ભારતમાં આ વર્ષે વહેલું શરૂ થશે ચોમાસું, હવામાન વિભાગે જાહેર કરી તારીખ, ગુજરાતમાં ક્યારે પહોંચી શકે?

ઇમેજ સ્રોત, Getty Images
હવામાન વિભાગે ભારતમાં ચોમાસું બેસવાની તારીખની જાહેરાત કરી દીધી છે. આ વર્ષે પણ ચોમાસું તેના સમય કરતાં વહેલું શરૂ થાય તેવી શક્યતા છે.
હવામાન વિભાગ પ્રમાણે આ વર્ષે કેરળમાં 26 મેના રોજ ચોમાસાની શરૂઆત થવાની શક્યતા છે. જેમાં ચાર દિવસ આગળ પાછળ થઈ શકે છે.
કેરળમાં ચોમાસું શરૂ થવાની તારીખ 1 જૂન હોય છે પરંતુ આ વર્ષે ચોમાસું દેશમાં વહેલું શરૂ થવાની જાહેરાત હવામાન વિભાગે કરી છે.
હાલની સ્થિતિ મુજબ ચોમાસું ઝડપથી આગળ વધે તેના માટેની તમામ પરિસ્થિતિ અનુકૂળ છે અને જો સ્થિતિ આ જ પ્રમાણે રહી તો ગુજરાતમાં પણ ચોમાસું વહેલું શરૂ થઈ શકે છે.
ચોમાસું સૌથી પહેલાં આંદામાન - નિકોબારના ટાપુઓ પર પહોંચે છે અને તે બાદ તે આગળ વધીને કેરળ પર પહોંચે છે.
હાલ ચોમાસું ક્યાં પહોંચ્યું અને ગુજરાતમાં ક્યારે આવશે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં સૌપ્રથમ ચોમાસાની ઍન્ટ્રી આંદામાન અને નિકોબારના ટાપુઓ પર થાય છે, જે સાથે જ તે બંગાળની ખાડીમાં પણ પ્રવેશ કરે છે. જે બાદ ચોમાસું આગળ વધે છે અને હિંદ મહાસાગરમાંથી થઈને અરબી સમુદ્રમાં પહોંચે છે.
અરબી સમુદ્રમાં ચોમાસું પહોંચ્યા બાદ તે કેરળમાં તેનું આગમાન થાય છે, કેરળમાં ચોમાસાની શરૂઆતની જાહેરાત કરવામાં આવે ત્યારે જ અધિકારીક રીતે ભારતમાં ચોમાસાની શરૂઆત ગણાય છે.
હવામાન વિભાગ પ્રમાણે આગામી 24 કલાકની અંદર ચોમાસું આંદામાન-નિકોબારના ટાપુ, આંદામાન સાગર અને દક્ષિણ બંગાળની ખાડીમાં પહોંચી જાય તેવી અનુકૂળ પરિસ્થિતિઓ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલ બંગાળની ખાડીમાં એક વેલમાર્કડ લો-પ્રેશર એરિયા બનેલો છે અને એના કારણે ચોમાસાને મદદ મળી રહી છે. હવામાન વિભાગ પ્રમાણે હવે આ સિસ્ટમ વધારે મજબૂત બને તેવી શક્યતા નથી.
હાલની સ્થિતિ અને હવામાન વિભાગની જાહેરાત પ્રમાણે કેરળમાં ચોમાસું વહેલું શરૂ થઈ શકે છે. જે બાદ જો સ્થિતિ અનુકૂળ રહી અને ચોમાસું તેની નિર્ધારિત ગતિથી આગળ વધે તો ગુજરાતમાં પણ તેનું વહેલું આગામાન થઈ શકે છે.
જોકે, કેરળમાં ચોમાસું પહોંચ્યા બાદ અને એ બાદ કેવી સ્થિતિઓ રહે છે તે બાદ જ ખરેખર નક્કી થઈ શકશે કે ગુજરાતમાં ચોમાસું વહેલું કે સમયસર પહોંચશે. સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું 15 જૂનની આસપાસ શરૂ થતું હોય છે.
2025માં પણ વહેલું શરૂ થયું હતું ચોમાસું
વર્ષ 2025માં પણ ભારતના દરિયામાં ચોમાસાનો વહેલો પ્રવેશ થઈ ગયો હતો. આંદામાન - નિકોબારના ટાપુઓ પર ગયા વર્ષે 13 મેના રોજ ચોમાસું પહોંચી ગયું હતું.
જે બાદ ચોમાસું ઝડપથી આગળ વધ્યું હતું અને શ્રીલંકા પર 15 મેના રોજ તથા 19 મે સુધી શ્રીલંકાના થોડા ભાગને બાદ કરતાં બાકીના તમામ વિસ્તારને ચોમાસાએ આવરી લીધા હતા.
જ્યારે કેરળ પર 24 મેના રોજ ચોમાસાની શરૂઆત થઈ હતી. એટલે કે તેની નિર્ધારિત તારીખ કરતાં એકાદ અઠવાડિયું ચોમાસું વહેલું શરૂ થઈ ગયું હતું.
કેરળમાં પહોંચ્યા બાદ ચોમાસાની પ્રગતિ ઝડપથી થઈ હતી 26 મે સુધીમાં તે મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં પહોંચી ગયું હતું. બાદમાં હવામાનની સ્થિતિઓ બદલાઈ હતી અને ચોમાસાની પ્રગતિ અટકી ગઈ હતી.
જે બાદ 16 જૂનના રોજ ચોમાસું આગળ વધ્યું હતું અને ગુજરાત પર પહોંચ્યું હતું. એટલે કે ઘણી વખત આ પ્રકારની સ્થિતિ જોવામાં આવતી હોય છે કે ચોમાસું આગળ વધતું અટકી પણ જાય.
આ વર્ષે દેશમાં ચોમાસું કેવું રહેશે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના હવામાન વિભાગે 13 એપ્રિલ 2026 રોજ આગામી ચોમાસાની માહિતી આપતા કહ્યું હતું કે દેશમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થશે. એટલે કે ચાર મહિનાના લાંબાગાળામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા છે.
ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમૅટ વેધરે પણ ચોમાસું નબળું રહેવાનું પૂર્વાનુમાન રજૂ કર્યું હતું. આ વર્ષે ભારતના ચોમાસા પર અલ-નીનોની અસર જોવા મળે તેવી શક્યતા હવામાન નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
હવામાન વિભાગ પ્રમાણે આ વર્ષે ચોમાસામાં સરેરાશના લગભગ 92 ટકા વરસાદ થવાની શક્યતા છે. જો 96થી 104 ટકા વરસાદ થાય તો તેને સામાન્ય વરસાદ ગણવામાં આવે છે, એટલે કે સારું ચોમાસું ગણવામાં આવે છે.
જો વરસાદ 104 ટકા કરતાં વધારે થાય તો તેને સરેરાશ કરતાં વધારે વરસાદમાં ગણવામાં આવે છે અને ઘણી જગ્યાએ દેશમાં વધારે વરસાદ પણ પડે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























