'હવે હું ચૂપ નહીં બેસું', સોનમ વાંગચુકના સમર્થનમાં આવ્યાં સોનાક્ષી સિન્હા – ન્યૂઝ અપડેટ

'હવે હું ચૂપ નહીં બેસું', સોનમ વાંગચુકના સમર્થનમાં આવ્યાં સોનાક્ષી સિન્હા – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

બોલીવુડ ઍક્ટર સોનાક્ષી સિન્હાએ એક નિવેદન જારી કરીને સોનમ વાંગચુકનું સમર્થન કર્યું છે. તેમણે જારી કરેલા એક વીડિયો સંદેશમાં કહ્યું કે હવે જે થવું હશે તે થશે. કોઈ વાંધો નહીં, પરંતુ હવે હું ચૂપ નહીં બેસું.

સોનમ વાંગચુક 28મી જૂનથી ભૂખ હડતાળ પર છે. તેઓ અને કૉક્રોચ જનતા પાર્ટી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માગી રહ્યા છે.

સોનાક્ષી સિન્હાએ પોતાના નિવેદનમાં કહ્યું, "મારે કદાચ આવું નિવેદન ન આપવું જોઈએ, પરંતુ હું પોતાની જાતને રોકી શકતી નથી."

"સોનમ વાંગચુકને આપણે સૌ જાણીએ છીએ. તેમણે આપણા દેશ માટે શું કર્યું છે? તેમની ઉપલબ્ધિ શું છે? તે પણ આપણે જાણીએ છીએ કે તેમણે ઘણા ઍવૉર્ડ્સ જીત્યા છે."

"તેઓ 18 દિવસથી અનશન પર બેઠા છે. તેમણે કશું ખાધું નથી. તેઓ કોના માટે બેઠા છે? તે એ બાળકોના ભવિષ્ય માટે બેઠા છે, જેમનું ભવિષ્ય બર્બાદી તરફ જતું દેખાઈ રહ્યું છે. તેઓ તે બાળકો માટે લડે છે, જેમણે પોતાનો જીવ ખોયો. તેઓ એક સિસ્ટમ સામે લડે છે, જે યોગ્ય રીતે કામ નથી કરી રહી."

સોનાક્ષી સિન્હાએ ફેસબુક પર 2 મિનિટ અને 41 સેકન્ડનો એક વીડિયો જારી કર્યો છે.

અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ પર પાકિસ્તાની વિદેશ મંત્રાલયે શું કહ્યું?

અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ પર પાકિસ્તાની વિદેશ મંત્રાલયે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Reuters

પાકિસ્તાને કહ્યું છે કે તે અમેરિકા અને ઈરાનને હિંસા રોકવા અને ગત મહિને થયેલી સમજૂતીના આધારે ફરી વખત વાતચીત શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરતું રહેશે.

ઇસ્લામાબાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ કહ્યું, "સમજૂતી લાગુ કરવામાં ઘણા પડકારો છે, પરંતુ પાકિસ્તાન તમામ પક્ષોને હિંસા સમાપ્ત કરવા અને ટૅક્નિકલસ્તરની વાતચીત ફરી શરૂ કરવાની અપીલ કરતું રહેશે."

બીબીસી ફારસીના જણાવ્યા પ્રમાણે, તાહિર અંદ્રાબીએ કહ્યું કે પાકિસ્તાનને આશા છે કે હોર્મુઝ સ્ટ્રેટની સ્થિતિ જલદી સામાન્ય થઈ જશે.

તેમણે આ મહત્ત્વના સમુદ્રી માર્ગને સુરક્ષિત બનાવવા અને જહાજોની અવરજવર સુનિશ્ચિત કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો.

ઉલ્લેખનીય છે કે આ સપ્તાહે અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો છે. તેના જવાબમાં ઈરાને ખાડીના ક્ષેત્રમાં આવેલાં અમેરિકાનાં ઠેકાણાં અને અન્ય સુવિધાઓને નિશાન બનાવ્યાં છે. જેને કારણે આ વિસ્તારમાં ફરી તણાવ વધ્યો છે.

અમેરિકાએ ઈરાન પર ફરી હુમલા કર્યા, ડોનાલ્ડ ટ્રમ્પે આપી ચેતવણી

ઈરાન, અમેરિકા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, X/@CENTCOM

ઇમેજ કૅપ્શન, સેંટકૉમે જણાવ્યું કે તેણે ઈરાનમાં પોતાના નવા હુમલા દરમિયાન સૈન્ય કમાન્ડ સેન્ટર અને હવાઈ સુરક્ષામથકોને નિશાન બનાવ્યાં છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકાએ બુધવાર સાંજે ઈરાન પર નવા હુમલા કર્યા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તહેરાનને ચેતવણી આપી કે તે "બહેતર વ્યવહાર કરે."

અમેરિકન સેન્ટકૉમે જણાવ્યું કે તેણે ઈરાનમાં પોતાના નવા હુમલા દરમિયાન સૈન્ય કમાન્ડ સેન્ટર, હવાઈ સુરક્ષામથકો, મિસાઇલ અને ડ્રોન સાથે જોડાયેલાં સ્થળો અને દરિયાકાંઠાના નિગરાની કેન્દ્રોને નિશાન બનાવ્યા છે. સેનાએ કહ્યું કે આ હુમલા હવે ખતમ થઈ ગયા છે.

અમેરિકા અનુસાર, આ હુમલાનો ઉદ્દેશ્ય ઈરાનની એ ક્ષમતાનો નાશ કરે છે જેનાથી તે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થનારાં વ્યાપારિક જહાજો અને તેના ચાલક દળ માટે ખતરો ઊભો કરી શકે છે.

આ હુમલો ઈરાનના દાવા બાદ થયા જેમાં તેણે કહ્યું કે તેણે ક્ષેત્રમાં અમેરિકન સૈન્ય ઠેકાણાં પર હુમલો કર્યો છે જેમાં બહેરીન અને કુવૈત પણ સામેલ છે.

ઈરાનના વાટાઘાટોમાં સામેલ મુખ્ય પ્રતિનિધિ અને સંસદના સ્પીકર મોહમ્મદ બગર ગાલિબાફે સરકારી મીડિયાને કહ્યું, "જે સમજૂતીથી કોઈ ફાયદો નથી તો ઈરાન પાસે તેને માનવાનું કોઈ કારણ નથી."

ટ્રમ્પે મંગળવાર મોડી રાત્રે ધમકી આપી હતી કે જો ઈરાન આવતા અઠવાડિયે પાછું નહીં આવે તો પુલો અને વીજળીઘરો પર હુમલા કરવામાં આવશે.

બુધવાર રાત્રે જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે શું તેઓ આના માટે કોઈ સમયમર્યાદા નક્કી કરશે તો તેમણે કહ્યું કે, "મને સમયમર્યાદા આપવી પસંદ નથી પણ તેમને ખબર છે...તેમણે બહેતર વર્તન કરવું જોઈએ."

ટ્રમ્પે કહ્યું કે, "તે (ઈરાન) સમજૂતી કરવા માગે છે. તેમને અમારી રીત પસંદ નથી. હવે અમે નક્કી કરીશું તે તેમની સાથે સમજૂતી કરવી છે કે નહીં."

અમદાવાદમાં જગન્નાથની 149મી રથયાત્રા શરૂ

બીબીસી ગુજરાતી અમદાવાદ ભગવાન જગન્નાથ રથયાત્રા

ઇમેજ સ્રોત, Sachin Pithwa

ઇમેજ કૅપ્શન, જગન્નાથ રથયાત્રામાં સામેલ એક ભાવિક મહિલા

આજે રથયાત્રાનાના પ્રસંગે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા શરૂ થઈ છે. સવારે ચાર વાગ્યે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી થઈ હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.

વહેલી સવારથી હજારોની સંખ્યામાં ભાવિકો મંદિરે એકત્ર થયા હતા. મંદિરની બહાર પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે અને ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથ મંદિરથી બહાર નીકળ્યા છે.

બીબીસી ગુજરાતી અમદાવાદ ભગવાન જગન્નાથ રથયાત્રા

ઇમેજ સ્રોત, Sachin Pithwa

ઇમેજ કૅપ્શન, રથયાત્રામાં સામેલ હાથીને શણગારવામાં આવ્યા છે.

રથયાત્રામાં સુરક્ષા બંદોબસ્ત માટે લગભગ 30 હજાર પોલીસ કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે.

આ વખતે રથયાત્રામાં 18 હાથીને સામેલ કરવામાં આવ્યા છે. ગયા વર્ષની રથયાત્રા વખતે ત્રણ હાથી નિરંકુશ થઈ જવાના કારણે ગભરાટ ફેલાયો હતો તેથી આ વખતે હાથીઓની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે.

સમગ્ર રથયાત્રા દરમિયાન હાથીઓની આસપાસ કેટલો ઘોંઘાટ છે તે મૉનિટર કરવા માટે આ વખતે ડેસિબલ માપવાના મીટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડ્રોનની મદદથી રથયાત્રાના સમગ્ર રૂટ પર નજર રાખવામાં આવી રહી છે.

બીબીસી ગુજરાતી અમદાવાદ ભગવાન જગન્નાથ રથયાત્રા

ઇમેજ સ્રોત, Sachin Pithwa

ઇમેજ કૅપ્શન, રથયાત્રામાં મોટી સંખ્યામાં શણગારેલા ટ્રક સામેલ થયા છે.

સોનમ વાંગચુકે પોતાની તબિયત વિશે જાણકારી આપી અને 20 જુલાઈ માટે આ અપીલ કરી

બીબીસી ગુજરાતી સોનમ વાંગચુક ભૂખ હડતાલ

ઇમેજ સ્રોત, X/@Wangchuk66

ઇમેજ કૅપ્શન, સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક 19 દિવસથી ભૂખ હડતાલ પર છે.

સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક 28 જૂનથી દિલ્હીના જંતરમંતર પર અનિશ્ચિત મુદ્તની ભૂખ હડતાલ પર ઊતર્યા છે.

આજે તેમના ઉપપાસનો 19મો દિવસ છે. આ દરમિયાન બુધવારે રાતે તેમણે એક સંદેશ જારી કર્યો છે. તેમણે કહ્યું કે હવે ભૂખ હડતાલને ખતમ કરવા પર સરકારમાં જવાબદારી નક્કી નહીં થાય. તેમણે એવું પણ કહ્યું કે તેમની હાલત એવી નથી કે બે-ચાર દિવસમાં તેમનું મૃત્યુ થાય.

વાંગચુકે સોશિયલ મીડિયા પર એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે "તમારા લોકોના હજારો સંદેશ આવ્યા છે કે હું ભૂખ હડતાલ સમાપ્ત કરું. બુજુર્ગો અને ઘણા નેતાઓએ મને ભૂખ હડતાલ સમાપ્ત કરવા કહ્યું છે. કેટલાકે તો અદાલતને અપીલ કરી છે કે સરકાર મને બળજબરીથી ભોજન ખવડાવે."

તેમણે કહ્યું, "તો હું જણાવી દઉં કે જો હું ખાઈ લઉં તો પણ તેનાથી શું બદલાશે અને કેવો સંદેશ જશે. સરકારને એવો જ સંદેશ જશે કે જવાબદેહીની જરૂર નથી, તેઓ બેસે છે અને જતા રહે છે."

"બીજું, મારી હાલત એવી પણ નથી કે બે-ચાર દિવસમાં મરી જઉં. ઘણા બધા મેડિકલ ટેસ્ટ થઈ રહ્યા છે. 18 દિવસના ઉપવાસના હિસાબે પરિણામો સામાન્ય છે."

ફૂટબૉલ વર્લ્ડકપ - 2026 : ઇંગ્લૅન્ડને 2-1થી હરાવીને આર્જેન્ટિના ફાઇનલમાં પહોંચ્યું

બીબીસી ગુજરાતી ફૂટબૉલ વર્લ્ડ કપ આર્જેન્ટિના સ્પેન

ઇમેજ સ્રોત, Michael Steele/Getty Images

ઇમેજ કૅપ્શન, 19 જુલાઈએ સ્પેન અને આર્જેન્ટિના વચ્ચે ફાઇનલ મુકાબલો થશે. (ફાઇલ ફોટો - ફૂટબૉલ સ્ટાર લિયોનેલ મેસ્સી)

ફૂટબૉલ વર્લ્ડકપ - 2026ની બીજી સેમિફાઇનલમાં આર્જેન્ટિનાએ એક રોમાંચક મુકાબલામાં ઇંગ્લૅન્ડને 2-1થી હરાવીને સતત બીજી વખત વર્લ્ડકપ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

હવે 19 જુલાઈએ આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ન્યૂજર્સીમાં મૅચ થશે.

એટલાન્ટામાં રમાયેલી મૅચમાં ઇંગ્લૅન્ડે ઍન્થની ગૉર્ડનના ગોલની મદદથી 85મી મિનિટ સુધી 1-0થી સરસાઈ મેળવી હતી, પરંતુ મૅચની અંતિમ ક્ષણોમાં આર્જેન્ટિનાએ શાનદાર વાપસી કરી અને બાજી પલટાવી નાખી.

85મી મિનિટ પછી લિયોનલ મેસ્સીના શૉર્ટ કૉર્નર પર ઍન્જો ફર્નાન્ડિઝે ગોલ કરીને 1-1થી સ્કોર બરાબર કરી દીધો.

ત્યાર પછી લૉટારો માર્ટિનેઝે પણ શાનદાર હેડર સાથે ગોલ કરી નાખ્યો, તેનાથી 2-1થી આર્જેન્ટિનાને વિજય મળ્યો અને ફાઇનલમાં સ્થાન નિશ્ચિત થઈ ગયું. 19 જુલાઇએ વર્લ્ડકપની ફાઇનલ રમાશે. આર્જેન્ટિના અત્યાર સુધીમાં ત્રણ વખત ફૂટબૉલ વર્લ્ડકપ જીતી ગયું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન