સુરતમાં સૌરાષ્ટ્ર કરતાં ઓછો વરસાદ પડવા છતાં આટલું ભયાનક પૂર કેમ આવ્યું?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

સુરતીઓને હાલના પૂરે બે દાયકા પહેલાં આવેલા ભયાનક પૂરની યાદ અપાવી દીધી છે. બે દાયકા પહેલાં આવેલા પૂરે પણ સુરતમાં કરોડોનું નુકસાન કર્યું હતું. ત્યારબાદ સરકારે ખાડી વિસ્તારના પાણીથી સુરતમાં પૂર ન આવે તે અર્થે તાપી શુદ્ધિકરણ અને વલાક ખાડી તેમજ મીઠી ખાડીના પાણીને બીજી તરફ વાળવાનો કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો.

હવામાન વિભાગે ગયા અઠવાડિયામાં ઘણા દિવસો માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં રેડ ઍલર્ટની જાહેરાત કરી હતી. ત્યારે 8 જુલાઈએ સુરત શહેરમાં સરેરાશ 7થી 8 ઇંચ, 7 જુલાઈના રોજ સુરતના પલસાણામાં 18 ઇંચ, કામરેજમાં 17 ઇંચ અને સુરત સિટીમાં 14 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ જ દિવસે સુરતના બારડોલીમાં અંબિકા નદી નજીક 9.37, મહુવામાં 9.25, ઉમરપાડામાં 8.86, ચોર્યાસીમાં 6.34, માંડવીમાં 6.34 અને માંગરોળમાં 2.72 ઇંચ વરસાદ પડ્યો હતો. તેમજ 6 જુલાઈના દિવસે સુરતના કામરેજમાં સાડા છ ઇંચ વરસાદ નોંધાયો હતો. આમ સોમવારથી ગુરુવાર સુધીમાં સુરતમાં કુલ 20 ઇંચ વરસાદ નોંધાયો.

આ પ્રકારના ભારે વરસાદને કારણે સુરતમાં ઠેર-ઠેર પાણી ભરાયાં હતાં અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. સુરતમાં આ પૂરને લીધે કેટલીક સોસાયટીઓમાં કેડસમાણાં પાણી ભરાયાં હતાં, તો ક્યાંક દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. સુરતના વિવિધ વિસ્તારોમાંથી અંદાજે 3,000 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.

વરાછાના મોબાઇલ માર્કેટમાં પણ દુકાનો ડૂબી જવાથી વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. વરસાદ બાદ થયેલા નુકસાન વિશે સુરતના વેપારીઓએ બીબીસી ગુજરાતીને કહ્યું હતું કે 150-200 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

જોકે છેલ્લા દિવસોમાં નોંધાયેલા વરસાદમાં, સુરતમાં આવેલો વરસાદ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ કરતાં ઓછો હતો. 5થી 6 જુલાઈ સુધીમાં એક દિવસમાં જૂનાગઢના માંગરોળમાં 20 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

સુરતમાં સૌરાષ્ટ્ર કરતાં ઓછો વરસાદ, છતાં પૂર કેમ આવ્યું?

સુરતે બે દાયકા પહેલાં ઑગસ્ટ 2006માં એક ભયાનક પૂર જોયું હતું, જેમાં સરકારી રિપોર્ટ મુજબ 120 લોકોનાં મોત થયાં હતાં. ત્યારબાદ સુરતમાં બે વાર પૂર આવ્યાં પણ કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. ત્યાર પછી હવે 20 વર્ષે આવેલા પૂરમાં સરકારી રિપોર્ટ મુજબ 26 લોકોનાં મોત થયાં છે અને પૂરને કારણે થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે કરવા અને અસરગ્રસ્તોને ઝડપથી રાહત આપવા માટે નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ નાના વેપારીઓ અને સ્થળાંતરિત કરાયેલા લોકોને ત્વરિત અસરથી રાહત આપવાનું નક્કી થયું છે.

સાત જુલાઈએ ગુજરાતના સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 26.79% વરસાદ થયો હતો, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 24.98% વરસાદ થયો હતો. પણ આટલા વરસાદમાં સુરતમાં ભારે તબાહી થઈ ગઈ. ઠેર-ઠેર પાણી ભરાઈ જવાથી ઉદ્યોગોને નુકસાન થયું હતું. સૌથી વધારે નાના વેપારીઓને અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને નુકસાન થયું છે.

સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે બીબીસી ગુજરાતી સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું કે, "અમે વરસાદ પહેલાં કરવામાં આવતી પ્રી-મોન્સૂનની કામગીરી કરી હતી. પણ અચાનક એકસાથે 12 ઇંચથી વધુ વરસાદ પડ્યો અને ખાડી વિસ્તારમાં ઉપરવાસમાંથી પાણી આવ્યું એટલે મોટું પૂર સર્જાઈ ગયું."

"અમે ભૂતકાળમાં ખાડી વિસ્તારના વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવા માટે રાજ્ય સરકારે 2017માં જે તાપી શુદ્ધિકરણ યોજના અને ખાડી નિવારણ યોજના માટે બજેટ ફાળવ્યું હતું એના ઉપર કામ કર્યું છે, તેથી વધારે તબાહી નથી થઈ."

સુરત કલેક્ટર તેજસ પરમારે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "સુરત, વલસાડ અને નવસારીમાં કેટલીક જગ્યાઓ પર 12થી 16 ઇંચ વરસાદ પડ્યો છે. અમે લોકોનું સ્થળાંતર કરાવ્યું છે, સુરક્ષાનાં તમામ પગલાં લીધાં છે. હાલ વરસાદ રોકાયા પછી તાપી અને ઉકાઈ ડેમમાં પાણીની સપાટી ભયજનક સ્તરે નથી પહોંચી."

"અત્યારે અમારી પ્રથમ જવાબદારી અસરગ્રસ્તોની મદદ અને જનજીવન પુનઃ સ્થાપિત કરવાની છે. ભવિષ્યમાં આવું પૂર ન આવે એના માટે ખાડી પ્રોજેક્ટ સહિતની યોજનાઓ છે જેનો ઝડપથી અમલ કરવામાં આવશે, જેથી આ સમસ્યાનું નિરાકરણ લાવી શકાશે."

સૂરતમાં પૂર કેમ આવ્યું? - નિષ્ણાતો મત

જાણીતા પર્યાવરણવિદ્ મહેશ પંડ્યાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "દક્ષિણ ગુજરાતમાં પહેલેથી વધુ વરસાદ પડે છે એટલે 12થી 16 ઇંચ વરસાદમાં આટલું પૂર આવે નહીં. સુરતમાં પહેલાં ઘણાં પૂર આવ્યાં છે. સુરતમાં ભૂતકાળમાં ભારે પૂર આવ્યાં છે, એમાં 1968ના પૂરમાં સુરતમાં ભારે તબાહી થઈ હતી."

"ત્યારબાદ ઉકાઈ ડેમ બન્યો અને ત્યારબાદ સુરતમાં પડેલા ભારે વરસાદને કારણે 1978, 1979 અને 1994માં આવેલા પૂરને ઉકાઈ ડેમના દરવાજા ખોલીને પરિસ્થિતિ સારી રીતે કાબૂમાં લઈ શકાઈ હતી. એમાં પૂરથી નુકસાન થયું હતું પણ મોટી તબાહી થઈ ન હતી."

"હવે પૂર આવવા પાછળનું મુખ્ય કારણ મીઠી ખાડી, વરાછા ખાડીમાં થયેલાં બાંધકામોને કારણે પાણીનો કુદરતી નિકાલ અવરોધાયો છે તે છે. જેના કારણે પૂર આવ્યું છે. આ ઉપરાંત શહેરના વિકાસની સાથે વધતાં મકાનો અને ઉદ્યોગોના ડ્રેનેજની સમસ્યા પણ છે. આ સંજોગોમાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલી સ્ટોર્મ વોટર સિસ્ટમમાં ડ્રેનેજ લાઈન પણ જોડાય છે, જેના કારણે વધુ વરસાદ પડે ત્યારે આ પાણી ઉભરાઈ જાય છે. અને સુરતનું પાણી કુદરતી રીતે દરિયામાં અને ખાડીમાં જઈ શકતું નથી, આ પણ એક કારણ છે."

તો સુરતમાં ખાડીના કારણે સર્જાતી સમસ્યા અને ખાડીના વહેણ અંગે પર્યાવરણ સુરક્ષા સમિતિના અધ્યક્ષ રાજુ પ્રજાપતિએ જણાવ્યું કે, "નિષ્ણાતોની એક ટીમ દ્વારા 2017માં, તાપી શુદ્ધિકરણ અને ખાડીના વહેણને રસ્તો આપવા માટે સરકારે જાહેર કરેલી 900 કરોડની યોજના પર આર્કિટેક્ટ સુજીત પાઠક, પર્યાવરણવિદ્ વકીલ કૃષ્ણકાંત ચૌહાણ અને ક્લાઈમેટ ચેન્જ પર કામ કરી રહેલા અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના અવધૂત અત્રે અને બુદ્ધવિકાસ આઠવલેએ એક 'મારા સુરતની સુરત' નામનું રિસર્ચ પેપર તૈયાર કર્યું હતું," જેમાં ખાડીમાં થતાં દબાણો પૂર માટે મહત્ત્વનું કારણ બતાવવામાં આવ્યું છે.

2011થી 2025 સુધીમાં અહીં વિકાસ માટે બનેલાં બાંધકામોના લીધે સુરત પાસેની મીઠી ખાડી, ઇસ્ટ 'એ' અને ઇસ્ટ 'બી', વરાછા, સાઉથ 'એ' ઉધના, સાઉથ-ઈસ્ટના લીંબાયત વિસ્તારમાં પાણી ભરાય છે અને પૂર જેવી સ્થિતિ થાય છે.

મહેશ પંડ્યા જણાવે છે, "આનું કારણ એ છે કે પાણીના કુદરતી સ્ત્રોતના પાણીના નિકાલ પર આધાર રાખવાને બદલે તેઓ 'એન્જિનિયરિંગ સોલ્યુશન' તરફ ગયા છે. જેમાં ખાડીના કાંઠે કૉન્ક્રીટ કરવું, કાંઠાનું સ્તર ઊંચું કરવું, અહીં પુરાણ કરી રસ્તા બનાવવા; જેના કારણે વરસાદી પાણીના નિકાલ માટેના કુદરતી ઢોળાવ બંધ થઈ જાય છે."

"ઉપરાંત વહીવટ કરતા સંચાલકો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એવું માને છે કે પાણીના નિકાલ માટે ગટરની વ્યવસ્થા યોગ્ય છે, પણ પાણીના નિકાલ માટેના કુદરતી સ્ત્રોત બંધ થઈ જતાં અન્ય વિસ્તારમાં પાણી ભરાવવાની અને પૂર આવવાની સંભાવના વધી જાય છે. જૂન 2025માં રજૂ થયેલા આ રિપોર્ટમાં સ્પષ્ટ કહ્યું છે કે ખાડી અને જળાશયો પાસેના બાંધકામના કારણે પાણીના નિકાલની જગ્યા વધુ સાંકળી થઈ ગઈ છે. આમ ગટરો સાંકળી છે અને ગટરના ઢોળાવ પણ યોગ્ય નથી, એટલે પાણીનો ભરાવો વધારે થાય છે. ત્યારબાદ હવે એક ખાડીથી બીજી ખાડી સુધી પાણી જાય એવી વ્યવસ્થા કરાવવી જોઈએ, જેથી વરસાદનાં પાણી ભરાય નહીં અને પૂર ન આવે."

સૂરતમાં પૂર - કૉંગ્રેસે શું કહ્યું?

સુરત કૉંગ્રેસના પ્રમુખ અને સિવિલ એન્જિનિયર વિપુલ ઉધનાવાળાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "સુરતમાં ખાડીમાં થયેલા ગેરકાયદે બાંધકામોને કારણે પૂરની સમસ્યા ઊભી થાય છે. અહીં આડેધડ થયેલા બાંધકામોના લીધે સ્ટોર્મ વોટર સિસ્ટમ (વરસાદી પાણીના નિકાલ માટેની સિસ્ટમ) સાથે ગટર લાઈન જોડી દેવાઈ છે, જેના કારણે વરસાદના પાણી સાથે ગટરનું પાણી ભળી જાય છે."

"તેમજ ઔદ્યોગિક એકમોમાં ગેરકાયદે ડ્રેનેજ સિસ્ટમ હોવાને કારણે પ્રદૂષિત પાણી બેક મારીને બહાર આવે છે. ઉપરાંત સુરતની આસપાસની ખાડી પાસે થયેલા ગેરકાયદે બાંધકામોના કારણે વરસાદી પાણીના નિકાલના કુદરતી સ્ત્રોત બંધ થઈ ગયા છે. જેના કારણે જે અન્ય વિસ્તારોમાં અગાઉ પાણી ભરાતું ન હતું ત્યાં હવે પાણી ભરાય છે અને પૂર આવે છે."

તેમણે ઉમેર્યું કે, "પૂરને નિયંત્રણમાં રાખવા માટે જરૂરી એન્જિનિયરિંગ સોલ્યુશન હોવું જોઈએ. જેમ કે, 1968ના પૂર પછી ઉકાઈ ડેમ બન્યો ત્યાર પછી આવેલા ત્રણ પૂરને નિયંત્રણમાં લઈ શકાયા હતા. આમ એન્જિનિયરિંગ સોલ્યુશન એવું હોવું જોઈએ કે જે કુદરતી રીતે નિકાલ માટેના પાણીના સ્ત્રોત બંધ ન કરે અને પાણીનો નિકાલ કરે. પરંતુ ખોટી રીતે ખાડીના કાંઠા ઊંચા લઈ અયોગ્ય રીતે ડ્રેનેજ લાઈન બનાવાઈ છે, એના કારણે સુરતને વરસાદમાં પૂરનો ભોગ બનવું પડે છે."

"દર વર્ષે વરસાદમાં ગેરકાયદે બાંધકામ થવાને કારણે કુદરતી પાણીના નિકાલના સ્ત્રોત બંધ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે સુરતના અલગ-અલગ વિસ્તારમાં પણ હવે પાણી ભરાય છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોની ઘરવખરીને નુકસાન થાય છે અને નાના વેપારીઓની દુકાનમાં પાણી ભરાઈ જવાથી વેપાર-ધંધાને પણ અસર થાય છે."

સરકાર શું કહે છે?

સુરતમાં આવેલા પૂરને કારણે થયેલા નુકસાન અને જાનહાનિની જાણ થતાં બપોરે સમીક્ષા કર્યા બાદ નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ સંબંધિત અધિકારીઓની એક ખાસ બેઠક બોલાવીને રાહત કાર્ય તાત્કાલિક ધોરણે શરૂ કરવાનું આયોજન કર્યું હતું.

બીબીસી સાથેની વાતચીતમાં હર્ષ સંઘવીએ કહ્યું કે, "ખાડીના કારણે સર્જાતી પૂરની સમસ્યાને અમે ગંભીરતાથી જોઈએ છીએ. ભૂતકાળમાં આવી ઘટના બની હતી તો ફરી એનું પુનરાવર્તન કેમ થયું એની તાત્કાલિક ધોરણે તપાસ કરી એની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈની ગંભીર બેદરકારી દેખાશે તો એની સામે ફોજદારી ગુના હેઠળ એફઆઈઆર કરી કાનૂની પગલાં લેવામાં આવશે."

"ખાડીની સમસ્યાના કાયમી નિકાલ માટે મુખ્યમંત્રીએ વધુ 500 કરોડની જોગવાઈ કરી છે. એટલે હવે સુરતમાં પૂરની સમસ્યાને નિવારી શકાશે. આ ઉપરાંત જેમના ઘરને કે નાના દુકાનદારોને નુકસાન થયું છે એમને તાત્કાલિક સહાય આપવામાં આવશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન