ફિફા વર્લ્ડકપ સેમિફાઇનલ: 'એટલા માટે જ તેઓ કિંગ છે', મેસ્સીએ કેવી રીતે છેલ્લી મિનિટોમાં ઇંગ્લૅન્ડના સપના પર પાણી ફેરવ્યું

ઇમેજ સ્રોત, Getty Images
"આર્જેન્ટિના, લિયોના છેલ્લા ગોલ માટે, હું તમને સતત બીજી વખત વિશ્વ ચૅમ્પિયન બનતા જોવા માગું છું."
2026ના ફિફા વર્લ્ડકપ દરમિયાન આર્જેન્ટિનાના ફૅન્સનું આ ગીત દરેક જગ્યાએ હંમેશાં ગૂંજતું રહે છે. સૌથી મુશ્કેલ પળોમાં પણ તેમણે આ ગીતથી જ પોતાની ટીમનું પ્રોત્સાહન કર્યું છે.
અને આ વર્લ્ડકપમાં આર્જેન્ટિના મુશ્કેલ સમયમાંથી પસાર થઈ છે.
તાજેતરનો દાખલો બુધવારની સેમિફાઇનલ મૅચ છે. ટીમ 85મી મિનિટ સુધી 0-1થી પાછળ હતી. ત્યારે ઍન્જો ફર્નાન્દેઝે શાનદાર ગોલ કરીને સ્કોરમાં સરસાઈ મેળવી લીધી હતી.
અટલાન્ટા સ્ટેડિયમમાં હાજર આર્જેન્ટિનાના ફૅન્સનો ઉત્સાહ જોવા લાયક હતો. એવો જુસ્સો મેદાન પર પણ આર્જેન્ટિનાના ખેલાડીઓમાં જોવા મળ્યો.
સતત હુમલા વચ્ચે 92મી મિનિટે (ઇન્જર ટાઇમ)માં લૉતારો માર્ટિનેઝે વિજયી ગોલ કરીને આર્જેન્ટિનાને ફાઇનલમાં પહોંચાડી દીધું હતું.
આ નાટકીય જીત સાથે આર્જેન્ટિનાએ ફાઇનલમાં જગ્યા મેળવી લીધી, જ્યાં રવિવારે સ્પેન સામે તેનો મુકાબલો થશે. આર્જેન્ટિનાની ટીમ સતત બીજી વખત વર્લ્ડકપ જીતવાની કોશિશ કરશે.
મૅચ બાદ કોચ લિયોનેલ સ્કાલોનીએ કહ્યું કે, "અમે અલગ છીએ. આ અંહકાર નથી, દિલની તાકાત છે. આ ખેલાડીઓએ જે કર્યું, તે અવિશ્વસનીય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લિયોનેલ મેસ્સીની આગેવાનીમાં આર્જેન્ટિનાની ટીમ હંમેશાં મુશ્કેલ પરિસ્થિતિમાંથી પાછી બેઠી થઈ છે અને આગળનો રસ્તો કાઢી લીધો છે. ટીમના કૅપ્ટન મેસ્સી અત્યાર સુધી આઠ ગોલી કરી ચૂક્યા છે.
આવા જ સમયે આર્જેન્ટિનામાં ફૂટબૉલનું જનૂન સૌથી વધારે દેખાય છે. સાથે જ એ પણ સ્પષ્ટ થાય છે કે બાકી 25 ખેલાડીઓ મેસ્સીને તેમના સંભવિત છેલ્લા વર્લ્ડકપમાં ચૅમ્પિયન બનાવવા માટે કેટલા કટિબદ્ધ છે.
મેસ્સીની કહાણી હજુ ખતમ નથી થઈ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચાર વર્ષ પહેલાં લાગતું હતું કે લિયોનેલ મેસ્સીની કહાણી પૂરી થઈ ગઈ છે.
35 વર્ષની ઉંમરમાં તેમણે આખરે વર્લ્ડકપ જીતી લીધો હતો. તેમણે ત્યારે કહ્યું હતું કે આ ટુર્નામેન્ટમાં તેમની છેલ્લી મૅચ હશે. કેટલાક લોકોની નજરમાં તે જીત સાથે તેમણે પોતાને ફૂટબૉલ ઇતિહાસના સૌથી મહાન ખેલાડી સાબિત કરી દીધા હતા.
પરંતુ તેનાથી પણ ચાર વર્ષ પહેલાં જ્યારે તેમની ઉંમર 31 વર્ષ હતી ત્યારે ઘણા લોકોને અને તેમના નજીકના લોકોને પણ લાગ્યું હતું કે આ તેમનો છેલ્લો વર્લ્ડકપ રમી ચૂક્યા છે અને વર્લ્ડ ચૅમ્પિયન બન્યા વિના જ કૅરિયર ખતમ કરી દેશે.
પણ હવે 39ની ઉંમરમાં મેસ્સી એક વખત ફરી આર્જેન્ટિનાને સતત બીજી વર્લ્ડકપ ફાઇનલમાં પહોંચાડનાર સૌથી મોટા નાયક તરીકે ઊભરી આવ્યા છે. આ વખતે તેમણે ઇંગ્લૅન્ડની આશાઓને ધ્વસ્ત કરી દીધી છે.
ઇંગ્લૅન્ડ સામે 2-1થી જીતવામાં મેસ્સીએ બંને ગોલમાં મદદ કરી હતી. તેની સાથે જ 2026 વર્લ્ડકપમાં તેમના આઠ ગોલ અને ચાર આસિસ્ટ કરી ચૂક્યા છે.
તેઓ આ વર્લ્ડકપમાં સંયુક્ત રીતે સૌથી વધારે ગોલ કરનારા ખેલાડી છે અને સૌથી વધારે આસિસ્ટ આપનારા ખેલાડીઓની યાદીમાં તેઓ બીજા સ્થાને છે.
હવે રવિવારે ન્યૂ જર્સીમાં રમાનારી ફાઇનલમાં આર્જેન્ટિના સ્પેન સામે રમશે. સ્પેન તે દેશ છે, જ્યાં મેસ્સીએ બાર્સેલોના માટે પોતાની કારકિર્દીનો મોટો ભાગ રમ્યા છે.
આર્જેન્ટિનાના કોચ લિયોનેલ સ્કાલોનીએ કહ્યું કે, "તેઓ ઇતિહાસના સૌથી મહાન ખેલાડી છે. મને નથી ખબર કે તેને સાબિત કરવા માટે તેમણે બીજું શું કરવું પડશે. સ્પેનના મોટાભાગના લોકો તેમને પ્રેમ કરે છે."
બીબીસીએ ફટબૉલ વિશ્લેષક મિકા રિચર્ડ્સે કહ્યું કે, "આર્જેન્ટિના પાસે લિયોનેલ મેસ્સી છે. તેમની પાસે 'ગ્રેટેસ્ટ ઑફ ઑલ ટાઇમ' છે. ફૂટબૉલ ઇતિહાસના સૌથી મહાન ખેલાડી છે."
તેમણે કહ્યું કે, "આવા મુકાબલા ખાસ પળોથી નક્કી થાય છે. અમને લાગ્યું હતું કે આ કામ જૂડ બેલિંગહૅમ અથવા હૅરી કેન કરશે. પરંતુ આ જ કારણ છે કે મેસ્સી આજે પણ બાદશાહ છે."
મેસ્સીએ કેવી રીતે ઇંગ્લૅન્ડના આશા તોડી

ઇમેજ સ્રોત, Getty Images
બાર્સેલોના અને પેરિસ સેન્ટ-જર્મેનના પૂર્વ ખેલાડી મેસ્સી પોતાની લાંબી કારકિર્દીમાં આની પહેલાં ક્યારેય ઇંગ્લૅન્ડ સામે નથી રમ્યા. હવે ઇંગ્લૅન્ડના કોચ થૉમસ ટશેલ અને તેમના ફૅન્સ કદાચ આ જ કહેશે કે આવું ક્યારેય થવું જ નહોતું જોઈતું.
પહેલા હાફમાં મેસ્સીએ વચ્ચેના ભાગમાં રમતા પોતાની ટેકનિકની કેટલીક ઝલક આપી પરંતુ અસલી કહાણી ત્યારે શરૂ થઈ જ્યારે 55મી મિનિટમાં ઍન્થની ગૉર્ડને ઇંગ્લૅન્ડને લીડ અપાવી.
ત્યાર બાદ ટશેલે અતિરિક્ત ડિફેન્સિવ ખેલાડી ઉતારી દીધા અને ઇંગ્લૅન્ડ પાછળ હટીને બચાવ કરવા લાગ્યું. આગલી 37 મિનિટમાં આર્જેન્ટિના પાસે 88 ટકા બૉલ પર નિયંત્રણ રહ્યું.
આ દરમિયાન મેસ્સી જમણી વિંગ પર જતા રહ્યા આને ત્યાંથી જ સંપૂર્ણ મૅચની દિશા બદલાઈ ગઈ.
મૅચ બાદ ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝે કહ્યું કે, "મેસ્સીને વિંગ પર લઈ જવું અમારા માટે સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણય સાબિત થયો."
મેસ્સીએ ઇંગ્લૅન્ડ સામે નવ સફળ ડ્રિબ્લિંગ કરી અને બે ગોલમાં આસિસ્ટ કર્યું. 1966થી ઉપલબ્ધ આંકડા અનુસાર વર્લ્ડકપના કોઈ પણ નૉકઆઉટ મુકાબલામાં આવું કરનારા તેઓ પ્રથમ ખેલાડી બની ગયા છે.
પૂરી ઇંગ્લૅન્ડ ટીમે મળીને માત્ર સાત સફળ ડ્રિબ્લિંગ કરી.
મેસ્સી પાસે દરેક તાળાની ચાવી

ઇમેજ સ્રોત, Getty Images
મેસ્સીએ વિરોધી ટીમના પેનલ્ટી બૉક્સમાં સાત વખત બૉલને અડ્યો. આ સંખ્યા પૂરી ઇંગ્લૅન્ડ ટીમના કુલ ટચ જેટલી હતી.
તેમણે ચાર વખત ગોલના અવસર પણ ઊભા કર્યા જે ઇંગ્લૅન્ડની આખી ટીમ જેટલી સંખ્યા હતી.
આ ઉપરાંત તેમણે મૅચમાં સૌથી વધારે નવ ક્રૉસ લગાવ્યા.
પરંતુ સૌથી મહત્ત્વપૂર્ણ વાત રહી કે આર્જેન્ટિનાના બંને ગોલમાં મેસ્સીએ મદદ કરી.
પહેલાં તેમણે કૉર્નરની રણનીતિ હેઠળ ઍન્જો ફર્નાન્દેઝને પાસ આપ્યો જેમણે 85મી મિનિટે બૉક્સની બહારથી બરાબરીનો શાનદાર ગોલ કર્યો.
ત્યાર બાદ ઇંજરી ટાઇમમાં મેસ્સીએ શાનદાર ક્રૉસ પર લૉતારો માર્ટિનેઝે હેડર મારફતે વિજયી ગોલ કર્યો.
પૂર્વ ઇંગ્લૅન્ડ ડિફેન્ડર મિકા રિચર્ડ્સે કહ્યું કે, "તેઓ આખી મૅચમાં મેદાન પર આરામથી ચાલતા દેખાય છે પણ જેમ જ બૉલ તેમના પગ પર આવે છે તેઓ અચાનક જીવંત બની જાય છે."
તેમણે કહ્યું કે, "આ તેમની પ્રતિભા છે અને કેટલીક વખત તેઓ મૅચનો સૌથી મોટો અંતર બની જાય છે."
ઇંગ્લૅન્ડના પૂર્વ ગોલકીપર જો હાર્ટે કહ્યું કે, "ઇંગ્લૅન્ડે મેક્સિકો અને નૉર્વે સામે જે ભૂલ કરી હતી તે જ ભૂલ ફરી કરી હતી. ટીમ સંપૂર્ણ રીતે ડિફેન્સિવ થઈ ગઈ."
તેમણે કહ્યું કે, "તેનો ફાયદો મેસ્સીને મળ્યો. તેમની પાસે દરેક તાળાની ચાવી છે. આખરે 15 મિનિટમાં તેમણ એકલા આખી મૅચ પર નિયંત્રણ કરી લીધું."
ઇંગ્લૅન્ડના કૅપ્ટન હૅરી કેને કહ્યું કે, "મૅચના મોટા ભાગમાં અમે તેમને સારી રીતે રોકી રાખ્યા. પરંતુ દુનિયાના સૌથી ખતરનાક ખેલાડીઓ સાથે આવું જ થાય છે."
"જેમ બૉલ તેમની પાસે આવે તેઓ કંઈ પણ કરી શકે છે. આખરે ઇતિહાસના સૌથી મહાનતમ ખેલાડીઓમાંથી એક છે."
આ વર્લ્ડકપમાં આર્જેન્ટિના ફૂટબૉલની ચાર યાદગાર ક્ષણો
ગ્રૂપ સ્ટેજમાં ત્રણ સરળ જીત પછી સ્કાલોનીની ટીમની અસલી પરીક્ષા શરૂ થઈ હતી.
સૌથી પહેલાં પ્રિ-ક્વૉર્ટર ફાઇનલમાં આ વર્લ્ડકપની સૌથી મોટી સરપ્રાઇઝ ટીમ કેપ વર્ડે સાથે મુકાબલો થયો.
આ મૅચ નિર્ધારિત સમયમાં 1-1 થી બરાબરી પર રહી. ત્યાર પછી ઍક્સ્ટ્રા ટાઇમમાં પહેલા હાફની શરૂઆતમાં લિસાન્દ્રો માર્ટિનેઝે આર્જેન્ટિનાને લીડ અપાવી, પરંતુ 10 મિનિટ પછી કેપ વર્ડેએ બૉક્સ બહારથી શાનદાર ગોલ કરીને ફરી બરાબરી કરી લીધી.
ત્યાર પછી આર્જેન્ટિનાનું દબાણ રંગ લાવ્યું. કૉર્નરથી આવેલા હેડરને કેપ વર્ડેના એક ખેલાડીઓ અજાણતા પોતાના જ ગોલમાં પહોંચાડી દીધો અને આર્જેન્ટિનાએ જીત મેળવી.
ત્યાર બાદ ઇજિપ્ત સામે રોમાંચક વાપસી જોવા મળી. 79મી મિનિટ સુધી ઇજિપ્ત 2-0થી આગળ હતું, ત્યારે જ ક્રિસ્ટિયન 'કૂટી' રોમેરોએ ગોલ કરીને આર્જેન્ટિના માટે આશા જગાવી.
ફરી એક વખત આર્જેન્ટિનાએ આક્રમક રમત દેખાડી અને 83મી મિનિટમાં મેસ્સીએ શાનદાર ગોલ ફટકારીને સ્કોર બરાબર કરી દીધો.
મુકાબલો એક્સ્ટ્રા ટાઇમમાં જશે એવું લાગતું હતું, ત્યારે 93મી મિનિટમાં એન્જો ફર્નાન્ડેઝે વિજયી ગોલ કરીને આર્જેન્ટિનાને યાદગાર જીત અપાવી. જોકે, આ મૅચમાં રેફરિંગ અંગે વિવાદ થયો હતો.
ક્વાર્ટર ફાઇનલમાં પણ એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની જીત થઈ. ટીમે 10મી મિનિટથી લીડ લીધી હતી, પરંતુ સ્વિટ્ઝર્લૅન્ડના ડૈન ન્દોયેએ 67મી મિનિટમાં સ્કોર બરાબર કરી દીધો.
આખું સ્ટેડિયમ આર્જેન્ટિનાના ટેકામાં ગૂંજવા લાગ્યું. 112મી મિનિટે જુલિયન અલ્વારેજે શાનદાર ગોલ કરીને ગતિરોધ તોડ્યો અને નવ મિનિટ પછી લૉતારો માર્ટિનેઝે વધુ એક ગોલ કરીને જીત નિશ્ચિત કરી દીધી.
ત્યાર પછી આર્જેન્ટિનાએ સેમિફાઇનલમાં ચોથી યાદગાર જીત મેળવી જ્યારે ઇન્જરી ટાઇમમાં લૉતારો માર્ટિનેઝના ગોલ સાથે ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ.
આ તમામ મૅચમાં ખેલાડીઓની ઉજવણીનું એક દૃશ્ય વારંવાર જોવા મળ્યું હતું. દરેક મોટી જીત પછી આખી ટીમ લિયોનેલ મેસ્સીને પોતાના ખભા પર બેસાડીને જીતની ઉજવણી કરતી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























