'ઘરમાં પત્તાં રમવા ગુનો નથી, પરંતુ તેમાં...', ગુજરાત હાઇકોર્ટે આપેલા ચુકાદા પર શું કહી રહ્યા છે કાયદાના નિષ્ણાતો?

    • લેેખક, અપૂર્વ અમીન
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

ગુજરાતમાં હાઇકોર્ટે તાજેતરમાં પોતાના એક ચુકાદામાં કહ્યું, કોઈ ખાનગી મકાન કે ફ્લૅટમાં લોકો પત્તાં રમતા હોય તો એટલા માત્રથી તે જગ્યાને 'ગુજરાત પ્રિવેન્શન ઑફ ગૅમ્બલિંગ ઍક્ટ, 1887' હેઠળ 'કૉમન ગેમિંગ હાઉસ' ગણી શકાય નહીં.

ગુજરાત હાઇકોર્ટે 2018ના અમદાવાદના એક કેસમાં આ મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.

પોલીસે વર્ષ 2018માં પ્રહલાદનગરના એક ફ્લૅટમાં દરોડો પાડી પાંચ વ્યક્તિને પકડ્યા હતા.

તે કેસમાં ચાલી રહેલી કાર્યવાહીને અને એફઆઈઆરને હાઇકોર્ટે રદ કરવા આદેશ પણ આપ્યો છે.

હાઇકોર્ટે ચુકાદામાં કહ્યું છે, 'જો કોઈ ઘરમાં પત્તાં રમે છે અને તેમ આર્થિક લાભ કે નફાનું તત્ત્વ સામેલ ન હોય તો એ 'ગુજરાત પ્રિવેન્શન ઑફ ગૅમ્બલિંગ ઍક્ટ, 1887'(જુગાર ધારો) હેઠળ ગુનો બનતો નથી.'

આમ, તે સ્થળ 'કૉમન ગેમિંગ હાઉસ' તરીકે ચાલતું ન હોવું જોઈએ.

કોર્ટે આદેશમાં કહ્યું કે ખાનગી મકાન કે ઘરમાં વ્યક્તિઓ પાસેથી પત્તાં, કોઇન્સ કે ખિસ્સામાંથી નાણાં મળી આવવા માત્રથી કાયદાની કલમ 4 અને 5 હેઠળનો ગુનો બનતો નથી.

ત્યારે ગુજરાતના જુગાર ધારા અનુસાર કૉમન ગેમિંગ હાઉસ શું છે, કાયદાના નિષ્ણાતો આ ચુકાદાને કેવી રીતે જુએ છે અને ગુજરાતના જુગાર ધારામાં કઈ જોગવાઇઓ છે? જાણો આ અહેવાલમાં.

પત્તાં રમવાનો કયો કેસ હતો જેમાં ગુજરાત હાઇકોર્ટે આ ચુકાદો આપ્યો?

હાઇકોર્ટના ચુકાદા અનુસાર, 18 જૂન, 2018ના રોજ રાત્રે અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી કે પ્રહલાદનગર-સેટેલાઇટ વિસ્તારમાં આવેલા એક ફ્લૅટમાં જુગાર રમાઈ રહ્યો છે.

આ બાતમીના આધારે, પોલીસે તે સ્થળે દરોડો પડાયો હતો.

આ દરોડામાં પોલીસે પાંચ વ્યક્તિને પત્તાં રમતાં પકડી પાડયાં હતાં, તેમની પાસેથી પોલીસે છૂટા સિક્કા, ખિસ્સામાં રોકડ રકમ તેમજ પત્તાં કબજે કર્યાં હતાં.

આ મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં 'ગુજરાત પ્રિવેન્શન ઑફ ગૅમ્બલિંગ ઍક્ટ, 1887'ની કલમ 4 અને 5 હેઠળ ગુનો દાખલ કરાયો.

આ કાર્યવાહી સામે કેસના તત્કાલીન આરોપી સહિતના પાંચ અરજદારોએ એફઆઈઆર રદ કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી.

આ અરજી પર સુનાવણી થઈ, દરમિયાન અરજદારોના વકીલ તેજસ બારોટ સાથે ધવલ એમ. બારોટે દલીલ કરી હતી કે કોઈના ખાનગી ઘરમાં પત્તા રમવા માત્રથી તે 'કૉમન ગેમિંગ હાઉસ' (જુગારધામ) ગણાઈ જતું નથી.

ગુજરાત હાઇકોર્ટે ચુકાદામાં શું કહ્યું?

આ અંગે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ પી. એમ. રાવલની કોર્ટે મહત્ત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું કે, ઘરમાં પત્તાં રમતા હોય તેવા કિસ્સાને ગુનો સાબિત કરવા માટે તેમાં નફા કે કમાણીનું તત્ત્વ હોવું જરૂરી છે.

ચુકાદા અનુસાર, ગુજરાત પ્રિવેન્શન ઑફ ગૅમ્બલિંગ ઍક્ટ, 1887ની કલમ 3 હેઠળ 'કૉમન ગેમિંગ હાઉસ' (જુગારનો અડ્ડો)' સાબિત કરવા માટે જગ્યાના ઉપયોગ બદલ માલિક કે સંચાલક દ્વારા નફો કે લાભ મેળવવાનો હેતુ હોવો અનિવાર્ય હોય છે, જે આ કેસમાં તે સાબિત થતો નથી.

અરજદારો વતી ઉપસ્થિત રહેલા સિનિયર ઍડ્વોકેટ તેજસ બારોટ અને ઍડ્વોકેટ ધવલ બારોટે અદાલતમાં દલીલ કરી હતી કે, એફઆઈઆર કે ચાર્જશીટનાં કાગળોમાંથી એવો કોઈ જ પુરાવો મળતો નથી કે જે મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો તે મકાનના માલિક કે વાપરનાર વ્યક્તિ દ્વારા રમતનાં સાધનો કે જગ્યાના ઉપયોગ બદલ કોઈ નાણાકીય નફો કે કમિશન લેવામાં આવતું હોય.

"તેથી આ બાબત કોઈ ઘરને 'કૉમન ગેમિંગ હાઉસ' કે જુગારનો અડ્ડો બનાવી દેતી નથી."

ચુકાદામાં ટાંકવામાં આવ્યું છે કે પોલીસની ફરિયાદમાં આવી કોઈ સ્પષ્ટતા કે પુરાવા નહોતા કે જે સાબિત કરી શકે કે તે ઘરને નફાના હેતુથી જુગારના એક અડ્ડા તરીકે ચલાવાતું હતું.

આમ હાઇકોર્ટે ચુકાદામાં જણાવ્યું કે, ખાનગી મકાન કે ઘરમાં વ્યક્તિઓ પાસેથી પત્તા, કોઇન્સ કે ખિસ્સામાંથી નાણાં મળી આવવા માત્રથી કાયદાની કલમ 4 અને 5 હેઠળનો ગુનો બનતો નથી.

આ સિવાય કોર્ટે પોલીસ દ્વારા જે રીતે સર્ચ વૉરંટ મેળવાયું હતું, તેના પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

ચુકાદા અનુસાર, પોલીસને બાતમી મળી તેની ફક્ત 23 મિનિટમાં જ વૉરંટ મેળવીને દરોડો પડાયો.

કોર્ટે કહ્યું કે આ ઉતાવળ દર્શાવે છે કે સક્ષમ અધિકારીએ પૂરતી તપાસ કર્યા વગર વૉરંટ ઇશ્યૂ કર્યું હતું.

કોર્ટે નોંધ્યું કે, તેમજ એફઆઈઆરમાં ક્યાંય 'જુગાર ખાના' શબ્દનો ઉલ્લેખ નથી અને માત્ર ઘરમાં પત્તાં અને રોકડ મળી આવવાથી તેને જુગારનો અડ્ડો માની શકાય નહીં.

આ ચુકાદા પર નિષ્ણાત વકીલો શું કહે છે?

ગુજરાતના જુગાર ધારા બાબતે વિસ્તૃત માહિતી આપતા કાયદા નિષ્ણાંત ઍડ્વોકેટ પરેશ વાઘેલા બીબીસી ગુજરાતીને જણાવે છે, જુદાં-જુદાં રાજ્યોમાં જુદા-જુદા જુગાર ધારા હોય છે. તે જ રીતે ગુજરાતમાં 'ગુજરાત પ્રિવેન્શન ઑફ ગૅમ્બલિંગ ઍક્ટ, 1887' એ જુગારધારો છે.

તેમણે કહ્યું, ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ પી. એમ. રાવલે પોતાના ચુકાદામાં 1952ના નિમ્માગડા રઘવાલુનો ચુકાદો ટાંક્યો છે, તે ચુકાદામાં જ બાબતો સ્પષ્ટ છે.

"તેમાં સેકશન 3 મુજબ, કૉમન ગેમિંગ હાઉસની વ્યાખ્યા કરેલી જ છે, જુગાર ધારો લાગુ પડવા માટે સૌથી અગત્યનું તત્ત્વ એ છે કે, તે ઘર, મકાન કે જે પ્રૉપર્ટી છે તે જગ્યા, ફાયદા માટે કે નફો લઈને જો કોઈ ચલાવતું હોય તો જ એ જગ્યા 'કૉમન ગેમિંગ હાઉસ' કહેવાય," પરેશ વાઘેલાએ જણાવ્યું હતું.

"આવું હોય તો જ સેક્શન 4 અને 5 લાગુ પડે, આમ આ વિશે કાયદામાં જોગવાઈ છે."

પરેશ વાઘેલા જણાવે છે, એટલે જો તમે પોતાના ઘરમાં, તમારા પરિવારના સભ્યો કે મિત્રો સાથે પત્તાં રમતાં હોય અને ત્યાં પ્લાસ્ટિકના સિક્કા કે પૈસા પણ મળી આવે તો પણ તે જુગાર ધારાની વ્યાખ્યામાં આવતું નથી.

"જુગારધારામાં તે કિસ્સો ત્યારે આવે જ્યારે તે હાઉસ કે પ્રોપર્ટી કૉમન ગેમિંગ હાઉસમાં આવે અને તો જ તે ગુનો ગણાય."

"કૉમન ગેમિંગ હાઉસ એટલે તે જગ્યા નફા માટે ઉપયોગમાં આવતી હોય, જેનો ઉદ્દેશ્ય લોકોને ત્યાં જુગાર રમાડવાનો હોય અને રમાડીને તેમાંથી નફો મેળવવાનો હોય તો જ તે કૉમન ગેમિંગ હાઉસ એટલે કે જુગારખાનું કહેવાય."

તેમનું કહેવું છે, આ બાબતમાં મૂળભૂત તત્ત્વ 'નફો અને લાભ' છે, નફાનું તત્ત્વ ન હોય તો જુગાર ધારો લાગુ પડતો નથી.

કાયદાકીય નિષ્ણાત પરેશ મોદી કરન્સી વિશે એક ઉદાહરણ આપતાં બીબીસી ગુજરાતીને જણાવે છે, "ગુજરાતી બાળકો 'નવો વ્યાપાર' જેવી રમતો રમે છે, જેમા મુંબઈનાં અલગ-અલગ સ્થળો ચર્ચગેટ ભાઇખલા, મરીન ડ્રાઈવ જેવી બાબત સામેલ હોય છે તેમાં કૂપનના આધારે બાળકો દ્વારા તે રમત રમાતી હોય છે. તે કૂપન ખરેખરમાં કરન્સી નથી તે રમતનો ભાગ છે."

"તો ત્યારે કોઈ વસ્તુ કરન્સી ન હોય ત્યારે તમે તેને કરન્સી ન માની લઈ શકો."

પરેશ મોદીએ ઉદાહરણ દ્વારા સમજાવતા દલીલ કરી હતી કે, આમ કોઈ આવી ચીજ વસ્તુ કરન્સી છે કે નહીં તે સાબિત ન થાય તો ખાનગી ઘરમાં પત્તાં રમતી વખતે કોઈ પ્લાસ્ટિકના સિક્કા મળવા તે કરન્સી ન ગણાય.

"અને જો તે કરન્સી જુગારમાં ગણાય તો બાળકો દ્વારા ઘરમાં રમતી રમત પણ શંકાના દાયરામાં આવી જાય એટલે આમ થતું નથી," પરેશ મોદી સમજાવે છે.

"ઘરમાં પત્તાં રમવાએ ગુનો નથી, અને તે પરિવાર કે મિત્રો કે અજાણ્યા વ્યક્તિ સાથે પણ રમી શકાય છે, પરંતુ માત્ર શરત એ છે કે તેમાં 'નફાનું તત્ત્વ' ન હોવું જોઈએ."

"આમ તેમાંથી કોઈ કમાણી કરવાનો હેતુ આવે ત્યારે જ પત્તાં રમવું એ ગુનો બનતો હોય છે."

ત્યારે પરેશ મોદીનું માનવું છે કે ઘરમાં પત્તાં જેવી રમતો રમવી હળવા થવામાં મદદરૂપ થાય તેવી બાબત છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન