે "પ્રેમથી માનશે તો ઠીક વાત છે, નહીં તો બીજી રીત અપનાવીશું."

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના નિવેદન પર સપા નેતા અબૂ આઝમીએ કહ્યું, 'તે એક સમુદાયની સાથે જે જુલ્મ કરી રહ્યા છે, ક્યારેક ન ક્યારેક તેનું ફળ મળશે.'

ગુજરાત : વ્હેલની 'શંકાસ્પદ ઊલટી' પકડાઈ, કેટલા લાખની છે કિંમત?

ગોધરા પોલીસે વ્હેલની 'શંકાસ્પદ ઊલટી' - ઍમ્બરગ્રીસ સાથે બે લોકોની ધરપકડ કરી છે.

પંચમહાલ પોલીસના જણાવ્યા અનુસાર, આ ઍમ્બરગ્રીસનું કુલ વજન 860 ગ્રામ જેટલું થાય છે અને તેની કિંમત 86 લાખ રૂપિયા થાય છે.

ગોધરા ખાતેના બીબીસી સહયોગી દક્ષેશ શાહ જણાવે છે કે, "ગોધરા પોલીસ દ્વારા અમદાવાદ-ગોધરા હાઇવે પાસેથી ગાડીમાં ઘન સ્વરૂપમાં 'ઊલટી' લઈને જતાં બે લોકોને આજે ઝડપી લેવામાં આવ્યા હતા."

ગુજરાતમાંથી પહેલાં પણ અનેક વાર ઍમ્બરગ્રીસ સાથે લોકોની ધરપકડ કરી છે.

ઍમ્બરગ્રીસ કાળા, સફેદ અથવા ગ્રૅ કલરનું અને તૈલી હોય છે. તે અંડાકાર કે ગોળાકાર હોય છે. દરિયાઈ પાણીમાં સફર ખેડીને તે આવો આકાર ધારણ કરે છે. સળગાવવામાં આવે તો તે સળગી ઉઠે છે. તેના ઉપયોગ માટે આલ્કોહૉલ કે ઇથરની જરૂર પડે છે.

જાણકારોના કહેવા પ્રમાણે, પહેલાં તેની સુગંધ સારી નથી લાગતી, પરંતુ જેમ-જેમ સમય જતો જાય છે અને જેમ-જેમ હવા સાથે ભળે છે, તેમ-તેમ તે મીઠી સુગંધ ધારણ કરે છે. આ સિવાય અત્તરની સુગંધ ઝડપથી ઉડી ન જાય, તે માટે તેમાં સ્ટૅબિલાઇઝર તરીકે અંબરગ્રીસનો ઉપયોગ કરવામાં આવે છે.

તે જ્વલ્લે જ જોવા મળતું હોય તેનો ભાવ ખૂબ જ વધારે હોય છે. તેનો ભાવ સોના કરતાં પણ વધારે હોવાથી તેને 'દરિયાઈ સોના' કે 'તરતાં સોના' તરીકે પણ ઓળખવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત એક કિલોગ્રામની રૂપિયા સવા કરોડ સુધી હોય શકે છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે આ શંકાસ્પદ ઊલટી જેવા પદાર્થને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે.

બિહાર : સાસારામ-પટણા પેસેન્જર ટ્રેનના એક ડબ્બામાં આગ લાગી - ન્યૂઝ અપડેટ

સોમવારે સવારે બિહારના સાસારામ રેલવે સ્ટેશન પર પટણા જતી ટ્રેનના એક કોચમાં અચાનક આગ લાગી ગઈ. આ ઘટનામાં મુસાફરોની જાનહાનિના કોઈ અહેવાલ નથી.

મુખ્ય જનસંપર્ક અધિકારી સરસ્વતીચંદ્રના જણાવ્યા અનુસાર, ઘટના સમયે ટ્રેન ખાલી હતી.

ટ્રેન પ્લૅટફૉર્મ નંબર 6 પર ઊભી હતી. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, કોચ બી-3ના ટૉયલેટ બાજુથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો.

થોડી જ વારમાં ધુમાડો આગમાં ફેરવાઈ ગયો અને ગાડીની અંદર ફેલાઈ ગયો. ઘટનાની માહિતી મળતા જ રેલવે વહીવટી તંત્ર અને સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયાં.

રેલવે કર્મચારીઓ અને સુરક્ષા દળોએ ઝડપથી આગ પર કાબૂ મેળવ્યો. આગ લાગવાનું ચોક્કસ કારણ હાલમાં જાણી શકાયું નથી.

પ્રાથમિક તપાસમાં શૉર્ટસર્કિટ કે ટેકનિકલ ખામી હોવાનું જણાય છે. રેલવે વહીવટી તંત્રે આ મામલે તપાસ શરૂ કરી છે.

યુએઇના પરમાણુ પાવર પ્લાન્ટ પર હુમલો, ભારતે વ્યક્ત કરી ચિંતા

અબુ ધાબીસ્થિત સરકારી મીડિયા ઑફિસના જણાવ્યા અનુસાર, રવિવારે રાત્રે યુએઇના અબુ ધાબીમાં આવેલા બરાકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર ડ્રોન હુમલો થયો હતો.

જોકે, યુએઇ એ હજુ સુધી ખુલાસો કર્યો નથી કે આ હુમલો કઈ બાજુથી કરવામાં આવ્યો હતો.

હુમલા બાદ પાવર પ્લાન્ટમાં આગ લાગી હતી, જેને કાબૂમાં લેવામાં આવી છે.

સરકારી મીડિયા ઑફિસ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે "અલ દફરા ક્ષેત્રમાં બરાકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટની બહાર પાવર જનરેટરમાં આગ લાગવાની ઘટનામાં અબુ ધાબીના અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી."

"આ આગ ડ્રોન હુમલાને કારણે લાગી હતી. કોઈ ઈજાના અહેવાલ નથી અને રેડિયોલૉજિકલ સલામતીને કોઈ અસર થઈ નથી. તમામ સાવચેતીનાં પગલાં લેવામાં આવ્યાં છે."

ભારતે સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)માં બરાકાહ પરમાણુ કેન્દ્રને નિશાન બનાવતા હુમલાની નિંદા કરી છે.

એક નિવેદનમાં, ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું , "આવા કાર્ય અસ્વીકાર્ય છે અને તણાવ વધારવાનું કામ કરે છે. અમે તાત્કાલિક સંયમ રાખવા અને વાતચીત અને રાજદ્વારી તરફ પાછા ફરવાની હાકલ કરીએ છીએ."

અમેરિકા-ઈરાન યુદ્ધમાં ગુજરાતનું વહાણ ડૂબતાં, બચી ગયેલા 15 ક્રૂ મેમ્બર ગુજરાત આવશે

અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ગુજરાતના એક વહાણ પર હોર્મુઝની સામુદ્રધુનીમાં કથિત રીતે હુમલો થતા એક નાવિકનું મોત થયું અને ચાર વ્યક્તિ ઘાયલ થયા હતા.

ઇન્ડિયન સેઇલિંગ વેસસેલ્સ ઍસોસિયેશનના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ બીબીસી ન્યૂઝ ગુજરાતીને જણાવ્યું હતું કે સલાયાનું અલ ફૈઝ નૂર-એ-સુલેમાની-1 નામનું વહાણ 7 મેના રોજ બપોરે દુબઈ બંદરેથી ખાડી દેશ યમનના અલ મક્કલા બંદરે જવા રવાના થયું હતું.

વહાણના માલિકના કહેવા અનુસાર, વહાણ ઈરાનના અખાતમાં આવેલા દુબઈ બંદરેથી માલ-સામાન ભરીને યમન દેશના અલ મકલ્લા બંદરે જવા નીકળ્યું હતું, પરંતુ વહાણ યુદ્ધ પછી વહાણવટા માટે ખૂબ જ જોખમી બની ગયેલ હોર્મુઝની સામુદ્રધુનીમાં પહોંચ્યું ત્યારે તેના પર હુમલો થતા તે ડૂબી ગયું હતું.

વહાણ તૂટી પડતાં તેના પર સવાર 18 નાવિકો દરિયામાં કૂદી પડ્યા હતા. જોકે તેમાંથી પાંચને હુમલા દરમિયાન પહેલાથી જ ગંભીર ઈજાઓ થઈ હતી અને મદદ મળવામાં લાંબો સમય લાગી જતા તેમાંથી અલ્તાફ કેર નામના એક નાવિકનું મૃત્યુ થઈ ગયું છે, તેમ વહાણના માલિક જણાવે છે.

અલ ફૈઝ નૂર-એ-સુલેમાની-1ના માલિક સુલેમાનભાઈ ભાયા અનુસાર, આ જહાજમાંથી બચી ગયેલા 15 ક્રૂ મેમ્બરો આજે ગુજરાતમાં તેમના વતન પાછા આવી રહ્યા છે.

અલ ફૈઝ નૂર-એ-સુલેમાની-1ના માલિક સુલેમાનભાઈ ભાયાએ બીબીસીને જણાવ્યું હતું કે, "હજુ પણ કૅપ્ટન અમીન સલેમંદ સુમ્બાનિયા અને સ્ટારિંગમેન જુમ્મા જાકુ અબ્દુલ્લા સુમ્બાનિયા હૉસ્પિટલમાં છે અને અલ્તાફ તલાબ કેરનો ફૉરેન્સિક રિપોર્ટ હજુ આવ્યો ન હોવાથી, અંતિમ સંસ્કારની વિધિ માટે રાહ જોવાઈ રહી છે."

"રેસ્ક્યૂ થયેલા 15 સભ્યોની ક્રૂ ટીમ સવારે 9:45 વાગ્યે અમદાવાદ ઍરપૉર્ટ પર ઊતરશે."

પીએમ મોદીને સ્વીડનનું સર્વોચ્ચ સન્માન મળ્યું

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સ્વીડનમાં 'રૉયલ ઑર્ડર ઑફ ધ પોલર સ્ટાર કમાન્ડર ગ્રાન્ડ ક્રોસ' સન્માન મળ્યું છે.

આ સ્વીડનનું સર્વોચ્ચ સન્માન છે, જે કોઈ પણ દેશના વડા પ્રધાન કે રાષ્ટ્રપતિને આપવામાં આવે છે.

પીએમ મોદીને રવિવારે સ્વીડનના ગોથેનબર્ગ શહેરમાં આ સન્માન આપવામાં આવ્યું હતું. આ તેનું 31મું આંતરરાષ્ટ્રીય સન્માન છે.

પીએમ મોદીના સન્માન સમારોહ દરમિયાન સ્વીડનના વડા પ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસન સહિત ઘણા નેતાઓ હાજર રહ્યા હતા.

રૉયલ ઑર્ડર ઑફ ધ પોલર સ્ટારની સ્થાપના 1748માં થઈ હતી. તેનો હેતુ સ્વીડન માટે કે સ્વીડિશ હિતમાં કરવામાં આવેલા કાર્યોને માન્યતા આપવાનો છે.

આ સન્માન ખાસ કરીને એવા લોકોને આપવામાં આવે છે જેઓ જાહેર પ્રવૃત્તિઓમાં યોગદાન આપે છે અને સફળતાપૂર્વક પોતાની જવાબદારીઓ નિભાવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન