You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતની 46% વસ્તી મફત અનાજ પર નભે છે, લોકસભામાં સરકારે જાહેર કર્યો આંકડો, નિષ્ણાતો શું કહે છે?
- લેેખક, અપૂર્વ અમીન
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
લોકસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું છે કે ગુજરાતમાં કુલ 3.38 કરોડથી વધુ લોકો મફત અનાજ પર નિર્ભર છે. જો વસ્તીને ધ્યાનમાં લઇએ. તો લગભગ અડધોઅડધ ગુજરાતની વસ્તી સરકારના મફત અનાજ પર આધાર રાખે છે.
ભારત સરકારના ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયનાં રાજ્યમંત્રી નિમુબહેન બાંભણીયાએ લોકસભામાં આ જવાબ આપ્યો છે.
'વર્લ્ડ પૉપ્યુલેશન રિવ્યૂ 2023' અનુસાર, ગુજરાતની અનુમાનિત વસ્તી 7.26 કરોડ હતી. તેને આધારે આ ટકાવારી કાઢીએ તો 46.56% ગુજરાતની વસ્તી મફત અનાજ પર 'નિર્ભર' ગણી શકાય.
મંત્રાલયે લોકસભામાં આપેલા જવાબ હેઠળ 16 જુલાઇ 2026ની સ્થિતિએ 'પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના' (પીએમજીકેએવાય) હેઠળ મફત અનાજના લાભાર્થીઓના આંકડા તરફ નજર કરીએ તો ભારતમાં 79 કરોડ લોકો મફત અનાજ પર નિર્ભર છે.
'વર્લ્ડ પૉપ્યુલેશન રિવ્યૂ 2023' અનુસાર, ભારતની વસ્તી 147 કરોડથી વધારે છે. આમ મફત અનાજના લાભાર્થીઓ 79 કરોડની સંખ્યા દેશની વસ્તીના અડધા કરતાં પણ વધુ છે.
16 જુલાઇ, 2026ની સ્થિતિએ 'પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના' હેઠળ ગુજરાતમાં કુલ 3.38 કરોડથી વધુ લોકો મફત અનાજ પર નિર્ભર છે.
ઉલ્લેખનીય છે કે 'પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના' હેઠળ મફત અનાજ વિતરણનો સમયગાળો એક જાન્યુઆરી 2024થી પાંચ વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે, જેનો અંદાજિત નાણાકીય ખર્ચ રૂ. 11.80 લાખ કરોડનો છે જે સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે.
નિષ્ણાતો અનુસાર, આ જવાબ ગુજરાતની 'વાસ્તવિક સ્થિતિ' રજૂ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મફત અનાજ માટે સૌથી ટોચનાં લાભાર્થી રાજ્યો
લોકસભામાં નિમુબહેન બાંભણીયાએ આપેલા જવાબ અનુસાર, 16 જુલાઇ 2026ની સ્થિતિએ 'પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના' હેઠળ ગુજરાતમાં કુલ 3.38 કરોડથી વધુ લોકો મફત અનાજ પર નિર્ભર છે. ઉત્તર પ્રદેશમાં 14.67 કરોડ લોકો મફત અનાજ લે છે. બિહારમાં લગભગ 8.23 કરોડ લોકો મફત અનાજ લે છે.
તે સાથે જ મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં છ કરોડથી વધારે લોકો ત્યારે મધ્ય પ્રદેશમાં પાંચ કરોડથી વધારે લોકો મફત અનાજ પર નિર્ભર છે.
રાજસ્થાનમાં 4.3 કરોડ લોકો અને કર્ણાટકમાં 4 કરોડથી વધારે લોકો અનાજ પર નિર્ભર છે.
તામિલનાડુ, ઓડિશામાં 3 કરોડથી વધારે લોકો મફત અનાજ પર નિર્ભર છે. આંધ્ર પ્રદેશ અને આસામ અને ઝારખંડમાં અઢી કરોડથી વધારે, છત્તીસગઢમાં 2 કરોડથી વધારે અનાજ પર નિર્ભર છે.
તેમજ કેરળમાં 1.5 કરોડ લોકો મફત અનાજ પર નિર્ભર છે.
નિષ્ણાતો શું કહે છે?
ગુજરાત 2021-22 વર્ષમાં કૅપિટા નેટ સ્ટેટ ડૉમેસ્ટિક પ્રોડક્ટમાં આઠમા ક્રમાંકે હતું.
જેમાં વર્ષ 2021-22માં ગુજરાતની માથાદીઠ આવક 2,50,100 રૂપિયા હતી.
2021-22ના વર્ષે ગુજરાતથી આગળ અન્ય સાત રાજ્યો હતાં, જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશોનો પણ સમાવેશ થાય છે. જેમાં સિક્કિમ, ગોવા, દિલ્હી, ચંદીગઢ, તેલંગાણા, કર્ણાટક, હરિયાણા જેવાં રાજ્યો ગુજરાતથી આગળ હતાં.
જાણીતા અર્થશાસ્ત્રી આત્મન શાહ બીબીસી ગુજરાતીને જણાવે છે, ગુજરાતનો વિકાસ માત્ર ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રકચર છે, પરંતુ તેનાથી સતત રોજગારીનું સર્જન થતું નથી.
"રોજગારી ન મળતા તે લોકો મોટાભાગે ગરીબી હેઠળ રહે છે, ગરીબી હટાવવા સરકારે જે ખર્ચ કરવો જોઈએ તે પણ મર્યાદિત છે."
"અહીં આર્થિક વૃદ્ધિનો દર અમુક હદે આગળ નથી વધી રહ્યો ત્યારે રોજગારીનું સર્જન અટક્યું છે. પરિણામે ગરીબી પણ જોવા મળે છે. અને તે જ કારણે લોકો મફત અનાજ લેવા સરકાર પર નિર્ભર છે."
ગુજરાતના જીડીપી ગ્રોથ રેટ બાબતે વિસ્તૃત માહિતી આપતા આત્માન શાહ જણાવે છે, ગુજરાતનો જીડીપી ગ્રોથ રેટમાં ગુજરાત ટૉપ 10માં સામેલ છે. ત્યારે આ દર મોટાભાગે સર્વિસ સેક્ટરમાંથી આવી રહ્યો છે. આ સેક્ટર ગુજરાતને ગ્રોથ પણ રોજગારીનું સર્જન કરી આપતું નથી. આથી તેને જૉબલેસ ગ્રોથ કહેવામાં આવે છે. તે માત્ર સ્કિલ્ડ વર્કરને જૉબ આપશે.
"મૅન્યુફ્રૅક્ચરિંગ અને ઍગ્રિકલ્ચર સેક્ટરમાં જોઈએ તેવો વિકાસ જોવા મળ્યો નથી."
તેમનું કહેવું છે, જેટલા લોકોને મફત અનાજ મળે છે, તે બધા ગરીબી રેખા હેઠળ હોય તેવું પણ જરૂરી નથી.
"સરકાર ચાર કાર્ડ કાઢે છે. અંત્યોદય કાર્ડ- જે અતિ તીવ્ર ગરીબ રેખા હેઠળ જીવતા લોકો કાઢવી શકે છે. બીપીએલ- ગરીબી રેખા હેઠળના પરિવારો ત્યારબાદ એપીએલ -1 એ ગરીબી રેખા ઉપર મધ્યમ કે ઓછી આવક ધરાવતાં કુટુંબો અને એપીએલ -2 એ ઉચ્ચ આવક ધરાવતાં કુટુંબો કઢાવતાં હોય છે," તેઓ જણાવે છે.
એપીએલ કાર્ડ ધારકને અનાજ તો મળે જ પણ બીપીએલ કાર્ડ ધારક કરતાં ઓછું મળે છે પરંતુ તેનો અર્થ એ નથી કે આ કાર્ડ ધારકોની પરિસ્થિતિ સારી છે.
ત્યારે સમાજશાસ્ત્રી પ્રૉ. ગૌરાંગ જાની બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે આઝાદીના આટલાં વર્ષો પછી 46% લોકો મફત અનાજ પર નિર્ભર છે.
"આટલા બધા લોકોને સરકારે મફત અનાજ આપવું પડ્યું પણ સવાલ એ છે કે મફત અનાજ આપો એના કરતાં રોજગારીનું સર્જન કરો."
"આ આંકડા દર્શાવે છે કે કેટલા લોકો આ મફત અનાજ પર નિર્ભર છે. તે ગુજરાતની વાસ્તવિક પરિસ્થિતિ છે."
પ્રૉ. ગૌરાંગ જાની જણાવે છે "ગુજરાતમાં લઘુત્તમ વેતન પણ પૂરતું મળતું નથી. ઘણા લોકોને રોજગારી માટે સ્થળાંતર કરવું પડે છે."
"ઉપરાંત રાજ્યમાં પોષણક્ષમ આહાર પણ નથી અને આટલા બધા માણસોને મફત અનાજની જરૂર પડે છે તે દર્શાવે છે કે કે તેમની આવક ઘણી ઓછી છે."
"ગરીબી રેખા નીચે કેમ આટલા લોકો જીવે છે આ મૂળ સવાલ છે, તેથી લોકોમાં હાલ અસંતોષ છે," એમ ગૌરાંગ જાની જણાવે છે.
જોકે, આ બધા આરોપો સાથે રાજ્ય સરકાર સંમત નથી. સરકારનું કહેવું છે કે સરકાર ગરીબો અને વંચિતોને અનાજ મળે તે માટે પ્રતિબદ્ધ છે.
રાજ્ય સરકારનો દાવો છે કે ઑનલાઇન વિતરણ વ્યવસ્થા અને આધુનિક ટૅક્નૉલૉજીના સમન્વય થકી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ખાદ્ય સુરક્ષાનું મજબૂત કવચ બની છે.
નિમુબહેન બાંભણિયાએ ટ્વિટ કરીને આ મામલે જણાવ્યું હતું કે "સંવેદના અને સેવાભાવના સાથે અમલમાં આવેલી આ યોજના ખાદ્ય સુરક્ષાની દિશામાં વિશ્વનો સૌથી મોટો ફૂડ સિક્યૉરિટી કાર્યક્રમ બનીને ગરીબ અને વંચિત વર્ગના જીવનમાં આશા અને આત્મવિશ્વાસ ભરી રહ્યો છે."
ગત સપ્તાહે ગાંધીનગરની ગિફ્ટ સિટી ખાતે વિકસિત ગુજરાત સમિટ-2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં બોલતા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે દાવો કર્યો હતો કે ગુજરાત દેશમાં વિદેશી રોકાણો મેળવવામાં ટોચ પર છે.
તેમણે નીતિ આયોગના 'ઇન્વેસ્ટમેન્ટ ફ્રૅન્ડલીનેસ ઇન્ડેક્સ 2026'ને ટાંકીને કહ્યું કે "ગુજરાત 73.9 બિલિયન ડૉલરના એફડીઆઈ (ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ) સાથે દેશમાં વિદેશી રોકાણો મેળવવામાં ટૉપ પર છે."
તેમણે દાવો કર્યો હતો કે ગુજરાતનો વિકાસ માત્ર આંકડાઓમાં નથી પરંતુ નાગરિકોના જીવનની ગુણવત્તામાં પણ દેખાય છે.
તેમણે કહ્યું હતું, "ગુજરાત આજે દેશનું ગ્રોથ ઍન્જિન અને વિકાસનું રોલ મૉડલ બન્યું છે, દેશનું મૅન્યુફૅક્ચરિંગ હબ, ઑટો હબ અને રિન્યૂએબલ ઍનર્જી ગ્રીન ગ્રોથનું હબ તો છે જ પરંતુ હવે તે ટૅક્નૉલૉજી સેક્ટરમાં પણ આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં ત્રણ સેમિકન્ડક્ટરના પ્લાન્ટ કાર્યરત થયા છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન