You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રામમંદિરમાં ચોરી : 'છેલ્લાં પાંચ વર્ષથી ચોરી થઈ રહી છે, ચંપત રાયે કંઈ કર્યું નહીં, યોગી પણ ચૂપ રહ્યા'
- લેેખક, રજનીશકુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
રામમંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મોટા ભાગના સભ્યો આરએસેસ તથા વિહિપ (વીએચપી)ના છે.
મહીપાલસિંહ જાન્યુઆરી, 2021થી મે, 2022 સુધી રામમંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના એકાઉન્ટ્સ ઇનચાર્જ હતા.
મહીપાલસિંહે પત્રકાર અભિષેક ઉપાધ્યાયને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેઓ પોલીસ સ્ટેશનના ગણતરી કેન્દ્ર (કાઉન્ટિંગ સેન્ટર) પર ફરજ બજાવતા હતા, જ્યાં રામમંદિર માટે ભેટ-સોગાદો પેટે મળેલી રોકડ-રકમની ગણતરી કરાઈ હતી.
મહીપાલસિંહે અભિષેક ઉપાધ્યાયને જણાવ્યા અનુસાર, "બૅન્કના બે અધિકારીઓ - રત્નેશ ચતુર્વેદી અને ગગનદીપ ત્યાં આવતા હતા. ચૌદ છોકરા નોટોને અલગ કરતા હતા અને હું ઇનચાર્જ હતો. નોટોની ગણતરી મારી સામે જ થતી હતી. પણ તે છોકરા રોજ વધુ નોટો પેક કરતા અને વાઉચર ઉપર ઓછી રકમ લખીને તેને લઈ જતા. શરૂઆતમાં એ તરફ મારું ધ્યાન ન ગયું, પણ પછીથી મને સમજાયું કે, તેઓ વાઉચર ઉપર નોટોના બંડલની સંખ્યા ઓછી નોંધતા હતા અને વધુ રકમ લઈ જતા હતા."
મહીપાલસિંહે વધુમાં કહ્યું હતું, "એક દિવસ, મને શંકા ગઈ અને મેં બૉક્સ ખોલાવ્યું. તેઓ વધારાના પાંચ લાખ રૂપિયા લઈ જઈ રહ્યા હતા. મેં ગોપાલ રાવ અને ચંપત રાય ભાઈજીને આ વિશે જાણ કરી. આ બનાવ ડિસેમ્બર, 2021માં બન્યો હતો. પણ મારી ફરિયાદનું પરિણામ એ આવ્યું કે અનિલ મિશ્રા (ટ્રસ્ટી)એ મારી જગ્યાએ બીજી વ્યક્તિની નિમણૂક કરી દીધી. તે પછી મેં ત્યાં જવાનું બંધ કરી દીધું."
તેમણે આગળ કહ્યું હતું, "ચંપત રાયનો ડ્રાઇવર ટીનુ યાદવ વાઉચર ઉપર સહી કરતો અને તેમાં જ હેરફેર કરવામાં આવતી હતી. ચંપત રાયને ટીનુ યાદવ ઉપર ભારે વિશ્વાસ હતો અને તેના વિરુદ્ધ કોઈ ફરિયાદ સાંભળવા માગતા નહોતા. સીસીટીવી ફૂટેજ પણ ડિલીટ કરી દેવામાં આવ્યું હતું. આઠ મહિનાનું સીસીટીવી ફૂટેજ ડિલીટ કરી દેવાયું હતું. મેં આ સમગ્ર ઘટના રામમંદિર તીર્થ ક્ષેત્રના આજીવન ટ્રસ્ટી દીનેન્દ્ર દાસજીને જણાવી, ત્યારે તેમણે કહ્યું કે, ભગવાન રામ થોડા જ સમયમાં તેમને સજા આપશે."
ચંપત રાયની ભૂમિકાને લઈને ઊઠી રહેલા સવાલો
અત્યાર સુધીમાં આ કેસમાં આઠ લોકોની ધરપકડ થઈ ચૂકી છે. આ આઠ લોકોમાં મહીપાલસિંહ જે ટીનુ યાદવનું નામ આપી રહ્યા છે, તેનો પણ સમાવેશ થાય છે. રામમંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં ચંપત રાય સહિત મોટા ભાગે આરએસએસ તથા વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી)ની પૃષ્ઠભૂમિ ધરાવનારા લોકોનો સમાવેશ થાય છે.
ચંપત રાય આરએસએસના પ્રચારક છે અને પછીથી તેમણે વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી)ના જનરલ સેક્રેટરી તરીકે સેવા બજાવી હતી. 2018માં ચંપત રાય વીએચપીના આંતરરાષ્ટ્રીય ઉપ-પ્રમુખ બન્યા હતા. જ્યારે ચઢાવાની કથિત ચોરીની વિગતો સામે આવી, તે સમયે ચંપત રાય ટ્રસ્ટના જનરલ સેક્રેટરી હતા અને ટ્રસ્ટની અંદર તેમનો ઘણો પ્રભાવ હતો. વિગતો સપાટી પર આવ્યા પછી ચંપત રાયે ટ્રસ્ટમાંથી રાજીનામું આપી દીધું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અનિલ મિશ્રા પણ આ ટ્રસ્ટના સભ્ય હતા અને ઉચાપતની ઘટના સામે આવ્યા પછી તેમણે રાજીનામું આપી દીધું. મિશ્રા ઉત્તર પ્રદેશના અવધ પ્રદેશમાં આરએસએસના પ્રાંતીય કો-વર્કિંગ પ્રેસિડેન્ટ છે.
મહીપાલસિંહ એવો દાવો કરે છે કે, તેમણે આ ઉચાપત વિશે રામમંદિર દર્શનના ઇનચાર્જ ગોપાલ રાવને પણ જાણ કરી હતી. ગોપાલ રાવ આરએસએસના હોદ્દેદાર તથા વીએચપીના સેક્રેટરી તરીકે પણ સેવા બજાવી ચૂક્યા છે.
આ સમગ્ર મામલામાં આરએસએસ તથા વીએચપીની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે, કારણ કે બંને સંગઠનો નૈતિકતાના ઉચ્ચ માપદંડોનાં સમર્થક છે. મેં વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખ આલોકકુમારને પૂછ્યું હતું કે, આરએસએસ તથા વીએચપીના અધિકારીઓની હાજરીમાં દાનની રકમની ગણતરી કેવી રીતે કરવામાં આવતી હતી? અને, આ ચોરીએ બંને સંગઠનોની છબિને કેવી રીતે પ્રભાવિત કરી છે?
આલોકકુમારે તેનો જવાબ આપ્યો હતો, "અયોધ્યામાં મંદિરના દાનની ચોરી દુર્ભાગ્યપૂર્ણ છે. તેના કારણે અમને સૌને ઊંડું દુઃખ થયું છે. વિશ્વભરના હિંદુઓને આ ઘટનાથી ભારે આઘાત લાગ્યો છે. અમારું માનવું છે કે, તેનું પ્રાયશ્ચિત થવું જોઈએ. પોલીસે આ તપાસ ઝડપભેર હાથ ધરવી જોઈએ. જો કોઈ અગ્રણી વ્યક્તિઓની આમાં સંડોવણી હોય, તો તેમને છોડવા જોઈએ નહીં. આ કેસ ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં ચાલવો જોઈએ અને અપરાધીઓને ચારથી પાંચ મહિનાની અંદર સજા મળવી જોઈએ. જ્યારે ડર કે દયા રાખ્યા વિના તપાસ હાથ ધરવામાં આવશે, ત્યારે જ પ્રાયશ્ચિત પૂરું થશે."
આરએસએસ પર સવાલ
ભાજપને સત્તામાં લાવવામાં રામજન્મભૂમિ આંદોલને નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. એટલું જ નહીં, આ આંદોલન આરએસએસ અને તેની સાથે સંલગ્ન સંગઠનોને પણ મુખ્ય પ્રવાહમાં લાવ્યું હતું. જોકે, દાનની ચોરી થયાના બનાવે આ સંગઠનોની વિશ્વસનીયતા અને પ્રામાણિકતા સામે ગંભીર સવાલો કર્યા છે. ચંપત રાય વિરુદ્ધ એફઆઇઆર શા માટે દાખલ ન કરવામાં આવી?
જ્યારે આરએસએસના સહ-પ્રચારક પ્રમુખ નરેન્દ્ર ઠાકુર સમક્ષ આ પ્રશ્ન કરવામાં આવ્યો, ત્યારે તેમણે કહ્યું, "અમે હજી સત્તાવાર રીતે કશું કહ્યું નથી. એ સાચું છે કે, ચંપત રાય આરએસએસના પ્રચારક છે. આ મામલે અમે સત્તાવાર નિવેદન આપીશું, ત્યારે તમને જાણ થઈ જશે."
ઉપરોક્ત સવાલનો જવાબ આપતાં વીએચપીના આંતરરાષ્ટ્રીય પ્રમુખ આલોકકુમારે બીબીસી હિંદીને જણાવ્યા અનુસાર, "અગ્રણી વ્યક્તિઓ સામે પણ તપાસ થવી જોઈએ. અમારા તરફથી કોઈ દબાણ નથી. પોલીસે સ્વતંત્ર તપાસ હાથ ધરવી જોઈએ."
મહીપાલસિંહે દાવો કર્યો છે કે, ચઢાવાની ચોરી 2021થી થતી આવી છે. ચઢાવાનું વ્યવસ્થાપન રામમંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ આ ટ્રસ્ટના સભ્ય નથી, પરંતુ અયોધ્યાના જિલ્લા મૅજિસ્ટ્રેટ તેના સભ્ય છે અને ઉત્તર પ્રદેશ સરકારના પ્રતિનિધિ સંજય પ્રસાદ પણ ટ્રસ્ટી છે.
આના પરથી એવો સવાલ થાય છેઃ શું મુખ્ય મંત્રી આ ગેરરીતિથી અજાણ હતા? વરિષ્ઠ પત્રકાર અને યોગી આદિત્યનાથ પરના એક પુસ્તકના લેખક શરત પ્રધાન જણાવે છે કે, મુખ્ય મંત્રી અજાણ હોય, એ અશક્ય લાગે છે.
શું યોગી આદિત્યનાથને જાણ ન હતી?
શરત પ્રધાન કહે છે, "શું અયોધ્યાના ડીએમ તથા સંજય પ્રસાદે તેમને કદીયે નહોતું જણાવ્યું? મુખ્ય મંત્રી દર અઠવાડિયે અયોધ્યા આવે છે અને તેમનું ધ્યાન સુધ્ધાં ન ગયું? એ સાચું કે ચંપત રાય અને યોગીને એકબીજા સાથે બનતું નથી. યોગી સ્વયં ટ્રસ્ટમાં સામેલ થવા માગતા હતા, પણ તેમનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો."
"યોગીને ટ્રસ્ટમાંથી બહાર રાખવામાં ચંપત રાયે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. યોગી આરએસએસ કે વીએચપી, એકેયનું બેકગ્રાઉન્ડ ધરાવતા નથી. તેમના ગુરુઓ - મહંત દિગ્વિજયનાથ અને અવૈદ્યનાથ રામજન્મભૂમિ આંદોલનમાં સામેલ હતા. યોગી પણ સામેલ હતા. આથી, તેમનું પણ માનવું હતું કે ટ્રસ્ટમાં સામેલ થવાનો તેમને અધિકાર છે, પણ ચંપત રાયે આમ ન થવા દીધું."
શરત પ્રધાન કહે છે, "યોગી, આરએસએસ તથા ભાજપ આ મામલે વિભાજિત થઈ ગયા છે. કેન્દ્ર સરકાર કોઈ પણ ભોગે ચંપત રાયને બચાવવા માગે છે. યોગી પણ ઇચ્છે છે કે, ચંપત રાય રહે. આ બંને વચ્ચે લાંબા સમયથી મતભેદો છે. ટ્રસ્ટની રચના થઈ, એ દિવસથી જ ચંપત રાયને યોગી સાથે બનતું નથી. એ પણ શક્ય છે કે, ચંપત રાયે ટ્રસ્ટમાં યોગીને સામેલ થતા અટકાવ્યા હોય. આરએસએસ પણ ચંપત રાયને બચાવવાની કોશિશ કરી રહ્યો છે. ચંપત રાયમાં ભારોભાર અહંકાર છે અને આ બાજુ યોગીને પણ ઘણો અહમ છે. આમ, આ હવે બંને વચ્ચેના અહમની લડાઈ પણ બની ગઈ છે."
જોકે, આલોકકુમાર આ સમગ્ર મામલાને લઈ યોગી, ભાજપ, વીએચપી અને આરએસએસ વચ્ચે સંઘર્ષની સ્થિતિ પ્રવર્તતી હોવાના આક્ષેપોને નકારે છે. તેઓ કહે છે, "અમે સૌ એક જ પરિવારના સભ્યો છીએ. ટ્રસ્ટે સ્વયં એસઆઇટીની રચનાની માગણી કરી હતી અને રાજ્ય સરકારે તરત જ તેમ કર્યું હતું."
મહીપાલસિંહનો ઇન્ટરવ્યૂ લેનારા અભિષેક ઉપાધ્યાય કહે છે કે, આ મામલાની ટ્રસ્ટને વર્ષોથી જાણ હતી, પણ દરેકે આ ગેરરીતિ થવા દીધી હતી.
અભિષેક ઉપાધ્યાય આગળ કહે છે, "જ્યારે મેં મહીપાલસિંહનો ઇન્ટરવ્યૂ લીધો, ત્યારે તેમણે એક દિવસ પછી મને ફોન કર્યો અને મને વીડિયો દૂર કરી દેવા કહ્યું, પણ મેં ઇનકાર કરી દીધો. તેમના પર અતિશય દબાણ હતું. બે અઠવાડિયા પહેલાં સુધી હું વારે-ઘડીએ તેમની સાથે વાત કરી શકતો હતો, પણ હવે તેમનો મોબાઇલ કાયમ બંધ જ આવે છે."
મેં પણ મહીપાલસિંહને ફોન કર્યો હતો, પણ તેમનો મોબાઇલ બંધ આવતો હતો.
આરએસએસની વિશ્વસનીયતાને નુકસાન?
અભિષેક કહે છે, "એ સાચું છે કે, આ સમગ્ર મામલામાં જો કોઈ સૌથી વધુ મુશ્કેલીની સ્થિતિમાં મુકાયું હોય, તો તે આરએસએસ છે. આ પ્રકરણે આરએસએસ જનતાને જે સાદગી અને પ્રામાણિકતાનો ઉપદેશ આપે છે, તેની સામે પ્રશ્નાર્થ કરી દીધો છે. નોંધનીય છે કે આ સમગ્ર મામલો લોકો સામે ઉઘાડો પાડનારા મહીપાલસિંહ પણ આરએસએસમાંથી જ આવે છે."
22મી જાન્યુઆરી, 2024ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાની વિધિ કરાવી હતી અને અનિલ મિશ્રાએ સમગ્ર વિધિ પાર પાડી હતી. ચઢાવાની કથિત ચોરીને પગલે મિશ્રાની ભૂમિકા સામે પણ શંકા સેવાઈ રહી છે.
વરિષ્ઠ પત્રકાર સુનીતા એરોન કહે છે કે, આખા પ્રકરણમાં વિશ્વ હિંદુ પરિષદ અને આરએસએસ માટે સૌથી વધુ નીચાજોણું થયું છે. તેઓ કહે છે, "મુખ્ય મંત્રી આરએસએસ અને વીએચપી જેટલી શરમજનક સ્થિતિમાં નથી મુકાયા, પણ જ્યારે મુખ્ય મંત્રી એમ કહે છે કે, તેઓ ભ્રષ્ટાચારને સાંખી નહીં લે, ત્યારે તેમના શિરે પણ જવાબદારી આવે છે."
સુનીતા આગળ કહે છે, "જુઓ, ચંપત રાયની નજીકના લોકો કહે છે કે, તેઓ અહંકારી છે. યોગી વિશે પણ આવું જ કહેવાય છે. આ સ્થિતિમાં બંને વચ્ચે અહમનો ટકરાવ થવો સ્વાભાવિક છે. મેં એમ પણ સાંભળ્યું છે કે, બંને વચ્ચે અણબનાવ હતો. સંતોષ દુબે જેવા કારસેવકોએ પણ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. હું માનું છું કે, મુખ્ય મંત્રી તથા વડા પ્રધાન આ મામલે આકરું વલણ અપનાવશે, કારણ કે જ્યાં સુધી મોટી માછલીઓ ઝડપાશે નહીં, ત્યાં સુધી કોઈને વિશ્વાસ નહીં બેસે. આ મુદ્દા પર પડદો પાડવો એટલો સરળ નહીં હોય."
હિંદુત્વ અને તેના સમર્થકો હવે કદાચ એ તીક્ષ્ણ સવાલોથી અસહજતા અનુભવી શકે છે કે, તેમના નાક નીચે આટલું બધું કેવી રીતે થઈ ગયું.
અર્થાત્, કોણ-કોણ ગેરરીતિથી વાકેફ હતું અને કઈ હદે, પછી ભલે ઉચાપતમાં તેમની સીધી સંડોવણી ન હોય.
ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષના પ્રારંભમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે, ત્યારે તપાસને ઝડપથી પૂરી કરીને ગુનેગારોની ઓળખ કરવી અને તેમની સામે કાર્યવાહી કરવી ભાજપ માટે અત્યંત અગત્યનું રહેશે.
વીએચપીના ઘણા સભ્યો અને રામમંદિરના આંદોલન સાથે લાંબા સમય સુધી સંકળાયેલા લોકો ટ્રસ્ટમાં સામેલ છે.
મેં વીએચપીના જૉઇન્ટ જનરલ સેક્રેટરી સુરેન્દ્ર જૈનને પૂછ્યું હતું કે, ઘણા લોકો એવો આરોપ લગાવી રહ્યા છે કે, ચંપત રાયને ઈરાદાપૂર્વક બચાવાઈ રહ્યા છે.
તેના જવાબમાં તેમણે કહ્યું હતું, "ચંપતજીની જવાબદારી કેટલી હતી, તે તપાસ પછી જ જાણી શકાશે. તેમને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા, આથી જ તેમણે રાજીનામું આપી દીધું. કેટલાક લોકો ઇચ્છે છે કે, ચંપત રાય દેખાય, ત્યાં જ ગોળી મારી દેવાય, પણ એ સંભવ નથી. તેઓ દોષિત સાબિત થાય, પછી જ તેમને સજા કરવામાં આવશે."
સુરેન્દ્ર જૈનનું માનવું છે કે, આ કેસથી આરએસએસ અને વીએચપી તરફની લોકોની શંકા નહીં વધે. જૈન કહે છે, "હું સ્વીકારું છું કે, ભૂલ થઈ છે, પણ તપાસ બાદ સજા પણ ફટકારાશે."
સમાજવાદી પાર્ટીના અયોધ્યાના ભૂતપૂર્વ ધારાસભ્ય પવન પાંડેએ આક્ષેપ કર્યો છે કે, એસઆઇટી સાચા ગુનેગારોને ઝડપી લેવા માટે નહીં, બલકે લોકોને બચાવવા માટે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું, "મુખ્ય મંત્રીએ ટ્રસ્ટની વિનંતી પર એસઆઇટીની રચના કરી હતી. જેમની સામે સૌથી વધુ આરોપો લગાવાયા છે, તેમનાં નામ જણાવાયાં નથી. છેલ્લાં પાંચ વર્ષથી ચોરી ચાલી રહી છે અને અમે રોજે-રોજ આ મુદ્દો ઉઠાવ્યો હતો, પણ ચંપત રાયે કંઈ કર્યું નહીં. યોગી પણ ચૂપ રહ્યા."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન