You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગરદનના દુખાવાથી રાહત મેળવવા અને સારી ઊંઘ માટે યોગ્ય ઓશીકું કેવી રીતે પસંદ કરવું, હેલ્થ એક્સ્પર્ટ શું સલાહ આપે છે?
- લેેખક, જ્યૉર્જ સેન્ડમૅન
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
ડૉ. ક્રિસ મૅકાર્થી કહે છે કે તમારા માટે કયું ઓશીકું યોગ્ય રહેશે એનો આધાર તમે કઈ રીતે સૂઓ છો તેના પર છે.
"હું પણ એવા લોકોમાંનો એક છું," ડૉ. ક્રિસ મૅકાર્થી કહે છે. "હું મારું ઓશીકું સાથે લઈને જાઉં છું."
તમે ઍરપૉર્ટ પર એવા લોકોને જોયા હશે, જેમણે એક હાથ નીચે ઓશીકું દબાવેલું હોય અને બીજા હાથે સામાન ઢસડતા તેઓ ચેક-ઇન તરફ જતા હોય.
અથવા કદાચ તમે પોતે પણ એવા લોકોમાંના એક હશો-એવા ઓશીકાથી ટેવાયેલા, જેમાં માથું આરામથી ગોઠવાઈ જાય, પણ એટલું નરમ પણ ન હોય કે સવાર સુધીમાં સંકોચાઈને ગોળ બની જાય.
મૅકાર્થી કહે છે કે તેઓ પોતે કોઈ ખાસ પસંદગીના આગ્રહી નથી. તેઓ ટોચના ફિઝિયૉથેરાપિસ્ટ છે અને જાણે છે કે ખોટું ઓશીકું ગરદન માટે દુખાવાનું કારણ બની શકે છે.
તેઓ વિદેશપ્રવાસ વખતે ઓશીકું સાથે લઈ જતા નથી, પરંતુ હોટલ પહોંચતાં જ ઓશીકાં સાથે "પોતાને ગોઠવવા" લાગે છે. તેમની પાસે અજમાવીને અસરકારક પુરવાર થયેલી એક રીત પણ છે, જેનાથી બહુ સારું ન હોય એવું ઓશીકું પણ ઊંઘવા માટે યોગ્ય બનાવી શકાય છે. તમારા માટે યોગ્ય ઓશીકું કેવી રીતે પસંદ કરવું, એ અંગે તેમની માર્ગદર્શિકા અહીં છે.
તમે કઈ રીતે સૂઓ છો?
મૅન્ચેસ્ટર સ્કૂલ ઑફ ફિઝિયૉથેરાપીના એસોસિયેટ પ્રોફેસર મૅકાર્થી કહે છે કે, તમે કઈ સ્થિતિમાં સૂઓ છો તેના પર યોગ્ય ઓશીકાનો આધાર છે.
તેઓ બીબીસીના 'સ્લાઇસ્ડ બ્રેડ' પૉડકાસ્ટમાં કહે છે કે મોટાભાગના લોકો ત્રણમાંથી કોઈ એક રીતે સૂતા હોય છે—પડખું વાળીને, ચત્તા (પીઠ પર) અથવા ઊંધા (પેટ પર).
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મૅકાર્થી ઊંધા સૂવાની ટેવ ટાળવાની સલાહ આપે છે, કારણ કે લાંબા સમય સુધી ગરદન એક તરફ વળેલી રહે છે.
તેઓ કહે છે, "આવી સ્થિતિમાં કોઈને કોઈ સ્નાયુ કે અસ્થિબંધન ખેંચાઈ જાય અને તેમાં થોડી બળતરા થાય એ સ્વાભાવિક છે. કરોડરજ્જુના દુખાવાની સારવાર અંગે ફિઝિયૉથેરાપીના ક્ષેત્રમાં જો એક વાત પર લગભગ સર્વસંમતિ હોય, તો એ છે-પેટ પર સૂવું નહીં."
ઓશીકું પસંદ કરતી વખતે પીઠ પર સૂનારા લોકોએ કરોડરજ્જુના ઉપરના ભાગના વળાંકને ધ્યાનમાં રાખવો જોઈએ. ઉંમર વધે તેમ ઘણા લોકોમાં આ વળાંક સ્વાભાવિક રીતે વધે છે.
મૅકાર્થી કહે છે, "તમારી પીઠનો વળાંક વધારે હોય, તો બહુ સીધી પીઠ ધરાવતી વ્યક્તિ કરતાં તમને થોડું જાડું ઓશીકું જોઈએ."
પડખું વાળીને સૂનારા લોકો માટે ખભાની પહોળાઈ મહત્ત્વની છે. સામાન્ય રીતે, ખભા જેટલા પહોળા હોય, એટલું જાડું ઓશીકું જોઈએ. પરંતુ તમારું ગાદલું કેવું છે એ પણ ધ્યાનમાં લેવું જરૂરી છે.
તમારું ગાદલું કેટલું નરમ છે?
મૅકાર્થી કહે છે કે તમે ગાદલામાં કેટલા ખૂંપી જાવ છો, તેની અસર એ બાબત પર પડે છે કે તમારે ઓશીકાની કેટલી ઊંચાઈની જરૂર પડશે.
તેઓ સમજાવે છે, "તમારા ખભા પહોળા હોય અને તમે બહુ કડક ગાદલા પર સૂતા હો, તો તમારે જાડું ઓશીકું જોઈએ."
"ગાદલું નરમ હોય, તો તમારે પાતળું ઓશીકું જોઈએ, કારણ કે તમારો ખભો ગાદલામાં વધારે ઊતરી જાય છે."
પીઠ પર સૂનારા લોકો માટે આ બાબત એટલી મહત્ત્વની નથી, કારણ કે પડખું વાળીને સૂનારા લોકોની સરખામણીએ તેઓ ગાદલામાં ઓછા ખૂંપે છે.
તમારું ઓશીકું બહુ પાતળું લાગે, તો મૅકાર્થી તેની નીચે વાળેલો ટુવાલ મૂકવાની સલાહ આપે છે. ઓશીકાની ઊંચાઈ વધારવી કે ઘટાડવી હોય તો ટુવાલના વળની સંખ્યા બદલી શકાય.
આ રીતે તમને કેટલી ઊંચાઈનું ઓશીકું જોઈએ તેનો અંદાજ આવી જશે અને નવું ઓશીકું પસંદ કરવામાં સરળતા રહેશે.
કયા આકારનું ઓશીકું શ્રેષ્ઠ?
ખાસ પ્રકારનાં ઓશીકાં ઘણી વાર શરીરના આકાર પ્રમાણે બનાવેલાં, આરામદાયક અથવા ઑર્થોપેડિક તરીકે વેચવામાં આવે છે. પરંતુ મૅકાર્થી કહે છે કે આવા ઓશીકાં ખરેખર કેટલાં અસરકારક છે એ અંગે હજુ પૂરતા નક્કર પુરાવા નથી.
તેઓ કહે છે, "થોડા નબળા પુરાવા એવા છે કે ઓશીકાનો આગળનો ભાગ થોડો ઊંચો હોય અને એ ગરદનના ભાગ સુધી પહોંચતો હોય, તો તે પડખું વાળીને સૂનારા લોકો માટે મદદરૂપ થઈ શકે છે."
ઓશીકાનો આગળનો ઊંચો ભાગ વધુ સારી ઊંઘમાં મદદ કરે છે કે નહીં એ જોવા માટે મૅકાર્થીએ સૂચવેલી ટુવાલની રીત અજમાવી શકાય. ટુવાલને વાળીને ઓશીકા નીચે મૂકી જુઓ.
પડખું વાળીને સૂનારા લોકોને તેઓ એવી સ્થિતિ પસંદ કરવાની સલાહ આપે છે, જેમાં તેમની પીઠ સીધી રહે.
પીઠ પર સૂનારા લોકો માટે કેટલીક કંપનીઓ વચ્ચેનો ભાગ થોડો નીચો અને આજુબાજુના ભાગ ઊંચા હોય એવું ઓશીકું વેચે છે. મૅકાર્થી કહે છે કે આવું ઓશીકું વ્યક્તિને સૂવાની સારી સ્થિતિમાં રાખે છે, પરંતુ તેમના કેટલાક દર્દીઓને એ ઓશીકું "થોડા બંધિયારપણાનો અનુભવ કરાવતું" લાગ્યું છે.
તેઓ વધુમાં કહે છે કે, જે વ્યક્તિનું માથું મોટું અને ભારે હોય તેના માટે વધુ જાડું અને કડક ઓશીકું પણ જરૂરી છે.
પીછાંનું કે ફોમનું?
મૅકાર્થી કહે છે કે પીછાં અને નરમ રુંવાથી ભરેલાં ઓશીકાં ગરમ રાતમાં માથાને ઠંડું રાખી શકે છે, કારણ કે તે માથામાંથી નીકળતી ગરમીને દૂર કરવામાં મદદ કરે છે.
પરંતુ રાત દરમિયાન તેનો આકાર બદલાઈ શકે છે, ખાસ કરીને ઊંઘમાં વારંવાર પડખું બદલવાની ટેવ હોય તો. પરિણામે ઓશીકું સંકોચાઈને માથાની પાછળની તરફ સરકી શકે છે.
તેઓ કહે છે, "જે ઓશીકું શરૂઆતમાં સપાટ અને માથાને યોગ્ય ટેકો આપતું હોય, તે ધીમે ધીમે ઢાળ જેવું બની જાય છે અને તેથી તમારી ગરદન ઉપરની તરફ વળી જાય છે."
મૅકાર્થી કહે છે કે, હોલો ફાઇબર અને માઇક્રોફાઇબરથી ભરેલાં ઓશીકાં પોતાનો આકાર વધુ સારી રીતે જાળવી શકે છે. જોકે, સામાન્ય રીતે તે પીછાંનાં ઓશીકાંની સરખામણીએ ગરમી દૂર કરવામાં એટલાં અસરકારક નથી.
કેટલાંક ઓશીકાંના નીચેના અડધા ભાગમાં વધુ કડક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી તે રાત દરમિયાન પોતાનો આકાર જાળવી રાખે.
મૅકાર્થીએ 5 વર્ષ પહેલાં લગભગ 50 પાઉન્ડમાં ફોમનું ઓશીકું ખરીદ્યું હતું. તેમાં હવાની અવરજવર માટે નળાકાર જગ્યાઓ છે. તેઓ પડખું વાળીને સૂતા હોવાથી ઓશીકાની નીચે વાળેલો ટુવાલ મૂકીને તેની ઊંચાઈ ગોઠવે છે.
તેઓ કહે છે કે, યોગ્ય ઓશીકાની પસંદગી વ્યક્તિએ વ્યક્તિએ અને તેની ઊંઘવાની રીત પ્રમાણે બદલાય છે. તેથી તેઓ લોકોને સલાહ આપે છે કે કેટલીક કંપનીઓ ઓશીકું ખરીદ્યા પછી તેના ટ્રાયલ માટે જે સમય આપે છે તેનો ઉપયોગ કરવો જોઈએ.
તેઓ કહે છે, "દરેક વ્યક્તિ અને ઊંઘવાની દરેક સ્થિતિ માટે એક જ પ્રકારનું ઓશીકું યોગ્ય હોય એવું શક્ય નથી. તમારે તમારી વ્યક્તિગત જરૂરિયાત પ્રમાણે તેને પસંદ કરવું પડે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન