લાખોનું બિયારણ લઈ રાખ્યું અને વરસાદ આવ્યો જ નહીં, દેવભૂમિ દ્વારકાના ખેડૂતો કેવી ચિંતામાં પડ્યા

    • લેેખક,
    • પદ, BBC Gujarati journalist
    • દ્વારા રિપોર્ટિંગ, લાંબા(દેવભૂમિ દ્વારકા)થી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાના કાંઠે આવેલા લાંબા ગામમાં હાલના દિવસોમાં અજુગતાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે.

આશરે 13000ની વસ્તી ધરાવતા કલ્યાણપુર તાલુકાના આ મોટા ગામની બજારોમાં હજુ પણ ડમરી ઊડે છે.

અષાઢ મહિનામાં જે ખેડૂતો સામાન્ય રીતે તેમના પાકોમાંથી નિંદામણ કાઢતા હોય, આંતરખેડ કરતા હોય અથવા તો જંતુનાશક કે નિંદામણ નાશક દવાઓનો છંટકાવ કરતા હોય અને જેમની પાસે ઘડીની પણ નવરાશ ન હોય તેવા કેટલાય ખેડૂતો લાંબા ગામની બજારોમાં દિવસ દરમિયાન ઓટલા પર બેસી સમય કાઢે છે.

આવાં જ દૃશ્યો લાંબા ગામ અને તેની આજુબાજુનાં કેટલાંય ગામોમાં અત્યારે જોવા મળી રહ્યાં છે.

લાંબા ગામની સીમમાં ચિત્ર વધારે અજુગતું લાગે છે. સામાન્ય રીતે ઑગસ્ટ મહિનામાં લાંબા ગામની વાડીઓમાં લીલીછમ થઈ જાય છે અને મગફળીના પાકમાં પીળાં ફૂલ ખીલવાં લાગે છે.

પરંતુ આ વર્ષે ઑગસ્ટનું પહેલું અઠવાડિયું વીતી ગયું હોવા છતાં ગામના પાદરમાં આવેલાં તળાવોના કાંઠાની જમીનોને બાદ કરતા લાંબા ગામની સીમ કોરી પડી છે.

હું 6 ઑગસ્ટના દિવસે સવારના સમયે લાંબા ગામના સીમાડે ગોકરમાં તરીકે ઓળખાતી સીમ સુધીના ચારેક કિલોમીટર લાંબા રસ્તે પસાર થયો તો મને માત્ર એક વાડીમાં એક ખેડૂત કામ કરતા દેખાયા.

તે ખેડૂતનું નામ છે કરશનભાઈ માડમ. કરશનભાઈ તેમની વાડીમાં ટ્રૅક્ટરની મદદથી રાંપ હાંકી રહ્યા હતા.

સૌરાષ્ટ્રમાં જમીનમાં રાંપ હાંકી ત્યાર બાદ તેમાં ચાસ પાડી જમીનને ચોમાસું પાકો વાવવા માટે તૈયાર કરવાનું કામ તો એપ્રિલ કે મે મહિનામાં થતું હોય છે.

ઑગસ્ટમાં તો પાકમાં આંતરખેડ કરવા અને નિંદામણ કાઢવા માટે ખેડૂતો નાની રાંપડીઓ હાંકતા હોય છે.

મેં કરશનભાઈને આ વિશે પૂછ્યું તો 47 વરસના એ ખેડૂતે કહ્યું કે, "મેં મારી 10 વીઘા જમીનમાં મગફળી વાવવાની તૈયારી કરી લીધી હતી અને રૂપિયા 2700 પ્રતિ મણના ભાવે 20 મણ બિયારણ લઈ લીધું હતું."

"પરંતુ જેઠ મહિનામાં વરસાદ ન આવ્યો. તેથી, વાવણી થઈ ન શકી.

"અષાઢના 15 દિવસ ગયા તો પણ વરસાદ ન આવ્યો. તેથી, મગફળીના વાવેતરનો સમય પૂરો થઈ ગયો."

"એટલે મેં મગફળીનું બિયારણ 1800ના ભાવે એક વેપારીઓને તેલ કાઢવા માટે વેચી દીધું."

"જો હવે વરસાદ આવે તો જુવાર, બાજરી કે તલ વાવીશ. પણ જમીનમાં ક્યાંક ક્યાંક નિંદામણના તણખલા ઊગી નીકળ્યા છે. વરસાદ થાય તો વાવણીમાં તે નિંદામણ ન નડે એટલે હું રાંપ હાંકી તેને કાઢી રહ્યો છું."

ભેંસ વેચી નાખી તો પણ ઘાસ-ચારાની કેમ તંગી?

કરશનભાઈ અને તેમનાં પત્ની મણીબહેન હાલ વરસાદની રાહ જોતાં દિવસો ગાળે છે. આ પરિવાર પાસે એક ગાય અને એક બળદ છે. પરંતુ કરશનભાઈ કહે છે કે તેમને ઘાસ-ચારાની અને પીવાના પાણીની ચિંતા છે.

તેઓ કહે છે, "સમયસર વરસાદ આવી જાય તો એકાદ મહિનાની અંદર પશુઓ માટે લીલું ઘાસ મળતું થઈ જાય છે. પરંતુ ગાય-બળદને નીરી શકાય તેવું એક તણખલુંય હજુ સુધી ઊગ્યું નથી."

"સૂકા ચારાનો સ્ટૉક હવે ખૂટવાની તૈયારી છે. સૌથી મોટી ચિંતા તો પાણીની છે. ઉનાળા માટે મેં મારા કુવામાં ત્રણેક મહિના ચાલે તેટલા પાણીનો સંગ્રહ કર્યો હતો."

"હવે તે ખૂટવાની અણી પર છે. વાડી ગામથી દૂર હોવાથી તેમ જ કોઈ ડેમ કે કેનાલ ન હોવાથી અમારી સીમમાં પીવાના પાણીની બીજી કોઈ સગવડ નથી."

મણીબહેન કહે છે વરસાદ કટાણે રૂઠ્યો છે.

મણીબહેન કહે છે કે, "ગયા વર્ષે મગફળી ઉપાડવાની મોસમમાં જ માવઠું આવી ગયું. અમારી તૈયાર મગફળીના પાથરા તે વરસાદમાં પલાળી ગયા. તેથી, મગફળીનો ભૂકો (પાંદ અને ડાળખીઓ જે પશુઓ માટે ઉત્તમ ચારો ગણાય છે) સડી ગયો. બીજી નીરણ અમારી પાસે હતી નહીં. તેથી, અમારે અમારી ભેંસ વેચી નાખવી પડી. આવા વરસ બાદ હવે વરસાદ હજુ વરસતો નથી."

માડમ પરિવારની વાડીમાં આવેલા તેમના મકાનની બહાર જ મગફળીના સડી રહેલ પાલાનો એક મોટો ગંજ પડ્યો છે જે ઑર્ગેનિક ખાતર થઈ જશે તેમ આ ખેડૂત જણાવે છે.

કરશનભાઈ કહે છે કે લાંબા ગામમાં બોર કે કૂવા 100 ફૂટ જેટલા જ ઊંડા ખોદી શકાય છે. જો તેનાથી ઊંડા ખોદવામાં આવે તો તેમાંથી ખારું પાણી નીકળવા માંડે છે. પરંતુ ઓછી ઊંડાઈવાળા બોર-કૂવાની મર્યાદા એ રહે છે કે તેમાં પાણી વધારે ટકતા નથી.

"ખેતરમાં ધૂળ ઊડે છે પણ દ્વારકાવાળો આથમણુ મોઢું રાખીને બેઠો છે"

લાંબાને સીમાડે ગોકરમાં વિસ્તારમાં ખેડૂત દેસુરભાઈ ગોજીયા લીમડાના ઝાડના છાયા નીચે તેમના પરિવારના સભ્યો સાથે બેઠા બેઠા આકાશ તરફ નજર ફેરવતા રહે છે. તેમની 35 વીઘા જમીનમાં ધૂળ ઊડે છે.

તેઓ કહે છે કે તેમણે મગફળીનું બિયારણ તૈયાર રાખ્યું હતું અને દસેક હાજર રૂપિયાનું ડીએપી ખાતર તો કોરી જમીનમાં જ વાવી દીધું હતું.

"વરસાદ થતો નથી તેથી આમ-તેમ ઘુમરા મારીએ છીએ ને ટાઇમ કાઢીએ છીએ.

બિયારણ બધું એમ ને એમ પડ્યું છે. હવે તે ઊગે તેવું હશે કે કેમ તેની ખબર નથી. વરસાદ થાય તેવા કોઈ અણસાર દેખાતા નથી. તેથી, થોડું માલ-ઢોરનું કામ કરીએ છીએ ને દિવસો ગુજારીએ છીએ."

વરસાદ ન થાય તો આગામી દિવસોમાં પાણીની તંગી શરૂ થશે, અને દેવભૂમિ દ્વારકા સાથે પોરબંદર, જામનગર, પોરબંદર અને કચ્છ જિલ્લામાં વરસાદ પૂરતો થયો નથી. જેથી આ જિલ્લાઓમાં પણ ખેડૂતોની સ્થિતિ ખરાબ છે.

ભારતીય હવામાન ખાતાએ આગાહી કરી છે કે અલ નીનો પ્રબળ થવાને કારણે ભારતમાં નેૠત્યના ચોમાસા દરમિયાન સરેરાશના 90 ટકા કરતા પણ ઓછો વરસાદ પડે તેવી સંભાવના છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના કૃષિ હવામાન સેલના વડા, પ્રોફેસર ધીમંત વઘાસિયાએ ઑગસ્ટની શરૂઆતમાં બીબીસી સાથે વાત કરતા જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લાના કેટલાક ભાગોમાં ઓછો વરસાદ ભારતીય હવામાન ખાતાની આગાહીને સાચી ઠેરવે છે.

સાથે જ પ્રો. વઘાસિયાએ જણાવ્યું હતું કે દ્વારકા પંથકમાં ઐતિહાસિક રીતે ઓછો જ વરસાદ પડે છે પરંતુ છેલ્લા દસેક વરસ અપવાદરૂપ સાબિત થતા સરેરાશ કરતા સારા વરસાદ થયા હતા.

સાઈઠ વરસ કરતા વધારે ઉંમર ધરાવતા દેસુરભાઈ તે વાત સાથે સંમત થાય છે.

તેઓ કહે છે, "અમારે આમ તો વરસાદ ઓછા જ થતા હતા. પરંતુ છેલ્લા દસેક વરસમાં સારા અને સમયસર વરસાદ થતા ખેડૂતો થોડા પગભર થયા હતા."

"હવે આ વરસે વરસાદ આવતો નથી તેથી અમને ફરી વાર સરકારની સહાય માંગવાની ફરજ પડશે."

"દ્વારકાવાળો ભગવાન કૃષ્ણ અમારી નજીક જ બેઠો છે. પણ દ્વારકામાં તે આથમણુ (પશ્ચિમ દિશા તરફ) મોઢું રાખીને બેઠો છે."

"તેથી, તેને ત્યાંથી તો દરિયાનું પાણી જ પાણી દેખાય છે. અમારી વાડીમાં અડધે ચોમાસે પણ ધૂળ ઉડે છે તે કદાચ તેને દેખાતું નહીં હોય."

લાંબા ગામના સરપંચ પાલભાઈ ચાવડા કહે છે કે તેમના ગામમાં માંડ 10 ટકા જમીનમાં વાવણી થઈ છે.

તેઓ કહે છે કે, "અમારા ગામમાં પાંચ-છ તળાવ છે. તેની આજુબાજુ જમીન ધરાવતા ખેડૂતો મગફળી વાવી શક્યા છે."

તેઓ કહે છે કે, "આખા ગામની જમીનની સરખામણીએ તે દસ ટકાથી પણ ઓછું થાય. વરસાદના અભાવે નેવું ટકા જમીનમાં વાવણી થઈ શકી નથી."

"પંચાયતના કૂવામાં પાણી ખૂટી રહેતા પીવાના પાણીનું પણ સંકટ સર્જાયું છે અને અમારે દૂરથી ટેન્કર મંગાવવાની ફરજ પડી છે."

લાખોના બીજ વાવીને પછતાતા ખેડૂતોની શું માંગ છે?

કલ્યાણપુર તાલુકા પંચાયતમાં લાંબા ગામની સીટ પરથી ચૂંટાયેલા સભ્ય કાનાભાઈ ગોજીયા કહે છે કે લાંબા ગામ જેવી જ પરિસ્થતિ આજુબાજુનાં સાત-આઠ ગામોમાં છે.

તેમાં ગાંધવી, ગાંગડી, દેવળીયા, ચાચલાણા વગેરેનો સમાવેશ થાય છે.

કાનાભાઈ કહે છે કે,"અમારા તાલુકામાં સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે પરંતુ લાંબા અને આજુબાજુનાં ગામોમાં બિલકુલ વરસાદ નથી પડ્યો. તેથી, પીવાનાં પાણી અને ઘાસ- ચારાની તંગી ઊભી થઈ છે અને અમે તે બાબતે રજૂઆત પણ કરી છે."

ગાંધવી ગામ, જે હર્ષદ તરીકે પણ ઓળખાય છે અને હરસિદ્ધિ માતાના મંદિરને કારણે જાણીતું છે ત્યાંના સરપંચ કુંવરગીરી ગોસ્વામી કહે છે, "જુલાઈના છેલ્લા અઠવાડિયામાં ઝરમર વરસાદ પડતા ગામના 80 ટકા ખેડૂતોએ મગફળીનું વાવેતર કરી દીધું."

"પરંતુ તે વરસાદ વાવણી માટે પૂરતો ન હતો. વાવણી બાદ બે અઠવાડિયાં સુધી વરસાદ ન વરસતા બીજ ઊગ્યાં નથી."

"પિયતના પાણી ઉપલબ્ધ નથી તેથી ખેડૂતો પિયત આપીને પણ તેને ઉગાડી શકે તેવી સ્થિતિમાં નથી. ખેડૂતોએ લાખો રૂપિયાનું બિયારણ ગુમાવ્યું છે."

આ ગામના ખેડૂત રામભાઈ રબારીની વાડી મેઢા ક્રીક એટલે કે મેઢા બારાના કાંઠે આવેલી છે.

રાવલ, વર્તુ અને સાની નદીઓ મેઢા ક્રીક વાટે દરિયામાં ભળે છે.

રામભાઈ કહે છે કે તેમણે 18 વીઘા જમીનમાં મગફળીનું 35 મણ બિયારણ વાવ્યું છે.

તેઓ કહે છે કે,"મારી જે બચત હતી તે ધરતી માતાને બિયારણ અને ખાતર સ્વરૂપે આપી દીધી. પરંતુ વાવેતર કર્યું તેને 10 દિવસ કરતા વધારે સમય થઈ ગયો હોવા છતાં મગફળીના કોંટા જમીન બહાર આવતા નથી."

"તેને વરસાદ કે પિયતના પાણીની જરૂર છે. પણ તે બેમાંથી એકેય આવતા નથી."

"મેઢા ક્રીકમાં કેટલાય મહીનાથી નવું પાણી ન આવ્યું હોવાથી અત્યારે જે પાણી ભર્યું છે તે ખારું થઈ ગયું છે અને સિંચાઈમાં તે વાપરી શકાય તેમ નથી."

ગાંગડી ગામના ખેડૂત દેસુરભાઈ ગોજિયાની દશા પણ રામભાઈ જેવી જ છે.

બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે, "25 જુલાઈએ મેં 40 વીઘા જમીનમાં મગફળી વાવી. તેનું ખર્ચ અંદાજે ત્રણેક લાખ રૂપિયા થયું."

"પરંતુ વરસાદ ઓછો લાગતા બાકીની 20 વીઘા જમીનમાં વાવેતર ન કર્યું. જે 40 વીઘામાં વાવેતર કર્યું છે તેમાં મગફળી ઊગી નથી."

ગાંગડીના જ અન્ય એક ખેડૂત, લક્ષ્મણભાઈ ચેતરિયા કહે છે કે તેમણે તેમની 90 વીઘા જમીનમાંથી 45 વીઘામાં મગફળીનું વાવેતર કરી દીધું છે પરંતુ તે ઊગ્યું નથી.

લક્ષ્મણભાઈ કહે છે કે, "વરસાદ આવતો નથી અને બોર-કૂવામાં પાણી નથી. જો સરકાર સૌની યોજના દ્વારા મેઢા ક્રીકમાં પાણી છોડે તો અમારા બોર-કૂવામાં પાણી આવે તેમ છે."

"અમારે કોઈ સહાય નથી જોઈતી. બસ, મેઢા ક્રીકમાં સૌની યોજના મારફત નર્મદાનું પાણી છોડો તેવી સરકાર પાસે માંગણી છે."

સરકાર શું કહે છે?

બીબીસીએ આ બાબતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર રાજેશ તન્નાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્રએ આગોતરું આયોજન કરી લીધું છે.

કલેક્ટરે કહ્યું, "પાછલાં ત્રણ-ચાર વર્ષની સરખામણીએ જોઈએ તો વર્ષે ચોક્કસ પણે આપણે ત્યાં વરસાદ ઓછો થયો છે. પાછલાં ચાર-પાંચ વર્ષ દરમિયાન આબોહવા પરિવર્તનને કારણે દેવભૂમિ દ્વારકામાં ખુબ વરસાદ પડ્યો હતો."

"પરંતુ તે સમયને બાદ કરીએ તો આપણે ત્યાં વાર્ષિક સરેરાશ પંદરથી વીસ ઇંચ વરસાદ પડે છે. વળી, આ વિસ્તારમાં પાછોતરો એટલે કે ઓગસ્ટ -સપ્ટેમ્બરમાં વરસાદ થતો હોય છે..."

"વરસાદ ઓછો થયો છે પરંતુ સૌની યોજનાના કારણે નર્મદાના પાણીથી ડેમ ભરાયા છે. તેથી, હાલ પીવાના પાણીની કોઈ સમસ્યા નથી."

આઠેક ગામમાં ટૅન્કરોના ફેરા ચાલે છે કારણ કે તે ગામો પાઇપલાઇનના છેડે આવેલાં છે.

"સરકાર પાસે ફૉરેસ્ટના ગોડાઉનમાં ઘાસનો પૂરતો જથ્થો છે. ઘાસ કાર્ડ કાઢી આપવા માટે મામલતદારોને સૂચના આપી દેવાઈ છે... આ બાબતે અમે આગોતરું આયોજન કરી લીધું છે. "

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન