ગુજરાતમાં નવો રાઉન્ડ : આ સિસ્ટમથી વધશે વરસાદનું જોર, કયા જિલ્લામાં છે આગાહી?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં હજુ સુધીમાં બહુ ઓછો વરસાદ પડ્યો છે અને ડૅમમાં પાણીના સ્તર નીચે જઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પાંચ દિવસ ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની આગાહી નથી. જોકે, રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
અમદાવાદસ્થિત હવામાન કચેરીના બુલેટિન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં કચ્છ, સૌરાષ્ટ્ર, દીવ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયાં સ્થળોએ વરસાદ પડ્યો છે.
આજે સવારથી સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડ્યાના અહેવાલ છે.
હવામાન વિભાગ શું કહે છે?

ઇમેજ સ્રોત, IMD
હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે હાલમાં જમ્મુ, દહેરાદૂન, પટણા, શાહજહાંપુર પરથી ચોમાસાનો ટ્રફ પસાર થાય છે. બંગાળી ખાડી અને ઉત્તર ઓડિશા પર એક લો પ્રેશર એરિયાની રચના થઈ છે.
તેના કારણે સમુદ્રની સપાટીથી 7.6 કિમીની ઊંચાઈએ એક સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે આગામી બે દિવસ દરમિયાન ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના પ્રદેશમાં આગળ વધશે.
આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને પડોશમાં દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર એક અપર ઍર સર્ક્યુલેશન રચાયું છે જે સમુદ્રની સપાટીથી 3.1 કિમી અને 5.8 કિમીની ઊંચાઈ પર સ્થિત છે.
ઉત્તર પાકિસ્તાન અને નજીકમાં જમ્મુ પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની રચના થઈ છે જેનાથી સમુદ્રની સપાટીથી 3.1 કિમીથી 5.8 કિમીની ઊંચાઈ વચ્ચે એક સાઇક્લોનિક સર્ક્યુલેશન પેદા થયું છે. 19 જુલાઈથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરપશ્ચિમ ભારત તરફ આગળ વધવાની શક્યતા છે.
ગુજરાતમાં ક્યાં વરસાદ પડશે?

ઇમેજ સ્રોત, GSDMA
હવામાન વિભાગ મુજબ 16 જુલાઈએ બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયાં સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે.
17 જુલાઈએ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવા વરસાદની આગાહી છે. આ ઉપરાંત બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદમાં પણ હળવો વરસાદ થવાની શક્યતા છે. જોકે, કોઈ જગ્યાએ ભારે વરસાદ નહીં પડે.
17મીએ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં પણ વરસાદની આગાહી છે.
ત્યાર પછી પણ ત્રણ દિવસ સુધી આ તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે જે દરમિયાન પવનની ઝડપ સામાન્ય રહેશે.
અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે એકથી બે ઝાપટાં આવી શકે છે અને આ દરમિયાન આકાશ વાદળછાયું રહેવાની સંભાવના છે.
કચ્છના ચાર તાલુકામાં શૂન્ય ટકા વરસાદ

ઇમેજ સ્રોત, IMD
ડેટા દર્શાવે છે કે ગુજરાતમાં કચ્છમાં અત્યાર સુધીમાં સૌથી ઓછો 2.14 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 35 ટકા વરસાદ પડ્યો છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં 14.39 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 17.83 ટકા અને સૌરાષ્ટ્રમાં 28 ટકા વરસાદ નોંધાયો છે.
ગુજરાત સરકારના આંકડા પ્રમાણે કચ્છના અબડાસા, લખપત, માંડવી, મુંદ્રા તાલુકામાં હજુ સુધી શૂન્ય ટકા વરસાદ પડ્યો છે.
તેવી જ રીતે સૌરાષ્ટ્રમાં દ્વારકા તાલુકામાં પણ બિલકુલ વરસાદ નોંધાયો નથી. તેની સામે જૂનાગઢના માંગરોળમાં સિઝનની સરેરાશની તુલનામાં 105 ટકા વરસાદ પડી ગયો છે.
છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડા તાલુકામાં સૌથી વધુ 44 મીમી વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના 188 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
કેટલીક જગ્યાએ વરસાદનું પુનરાગમન

ઇમેજ સ્રોત, Nachiket Mehta
ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં વરસાદની ઘટ હોવાથી ખરીફ વાવેતરને અસર થઈ છે. હાલમાં દેશના 741 જિલ્લામાંથી અડધા જિલ્લાઓમાં અપૂરતો વરસાદ નોંધાયો છે. તેના કારણે ગયા વર્ષની તુલનામાં આ વખતે ચોખા, કઠોળ, ધાન્ય અને તેલીબિયાના વાવેતરમાં ઘટાડો થયો છે.
સુરતમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે અને થોડા થોડા સમયે ઝાપટાં નોંધાયાં છે.
આજે વહેલી સવારે સુરતમાં વરસાદ પડ્યો જેના કારણે હાઇવે પર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.
બારડોલી, માંગરોળ અને ઓલપાડમાં પણ વરસાદના અહેવાલ છે. તેવી જ રીતે ખેડા જિલ્લાના નડિયાદમાં પણ બુધવારે વરસાદ પડ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























