You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'હું સેક્સવર્કર છું તો તેનો અર્થ એ તો નથી કે તેઓ મારા પર બળાત્કાર કરે'
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
(ચેતવણી: આ અહેવાલની કેટલીક વિગતો તમને વિચલિત કરી શકે છે)
"હું સેક્સવર્કર છું. તેનો મતલબ શું એવો છે કે તેઓ મારો બળાત્કાર કરશે?"
દિલ્હીમાં એક મહિલાએ સ્લીપર બસમાં કેટલાક પુરુષો પર ગૅંગરેપ કરવાનો આરોપ લગાવ્યો છે. આ ઘટનાનું વર્ણન કરતી વખતે તેઓ પહેલા આવો જ પ્રશ્ન પૂછે છે.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, "11-12 મેની રાત્રે 12:15 થી અઢી વાગ્યાની વચ્ચે બનેલી આ ઘટનાના સંદર્ભમાં ગૅંગરેપનો કેસ નોંધવામાં આવ્યો છે અને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ધરપકડ કરાયેલા આરોપીઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. તેઓ દિલ્હી અને બિહાર વચ્ચે દોડતી સ્લીપર બસના ડ્રાઇવર અને ક્લીનર છે.
જે રીતે આ ઘટનાનું મીડિયા કવરેજ થયું તેનાથી પરેશાન આ મહિલાએ પોતાનું ઘર બદલવું પડ્યું છે.
'મારી પાસે સેક્સના બદલામાં પૈસા માગવામાં આવ્યા હતા'
રડતાં રડતાં મહિલા બીબીસીને કહે છે, "મીડિયાના કૅમેરા મારા ઘરે પહોંચી ગયા. આખી ઝૂંપડપટ્ટીને ખબર પડી ગઈ કે મારી સાથે શું થયું છે. હું મારા પરિવાર સાથે રહું છું. મેં થોડા દિવસ પહેલાં જ મજબૂરીમાં સેક્સવર્ક શરૂ કર્યું હતું. ઘરના લોકોને પણ ખબર નહોતી. હવે લોકો મારી સાથે શું થયું તે વિશે વાત કરી રહ્યા નથી. તેઓ મારું ઘર ચલાવવા હું શું કરી રહી હતી તેના વિશે વાત કરીને મારા ચારિત્ર્યને બદનામ કરી રહ્યા છે."
આ મહિલાનું કહેવું છે કે ભલે તે છેલ્લા કેટલાક દિવસોથી ઘર ચલાવવા માટે દેહવ્યાપાર કરતાં હતાં, પરંતુ એ રાત્રે તેઓ આ કામ માટે ઘરની બહાર નીકળ્યાં ન હતાં.
તેઓ કહે છે, "મેં મારા ભાઈનો રૂમ બદલાવડાવ્યો હતો. પછી, હું ઘરે પરત ફરી રહી હતી. પછી એ બસ સ્ટૅન્ડ પર ઊભી રહી અને તેના કંડક્ટરે મને બોલાવી. હું દરવાજા પાસે ઊભી રહીને વાત કરી રહી હતી. મેં કામ કરવા માટે ના પાડી. આમ છતાં, તેણે મને બસની અંદર ખેંચી લીધી."
તેઓ કહે છે, "તેમણે મને સેક્સના બદલામાં માટે પૈસા આપવા કહ્યું, પણ મેં ના પાડી. બસમાં પાંચ લોકો હતા. એક માણસ ઊંઘી રહ્યો હતો. તેઓ મને આખી રાત તેમની સાથે રાખવા માગતા હતા. મેં વારંવાર ના પાડી, પરંતુ તેમાંથી બે લોકોએ મારા પર બળાત્કાર કર્યો."
દિલ્હી પોલીસે આ ઘટનાના સંદર્ભમાં ભારતીય ન્યાય સંહિતા(બીએનએસ)ની બળાત્કાર, સામૂહિક બળાત્કાર અને સામાન્ય હેતુની કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
ડીસીપી (આઉટર દિલ્હી) વિક્રમસિંહે એક નિવેદનમાં ઘટનાનું વર્ણન કરતાં કહ્યું, "પોલીસને એવી માહિતી મળી હતી કે ફોન કરનારે કહ્યું હતું કે બે લોકોએ તેની સાથે ગેરવર્તન કર્યું છે. આ મામલો પોલીસના ધ્યાનમાં આવતા જ પોલીસે ઘટનાને ગંભીરતાથી લીધી અને પીડિતાને મદદ કરી અને બે આરોપીઓની ધરપકડ કરી. પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરી રહી છે."
'પોલીસે મદદ કરી'
મહિલાના જણાવ્યા મુજબ, બસમાંથી ઉતરતાની સાથે જ તેણે પોલીસ હેલ્પલાઇન નંબર પર ફોન કર્યો અને પાંચ મિનિટમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ.
તેઓ કહે છે, "પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તરત જ મારી વાત સાંભળી. મને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી અને મારી ફરિયાદના આધારે તરત જ કેસ નોંધવામાં આવ્યો. તેમણે મને શક્ય તેટલી મદદ કરવાનો પ્રયાસ કર્યો. મારું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું અને મને ખાવા વિશે પણ પૂછવામાં આવ્યું."
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાની જાણ થયાના કલાકોમાં જ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
મહિલા કહે છે, "મારા પતિ છેલ્લાં ઘણાં વર્ષોથી ગંભીર રીતે બીમાર છે. મારી ત્રણ નાની દીકરીઓ છે. મારા પરિવારમાં કોઈ કમાઉ સભ્ય નથી. મેં બીજું કોઈ કામ કરવાનો પ્રયાસ કર્યો પણ એવું કોઈ કામ ન મળ્યું જેમાં હું મારા પરિવારનું ગુજરાન ચલાવી શકું. થોડા દિવસો પહેલાં મેં આ કામ શરૂ કર્યું."
તેઓ રડતાં રડતાં કહે છે, "જો ત્રણ છોકરીઓની માતા ઘર છોડીને દેહવ્યાપાર કરી રહી હોય, તો એ ખૂબ જ લાચાર હશે. કોઈ તેની લાચારીનો ફાયદો ઉઠાવી શકે નહીં."
એક પ્રશ્નના જવાબમાં, તેમણે એમ પણ કહ્યું હતું કે આરોપી સાથે તેમનો કોઈ અગાઉનો પરિચય નથી.
મીડિયા કવરેજ વિશે પ્રશ્નો
મહિલાના પતિએ બીબીસી હિન્દીને જણાવ્યું, "મારા ઘરમાં કોઈને ખબર નહોતી કે મારી પત્ની ઘર ચલાવવા માટે શું કરે છે. તેણે મને પણ કહ્યું નહોતું. તેણે ઘર ચલાવવા માટે આ બધું કર્યું."
તેઓ કહે છે, "ઘણા પત્રકારો અમારા ઘરે પહોંચ્યા. તેમણે મોટા કૅમેરા વડે બહાર વીડિયો બનાવવાનું શરૂ કર્યું. તેઓ મારું નામ અને મારી પત્નીનું નામ પૂછી રહ્યા હતા. હવે ત્યાં બધા અમને શંકાની નજરે જોઈ રહ્યા છે. શું અમે આ પરિસ્થિતિમાં ત્યાં રહી શકીશું?"
આ મહિલાનું કહેવું છે કે જ્યાં સુધી તેમને ન્યાય ન મળે ત્યાં સુધી તેઓ પોતાનો કેસ લડશે.
તેઓ કહે છે, "આ ફક્ત મારી સલામતી વિશે નથી. આ મારા જેવી હજારો છોકરીઓની સલામતીની ચિંતા વિશે છે. રસ્તા પર ઊભેલી છોકરીને પણ બીજી કોઈપણ છોકરી જેટલી જ સલામતીનો અધિકાર છે."
તેઓ કહે છે, "મારી ત્રણ દીકરીઓ છે. હું તેમને સારું શિક્ષણ આપવા માગું છું. હું નથી ઇચ્છતી કે મારી દીકરીઓ ક્યારેય મારા જેવા અનુભવોમાંથી પસાર થાય. મારા કેસમાં કડક સજા ન મળે ત્યાં સુધી હું પાછળ હઠીશ નહીં, ભલે મને ગમે તેટલી વાર પોલીસ સ્ટેશન કે કોર્ટમાં જવું પડે."
સુપ્રીમ કોર્ટના આદેશો
ભારતમાં અદાલતોએ વારંવાર સ્પષ્ટ કર્યું છે કે સેક્સવર્કર્સને પણ અન્ય કોઈપણ નાગરિકની જેમ જ બંધારણીય ગૌરવ, રક્ષણ અને ન્યાયનો અધિકાર છે.
2022 માં એક સીમાચિહ્નરૂપ આદેશમાં, ભારતની સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું હતું કે સેક્સવર્ક એક 'વ્યવસાય' છે અને પોલીસ કે સમાજ ફક્ત સેક્સવર્કર હોવાના આધારે મહિલાને તેના અધિકારોથી વંચિત રાખી શકે નહીં.
કોર્ટે એમ પણ કહ્યું હતું કે સેક્સવર્કરની ફરિયાદ સમાન સંવેદનશીલતા સાથે નોંધવી જોઈએ અને તેની ઓળખ અને ગોપનીયતાનું રક્ષણ કરવું જોઈએ.
કોર્ટે સ્પષ્ટપણે એમ પણ કહ્યું હતું કે "દરેક સ્ત્રીને, ભલે તેનો વ્યવસાય કોઈ પણ હોય, તેને જાતીય હિંસા અને શોષણથી રક્ષણ મેળવવાનો અધિકાર છે."
ભારતીય કાયદા હેઠળ, સંમતિ વિના કોઈપણ જાતીય સંભોગને બળાત્કાર ગણવામાં આવે છે અને સ્ત્રીનું સેક્સ વર્કર હોવું એ તેની સંમતિનો આધાર ન હોઈ શકે.
સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઇકોર્ટોએ પણ તેમના નિર્ણયોમાં કહ્યું છે કે બળાત્કારના કેસોમાં, સ્ત્રીના 'ચારિત્ર્ય' પર પ્રશ્ન ઉઠાવીને અથવા તેના વ્યવસાયને આધાર તરીકે લઈને ગુનાને ઓછો આંકી શકાય નહીં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન