You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આર્જેમોન મેક્સિકાના: એ છોડ જેના કારણે 'છ લોકો મૃત્યુ પામ્યા', 200 લિટર રસોઈ તેલમાં આ બીજ તેલનાં બે ટીપાં જ જીવલેણ હોય છે?
- લેેખક, મોહમ્મદ સરતાજ આલમ
- પદ, બીબીસી હિન્દી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
"છેલ્લાં બે અઠવાડિયાંમાં માતા-પિતા સહિત પરિવારના છ સભ્યોના અંતિમ સંસ્કાર કર્યા પછી હવે મારી હિંમત તૂટી ચૂકી છે."
અનુજ મહતોના ચહેરા પર પિતા, માતા, બે બહેનો, ભાઈ અને પત્નીને ગુમાવ્યાનું દુઃખ સ્પષ્ટ દેખાય છે.
ઝારખંડના પલામૂ જિલ્લાના સિક્કા ગામમાં એક જ પરિવારના છ સભ્યોનાં ઍપિડેમિક ડ્રૉપ્સીને કારણે મૃત્યુ થયાં છે.
પલામૂ જિલ્લાના સિવિલ સર્જન ડૉ. અનિલકુમાર શ્રીવાસ્તવે મૃત્યુ પાછળનું કારણ જણાવ્યું છે.
તેમણે કહ્યું, "આ છ મૃત્યુ કોઈ રહસ્યમય રોગને કારણે નહીં, પરંતુ 'આર્જેમોન મેક્સિકાના' મિશ્રિત સરસવના તેલના ઉપયોગથી થતી મહામારી ડ્રૉપ્સીને કારણે થયાં હતાં."
મૃત્યુનો ક્રમ: પહેલા પિતા, પછી બહેન, પછી પત્ની...
પરિવારમાં સૌથી પહેલાં 19 જૂને કુલદીપ મહતોનું મૃત્યુ થયું. તેના બીજા જ દિવસે તેમની મોટી દીકરી એટલે કે અનુજની બહેન બબીતા કુમારીએ અંતિમ શ્વાસ લીધા.
પિતા અને બહેનના મૃત્યુના સમાચાર મળતાં જ બેંગલુરુમાં કામ કરતા અનુજ મહતો તાત્કાલિક ત્યાંથી ઘરે પરત ફર્યા.
અનુજ મહતો કહે છે, "પિતા અને બહેનને છેલ્લી વાર મળી ન શક્યાનો અફસોસ મને આખી જિંદગી સતાવતો રહેશે. હું માત્ર તેમના અંતિમ સંસ્કાર જ કરી શક્યો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે, "એ વખતે મને જરાય અંદાજ નહોતો કે આ બે લોકો પછી મારી પત્ની, નાની બહેન, ભાઈ અને માતા પણ આ દુનિયા છોડીને ચાલ્યાં જશે."
26 જૂને અનુજ મહતોની 18 વર્ષની બહેન ઇન્દુ કુમારીનું અને 28 જૂને અનુજની પત્ની શ્વેતા દેવીનું રાંચીની રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (RIMS)માં મૃત્યુ થયું.
બહેન અને પત્નીના મૃત્યુથી ભાંગી પડેલા અનુજ પોતાના એક વર્ષના દીકરાને લઈને ઘરે જ રોકાઈ ગયા.
જ્યારે તેમનાં મોટાં બહેન મનીતા દેવી હૉસ્પિટલમાં રોકાયાં હતાં, કારણ કે તેમનાં માતા અને ભાઈની RIMSના આઈસીયુમાં સારવાર ચાલી રહી હતી.
29 જૂને તેમના ભાઈ નકુલ મહતોનું પણ મૃત્યુ થયું અને આઠમી જુલાઈની સવારે માતા લાખો દેવીએ પણ અંતિમ શ્વાસ લીધા.
ઍપિડેમિક ડ્રૉપ્સીથી પીડિત લોકોમાં માત્ર સુનીલની તબિયત સુધરી રહી છે.
આ પરિવારમાં બીમાર પડેલા સભ્યોમાંથી માત્ર સુનીલ મહતો જ સાજા થઈ શક્યા. તેઓ પોતાની માતાના અંતિમ સંસ્કારમાં આવ્યા ત્યારે લોકોનું ધ્યાન તેમના પગ તરફ ગયું, જેમાં હજુ પણ સોજો હતો. તેમની આંખો પણ પીળી પડી ગઈ હતી.
તેઓ કહે છે, "હવે પહેલાં કરતાં મારી તબિયત સારી છે. જૂનના ત્રીજા અઠવાડિયામાં ઘણા દિવસો સુધી મને સતત ઊબકા આવતા હતા. ત્યાર બાદ નબળાઈ લાગવા લાગી."
"જોતજોતામાં મારા પગમાં સોજો આવી ગયો અને મળમાં લોહી પડવા લાગ્યું. ત્યારે મારા બનેવીએ મને પલામૂની સદર હૉસ્પિટલમાં દાખલ કરાવ્યો."
સુનીલ મહતોની તબિયત અંગે તેમના બનેવી દીપક દેવ વર્મા કહે છે કે શરૂઆતમાં પરિવારના સભ્યોને ઊબકા આવવા લાગ્યા ત્યારે તેમને લાગ્યું કે ગરમીને કારણે આવું થતું હશે. તેથી તેમણે લીંબુ અને ઠંડી વસ્તુઓ લેવાનું શરૂ કર્યું, પરંતુ ત્યાર બાદ એક પછી એક બધાના પગ ફૂલવા લાગ્યા.
દીપક દેવ વર્માએ જણાવ્યું, "અમે બધાની સારવાર ખાનગીથી માંડીને સરકારી હૉસ્પિટલ સુધી દરેક જગ્યાએ કરાવી, પરંતુ ન તો બીમારીનું કારણ જાણવા મળતું હતું કે ન કોઈની તબિયતમાં સુધારો થતો હતો."
પરીક્ષણમાં સરસવના તેલમાં આર્જેમોન તેલની પુષ્ટિ
સિવિલ સર્જન અનિલકુમાર શ્રીવાસ્તવના જણાવ્યા પ્રમાણે, 29 જૂને ખાદ્ય સુરક્ષા અધિકારીએ અનુજના ઘરમાંથી સરસવના તેલ ઉપરાંત લોટ, દાળ, ચોખા અને પાણી સહિતની વસ્તુઓના નમૂના તપાસ માટે એકત્રિત કર્યા હતા.
અનિલકુમારે જણાવ્યું, "તમામ દર્દીઓમાં શરૂઆતમાં ઊલટી, મળમાં લોહી પડવું, પગમાં સોજો આવવો અને શ્વાસ લેવામાં તકલીફ જેવાં લક્ષણો જોવા મળ્યાં હતાં."
"આ લક્ષણોને ધ્યાનમાં લઈને મને ખાણીપીણીની વસ્તુઓ અને ખાસ કરીને સરસવના તેલ પર શંકા ગઈ."
"ઘરના બીજા ભાગમાંથી આર્જેમોનનું તેલ મળી આવ્યું ત્યારે મારી શંકા વધુ ઘેરી બની."
તેઓ કહે છે, "મેં સરસવના તેલ સહિત તમામ વસ્તુઓની તપાસ કરાવી. તપાસમાં સરસવના તેલમાં આર્જેમોનની ભેળસેળ હોવાનું બહાર આવ્યું."
"નમૂના એકત્ર કરતી વખતે જાણવા મળ્યું કે આ વિસ્તારમાં લગભગ દરેક ઘરમાં ગાય-બળદની બીમારીની સારવાર માટે આર્જેમોન તેલનો ઉપયોગ કરવામાં આવે છે."
ઘરમાં રહેલી ખાદ્ય સામગ્રીની તપાસ બે સ્થળે કરવામાં આવી હતી. એક તપાસ સિવિલ સર્જને મેડિકલ કૉલેજની બાયોકેમિસ્ટ્રી લૅબોરેટરીમાં કરાવી હતી, જ્યારે બીજી તપાસ સ્ટેટ ફૂડ ટેસ્ટિંગ લૅબોરેટરીમાં કરવામાં આવી હતી.
આ લેબના ખાદ્ય વિશ્લેષક ચતુર્ભુજ મીણાએ બીબીસીને જણાવ્યું, "તપાસમાં આર્જેમોન તેલની હાજરી મળી આવી છે. ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઍક્ટ, 2006 હેઠળ આ તેલ જીવન માટે અત્યંત જોખમી માનવામાં આવે છે."
ડૉ. શ્રીવાસ્તવ કહે છે, "મને પહેલાંથી જ શંકા હતી કે આ ઍપિડેમિક ડ્રૉપ્સીનો મામલો છે. બંને અહેવાલોથી પુષ્ટિ થઈ ગઈ કે સરસવના તેલમાં આર્જેમોન તેલ ભળેલું હતું અને તેના કારણે જ પરિવારના છ સભ્યોનાં મૃત્યુ થયાં હતાં."
ત્યાર બાદ ડૉ. શ્રીવાસ્તવે ગ્રામજનોના આરોગ્યને લગતી માહિતી એકત્ર કરવા માટે ખાદ્ય સુરક્ષા વિભાગની એક ટીમને સિક્કા ગામ મોકલી હતી.
તેમના જણાવ્યા પ્રમાણે, ગામનાં 195 ઘરોમાં સર્વે કરીને 1,378 લોકોના આરોગ્યની માહિતી એકત્ર કરવામાં આવી હતી. એમાંથી 56 લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા, પરંતુ કોઈનામાં પણ ડ્રૉપ્સીનાં લક્ષણો જોવા મળ્યાં નહોતાં.
અનિલકુમાર શ્રીવાસ્તવ કહે છે, "ઍપિડેમિક ડ્રૉપ્સી કોઈ ચેપી રોગ નથી, પરંતુ ઝેરી તત્ત્વને કારણે થતી બીમારી છે. આર્જેમોનની ભેળસેળવાળું સરસવનું તેલ ખાવાથી આ બીમારી થાય છે."
પરિવારનું કહેવું છે કે તેમણે સરસવનું તેલ ક્યાંયથી ખરીદ્યું નહોતું, પરંતુ પોતાના ઘરે ઉગાડવામાં આવેલા સરસવમાંથી જ તેલ કઢાવ્યું હતું.
જોકે, અપોલો હૉસ્પિટલનાં ભૂતપૂર્વ ડાયટિશિયન અને ખાદ્ય સુરક્ષા નિષ્ણાત નિવેદિતા શર્મા કહે છે, "આર્જેમોનનાં બીજ સરસવના દાણા કરતાં થોડાં મોટાં હોય છે, તો પછી તેલ કાઢતી વખતે એ ઓળખવામાં ભૂલ કેવી રીતે થઈ?"
બીજી તરફ મનીતા દેવી કહે છે, "બધા કહે છે કે સરસવના તેલમાં કંટોલા (આર્જેમોન મેક્સિકાના)ના બીજનું તેલ ભળેલું હતું. એ તેલ તો મેં પણ ખાધું હતું, તો પછી મને કેમ કંઈ ન થયું?"
આ અંગે નિવેદિતા શર્મા કહે છે, "એનાં ઘણાં કારણો હોઈ શકે છે. શક્ય છે કે તેમના શરીરમાં આર્જેમોન મેક્સિકાનાનું પ્રમાણ ઓછું પહોંચ્યું હોય અને તેમની પાચનશક્તિ સારી હોવાથી શરીરે તેનું ચયાપચય કરી નાખ્યું હોય. આવી સ્થિતિમાં તેની અસર થવાની શક્યતા ઓછી રહે છે."
મનીતા દેવીના પાડોશી દીપક મહેતા પણ આ દલીલ સાથે સહમત જણાયા.
તેઓ કહે છે કે, "મનીતા દીદી તો પરિવારના સભ્યો બીમાર પડ્યાના સમાચાર સાંભળીને અહીં આવ્યાં હતાં અને બધાને સારવાર માટે પોતાના ગામ લઈ ગયાં હતાં. ત્યારબાદ તેઓ લાંબા સમય સુધી RIMS હૉસ્પિટલમાં રહ્યાં હતાં. આવી સ્થિતિમાં તેમણે એ તેલ કેટલું ખાધું હશે?"
આર્જેમોન મેક્સિકાના શું છે?
આર્જેમોન મેક્સિકાના, જેને કંટોલા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક જંગલી છોડ છે જેમાં ઘેરા લીલા, કાંટાવાળા પાંદડા અને પીળા ફૂલો હોય છે.
'કંટોલા' તરીકે ઓળખાતો આર્જેમોન મેક્સિકાના ઘેરા લીલા રંગનાં કાંટાળાં પાંદડાં ધરાવતો જંગલી છોડ છે. તેના પર પીળા રંગનાં ફૂલ આવે છે.
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, તેનું તેલ સરસવના તેલમાં ભળી જાય ત્યારે તેમાં રહેલું 'સેંગ્વિનારિન' નામનું ઝેરી તત્ત્વ તેલનું સેવન કરનાર વ્યક્તિની રક્તવાહિનીઓમાં પ્રવેશીને શરીરનાં જુદાં જુદાં અંગોને નુકસાન પહોંચાડે છે.
ખાદ્ય સુરક્ષા નિષ્ણાત નિવેદિતા શર્માના જણાવ્યા પ્રમાણે, આ ઝેરી અસરને 'ઍપિડેમિક ડ્રૉપ્સી' કહેવામાં આવે છે.
તેઓ કહે છે કે, "જો 200 લિટર સરસવના તેલમાં આર્જેમોન તેલનાં માત્ર બે ટીપાં પણ ભળેલાં હોય, તો તે તેલનું સેવન કરનાર વ્યક્તિના શરીરમાં ઍપિડેમિક ડ્રૉપ્સીનાં લક્ષણો તરત જ દેખાવા લાગે છે."
તેઓ જણાવે છે કે આવી સ્થિતિમાં આગળ જતાં ફેફસાંની પેશીઓમાં સોજો આવે છે અને રક્તવાહિનીઓ સાંકડી થઈ જાય છે.
નિવેદિતા શર્મા કહે છે, "આવી સ્થિતિમાં લોહી હૃદય સુધી ન પહોંચે તો હૃદયરોગનો હુમલો થવાની શક્યતા ઊભી થાય છે. કિડની પણ નિષ્ફળ થઈ શકે છે, કારણ કે આ અસરોને લીધે તે લોહીને ગાળવાનું બંધ કરી દે છે."
સિવિલ સર્જન ડૉ. શ્રીવાસ્તવનો દાવો છે કે, "વર્ષ 2011 પછી ભારતમાં ઍપિડેમિક ડ્રૉપ્સીનો આ પહેલો કિસ્સો છે. આ પહેલાં 2011માં પંજાબના ફતેહગઢ વિસ્તારમાં એક પરિવાર આ બીમારીનો ભોગ બન્યો હતો."
તેમના જણાવ્યા પ્રમાણે, આ બીમારીને કારણે અગાઉ પણ લોકોનાં મૃત્યુ થયાં છે. વર્ષ 1998માં દિલ્હીમાં લગભગ ત્રણ હજાર લોકો આ બીમારીથી પીડિત હોવાનું જાણવા મળ્યું હતું, જેમાંથી 60 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
પરિવારના છ સભ્યોને ગુમાવ્યા બાદ અનુજ મહતો પોતાના દીકરા અને નાના ભાઈ સાથે ઘરમાં એકલા પડી ગયા છે. પરિવારે થોડા સમય પહેલાં જ નવું મકાન બનાવ્યું હતું, જેના પર હજુ પ્લાસ્ટર પણ કરવામાં આવ્યું નથી.
ઘરના આંગણામાં બેઠેલાં મનીતા દેવી આર્થિક સંકડામણનો સામનો કરી રહેલા પોતાના પિયરિયાંની હાલની સ્થિતિને લઈને ચિંતિત છે.
તેઓ કહે છે કે તેમના પિતાએ ભાઈનાં લગ્ન અને ઘર બનાવવા માટે પહેલાંથી જ દેવું કરેલું છે. હવે પરિવારના સભ્યોની સારવાર માટે પણ દેવું કરવું પડ્યું છે.
અનુજ સામે અત્યારે સૌથી મોટો પડકાર દેવું ચૂકવવાનો છે.
દેવા અને પરિવારની આર્થિક સ્થિતિ અંગે પલામૂના જિલ્લા અધિકારી દિલીપ પ્રતાપ સિંહ શેખાવતે બીબીસી ન્યૂઝ હિન્દીને જણાવ્યું હતું કે, "પરિવારને વળતર આપવામાં આવશે. આ ઉપરાંત તેમની પાસે રહેલી ખેતીની જમીનના વિસ્તારને આધારે તેમને કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડવામાં આવશે. અસરગ્રસ્ત પરિવારના એક સભ્યને રોજગાર સાથે પણ જોડવામાં આવશે."
જિલ્લા અધિકારી શેખાવતનું કહેવું છે કે ભવિષ્યમાં આવા બીજા કિસ્સા સામે ન આવે એ માટે ગામડાંમાં આર્જેમોન મેક્સિકાનાની હાનિકારક અસરો વિશે જાગૃતિ પણ ફેલાવવામાં આવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન