ધારા કડીવાર હત્યા કેસ : લીવ-ઈન પાર્ટનર સૂરજ ભૂવા સહિત પાંચને આજીવન કેદ, જૂનાગઢની કોર્ટનો ચુકાદો

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH/getty
જૂનાગઢમાં જ નહીં પરંતુ આખા ગુજરાતમાં જે કેસની ચર્ચા હતી તે ધારા કડીવાર હત્યા કેસમાં જૂનાગઢ ઍડિશનલ સેશન્સ જજની કોર્ટે ચુકાજો સંભળાવ્યો હતો. જેમાં ઍડિશનલ જજ હિતેશકુમાર ગિરીશભાઈ દામોદ્રાએ ભૂવાનું કામ કરતા સૂરજ સોલંકી ઉર્ફે સૂરજ ભૂવા સહિત પાંચ આરોપીને ધારા હત્યા કેસમાં દોષિત જાહેર કરીને જનમટીપની સજા સંભળાવી છે.
આ કેસમાં ત્રણ આરોપીને કોર્ટે નિર્દોષ છોડ્યા છે.
ઉલ્લેખનીય છે કે ધારા કડીવાર સોશિયલ મીડિયા પર ઘણાં સક્રિય હતાં અને તેઓ સૂરજ ભૂવા સાથે સંપર્કમાં આવ્યાં હતાં.
પોલીસ ફરિયાદ પ્રમાણે સૂરજ ભૂવો બે સંતાનનો પિતા હતો અને છતાં તે ધારા સાથે લીવ-ઈન રિલેશનશિપમાં રહેતો હતો.
પોલીસ ફરિયાદ પ્રમાણે બંને વચ્ચે ઝઘડાઓ થતા હતા તેથી સૂરજ ભૂવાએ તેનો 'કાંટો' કાઢવાનું નક્કી કર્યું. જાણકારી પ્રમાણે સૂરજ ભૂવાએ આ માટે બે પ્લાન બનાવ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે પહેલો પ્લાન તેની સાથે પૈસા આપીને સમાધાન કરવાનો હતો અને બીજો તેને રસ્તામાંથી 'દૂર' કરવાનો.
આ આયોજન પ્રમાણે સૂરજ ભૂવાએ ધારાને અમદાવાદ લઈ જવાનું નક્કી કર્યું. ત્યાર બાદ તે તેને ચોટીલા ખાતે એક ફાર્મ-હાઉસમાં લઈ ગયો અને ત્યાં તેની હત્યા કરીને તેના મૃતદેહને સળગાવી દેવાયો.
મામલો આટલાથી ન અટક્યો. સૂરજ ભૂવાએ ફિલ્મી કહાણીની માફક એવો પ્લૉટ ઘડ્યો કે હત્યાનું રહસ્ય ક્યારેય ઉજાગર નહીં થાય. પરંતુ આમ ન બન્યું. પોલીસે તપાસ કરીને આઠ આરોપીની ધરપકડ કરી હતી. તે પૈકી કોર્ટે પાંચને જનમટીપની સજા ફટકારી છે અને ત્રણને નિર્દોષ છોડ્યા છે.
આ કેસના ફરિયાદી અને ધારા કડીવારના ભાઈ મિત કડીવારે બીબીસી ગુજરાતીના જૂનાગઢ ખાતેના સહયોગી હનીફ ખોખરને જણાવ્યું કે "2022માં મારી બહેન ધારા સાથે જે બનાવ બન્યો હતો તેમાં સૂરજ ભૂવા અને અન્ય સાત લોકોએ મળીને કાવતરું ઘડ્યું હતું. તેમણે મારી બહેનનું ગળું દબાવીને હત્યા કરી હતી અને તેના મૃતદેહને સળગાવી દીધો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કેસમાં જે પાંચ દોષિતોને સજા મળી છે તે માટે મિત કડીવારે જૂનાગઢ અને અમદાવાદની પોલીસ તથા ન્યાયતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
તેમણે વધુમાં કહ્યું, "મારી બહેન સૂરજ ભૂવાને ત્યાં દર્શન માટે જતી હતી. સૂરજ ભૂવાએ પ્રેમના નામે ધતિંગ કરીને મારી બહેનને તેની માયાજાળમાં ફસાવી હતી."
"મારી બહેનને જ્યારે ખબર પડી કે સૂરજ ભૂવાનાં લગ્ન થયેલાં છે અને તેને બે બાળકો પણ છે ત્યારે મારી બહેને સૂરજ ભૂવા સામે વાંધો ઉઠાવ્યો હતો. સૂરજે મારી બહેનને ખોટો વાયદો આપીને તેની પત્નીને છૂટાછેડા આપીને તેની સાથે લગ્ન કરીશ તેવી ખાતરી આપી હતી. પરંતુ સૂરજ ભૂવાએ મારી બહેનને તરછોડી મૂકી હતી," એમ મિતે જણાવ્યું હતું.
મિતના જણાવ્યા પ્રમાણે ધારાને સૂરજ ભૂવાના આ વર્તનથી લાગી આવ્યું હતું અને તેણે ઝેર ગટગટાવીને આત્મહત્યાની કોશિશ પણ કરી હતી. આ મામલે ફરિયાદ નોંધાઈ પરંતુ સૂરજ ભૂવાએ મારી બહેન સાથે સમાધાન કરી લીધું હતું.
"જોકે, તે મારી બહેન સાથે સતત છેતરપિંડી કરતો જ રહ્યો," એમ મિતે કહ્યું.
કોર્ટે તેના ચુકાદામાં શું કહ્યું?

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જે પાંચ દોષિતોને સજા થઈ છે તે પૈકી સૂરજ ભૂવા ઉલ્ફે સૂરજ લાખાભાઈ સોલંકી, ગુંજન જિતેન્દ્ર જોશી, મિત આનંદભાઈ શાહ, યુવરાજ લાખાભાઈ સોલંકી અને મુકેશ બીજલભાઈ સોલંકીનો સમાવેશ થાય છે. જ્યારે કે જે નિર્દોષ છૂટ્યા છે તેમાં સંજયભાઈ મહેશભાઈ સહેલિયા અને જુગલભાઈ આનંદભાઈ શાહનો સમાવેશ થાય છે.
કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે આરોપીઓએ ગુનાઇત ષડયંત્ર રચીને એક યુવાન મહિલાનું ગળું દબાવીને તેને મારી નાખી, તેના મૃતદેહ સંબંધે પુરાવો ન મળે તે હેતુથી પેટ્રોલ છાંટીને સળગાવી દઈને પુરાવાનો નાશ કરવાનો ગુનો કર્યો છે.
કોર્ટના ચુકાદાની એક કૉપીમાં જણાવ્યા પ્રમાણે, "આરોપીઓએ યુવાન વયની મહિલા કે જે સુરજના પ્રેમમાં અને તેના અધિપત્ય નીચે પોતાનું ઘર છોડીને રહેતી હતી. તેને આરોપી સુરજ પોતાના કુટુંબના દબાણ હેઠળ અને પરણેલો હોવાથી તે બાબતને લક્ષ્યમાં રાખીને ધારાને વિશ્વાસમાં લઈને તેણીનો કાંટો કાઢવા પોતાના મિત્રો મિત શાહ, ગુંજન જોશી, પોતાનો ભાઈ યુવરાજ અને સંબંધી મુકેશ સોલંકી સાથે તેને મારી નાખવાનું ગુનાઇત ષડયંત્ર રચ્યું હતું."
જોકે, કોર્ટે કહ્યું હતું કે આ કેસ 'રેરેસ્ટ ઑફ ધ રેર' નથી. તેથી દેહાત દંડની સજા કરી શકાય નહીં.
કોર્ટે તેન ચુકાદામાં કહ્યું, "તારીખ 19-06-22ના રોજ ધારાને જૂનાગઢથી પોતાની વાડી સાયલા તાલુકાના નોલી ગામમાં વાચાવચ્છની સીમમાં આવેલી ખેતીની જમાનમાં બીજા આરોપીઓની મદદથી મોત નિપજાવીને હત્યાનો ગુનો કરેલાનું પુરવાર થયાની હકીકત જોતાં આરોપીઓને ભારતીય દંડ સંહિતાની કલમ 120(બી) મુજબના ગુનામાં જનમટીપની સજા અને દંડનો હુકમ કરવાનું ન્યાયોચીત જણાય છે."
વધુમાં આરોપીઓને કલમ 302માં સજાની જોગવાઈમાં ન્યૂનતમ સજા દર્શાવેલ છે તે એટલે કે આજીવન કેદન સજા તથા દંડ કરવાનો હુકમ કરવાનું ન્યાયોચીત જણાય છે.
ઉપરાંત આરોપીઓને ભારતીય દંડ સંહિતાની કલમ 201 મુજબના ગુનામાં સાત વર્ષ સુધીની સજા વિસ્તરી શકે અને દંડને પાત્ર જોગવાઈ હોય ત્રણવર્ષની સખત સજા અને દંડ કરવાનું ન્યાયોચીત જણાય છે.
આ ચુકાદામાં કોર્ટે અલગ-અલગ દોષિતોને દસ હજારથી લઈને 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે એમ પણ કહ્યું છે જો દંડ નહીં ભરે તો વધારાની કેદને સજા તરીકે ઉમેરાશે.
શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, hanif khokhar/bbc
કોઈ ફિલ્મી કહાણીને ટક્કર મારે તેવી આ મર્ડર મિસ્ટ્રીને સમજવા માટે આપણે ફ્લૅશબેકમાં જઈએ.
21 જૂન 2022ના રોજ જૂનાગઢમાં ભૂવાનું કામ કરતા સૂરજ સોલંકી તેમના અમદાવાદના કથિત ભક્ત મિત શાહ સાથે આવી અમદાવાદના પાલડી પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે.
આ ફરિયાદમાં તેમણે લખ્યું હતું કે, 'તેમની સાથે લિવ-ઈન રિલેશનમાં રહેતી 22 વર્ષીય ધારા કડીવાર નામની યુવતી સાથે તેઓ અમદાવાદ આવ્યાં હતાં. આ યુવતી તેમના ભક્ત મિત શાહના ઘરે રોકાઈ હતી. તેમજ મિત શાહ તેમની સાથે (સૂરજ ભૂવા સાથે) હોટલમાં રોકાયા હતા અને સવારે આ યુવતી ગુમ થઈ ગઈ છે.'
અગાઉ જ્યારે સૂરજની ધરપકડ થઈ હતી તે વખતે બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરીને પાલડી પોલીસસ્ટેશનના પીએસઆઈ વી. સી. પરમારે જણાવ્યું હતું કે, "જૂનાગઢના ભૂવા સૂરજ સોલંકીએ પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, અને યુવતીને શોધવા માટે ફોટા પણ આપ્યા હતા."
પરંતુ પોલીસને શંકા હતી કે લિવ-ઈન રિલેશનમાં રહેતી હોય તો ભૂવો મના ભક્ત મિત શાહ સાથે હોટલમાં કેમ રહે અને છોકરી તેમના ભક્તના ઘરે કેમ જાય?
તેથી પોલીસે સૂરજ ભૂવા પાસે આધારકાર્ડ અને પરિવારજનોના સંપર્કો સાથેના દસ્તાવેજો માગ્યા હતા.
પોલીસે અગાઉ બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખને જણાવ્યું હતું કે બીજા દિવસે દિવસે સૂરજ ભૂવો જરૂરી કાગળિયાં લઈને પોલીસસ્ટેશન આવ્યો હતો. ત્યારે તેમના ફોન પર મૅસેજ આવ્યો અને તેણે તે મૅસેજ અમને બતાવ્યો, જે મૅસેજ ગુમ થયેલી ધારાના ફોનથી હતો.

ઇમેજ સ્રોત, Getty Images
આ મૅસેજમાં લખ્યું હતું કે, 'હું મુંબઈ આવી ગઈ છું અને સૂરજ ભૂવા સાથે રહેવા માગતી નથી.'
તેઓ ઉમેરે છે કે, "ત્યારબાદ અમે એ નંબર પર ફોન કર્યો, પરંતુ સ્વિચ ઑફ આવતો હતો. ફોનનું લોકેશન મુંબઈ જ બતાવતું હતું. એ બાદ સૂરજ ભૂવાએ અમને કહ્યું કે, એ હવે મને છોડીને જતી રહી છે, તેની વધુ તપાસ કરવામાં મને કોઈ રસ નથી, તેથી કેસ બંધ કરી દો."
અમદાવાદની પાલડી પોલીસ આ કેસ બંધ કરવાની તૈયારીમાં હતી ત્યાં ધારા કડીવારનો ભાઈ મિત કડીવારે પોલીસ સ્ટેશનમાં આવીને તેની બહેન ગુમ થઈ હોવાની ફરિયાદ કરી.
મિત કડીવારે પોલીસને કહ્યું હતું કે "તેમનાં બહેન સૂરજ ભૂવા સાથે લિવ-ઈન રિલેશનમાં રહેતાં હતાં. તે બંને વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા. ફેબ્રુઆરી 2022માં ધારા કડીવારે સૂરજ સોલંકી અને તેમના મિત્ર ગુંજન જોશી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી."
"એટલું જ નહીં આ અંગે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી પણ દાખલ કરી હતી. ત્યારબાદ ધારાએ ભૂવાની માફી માગી હતી અને ફરી તેમની સાથે રહેવા લાગ્યાં હતાં."
પોલીસે હવે તપાસ શરૂ કરી. સૂરજ ભૂવાએ કહ્યું હતું કે તેઓ જૂનાગઢથી અમદાવાદ આવ્યા હતા. તેથી પોલીસે રસ્તાના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા, ત્યારે કારમાં આગળની સીટ પર સૂરજ ભૂવા સાથે ધારા બેઠેલી દેખાતી હતી. એ કાર સૂરજ ભૂવાના ભક્ત મિત શાહના પાલડીના ઘરે આવી હતી અને તેમાંથી ધારા કડીવાર ઊતરતી દેખાઈ હતી.
ત્યારબાદ ધારા મિતના ભાઈ જિગર શાહ સાથે એ જ કપડામાં પાલડી વિસ્તારના સીસીટીવી ફૂટેજમાં દેખાઈ હતી.
અહીં પોલીસને અહીં ધારાના ભાઈ મિત કડીવાર પાસેથી એક રસપ્રદ વાત એ પણ જાણવા મળી કે, જો તેમની બહેન સૂરજ અને તેમના મિત્ર ગુંજન પરથી બળાત્કારનો કેસ પાછો ખેંચી લે, તો સૂરજે તેમને 30 લાખ આપી સમાધાન કરવાની તૈયારી બતાવી હતી.
પોલીસને શંકા ગઈ કે ભૂવો તેમની સાથે લિવ-ઈન રિલેશનમાં રહેતી યુવતી સાથે રહેવાના બદલે તેમના ભક્ત સાથે હોટલમાં કેમ રહે?
પોલીસે કેવી રીતે આખા કેસની તપાસ કરી?

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
પોલીસ ઇન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર પાલડીના સીસીટીવી અને મુંબઈ હાઈવેના ટોલનાકાના સીસીટીવીમાં પણ ધારા જેવાં કપડાં પહેરેલી યુવતી જોવા મળી હતી.
આ સાથે સૂરજના મૅસેજ જોતા પોલીસને આ બ્લાઇન્ડ કેસ લાગી રહ્યો હતો. આ બંને સવાલોના જવાબ ન મળવાના કારણે તેમણે તપાસ ચાલુ રાખી હતી.
આગળ વધુ તપાસ કરતા તેમને જાણવા મળ્યું હતું કે સૂરજનો કથિત ભક્ત મિત શાહ પાલડીમાં ખાનગી ટ્રાવેલ્સની બસો ઊપડે છે, ત્યાં ચા અને મસ્કાબનની લારી ચલાવતો હતો.
આ કેસમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાથે આવી શકે તે માટે પાલડીના પોલીસ ઇન્સ્પેક્ટરે ડીસીપી ઝોન 7ની મદદ માગી હતી. જેથી તેમને ઝડપથી સંજય અને મિત શાહની કૉલ ડિટેઇલ અને તેમના ફોનની મૂવમૅન્ટ મળી શકે.
સૂરજ ભૂવા અને મિતના ફોનની પોલીસે તપાસ શરૂ કરી, ત્યારે તેમાં નવી જ વાત જાણવા મળી.
પોલીસના કહેવા પ્રમાણે, મિત શાહ પાલડીમાં મસ્કાબનની લારી ચલાવતો હતો, પણ તેના ફોન પર ટ્રાવેલ એજન્ટ સંજય સોહલિયાના ફોન આવ્યા હતા અને આ સાથે સૂરજ પર પણ સોહલિયાના ફોન આવ્યા હતા.
ત્યારે તેમને સંજય સોહલિયાની તપાસ કરતા ખબર પડી હતી કે અમદાવાદના જીવરાજ પાર્કમાં રહેતા સંજય સોહલિયા સૂરજ ભૂવાના કૌટુંબિક સંબંધી હતા, જે દિવસે ધારા ગુમ થઈ હતી, તેના બે દિવસ પહેલાં મિત શાહે પોતાની ચા અને મસ્કાબનની લારી બંધ કરી દીધી હતી.
તેનો મોબાઇલ ફોન અમદાવાદમાં બતાવતો હતો, પરંતુ તેમના ભાઈ જુગલના ફોનનું લોકેશન જૂનાગઢ હતું. જુગલ એક શૅરબજારના દલાલના ત્યાં નોકરી કરે છે, ત્યાં તપાસ કરતા ખબર પડી કે જુગલ એ દિવસોમાં નોકરી પર હાજર હતો. દલાલની ઑફિસના સીસીટીવીમાં પણ તે જોવા મળ્યો હતો.
આ કેસમાં અજૂગતું થયું હોવાનું લાગતા ડીસીપીએ હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપરાંત ટૅકનિકલ ઇન્ટેલિજન્સને પણ કામે લગાડી દીધી હતી.
જે દિવસે ધારા જૂનાગઢથી અમદાવાદ આવવા નીકળી ત્યારે તેના ફોનનું લોકેશન ચોટીલા પાસેના વાટાવચ્છ ગામનું હતું, જ્યાં સૂરજ ભૂવાના ભાઈ યુવરાજ અને તેમના કાકા મુકેશ સોલંકી સાથે તેમના ખેતરમાં સાથે હતાં, કારણ કે તેમના ત્રણેયના મોબાઇલના લોકેશન એક જગ્યાનાં જ હતાં.
પોલીસ તપાસમાં જણાયું કે કૉલ ડેટા પ્રમાણે એક વાત સ્પષ્ટ થતી હતી કે સૂરજ ભૂવો અને તેમના મિત્રોની મૂવમૅન્ટ ધારાની હત્યાના દિવસે અને એ સમયે એવી દિશામાં હતી કે જે ધારાના ગુમ થયાના સંજોગો સાથે મળતી નહોતી.
પોલીસે મિતના ફોનનું લોકેશન કાઢ્યું, ત્યારે જાણવા મળ્યું હતું કે તે દિવસે તે સનાથલ ચાર રસ્તા પાસે હતા. જે દિવસે સૂરજ ભૂવો ધારા સાથે આવ્યો, ત્યારે તેમના સંબંધી સંજય સોહલિયાના ફોનનું લોકેશન ત્યાં હતું.
પોલીસે એવું ધારી લીધું કે સૂરજ ભૂવાના કથિત ભક્ત મિત શાહના ઘરે ધારા કડીવાર ગઈ હતી, મિતના ભાઈ જિગર અને માતા મોનાના ફોનનાં લોકેશન અને કૉલ ડિટેઇલની તપાસ કરી ત્યારે સંયોગિક પુરાવા મળ્યા હતા. જેમાં ધારાના ફોનની સાથે સૂરજ ભૂવાના કૌટુંબિક સસરા સંજય સોહલિયાના ફોનનું લોકેશન પણ મિતના ઘરનું હતું. મિતનાં માતા મોના શાહના ફોનનું લોકેશન સવારે પાલડીથી નીકળી સનાથલ ચાર રસ્તા સુધીનું હતું.
પોલીસને આ સમગ્ર ઘટનામાં તમામની કૉલ ડિટેઇલ અને ફોનનું લોકેશન જોતા એક વાત નક્કી થઈ ગઈ હતી કે આઠ જણાએ મળીને આ આખું કાવતરું રચ્યું હતું. અમે એ તમામ લોકોની એક સાથે અટકાયત કરી અને પૂછપરછ કરી હતી.
તત્કાલીન ડીસીપી પી. બી. જાડેજાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે "ગુંજન પોતે રાજકોટ હોવાની વાત કરતો હતો, પરંતુ તેના લોકેશનને લઈને મોના શાહ, સૂરજ ભૂવો અને તેમના કૌટુંબિક સસરા સંજય સોહલિયા ભાંગી પડ્યાં હતાં. તમામ નિવેદનો સૂરજ ભૂવાને સંભળાવતા છેવટે તેમણે એક વર્ષ પછી પોતાનો ગુનો કબૂલ કર્યો હતો."
જાડેજાએ વધુમાં કહ્યું હતું કે, "ધારા અને ભૂવો સોશિયલ મીડિયા દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યાં હતાં. 2021માં તેઓ ધારા કડીવાર સાથે લિવ-ઈનમાં રહેતાં હતાં. તે પોતાને માતાજીનો ભૂવો હોવાનું કહી લોકોના ઘરે માતાજીની વિધિ કરવા જતો હતો અને લોકોની સમસ્યા દૂર કરતો હોવાના દાવા કરતો હતો."
"આ સાથે તેના કૌટુંબિક સસરા સંજય સોહલિયા ટ્રાવેલ એજન્ટ હતા, તેથી તેઓ રોજ ખાનગી ટ્રાવેલ્સની બસ ઊપડે ત્યાં આવતા મિત શાહની લારી પર ચા અને મસ્કાબન ખાતા હતા. મિતને આર્થિક સમસ્યાના કારણે તે પોતાનો જમાઈ માતાજીનો ભૂવો હોવાનું કહી જૂનાગઢ લઈ ગયા હતા, જ્યાં મિત તેમના ભાઈ જિગર અને તેમનાં માતા મોના શાહ ગયાં હતાં."
આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, "એ પછી સૂરજ ભૂવો અમદાવાદ આવે ત્યારે પાલડી ઠાકોરવાસમાં મિતના ઘરે જતો અને મોનાને એવું લાગતું હતું કે તેની સમસ્યા ભૂવાની વિધિથી દૂર થઈ છે, તેથી તેમના સંબંધો વધ્યા હતા."
સૂરજ ભૂવાએ પોલીસ સામે શું કબૂલાત કરી હતી?

ઇમેજ સ્રોત, Getty Images
સૂરજ ભૂવાએ પોલીસ સમક્ષ કરેલી ગુનાની કબૂલાત વિશે ડીસીપી જાડેજાએ કહ્યું હતું કે, "તેનો સંપર્ક સોશિયલ મીડિયા દ્વારા ધારા સાથે થયો હતો. તે તેની પત્નીને છોડીને ધારા સાથે રહેતો હતો. ધારાને સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થવાનો શોખ હોવાના કારણે મોંઘાં કપડાં, ઘરેણાં માટે પૈસા લેતી હતી અને સૂરજ ભૂવો તેને પૈસા પણ આપતો હતો."
"ધારા પઝેસીવ હોવાના કારણે સૂરજ ભૂવો તેની પત્ની અને બાળકોને મળવા જાય ત્યારે તે તેની સાથે ઝઘડો કરતી હતી. તેણે બે વાર તેના કાંડાની નસ કાપી નાખી હતી. સૂરજ ભૂવો અને તેનો મિત્ર ગુંજન તેને મનાવવા જાય, ત્યારે તે ઝઘડો કરતી હતી."
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "તેણે ફેબ્રુઆરીમાં સૂરજ ભૂવા અને તેના મિત્ર ગુંજન સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી અને એક કેસ ગુજરાત હાઈકોર્ટમાં પણ કર્યો હતો, ત્યારે બંને વચ્ચે સમાધાન થયું હતું અને ફરીથી ધારા સૂરજ સાથે રહેવા લાગી હતી."
"ગુજરાત હાઈકોર્ટમાં કરેલી ફરિયાદ રદ કરવા માટે ક્વૉશિંગ પિટિશન પણ દાખલ કરવાની હતી અને સમાધાનના ભાગરૂપે ધારાને 30 લાખ આપવાની વાત થઈ હતી, પરંતુ ધારા જીદ લઈને બેઠી હતી કે સૂરજ તેની પત્નીને છોડી દે, તો તે સમાધાન કરવા તૈયાર છે."
"ગુજરાત હાઈકોર્ટમાં વકીલને મળવાના બહાને જૂનાગઢથી અમદાવાદ લાવવાની વાત થઈ હતી. 19 જૂન 2022ના રોજ જૂનાગઢથી અમદાવાદ આવવા નીકળ્યાં હતાં અને ગુંજન જોશી પહેલાંથી રાજકોટ જવા નીકળી ગયો હતો, જે દિવસે ધારાને લઈને અમદાવાદ આવવાનું હતું, તે દિવસે એ સૂરજ ભૂવાના ગામ વાટવચ્છ પહોંચી ગયો હતો, જ્યાં સૂરજનો ભાઈ યુવરાજ હાજર હતો."
"સૂરજના કાકા મુકેશ સોલંકીને પૈસા આપીને પેટ્રોલ મંગાવ્યું હતું. પોતાની મદદ માટે સૂરજે અમદાવાદથી તેના ભક્ત મિત શાહને જૂનાગઢ બોલાવ્યો હતો. જૂનાગઢથી મિત શાહ સૂરજ અને ધારા સાથે નીકળ્યો હતો. ત્યારે ચોટીલાની એક હોટલમાં જમીને રાત્રે 10 વાગ્યે સૂરજ પોતાના ગામ વાટવચ્છ ગયો હતો."
"ત્યારે ધારાએ તેને ત્યાં કેમ જઈએ છીએ, તેમ પૂછ્યું હતું. ત્યારે તેણે કહ્યું હતું કે, વકીલને જે પૈસા આપવાના છે તે લેવા જઈ રહ્યો છે. ત્યારબાદ સૂરજ તેના ભાઈ યુવરાજ અને ગુંજન જોશીને લઈને આવ્યો હતો, ત્યાં ગુંજને 30 લાખ રૂપિયા લઈ સમાધાન કરી પીછો છોડાવાની વાત કરી હતી, તેથી બંને વચ્ચે ઝઘડો થયો હતો."
"ત્યારબાદ પાછળની સીટમાં બેઠેલા મિત શાહે ધારાના દુપટ્ટાથી તેનું ગળું દબાવ્યું હતું અને ગુંજને હાથેથી ગળું દબાવીને તેને મારી નાખી હતી."
જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, "સૂરજ ભૂવાના ભક્ત અને તેના મિત્રએ ધારાને મારી નાખ્યા બાદ ધારાનાં કપડાં સૂરજ ભુવાને આપી અમદાવાદ જવા કહ્યું હતું અને પોતે સૂરજના ભાઈ સાથે તેના ખેતરમાં રોકાયો હતો અને ખેતર પાસે આવેલા એક ખાડામાં ગુંજન, યુવરાજ અને સૂરજના કાકા મુકેશ સોલંકીએ ધારાના મૃતદેહને ખાડામાં લાકડા અને પેટ્રોલ નાખી સળગાવી દીધો હતો."
બીજી બાજુ ધારાનો મૃતદેહ સળગાવ્યા પછી ગુંજન, યુવરાજ અને સૂરજ ભૂવાના કાકા મુકેશ સનાથલ ચાર રસ્તા પર ધારાનો ફોન લઈ સ્વિચ ઑફ કરી દીધો હતો અને તે સ્વિફ્ટ કારમાં મુંબઈ જવા નીકળી ગયા હતા અને મુંબઈ જઈ ધારાનો ફોન ચાલુ કરી તેના નંબર પરથી 'હું સૂરજ ભૂવા સાથે રહેવા માગતી નથી અને બીજે ચાલી જાઉં છું, પોલીસમાં ફરિયાદ ના કરશો.'
એવો મૅસેજ કર્યો હતો અને ત્યારબાદ ફોન તોડી નાખ્યો હતો અને તેનું સિમ કાર્ડ ખાડીમાં નાખી દીધું હતું, તેથી ધારા ભાગી ગઈ છે એવું સાબિત થતું હતું.
તેમની ટેલિફોનની કૉલ ડિટેલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ધરપકડ કરાઈ હતી. આ તમામનો ફોરેન્સિક લૅબમાં ડીટેક્શન ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો હતો.
(આત્મહત્યા એક ગંભીર માનસિક અને સામાજિક સમસ્યા છે. જો તમે પણ તણાવનો સામનો કરી રહ્યા હો, તો તમે ભારત સરકારની જીવન સાથી હેલ્પલાઇન 18002333330 દ્વારા મદદ મેળવી શકો છો. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ આ વિશે વાત કરવી જોઈએ.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























