ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ ઘરે ગયેલા સુરતના પરપ્રાંતીય શ્રમિકો કેમ હજી પાછા નથી આવતા?

ઇમેજ સ્રોત, UCC
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે ભારતમાં જે ઉદ્યોગોને ફટકો લાગ્યો હતો તેમાં સુરતનો ટેક્સ્ટાઇલ ઉદ્યોગ પણ સામેલ છે.
યુદ્ધના કારણે રૉ મટિરિયલનો ભાવ વધી ગયો, ગૅસનો સપ્લાય ખોરવાયો અને મોંઘા ભાવે આયાતી કોલસો ખરીદવાની ફરજ પડી. આ ઉપરાંત બજારમાં ડિમાન્ડ ઘટવાના કારણે કારખાનામાં શિફ્ટ ઘટાડવી પડી હતી.
સુરતમાં એલપીજી ગૅસના સિલન્ડર ન મળવાના કારણે માર્ચ અને એપ્રિલ મહિનામાં લાખો પરપ્રાંતીય કામદારો પોતાના વતન ચાલ્યા ગયા હતા, જેમાંથી મોટા ભાગના હજુ પાછા નથી આવ્યા.
ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ મુજબ સુરતમાં લગભગ 400 ટેક્સ્ટાઇલ પ્રોસેસિંગ યુનિટ છે જેમાં 6 લાખથી વધારે પાવરલૂમ ઑપરેટ થાય છે અને 12થી 14 લાખ લોકોને આ ઉદ્યોગમાં રોજગારી મળે છે.
હાલમાં ગૅસ સપ્લાયના મામલે થોડી સ્થિરતા આવી છે, પરંતુ કામદારો મળતા નથી અને કોલસાનો ભાવ ઊંચો છે. આ તમામ પ્રશ્નોથી ટેક્સ્ટાઇલ ઉદ્યોગ પરેશાન છે.
બીબીસીએ ટેક્સ્ટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો સાથે વાત કરીને હાલની પરિસ્થિતિ જાણવા પ્રયાસ કર્યો હતો.
સુરતમાં બજારમાં મંદી અને મોંઘવારીનો કેવો માર પડ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
ઈરાન યુદ્ધ શરૂ થવાની સાથે જ હોર્મુઝ સામુદ્રધુની બંધ કરવામાં આવી ત્યારે સીધી અસર મોરબી અને સુરત જેવાં શહેરો પર પડી હતી.
મોરબીમાં ગૅસ ન મળવાથી સિરામિક ઉદ્યોગ ઠપ થઈ ગયો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેવી જ રીતે સુરતમાં પણ કામદારો માટે કામ ઘટી ગયું અને રાંધણગૅસ મળતો બંધ થયો ત્યારે ઉધના સ્ટેશનેથી કામદારોથી ભરચક ભરેલી ટ્રેનો ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા જવા લાગી હતી.
સાઉથ ગુજરાત ટેક્સ્ટાઇલ પ્રોસેસર્સ ઍસોસિયેશનના પ્રમુખ જીતુભાઈ વખારિયાએ કહ્યું કે, "જે મજૂરો માર્ચ અને એપ્રિલમાં પોતાના વતન જતા રહ્યા હતા, તેઓ હજુ પણ પાછા નથી આવ્યા."
"સુરતમાં તેમને રહેઠાણનો ખર્ચ સૌથી વધારે પરેશાન કરે છે અને મોંઘવારી વધી ગઈ છે જેના કારણે તેઓ બચત કરીને પોતાના વતન મોકલી શકતા નથી. આ ઉપરાંત હાલમાં શ્રમિકોએ પોતાના વતનમાં પણ કામ શોધી લીધું છે."
તેઓ કહે છે કે, "હવે ગૅસનો સપ્લાય ઘણા અંશે સામાન્ય થયો છે, પરંતુ તેના ભાવ વધી ગયા છે. બીજી તરફ બજારમાં મંદીનો માહોલ છે. લોકોની આવક નથી વધી તેના કારણે ખરીદશક્તિ ઘટી ગઈ."
"આર્થિક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને લોકોએ કાપડ ઉદ્યોગમાં ખરીદી ઘટાડી દીધી છે.
સુરતની સચીન જીઆઇડીસીમાં સાડીઓનું કારખાનું ધરાવતા જય કણસાગરાએ જણાવ્યું કે, "અમારા કારખાનામાં કૉમર્શિયલ એલપીજીનો ઉપયોગ થાય છે."
"ચાર મહિના અગાઉ જે સિલિન્ડરનો ભાવ 1500થી 1700 આસપાસ હતો તે હવે 3800 રૂપિયાથી પણ વધારે ભાવે ખરીદવો પડે છે."
"કામદારોની અછતના કારણે અમારે શિફ્ટ ઘટાડી દેવી પડી છે, જે કારખાનાં બે પાળીમાં ચાલતાં હતાં તેઓ એક પાળીમાં કામ કરવા લાગ્યાં છે."
કારખાનાં માલિકોને ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ પછી સ્થિતિ સામાન્ય થવાની આશા હતી.
જોકે હાલમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે યુદ્ધવિરામ ખતમ થઈ ગયું છે અને ફરીથી ઈરાન તથા અમેરિકાએ એક બીજા પર હુમલા શરૂ કર્યા છે.
કણસાગરા કહે છે કે, "સુરતમાં ટેક્સ્ટાઇલ ઉદ્યોગમાં શ્રમિકો દૈનિક 600થી 700 રૂપિયા મજૂરી મેળવે છે જ્યારે કુશળ કારીગરને દૈનિક 1000થી 1400 રૂપિયા વેતન ચૂકવાય છે".
તેમના કહેવા પ્રમાણે અત્યારે ઍમ્બ્રૉઇડરી અને સાડી ઉદ્યોગમાં ડિમાન્ડ એટલી બધી ઘટી ગઈ છે કે ટકી રહેવું મુશ્કેલ છે.
સુરતમાં કામદારોને 'મકાનનાં ભાડાં પણ પોસાતાં નથી'

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
કામદારો સુરત પાછા આવવા નથી માગતા તેનું એક મોટું કારણ મોંઘવારી અને મકાનનાં ભાડાં પણ છે.
પાંડેસરાના એક ટેક્સ્ટાઇલ કારખાનામાં કામ કરતા બદરીનાથ નામના યુવાને જણાવ્યું કે તેની સાથે કામ કરતા ઘણા લોકો માર્ચ મહિનામાં જ પોતાના વતન જતા રહ્યા હતા જેઓ હજુ પાછા નથી આવ્યા.
બદરીનાથ અનુસાર સુરતમાં પહેલાં જેટલું કામ નથી તેથી દૈનિક મજૂરી પર કામ કરનારાઓની આવક ઘટી ગઈ છે.
તેઓ કહે છે કે યુદ્ધ પછી મોંઘવારી વધી ગઈ હોવાથી મકાનોનાં ભાડાં ચૂકવવાં પોસાતાં નથી. ચીજવસ્તુઓના જે ભાવ ચાલે છે તેમાં પગાર અપૂરતો પડે છે તેથી મજૂરો હમણાં સુરત ન આવવાનું વિચારે છે.
બદરીનાથે એમ પણ કહ્યું કે, "હાલમાં અમારા વતનમાં પણ ખેતીની સિઝન છે તેથી તેમને ખેતરોમાં કામ મળી રહે છે. કદાચ એકાદ મહિના પછી તેઓ પાછા આવવાનું વિચારશે."
સુરતના ઉધના વિસ્તારની એક ફૅક્ટરીમાં કામ કરતા મુરલી યાદવ નામના કામદારે જણાવ્યું કે "સુરતમાં હવે તેમણે પહેલાં કરતા દોઢ ગણા ભાવે ગૅસ ખરીદવો પડે છે અને મકાનોનાં ભાડાં પણ પોસાતાં નથી."
"સાવ ખરાબ હાલતમાં હોય તેવા મકાન માટે પણ મહિને ત્રણથી પાંચ હજાર રૂપિયા ભાડું વસૂલવામાં આવે છે જે મજૂરોને પોસાય તેમ નથી."
"કારખાનાં તરફથી રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવે તો જે લોકો પોતાના વતન ચાલ્યા ગયા છે, તેઓ કદાચ પાછા આવવાનું વિચારી શકે."
જીતુભાઈ કહે છે કે, "યુપી, બિહાર, ઓડિશા ગયેલા કામદારોને ત્યાંની સરકારો દ્વારા અનાજ અને બીજી આર્થિક સહાય કરવામાં આવે છે, તેથી તેઓ ખેતીની સીઝન પૂરી થાય ત્યાં સુધી પોતાના વતનમાં જ રોકાય તેવી શક્યતા છે."
"આ ઉપરાંત અહીં તેમને કામ મળી રહે એટલી ડિમાન્ડ સર્જાય એ પણ જરૂરી છે."
સુરતના કામદારો શું હવે પાછા નહીં આવે?

ઇમેજ સ્રોત, Getty Images
સુરતના પાંડેસરા વિસ્તારમાં ડાઇંગ અને પ્રિન્ટિંગ મિલ ધરાવતા કમલ વિજય તુલસીયને બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, "યુદ્ધ પછી કેમિકલ અને જરૂરી કલરનો સપ્લાય શરૂ થયો છે, પરંતુ લેબરની અછત જોવા મળી રહી છે."
તેની પાછળનાં કારણો જણાવતાં તેમણે કહ્યું કે "ગૅસનો સપ્લાય નહીં મળે તેવા ડરથી મોટા ભાગના કામદારો પોતાના વતન જતા રહ્યા હતા."
"કામદારોને પોતાના વતનમાં થોડું ઘણું કામ મળી જાય છે આ ઉપરાંત ત્યાં વાવણીની સિઝન ચાલે છે તેથી વાવણી પૂરી થયા પછી જ સુરત આવશે તેવું લાગે છે."
તેઓ પણ કહે છે કે કામદારો માટે સુરતમાં પોસાય તેવા ભાવે રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવે તો તેમને ઘણી રાહત મળશે, કારણ કે મજૂરોની કમાણીનો મોટા ભાગનો હિસ્સો મકાનનું ભાડું ભરવામાં જતો રહે તો દેખીતી રીતે જ તેઓ સુરતમાં રહેવાનું પસંદ નહીં કરે."
તેઓ કહે છે કે સરકાર જમીન આપે તો "અમારું ઍસોસિયેશન મજૂરો માટે મકાનો બાંધી આપવા તૈયાર છે."
કમલ વિજય તુલસીયને જણાવ્યું કે "ટેક્સ્ટાઇલ ઉદ્યોગમાં કામદારોને તેમની કુશળતા પ્રમાણે મહિને 20થી 40 હજાર રૂપિયાનો પગાર આપવામાં આવે છે."
યુદ્ધ વખતે અઠવાડિયાંમાં બેથી ત્રણ દિવસ સુધી કારખાનાં બંધ રહેતાં તેના કારણે કામદારોને વેતન મળતું ન હતું. હવે તેમને પરત લાવવામાં મુશ્કેલી નડી રહી છે.
કોલસાનો ભાવ દોઢ ગણો થયો તેથી સુરતના કારખાનાંની મુશ્કેલીઓ વધી

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
ટેક્સ્ટાઇલ ઉદ્યોગને પરેશાન કરતું એક પરિબળ કોલસાના ઊંચા ભાવ અને ઉદ્યોગોને અપાતા ટ્રીટેડ પાણીનો ભાવવધારો પણ છે.
સાઉથ ગુજરાત ટેક્સ્ટાઇલ પ્રોસેસર્સ ઍસોસિયેશનના જીતુભાઈ વખારિયાએ કહ્યું કે, "યુદ્ધ પછી કોલસાનો ભાવ 40થી 50 ટકા જેટલો વધી ગયો છે."
"અમને લિગ્નાઇટનો જે સપ્લાય મળવો જોઈએ તે નથી મળતો જેના કારણે મોંઘો આયાતી કોલસો ખરીદવો પડે છે."
કમલ વિજય તુલસીયને જણાવ્યું કે, "કોલસાનો ભાવ અગાઉ 5000 રૂપિયામાં એક ટન કોલસો મળતો હતો જેનો ભાવ વધીને હવે આઠ હજાર રૂપિયા સુધી પહોંચી ગયો છે."
આગામી મહિનાઓમાં જન્માષ્ટમી, રક્ષાબંધનના તહેવારો આવશે જે દિવાળી સુધી ચાલુ રહેશે, ત્યારે ડિમાન્ડ ઊંચકાય તેવી ઉદ્યોગને અપેક્ષા છે.
આ ઉપરાંત સુરતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા પ્રશ્નો પણ છે.
જીતુભાઈ વખારિયાએ કહ્યું કે, "સુરતમાં પાવર સપ્લાય વારંવાર ખોરવાય છે જેના કારણે માલમાં નુકસાની આવે છે અને ઉત્પાદન ખર્ચ વધે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























