બૃહદ ગીરમાં ત્રણ માનવમોતનું રહસ્ય શું છે અને અધિકારીઓને સિંહો બાબતે કઈ બીક છે?

    • લેેખક, ગોપાલ કટેશિયા
    • દ્વારા રિપોર્ટિંગ, કોવાયા, ગઢડા અને અમરેલીથી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

ગત 16 અને 18 જૂન વચ્ચે અમરેલી જિલ્લાના કોવાયા અને જૂના સાવર અને ભાવનગર જિલ્લાના ગઢડા ગામમાં એક-એક એમ કુલ ત્રણ પુરુષોના મૃતદેહોના કેટલાક ભાગ મળી આવ્યા હતા.

પ્રાથમિક તપાસ બાદ પોલીસે જણાવ્યું કે સિંહ દ્વારા હુમલો કરતા કોવાયામાં પ્રકાશચંદ્ર હરગોવિંદ, જૂના સવારમાં દિલીપ દેસાઈ અને ગઢડામાં નાગજીભાઈ ગુજરિયાનાં મોત થયાં છે.

આ ઘટનાના દસ દિવસ બાદ 25 જૂને અમરેલીના ખાંભા તાલુકાના ચતુરી ગામે જિયાન સિંધા નામનો પાંચ વર્ષનો છોકરો અને તેના દાદા સાથે ડેરીમાં દૂધ આપવા જતા હતા ત્યારે સિંહોએ કથિત રીતે હુમલો કરતા બાળકનું મૃત્યુ થયું હતું.

સિંધા પરિવારને સાંત્વના પાઠવવા ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા પોતે ચતુરી ગામે જઈને તેમને મળ્યા હતા. વન વિભાગના અધિકારીઓ કહે છે કે ચતુરીની ઘટનામાં પીડિત પરિવારને દસ લાખ રૂપિયાનું આર્થિક વળતર ચૂકવી દીધું છે.

પરંતુ કોવાયા, જૂના સાવર અને ગઢડાની ઘટનાને બે અઠવાડિયાં થઈ જવા છતાં વન વિભાગે ત્રણેય મૃતકોમાંથી એકેયના પરિજનોને કોઈ વળતર ચૂકવ્યું નથી. કારણ? આ ત્રણેય ઘટનાઓમાં સિંહેએ મૃતકોના શરીરને ફાડી ખાધા છે તેવા પ્રાથમિક પુરાવા વન વિભાગને મળ્યા છે, પરંતુ ખરેખર સિંહોએ આ ત્રણેય પર હુમલો કરીને તેમનું મોત નિપજાવ્યું હતું કે કોઈ અન્ય કોઈ રીતે મોત થયા બાદ પડેલા મૃતદેહોને સિંહો ખાઈ ગયા તે હજુ પણ વણઉકેલ્યું રહસ્ય છે.

ત્રણેય ઘટનાઓ અલગ છતાં સરખી કેમ છે?

અમરેલીના રાજુલા તાલુકામાં દરિયાકિનારે આવેલા કોવાયા ગામમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના કર્મચારીઓ માટે રહેવાની ટાઉનશિપમાં દરવાજાની નજીક આવેલા ચાહત રેસ્ટોરાંના રસોડામાં હેલ્પર તરીકે કામ કરતા પ્રકાશચંદ્ર હરગોવિંદ 16 તારીખે રાત્રે બારેક વાગ્યે તેમના વતન ઉત્તરાખંડ જવા નીકળ્યા હતા. તેના છએક કલાક બાદ રેસ્ટોરાંથી આશરે બે કિલોમીટર દૂર અલ્ટ્રાટેકના પાવર પ્લાન્ટના ગેટની સામે આવેલ ગાંડા બાવળની કાંટ્યમાં સિંહો પ્રકાશચંદ્રના શરીરને ખાતા નજરે ચડ્યા હતા. પોલીસને પ્રકાશચંદ્રનું માત્ર માથું અને અન્ય કેટલાક અવશેષો જ મળ્યાં.

બીબીસી સાથે વાત કરતા રેસ્ટોરાંના સહ-માલિક લાલાભાઈ વાઘે જણાવ્યું, "તેને ઘરે જવાનું હતું તે નક્કી હતું, પરંતુ પંદર તારીખે રાત્રે એ નીકળી ગયા તેની અમને કોઈને જાણકારી ન હતી. પછી રસ્તામાં ક્યાંક સિંહનો ભેટો થઈ ગયો. ખબર નહીં જે કંઈ આગળ થયું. (સીસીટીવી) કૅમેરામાંય તેનો કોઈ રેકૉર્ડ નથી."

ભાવનગરના મહુવા તાલુકાના દરિયાકાંઠે આવેલા ગઢડામાં બનેલી ઘટના પણ કોવાયાને મળતી આવે છે. નાગજીભાઈ ગુજરિયા છૂટક મજૂરી કરતા હતા અને તેમનાં વૃદ્ધ માતા દેવુબહેન, પિતા પ્રેમજીભાઈ તેમજ મોટા ભાઈનાં બે બાળકો સહિત પાંચ સભ્યોના પરિવારનું ભરણ-પોષણ કરતા હતા.

ગઢડા ગામથી પિંગલેશ્વર મહાદેવ મંદિરે જતો રસ્તો ગાંડા બાવળથી ઘેરાયેલો છે. આ રસ્તા પર આવેલી તેમની એક વીઘા જમીનમાં બાંધેલી ઝૂંપડામાં ગુજરિયા પરિવાર રહે છે.

વાડીના શેઢે આવેલા રોડની સાઇડમાં નાગજીભાઈનું બાઇક બે દિવસ સુધી એક જ જગ્યાએ પડી રહેતા તેમની શોધખોળ ચાલુ થઈ. વન વિભાગના અધિકારીઓ કહે છે કે બાઇકની બાજુમાં થોડો નાસ્તો, લોહીનાં ટીપાં અને કોઈને ઘસડી જવાયાનાં નિશાન દેખાતાં બાવળની કાંટ્યની અંદર શોધખોળ કરતા 16 તારીખે નાગજીભાઈના શરીરના કેટલાક અવશેષો મળી આવ્યા હતા.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા પ્રેમજીભાઈએ કહ્યું, "અમારા વિસ્તારમાં દસેક વર્ષથી સિંહ રહે છે. તેનું કંઈ નક્કી હોય? નાગજીભાઈ એ રસ્તે આવતો હતો. જાનવર ત્યાં ભટકાઈ ગયાં અને તેને ખેંચી લીધો. આપણને ખબર હોય તો આપણે આઘા રહીએ પણ પાસે આવી ગયા પછી ડોક પકડી લે તો તમે શું કરો?"

નાગજીભાઈ બે દિવસ સુધી ઘરે ન આવ્યા તેમ છતાં પરિવારે તપાસ કેમ ન કરી તેના જવાબમાં દેવુબહેન કહે છે, "નાગજીભાઈ બાવળિયા કાપવા જતા હતા. અમને એમ થયું કે બાજુના ગામમાં એક હવન હતો ત્યાં ગયા હશે અને પછી ત્યાંથી પરબારા દાડિયે ગયા છે. એવું અમને થયું એટલે અમે ગોતવા નીકળ્યાં નહીં."

અમરેલીના સાવરકુંડલા તાલુકાના જૂના સવાર ગામના દિલીપ દેસાઈનો પરિવાર સુરત રહે છે. પોલીસ કહે છે કે પાંચેક દિવસ સુધી સુરત રહેતા દીકરાના ફોનનો જવાબ દિલીપભાઈએ નહીં આપતા દીકરાએ તપાસ કરવા તેના કાકાને વાડીએ મોકલ્યા તો ખેડૂત દિલીપભાઈના શરીરના માથાનો ભાગ અને અન્ય કેટલાક અવશેષો જ મળ્યા.

ત્રણેયને સિંહોએ ફાડી ખાધા કે મોત બાદ સિંહો ખાઈ ગયા?

પીપાવાવ મરીન પોલીસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.કે. રાઠોડે 30 જૂનના રોજ બીબીસીને જણાવ્યું કે તપાસમાં તેઓ એવાં તરણ પર આવ્યા છે કે પ્રકાશચંદ્ર સિંહોના હુમલામાં માર્યા ગયા હતા.

તેમણે કહ્યું, "અમે રેસ્ટોરાંના સ્ટાફ અને માલિકનાં નિવેદનો નોંધ્યાં છે. આ ઘટનામાં સિંહોના હુમલા સિવાય બીજી કોઈ શંકા હાલના તબક્કે નથી."

મહુવા રૂરલ પોલીસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એસ. ઝાલાએ જણાવ્યું, "મરણ જનારને કોઈ સાથે અંગત અદાવત ન હતી. તેના પરિવારના સભ્યોને પણ કોઈ ઉપર શંકા નથી. સિંહો તેમને ઘસડી ગયા હતા તેવાં નિશાન છે અને સિંહોની રુવાંટી પણ તેમના મૃતદેહ નજીકથી મળી આવી છે. તેથી નાગજીભાઇ ગુજરિયાનું મૃત્યુ સિંહોના હુમલામાં થયું હતું તેવું તપાસમાં ખૂલવા પામ્યું છે."

સાવરકુંડલા રૂરલ પોલીસના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રમેશ મારુએ કહ્યું કે દિલીપ દેસાઈનું મૃત્યુ પણ કોઈ વન્ય પ્રાણીના હુમલામાં થયું છે તેવી પ્રાથમિક હકીકત સામે આવી છે.

તેમણે કહ્યું, "અમે દિલીપભાઈના ફૉરેન્સિક પીએમ (પોસ્ટમૉર્ટમ)ના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. રિપોર્ટ આવ્યા પછી જ તેમના મોતનું સાચું કારણ જાણી શકાશે. પરંતુ પ્રાથમિક તપાસમાં એવું જણાય છે કે સિંહોના હુમલામાં તેમનું મોત થયું, કારણ કે ઘટનાસ્થળ પર સિંહોનાં પગલાં ને રુવાંટી મળી આવ્યાં છે."

આ ત્રણેય વ્યક્તિના અવશેષોને ફૉરેન્સિક પોસ્ટમૉર્ટમ માટે ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા શેત્રુંજી વન્ય જીવ વિભાગના મદદનીશ વનસંરક્ષક વિરલસિંહ ચાવડાએ કહ્યું કે પોસ્ટમૉર્ટમ રિપોર્ટ પોલીસ તરફથી વન વિભાગને હજુ સુધી મળ્યા નથી.

તેમણે કહ્યું, "કોઈ પણ માનવમૃત્યુની ઘટના બને તેમાં પોલીસ દ્વારા ઇન્કવેસ્ટ કરવામાં આવે છે અને પોસ્ટમૉર્ટમ કરાવવામાં આવે છે, કારણ કે એ વળતર આપતાં પહેલાં એ જાણવું જરૂરી છે કે ખરેખર વન્ય પ્રાણીના કારણે જ તે વ્યક્તિનું મૃત્યુ થયું છે કે કેમ. હજુ અમને આ કિસ્સામાં પોસ્ટમૉર્ટમના રિપોર્ટ મળ્યા નથી."

વન અધિકારીઓને શું શંકા છે?

વિરલસિંહ ચાવડાએ કહ્યું કે કોવાયા અને ગઢડાની ઘટના બાદ અનુક્રમે ચાર અને ત્રણ સિંહોને પકડીને પાંજરે પૂરવામાં આવ્યા છે. આ જ સિંહો પ્રકાશચંદ્ર અને નાગજીભાઈને ખાઈ ગયા છે કે નહીં તે નક્કી કરવા માટે સિંહોનાં મળ અને ઊલટીના સૅમ્પલ લઈ તેમાં આ બે વ્યક્તિના વાળ કે અન્ય અવશેષો છે કે નહીં તે જાણવા તે સૅમ્પલના પૃથક્કરણ માટે સાસણ મોકલવામાં આવ્યાં છે.

ગીર પૂર્વ વન વિભાગના નાયબ વનસંરક્ષક વિકાસ યાદવે જણાવ્યું કે જૂના સવારની ઘટના બાદ એક સિંહને અને ચતુરીની ઘટના બાદ 10 સિંહોને પકડીને પાંજરે પૂરવામાં આવ્યા છે અને તેમના પણ મળના નમૂના સાસણ મોકલાવાયા છે. બંને અધિકારીઓએ 30 જૂને બીબીસીને જણાવ્યું કે સાસણથી વિશ્લેષણના રિપોર્ટની રાહ જોવાય છે.

પરંતુ એક વન અઘિકારીએ તેમની ઓળખ છતી ન કરવાની શરતે બીબીસીને જણાવ્યું, "મળ અને ઊલટીના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે. તેથી એ બાબતે કોઈ શંકા નથી કે કોવાયા અને ગઢડામાં મૃત્યુ પામેલ વ્યક્તિઓને સિંહે ખાધા હતા, પરંતુ આ ઘટનાઓને નજરે જોનાર કોઈ સાક્ષી ન હોવાથી ખરેખર સિંહોએ તેમના પર હુમલો કરી તેમના મોત નિપજાવી તેમને ખાઈ ગયા કે કોઈ અન્ય રીતે તેમનું મૃત્યુ થયા બાદ સિંહો માત્ર તેમના મૃતદેહને ખાઈ ગયા તે હજુ એક રહસ્ય જ છે."

પોસ્ટમૉર્ટમમાં ડૉક્ટરોને શું સમસ્યા નડી રહી છે?

બીબીસીને જાણવા મળ્યું છે કે ફૉરેન્સિક પોસ્ટમૉર્ટમ બાદ ડૉક્ટરો આ ત્રણેય વ્યક્તિના મોતનું કોઈ ચોક્કસ કારણ નક્કી કરી શક્યા નથી. આ કેસો સાથે જોડાયેલા એક અધિકારીએ પોતાની ઓળખ છતી ન કરવાની શરતે બીબીસીને જણાવ્યું, "ડૉક્ટરો જણાવે છે કે પોસ્ટમૉર્ટમ માટે શરીરના અમુક ભાગો જ તેમની સમક્ષ રજૂ કરાયા હતા અને તે પણ વન્ય જીવો દ્વારા આંશિક રીતે ખાધેલ હતા. ડૉક્ટરો જણાવે છે કે આ અવશેષો એટલા ઓછા છે અને એવી સ્થિતિમાં છે કે તેની તપાસ કરી આ વ્યક્તિઓનાં મોત કઈ રીતે થયાં હશે તે નક્કી કરી શકાય તેમ નથી."

સર તખ્તસિંહજી જનરલ હૉસ્પિટલ ભાવનગરની સરકારી મેડિકલ કૉલેજ સાથે સંકળાયેલી છે. આ મેડિકલ કૉલેજના ફૉરેન્સિક મેડિસિન વિભાગના વડા ડૉ. અમિત પરમારે બીબીસીને જણાવ્યું કે આવા કિસ્સામાં મોતનું કારણ શોધવું વિકટ થઈ પડે છે.

તેમણે કહ્યું, "પોસ્ટમૉર્ટમ માટે જો આખો મૃતદેહ ન મળે તો તે વ્યક્તિના મોતનું કારણ શોધવું બહુ મુશ્કેલ બની જાય છે. શરીરના અલગ-અલગ ભાગ એક જ વ્યક્તિના છે કે નહીં તે ડીએનએ ટેસ્ટિંગથી નક્કી થઈ જાય છે. કોઈ ઈજા મોત પહેલાં કરવામાં આવી હતી કે મોત પછી તે વિષે પણ અનુમાન લગાવી શકાય છે, પરંતુ ઈજાનાં નિશાન ન રહ્યાં હોય તેવા અવશેષોના આધારે મોતનું ચોક્કસ કારણ નક્કી કરવું બહુ જ વિકટ કામ થઈ જાય છે."

ડૉ. પરમારે ઉમેર્યું કે કોવાયા, જૂના સવાર અને ગઢડા જેવા કેસમાં પોસ્ટમૉર્ટમ દરમિયાન માંસપેશીઓના સૅમ્પલ લઈ એ જાણવાની પણ કોશિશ કરાય છે કે તેમનું મોત કોઈ ઝેરને કારણે તો નથી થયુંને. "પરંતુ આવા કેસમાં એ ટેસ્ટનાં પરિણામ મોટે ભાગે નૅગેટિવ જ આવતાં હોય છે. જો શરીરના મોટા ભાગ મળી જાય તો કંઈક કહી શકીએ."

વન અધિકારીઓને સિંહો બાબતે શું બીક છે?

પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે એક વન અધિકારીએ બીબીસીને જણાવ્યું કે આ પ્રકારના કેસ સિંહોના સંરક્ષણ પર ખૂબ પ્રતિકૂળ અસર પાડી શકે છે.

તેમણે કહ્યું, "સિંહો સામાન્ય સંજોગોમાં માણસો પર હુમલો કરતા નથી, પરંતુ મૃતદેહ નજીક સિંહોની હાજરી સાબિત થતા પોલીસ અધિકારીઓ એવાં તારણ તરફ દોરાય છે કે સિંહોએ તે વ્યક્તિનું મોત નિપજાવ્યું છે. મૃતદેહને વન્ય પ્રાણીઓ ખાઈ ગયા હોવાથી ફૉરેન્સિક પોસ્ટમૉર્ટમમાં તે વ્યક્તિના મોતનું ચોક્કસ કારણ જાણી શકાતું નથી. આવા સંજોગોમાં પૂરતા વૈજ્ઞાનિક પુરાવા ન હોવા છતાં દોષનો ટોપલો સિંહો પર ઢોળી દેવામાં આવે તો સિંહો માણસો પર હુમલા કરે છે અને માનવભક્ષી છે તેવી ફરિયાદો થાય. તેથી, સિંહોના સંવર્ધનમાં મળતા લોકસમર્થન અને સહકાર પર વિપરીત અસર પડે."

અધિકારીએ ઉમેર્યું કે આવા કેસ ખૂબ ખરાબ દાખલો બેસાડી શકે છે. તેમણે કહ્યું, "કોઈ અદાવતમાં કોઈનું ખૂન કરીને આરોપીઓ સિંહોની અવર-જવરવાળા વિસ્તારમાં મૃતદેહને ફેંકી દે અને પછી સિંહો તેને ખાઈ જાય તો હત્યાના પુરાવાનો નાશ થઈ જાય અને હત્યાનું આળ ખરા ખૂનીને બદલે સિંહો પર ચડે. જો એવું થાય તો તે એક બહુ મોટી ચિંતાનો વિષય બની જાય. માટે જ આવા કિસ્સામાં મોતના કારણની ઊંડી તપાસ થાય તે ખૂબ આવશ્યક છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન