You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇન્સ્ટાગ્રામ પર બનેલા ફ્રેન્ડને મળવા ગયેલી 12 વર્ષની બાળકી સાથે ગૅંગરેપ, દેહવેપારમાં ધકેલવાનો આરોપ
- લેેખક, મોહરસિંહ મીણા
- પદ, બીબીસી ન્યૂઝ માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
(આ અહેવાલની કેટલીક વિગતો આપને વિચલિત કરી શકે છે)
રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં 12 વર્ષની એક બાળકી સાથે રેપના આરોપમાં 18 લોકોની ધરપકડ કરાઈ છે. પોલીસ પ્રમાણે આ મામલામાં ટૂંક સમયમાં વધુ લોકોની ધરપકડ થઈ શકે છે.
પોલીસ પ્રમાણે બાળકીને ચાર દિવસ સુધી બંધક બનાવી રાખીને અલગ અલગ સ્થળે રાખવામાં આવી અને દેહવેપાર કરાવવામાં આવ્યો હતો.
શ્રીગંગાનગર જિલ્લાના પોલીસ અધીક્ષક (એસપી) હરિશંકરે બીબીસીને ફોન પર જણાવ્યું કે, "આ મામલાની તપાસ લગભગ અંતિમ તબક્કામાં છે. અમે 18 લોકોની ધરપકડ કરી છે."
તેમણે એવું પણ કહ્યું કે સીસીટીવી ફૂટેજ ચેક કરાઈ રહી છે અને એ બાદ વધુ ત્રણ-ચાર લોકોની ધરપકડ થશે.
12 વર્ષની બાળકી સાથે ગૅંગરેપનો આખો મામલો શું છે?
આ કેસના તપાસ અધિકારી અને એડિશનલ એસપી કૈલાશ દાન કહે છે કે આ છોકરીનો ઇન્સ્ટાગ્રામ પર એક મિત્ર હતો, જેને મળવા માટે તે 18 જૂનના રોજ શ્રીગંગાનગરથી 100 કિમી દૂર વિજયનગર ગઈ હતી, ત્યાં એ મિત્રે તેની સાથે રેપ કર્યો.
માહિતી મુજબ, એ બાદ આ બાળકી બસ વડે એ રાત્રે વિજયનગરથી શ્રીગંગાનગર પહોંચી અને રિક્ષા પકડી.
બાળકી ઘરે ન પહોંચતાં બાળકીનાં માતાએ તેને ખૂબ શોધી અને સંબંધીઓમાં પણ પૂછપરછ કરી, પરંતુ 22 જૂન સુધી પણ બાળકી ઘરે ન પહોંચતાં મા પોલીસ સ્ટેશન પહોંચ્યાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સદર પોલીસ સ્ટેશનના પ્રભારી સુભાષ ચંદ્રાએ બીબીસીને જણાવ્યું, "બાળકીની માતાના પોલીસ સ્ટેશન પહોંચતા પહેલાં જ અમને બાળકી સાથે થયેલી ઘટનાની જાણકારી મળી ગઈ હતી. અમે બાળકી સુધી પહોંચી ગયા અને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી."
"આ મામલો મહિલા પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલો હતો, તેથી મહિલા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ અને ચાઇલ્ડ વેલફેર કમિટીના સભ્ય આવી ગયાં હતાં. અમે તેમને બાળકી સોંપી દીધી."
મહિલા પોલીસ સ્ટેશનનાં પ્રભારી કલાવતી ચૌધરીએ બીબીસીને કહ્યું, "બાળકીની ફરિયાદ આધારે અમે પોક્સો, જુવેનાઇલ જસ્ટિસ ઍક્ટ, દેહવેપાર સહિત અન્ય સંબંધિત કલમોમાં એફઆઇઆર નોંધાવી છે. મામલાની તપાસ એડિશનલ એસપી કરી રહ્યા છે."
તેઓ જણાવે છે કે બાળકીએ જણાવ્યું કે 20-25 લોકોએ તેની સાથે રેપ કર્યો.
બાળકીને અલગ-અલગ હોટલોમાં લઈ જવાઈ
તપાસ અધિકારી એડિશનલ એસપીએ બીબીસી સાથેની વાતચીતમાં ફોન પર કહ્યું કે બાળકી સાથે 18 જૂનની રાત્રિથી માંડીને 22 જૂનની બપોર સુધી આ ઘટનાઓ બની છે.
તેઓ જણાવે છે, "બાળકી પોતાના ફ્રેન્ડને મળીને રાત્રે શ્રીગંગાનગર બસ સ્ટેન્ડ પહોંચી. ત્યાંથી તેણે રિક્ષા પકડી. રિક્ષાવાળો તેને એક હોટલમાં લઈ ગયો, જે બાદ આ આખી ઘટના થઈ."
"રિક્ષાવાળો રાત્રે બાળકી સાથે જ હોટલમાં રોકાયો. રેપ મામલે રિક્ષાવાળાની પણ ધરપકડ કરાઈ છે."
તેઓ આગળ જણાવે છે કે, "જે હોટલમાં બાળકીને લઈ જવાઈ, ત્યાં જ તેની સાથે સૌથી વધુ વખત રેપ થયો. આ સિવાય અન્ય બે હોટલોમાં પણ બાળકીને લઈ જવાઈ, જ્યાં રેપની ઘટના બની."
તેમનું કહેવું છે કે તપાસ ચાલી રહી છે અને જલદી જ ઓછામાં ઓછા વધુ ચાર આરોપીઓની ધરપકડ થશે. આ મામલામાં અત્યાર સુધી પકડાયેલા તમામ આરોપી પુખ્ત છે અને છોકરીના સોશિયલ મીડિયા ફ્રેન્ડને વિજયનગરથી પકડી લેવાયો છે.
પોલીસે આરોપીઓના રિમાન્ડ લીધા છે અને હવે તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં છે. પોલીસ હોટલના સીસીટીવી ફૂટેજ આધારે જલદી જ અન્ય કેટલાક આરોપીઓની પણ ધરપકડ કરી શકે છે.
બાળકી સાથે જે ત્રણ હોટલોમાં રેપ થયાનો આરોપ છે, એ તમામ પર જિલ્લા વહીવટી તંત્રે કાર્યવાહી કરીને બુલડોઝર ફેરવી દીધું છે.
બાળકી સાથે થયેલા રેપ મામલે સ્થાનિકોમાં ગુસ્સો
ઘટના બાદ મહિલા પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાઈ છે. બાળકીની મેડિકલ તપાસ કરાઈ અને નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. પોલીસે બાળકી પાસેથી આરોપીઓની ઓળખ પણ કરાવી છે.
તપાસ અધિકારી જણાવે છે કે બાળકી હાલ પોતાનાં માતાપિતા સાથે ઘરે છે.
ઘટના બાદથી શ્રીગંગાનગરમાં સતત લોકો રસ્તે ઊતરીને પ્રદર્શન કરી રહ્યા છે અને આરોપીઓને કઠોર સજા આપવાની માગ કરી રહ્યા છે.
દિલ્હી એઇમ્સ હૉસ્પિટલમાં મનોચિકિત્સક ડૉ. ગણેશ મીણા જણાવે છે કે કોઈ પણ સગીર જ્યારે આવી સ્થિતિમાંથી પસાર થાય છે, જેમાં તેની સાથે રેપની ઘટના બની હોય, પરિવારમાં કોઈનું મૃત્યુ થઈ ગયું હોય કે કોઈ મોટો અકસ્માત થયો હોય, ત્યારે તે પોસ્ટ ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસૉર્ડર (પીટીએસડી)માંથી પસાર થાય છે.
ડૉક્ટર મીણા પ્રમાણે, પીટીએસડીમાં બાળકના આત્મવિશ્વાસમાં ઘટાડો થાય છે. તે કોઈના પર વિશ્વાસ નથી કરતું, ચૂપ રહે છે, ભણતર છૂટી જાય છે અને બહારના લોકોથી તેને ડર લાગે છે. તે વારંવાર એ ઘટનાને યાદ કરીને ગભરાઈ જાય છે. આવી સ્થિતિમાં બાળકોના આખા જીવન પર અસર પડી શકે છે.
બાળકોને આ સ્થિતિમાંથી બહાર આવવાનું સમાધાન જણાવતા તેઓ કહે છે કે આવી સ્થિતિમાં સાઇકિયાટ્રિસ્ટની સલાહ લેવી જોઈએ. તેની સાથે જ થૅરપી અને દવા પણ છે, જે લાંબી પ્રક્રિયા છે. બાળકોને આ દરમિયાન પરેશાન કરનારા વિચારો આવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન