You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPL 2026: પાંચ ટીમ અને પ્લૅઑફની એક જગ્યા; ચેન્નાઈનું પ્લૅઑફમાં પ્રવેશવાનું ગણિત શું છે?
- લેેખક, પ્રદીપ કૃષ્ણા
- પદ, બીબીસી તામિલ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સને વધુ એક હાર મળી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની આ મૅચ તેમને પ્લૅઑફમાં પ્રવેશવા માટે જીતવી પડે તેમ હતી.
આ મૅચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઑવરમાં પ્રથમ બૅટિંગ કરતી વખતે 180 રન નોંધાવ્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદે આ પડકારને પાંચ વિકેટે 19 ઑવરમાં જ ઝીલી લીધો હતો.
મૅચ જીતીને સનરાઇઝર્સે પ્લૅઑફમાં 16 પૉઇન્ટ્સ સાથે પ્રવેશ મેળવી લીધો છે. આ સાથે જ આરસીબી, ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદે પ્લૅઑફમાં પ્રવેશ મેળવી લીધો છે અને એક સ્થાન ખાલી છે.
13 મૅચ રમ્યા બાદ ચેન્નાઈની ટીમ 12 પૉઇન્ટ્સ સાથે હજુ પણ અનિશ્ચિતતામાં છે. આ હાર પછી ચેન્નાઈની પ્લૅઑફમાં પ્રવેશવાની આશા ધૂંધળી થઈ ગઈ છે અને તેને બીજી ટીમોનાx પરિણામ પર પણ આધાર રાખવો પડશે.
પાંચેય ટીમોની સ્થિતિ શું છે?
હાલમાં ત્રણ ટીમો રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ પ્લૅઑફમાં પ્રવેશી ચૂકી છે જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ બહાર ફેંકાઈ ગઈ છે.
આથી, હવે પાંચ ટીમો એક જગ્યા માટે સ્પર્ધા કરી રહી છે.
- પંજાબ કિંગ્સ: 13 મૅચ બાદ 13 પૉઇન્ટ્સ
- રાજસ્થાન રૉયલ્સ: 12 મૅચ બાદ 12 પૉઇન્ટ્સ
- ચેન્નાઈ સુપર કિંગ્સ: 13 મૅચ બાદ 12 પૉઇન્ટ્સ
- દિલ્હી કૅપિટલ્સ: 13 મૅચ બાદ 12 પૉઇન્ટ્સ
- કોલકાતા નાઇટ રાઇડર્સ: 12 મૅચ બાદ 11 પૉઇન્ટ્સ
ચેન્નાઈની સ્થિતિ શું છે?
પૉઇન્ટ્સ ટેબલમાં છઠ્ઠા સ્થાને રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સના 12 પૉઇન્ટ્સ છે.
પ્લૅઑફમાં પ્રવેશવા માટે ચેન્નાઈને પોતાની આગામી મૅચ ફરજિયાત જીતવી પડશે. આમ થવાથી તેના 14 પૉઇન્ટ્સ થશે. પરંતુ માત્ર જીત મેળવવાથી તેનો પ્લૅઑફમાં પ્રવેશ નહીં થઈ જાય. ચેન્નાઈએ અન્ય ટીમો હારે તેવી પણ આશા રાખવી પડશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચેન્નાઈને પ્લૅઑફમાં પ્રવેશવા...
પંજાબ તેની અંતિમ મૅચ હારી જાય.
કોલકાતા તેની બંનેમાંથી ઓછામાં ઓછી એક મૅચ હારી જાય.
રાજસ્થાન તેની બંને મૅચ હારી જાય.
દિલ્હી કૅપિટલ્સ પણ તેની મૅચ હારી જાય. પરંતુ જો કદાચ દિલ્હી જીતી પણ જાય તો તેનો રનરેટ એટલો ખરાબ છે કે તેનાથી ચેન્નાઈને કોઈ મોટી અસર નહીં થાય.
એટલે કે જો આ પ્રમાણે થાય તો ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લૅઑફમાં પ્રવેશી શકે...
- 19મે ના રોજ રાજસ્થાન રૉયલ્સ લખનઉ સામે હારી જાય
- 20મે ના રોજ મુંબઈ ઇન્ડિયન્સ ફરજિયાતપણે કોલકાતા નાઇટ રાઇડર્સને હરાવે
- 21મે ના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ ગુજરાત ટાઇટન્સને ફરજિયાતપણે હરાવે.
- 23મે ના રોજ લખનઉ સુપર જાયન્ટ્સ સામે પંજાબ કિંગ્સ હારી જાય
- 24મે ના રોજ મુંબઈ ઇન્ડિયન્સ રાજસ્થાન રૉયલ્સ સામે ફરજિયાતપણે જીતે
- 24મે ના રોજ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે દિલ્હી કૅપિટલ્સ ફરજિયાતપણે હારી જાય
જો આમ થાય તો અંતે ચેન્નાઈના 14 પૉઇન્ટ્સ, કેકેઆરના 13 પૉઇન્ટ્સ, પંજાબ કિંગ્સના 13 પૉઇન્ટ્સ, દિલ્હી કૅપિટલ્સ અને રાજસ્થાન રૉયલ્સના 12 પૉઇન્ટ્સ થાય, અને ચેન્નાઈ પ્લૅઑફમાં પ્રવેશી શકે.
જો દિલ્હી કોલકાતા સામે જીતી જાય તો પણ તેના રનરેટ પ્રમાણે ચેન્નાઈને કોઈ મોટું નુકસાન થવાનું નથી. ચેન્નાઈ સુપર કિંગ્સનો નેટ રનરેટ -0.016 છે તથા દિલ્હીનો નેટ રનરેટ -0.871 છે.
જો રાજસ્થાન રૉયલ્સ તેની બેમાંથી એક મૅચ જીતે અને એક હારે તો નેટ રનરેટ મોટું પરિબળ બની જશે. કારણ કે તેનાથી તેમને અંતિમ મૅચમાં એ ખ્યાલ આ જશે કે કેટલા માર્જિનથી તેમને જીતવાનું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન