You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'હવે આપણો વારો', એ ફિલ્મની કહાણી જેણે ભયાનક ડાયનાસોરને ફિલ્મ સ્ટાર્સ બનાવી દીધાં
- લેેખક, ફ્રાન્સિસ ઓગસ્ટિન
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
જૂન, 1993માં સ્ટીવન સ્પીલબર્ગે માઇકલ ક્રાઇટનની નવલકથા પરથી ફિલ્મ બનાવીને પ્રાગૈતિહાસિક યુગના પડછંદ રાક્ષસી જીવોને પડદા પર જીવંત કરી દીધા. તે વર્ષે ક્રાઇટને બીબીસી સાથે એ વિશે વાત કરી હતી કે, ડાયનાસોર કેમ આજે પણ આપણને આટલા બધા આકર્ષિત કરે છે.
સ્ટીવન સ્પીલબર્ગની ફિલ્મ 'જુરાસિક પાર્ક'નાં વિખ્યાત થઈ ગયેલાં દૃશ્યો પૈકીનું એક દૃશ્ય એ છે, જેમાં બે વિજ્ઞાનીઓ (સેમ નીલ અને લૌરા ડર્ન) તેમની સામે ઊભેલા વિરાટ કદના બ્રેકિયોસોરસને અવાચક થઈને જોઈ રહે છે.
આ પાત્રો અને દર્શકો પ્રથમ વખત આ મહાકાય જીવને પડદા પર તેમના ભવ્ય સ્વરૂપમાં જોઈ રહ્યાં હતાં. જોન વિલિયમ્સનું યાદગાર સંગીત વાગે છે, તેમ-તેમ તેમના ચહેરા પર બાળકો જેવા રોમાંચ અને અચરજના હાવભાવ જોવા મળે છે. 32 વર્ષ પહેલાં 9 જૂન, 1993ના રોજ આ ફિલ્મ રજૂ થઈ, ત્યારથી આજદિન સુધી તે દર્શકોને એવા જ રોમાંચથી જકડી રાખે છે. તેની ફ્રેન્ચાઇઝીમાં હવે એનિમેટેડ ટીવી સિરીઝ, કોમિક્સ, વીડિયો ગેમ્સ અને સાત મુખ્ય ફિલ્મોનો સમાવેશ થાય છે, જેમાં સૌથી છેલ્લે જુલાઈ, 2025માં 'જુરાસિક વર્લ્ડ રિબર્થ' રિલીઝ થઈ હતી. પણ આ સમગ્ર શરૂઆત માઇકલ ક્રાઇટનની 1990માં પ્રકાશિત થયેલી બેસ્ટસેલિંગ નવલકથા સાથે થઈ હતી.
નવલકથાના લેખનકાર્ય દરમિયાન ક્રાઇટને ડાયનાસોર પરનું વીડિયો પ્રદર્શન ધરાવતા એક મ્યુઝિયમની મુલાકાત લીધી હતી.
"ત્રણ વર્ષનાં નાનાં-નાનાં છોકરા-છોકરીઓ આ ડાયનાસોર સ્ક્રીન પર દેખાય, ત્યારે બૂમો પાડી ઊઠતાં, 'સ્ટેગોસોરસ!' અને 'ટાયરેનોસોરસ!'," એમ ક્રાઇટને 1993માં બીબીસીના 'ધ લેટ શો'ને જણાવ્યું હતું. "તમે વિચાર્યું ન હોય કે, આટલાં નાનાં બાળકોને આ શબ્દોનો ઉચ્ચાર નહીં આવડતો હોય, પણ તેમને તે નામોનાં ઉચ્ચારણો આવડતાં હતાં."
ક્રાઇટનના જણાવ્યા મુજબ, "દરેક સમયગાળામાં આપણી રુચિનું કોઈ ને કોઈ નવું પાસું સામે આવે છે; વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ડાયનાસોર માટેના આપણા પુનઃઅર્થઘટનમાં નહીં, બલ્કે સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી તેમાં ફર્ક જરૂર પડ્યો છે."
1854માં બેન્જામિન વોટરહાઉસ હોકિન્સ દ્વારા તૈયાર કરવામાં આવેલાં ડાયનાસોરનાં કેટલાંક વાસ્તવિક કદનાં મોડલ્સ દક્ષિણ લંડનમાં ક્રિસ્ટલ પેલેસ પાર્ક ખાતે પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં.
આ તબક્કે ક્રાઇટન માનતા હતા, "થોડા જ સમયમાં એ મુખ્ય મુદ્દો બન્યો કે, શું આ પુરાવા ડાર્વિનના ઉત્ક્રાંતિવાદની તરફેણમાં લેવાવા જોઈએ કે વિરુદ્ધમાં? આમ, શરૂઆતમાં વિરાટ અને લુપ્ત થઈ ચૂકેલાં પ્રાણીઓ હોવાથી ડાયનાસોર પ્રત્યેની શરૂઆતની રુચિ પછી તેમને તેમના ધાર્મિક મહત્ત્વના દૃષ્ટિકોણથી જોવામાં આવ્યા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, ક્રાઇટને 'જુરાસિક પાર્ક' લખી, ત્યાં સુધીમાં ડાયનાસોર વિશેના આપણા વિચારો વૈજ્ઞાનિક રીતે અને ફિલોસોફિકલ રીતે બદલાઈ ચૂક્યા હતા. હોકિન્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા મહાકાય, સુસ્ત જીવોનું સ્થાન હવે ચપળ, સ્ફૂર્તિલા અને પક્ષી જેવા દેખાતા જીવોએ લઈ લીધું હતું. વળી, ડાયનાસોરની વિલુપ્તિનો મુદ્દો તેમના સર્જન કરતાંયે વધુ ફિલોસોફિકલ મહત્ત્વ ધરાવવા માંડ્યો હતો. ક્રાઇટને કહ્યું હતું, "ડાયનાસોરને જોઈએ, ત્યારે આપણને સવાલ થાય છે, 'તે પ્રાણીઓ ધરતી પરથી લુપ્ત થઈ ચૂક્યાં છે, શું હવે આપણો વારો છે?'"
તે બે સમયગાળાની વચ્ચેના ગાળામાં ડાયનાસોરે સિનેમાના ઇતિહાસમાં ધૂમ મચાવી દીધી. રૂપેરી પડદે પહેલું ડાયનાસોર એનિમેટેડ ફિલ્મ 'ગર્ટી ધ ડાયનાસોર'માં જોવા મળ્યું હતું. ક્લાસિક મૂક ફિલ્મ 'ધ લોસ્ટ વર્લ્ડ' (1925)માં વિલિસ ઓ'બ્રાયન દ્વારા બનાવવામાં આવેલાં સ્ટોપ-મોશન ડાયનાસોર હતાં.
ઓ'બ્રાયને તે પછી 1933માં કિંગ કોંગ સાથે લડતા પ્રાગૈતિહાસિક રાક્ષસોને એનિમેટ કર્યા હતા. તે પછી 'કિંગ કોંગ'નાં ડાયનાસોરે દિગ્ગજ એનિમેટર રે હૅરીહાઉસેનને તેમની ફિલ્મ '20,000 ફેધમ્સ' (1953) માટે પોતાનું અનોખું હાઇબ્રિડ ડાયનાસોર બનાવવાની પ્રેરણા પૂરી પાડી. તે ટાયરેનોસોરસ અને બ્રોન્ટોસોરસનું મિશ્રણ હતું, જેણે ન્યૂયોર્ક શહેરના માર્ગો પર ઉત્પાત મચાવી દીધો હતો.
હૅરીહાઉસેને 'ધ લેટ શો' પર જણાવ્યું હતું, "અમારી ઘણી વખત ટીકા કરવામાં આવી કે, ડાયનાસોરના સમયમાં માનવો, ખાસ કરીને ગુફામાનવો કદીયે નહોતા. પરંતુ, સિનેમા માટે આટલી છૂટ તો લેવી પડે, કારણ કે, ડાયનાસોર સાથે માણસો ન હોય, તો કોઈ ડ્રામા જ બનતો નથી."
બૉક્સ-ઓફિસના રેકોર્ડ્ઝ તોડ્યા
ક્રાઇટન 'જુરાસિક પાર્ક'ની પટકથાના સહ-લેખક હતા. આ ફિલ્મે મનુષ્યો તથા ડાયનાસોરને અગાઉ કરતાં વધુ વિશ્વસનીય રીતે એકસાથે રજૂ કર્યાં. સ્પીલબર્ગે વિલુપ્ત થઈ ચૂકેલી પ્રજાતિઓને ચમત્કારિક રીતે પુનઃજીવિત કરનારી એક કંપનીની ચેતવણીરૂપ વાર્તા માટે કમ્પ્યુટર-જનરેટેડ ઇમેજરી તથા પ્રેક્ટિકલ એનિમેટ્રોનિક્સનું અભૂતપૂર્વ અને દંગ કરી મૂકનારું સંયોજન કર્યું હતું.
કંપનીના સીઇઓ જોન હેમન્ડ (રિચર્ડ એટનબરો) કોસ્ટા રિકાના દરિયાકાંઠાથી દૂર એક ટાપુ પર આવેલા વાઇલ્ડલાઇફ અમ્યુઝમેન્ટ પાર્કમાં આ જીવોનો ઉપયોગ કરવાનો આશય ધરાવે છે. પરંતુ, જ્યારે ડાયનાસોર તેમના વાડામાંથી નાસી છૂટે છે, ત્યારે વિજ્ઞાનીઓના એક જૂથને એ કડવું સત્ય સમજાઈ જાય છે કે, હેમન્ડની યોજનાથી નુકસાન પણ થઈ શકે છે.
1993ના ઉનાળામાં આ ફિલ્મે ધૂમ મચાવી દીધી હતી અને તેણે થિયેટરોમાં પ્રદર્શન દરમિયાન અમેરિકામાં 357 મિલિયન ડૉલર અને વિશ્વભરમાં 914 મિલિયન ડૉલરની કમાણી કરી હતી. બૉક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડીને આ ફિલ્મ તેની રિલીઝના સમયે તે સમય સુધીની સૌથી વધુ વકરો કરનારી ફિલ્મ બની હતી. વેરાયટીના 1993ના રિવ્યૂમાં જણાવ્યા પ્રમાણે, "જુરાસિક પાર્ક રોમાંચ, સસ્પેન્સ અને વિશાળ પ્રાગૈતિહાસિક સરિસૃપોના અદ્ભુત ચિત્રણના મામલામાં ખરી ઊતરે છે."
"સાંસ્કૃતિક, ઐતિહાસિક અને સૌંદર્યની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ" હોવા બદલ 2018માં આ ફિલ્મને લાઇબ્રેરી ઓફ કૉંગ્રેસની નેશનલ ફિલ્મ રજિસ્ટ્રીમાં સામેલ કરવામાં આવી હતી.
જોકે, તે પછી આ ફિલ્મની કોઈપણ સિક્વલ કે સ્પિન-ઓફને એટલી સફળતા ન મળી, પણ તમામ ફિલ્મો બ્રેકિયોસોરસના કદ જેવી જ વ્યાપક હિટ નીવડી છે. સ્પીલબર્ગે "ધ લોસ્ટ વર્લ્ડઃ જુરાસિક પાર્ક" (1997) દિગ્દર્શિત કરી હતી અને તે પછી જો જોનસ્ટને "જુરાસિક પાર્ક 3" (2001)નું દિગ્દર્શન સંભાળ્યું હતું. તે સમયે એવું લાગતું હતું કે, તે ફિલ્મ મોટા પડદે આ શૃંખલાનો અંત હશે, પણ 2015માં "જુરાસિક વર્લ્ડ"એ સિનેમાઘરો ગજવી દીધાં અને વધુ એક ટ્રિલજી (ત્રણ ફિલ્મોની શ્રેણી)ની શરૂઆત કરીઃ તે સમયે તે વિશ્વની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી.
ડાયનાસોર આજે પણ બાળકો જેવી ઉત્સુકતા જગાડે છે અને જ્યાં સુધી તે આવી ઉત્સુકતા જગાડતા રહેશે, ત્યાં સુધી "જુરાસિક પાર્ક" ફ્રેન્ચાઇઝી લુપ્ત નહીં થાય.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન