You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જીવલેણ પૂરમાં 97 વર્ષીય દાદી કેવી રીતે કેળના થડના તરાપા પર બેસીને બચી ગયાં?
- લેેખક, સૌતિક બિશ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
19 જુલાઈની મધરાત વીતી ગયા પછીનો સમય હતો. ભારતના ઈશાન ખૂણે આવેલા રાજ્ય આસામના એક ગામમાં પૂરનાં પાણી ઝડપથી ફરી વળી રહ્યાં હતાં. બોર્નાલી બરુઆ અને તેમનાં પતિ તેમની 97 વર્ષનાં માતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં.
લગભગ પથારીવશ અવસ્થામાં રહેલાં લોકડા દુઆરા ચાલી શકતાં નહોતાં. ન કોઈ હોડી હતી, ન બચાવદળ, કે ન મદદ માટે કોઈ પાડોશી. આથી તેમણે કેળના થડમાંથી બનાવેલા કામચલાઉ તરાપા પર તેમને બેસાડ્યાં અને ધસમસતાં પાણીમાં થઈને સલામત સ્થળે લઈ જવા નીકળ્યાં.
"દરેક જણ પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું," બરુઆ કહે છે.
એક કલાક પછી એ ત્રણે પોતાના ઘરથી થોડે દૂર આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરની એક આશ્રયશિબિરે પહોંચ્યાં. તેમનું ઘર ચરિંગ ગામમાં હતું, જે સિવસાગર જિલ્લાના સૌથી વધુ પૂરગ્રસ્ત વિસ્તારોમાંનું એક છે.
પાણી ત્રણથી ચાર ફીટ ઊંડું હતું અને પ્રવાહ એટલો જોરદાર હતો કે એકમેકના હાથ પકડીને તેમજ સંતુલન જાળવવા માટે લાકડીઓનો સહારો લઈને તેમણે ધીમે ધીમે આગળ વધવું પડ્યું.
ત્યાં સુધીમાં બરુઆનું ઘર પૂરના પાણીમાં ગરકાવ થઈ રહ્યું હતું. આખરે પાણી ઘરની અંદર લગભગ પાંચ ફીટ ઊંચે પહોંચી ગયું.
ચરિંગમાં સર્જાયેલું આ દૃશ્ય આસામભરમાં ઘેરાઈ રહેલી વધુ વ્યાપક આફતનો એક હિસ્સો હતું. તાજેતરના આંકડા મુજબ, પૂરમાં મૃત્યુઆંક 100 એ પહોંચ્યો છે. 10 જિલ્લા અને 456 ગામો અસરગ્રસ્ત થયાં છે તેમજ આશરે 1,40,000 લોકો પર તેની અસર થઈ છે. 52 રાહતશિબિરો ઊભી કરવામાં આવી છે.
સમગ્રપણે જોઈએ તો 25 જિલ્લામાં આશરે 12 લાખ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે, 19,000થી વધુ ઘરોને નુકસાન થયું છે અને 252 રાહતશિબિરોમાં 75,000થી વધુ લોકો આશ્રય લઈ રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આસામના ઉપરવાસના કેટલાક વિસ્તારોમાં પૂર વધુ ગંભીર છે. ચરિંગ જેવાં ગામોમાં, જ્યાં સામાન્ય રીતે પૂર આવતું નથી, ત્યાં પણ પાણી ફરી વળ્યાં છે.
40 વર્ષના બરુઆ માટે આ આઘાત ખાસ્સો મોટો છે.
"આ વિસ્તારમાં અમે અમારા જીવનમાં પહેલી વાર આવું પૂર જોયું." તે કહે છે.
બરુઆ જન્મથી જ ચરિંગમાં રહે છે અને તેમના પૂર્વજો પણ અહીં જ રહેતા હતા. પોતાના જન્મ પહેલાંના, 1950માં આવેલા એક મોટા પૂર વિશે તેમણે સાંભળ્યું હતું, પરંતુ તેમની પોતાની જિંદગીમાં આવું કશું બન્યું નહોતું.
તેમનું ઘર અનેક નદીઓથી ઘેરાયેલા પ્રદેશમાં આવેલું છે. જોકે, તેની સાવ નજીકથી કોઈ નદી વહેતી નથી.
આઠ ઓરડાનું એક માળનું તેમનું ઘર શિવસાગર શહેરથી આશરે 25 કિલોમીટર (15 માઇલ) દૂર છે; બ્રહ્મપુત્ર લગભગ 20 કિલોમીટર, દિખોવ 12 કિલોમીટર, ઝાંજી 10 કિલોમીટર અને મિટોંગ માત્ર 5 કિલોમીટર દૂર છે.
તેમણે કદી કલ્પના નહોતી કરી કે પાણી તેમના ઘરના બારણાં સુધી પહોંચી જશે. પણ પાણી ખરેખર ત્યાં સુધી આવી પહોંચ્યું ત્યારે પૂરે તેમના ઘરની સાથોસાથ, વર્ષોથી ઊભી કરેલી તેમની આજીવિકાને પણ જોખમમાં મૂકી દીધી.
બરુઆ એક સમયે પૂર્ણ સમયનાં પત્રકાર હતાં. 2016માં તેમણે પત્રકારત્વ છોડીને પશુપાલન અપનાવ્યું અને ત્રણ વર્ષ પછી તેમની પસંદગી આસામના 'શ્રેષ્ઠ પશુપાલક' તરીકે કરવામાં આવી.
તેમના ફાર્મમાં આશરે 300 બકરાં, 500 બતક અને 1,000 મરઘાં ઉપરાંત માછલીઓ પણ હતી. પૂરે તેનો મોટો હિસ્સો નષ્ટ કરી નાખ્યો.
તેઓ કહે છે કે તેમણે મોટા ભાગનાં બકરાં, 300 બતક, 300 મરઘાં અને મોટી સંખ્યામાં માછલીઓ ગુમાવી દીધી.
સાથોસાથ પશુઓ માટેનો ખોરાક બનાવવાનું મશીન પણ નાશ પામ્યું. ફર્નિચર, લેપટૉપ, વાહનો અને પરિવારનો પુસ્તકોનો સંગ્રહ પણ ખલાસ થઈ ગયો.
તેમનાં કોઈ પણ પશુધનનો વીમો નહોતો. "અહીં પશુધન માટે, ખાસ કરીને બકરાં માટે, કોઈ વીમાવ્યવસ્થા નથી," તેઓ કહે છે.
ઝાંજી નદીનું પાણી વધવા લાગ્યું ત્યારે 17 જુલાઈએ પહેલી ચેતવણી મળી. બે દિવસ પછી બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓ ઝડપથી છલકાઈ જતાં દિખોવ અને મિટોંગનું પાણી આસપાસના વિસ્તારોમાં ફેલાવાનું શરૂ થયું.
બરુઆ કહે છે કે કેટલીક નદીઓએ પોતાના પાળા તોડી નાખતાં પાણીનો ધસમસતો પ્રવાહ નગરો અને ગામોમાં ફરી વળ્યો..
પાણી વધવાનું શરૂ થયાના આશરે એક દિવસ પછી તેમણે અને તેમના પરિવારે ઘર છોડ્યું. ત્યાં સુધીમાં ઘરની અંદર ચાર ફીટ પાણી ભરાઈ ગયું હતું. ત્યાર પછીના 10 દિવસ તેમણે રાહતશિબિરમાં વિતાવ્યા.
પૂર બાદ વીજળી જેવી સુવિધાઓ પણ નથી
શિબિરમાં પાંચ દિવસ સુધી વીજળી કે મોબાઇલ કનેક્ટિવિટી નહોતી અને બરુઆ પોતાનો ફોન પણ ચાર્જ કરી શકતાં નહોતાં.
સરકારે પરિવારને ચોખા, દાળ અને તેલ ધરાવતી રાહત કિટ આપી.
શિબિરમાં અજાણ્યા લોકો તરફથી પણ મદદ મળી. એક યુવતીએ ભોજન, સફાઈ અને બચી ગયેલા 60 બકરાંની સંભાળ રાખવામાં મદદ કરી.
બોર્નાલીને એ અગાઉ કદી મળી ન હતી. બીજી એક યુવતીએ બીમાર પડી ગયેલાં પશુઓની સારવાર અને તેમને ખવડાવવાની જવાબદારી સંભાળી લીધી.
પણ બરુઆ કહે છે કે જે સ્થળે અગાઉ કદી પૂર આવ્યું નહોતું ત્યાં પાણી પહોંચ્યું કેવી રીતે?
ગૌહાટી યુનિવર્સિટીના ભૂગોળના પ્રોફેસર અને સેન્ટર ફૉર બ્રહ્મપુત્ર સ્ટડીઝના ડિરેક્ટર ધ્રુવજ્યોતિ સહરિયા કહે છે કે આસામના નીચાણવાળા પ્રદેશ એવી બ્રહ્મપુત્ર ખીણમાં પૂર આવવું સ્વાભાવિક છે.
ફેરફાર એ થયો છે કે હવે પૂર વધુ વાર આવે છે, વધુ તીવ્ર હોય છે અને પહેલાં કરતાં ઘણું ગંભીર સ્વરૂપ ધારણ કરે છે, જે ઐતિહાસિક માપદંડોથી ઘણું આગળ વધી ગયું છે."
વિશ્વની સૌથી મોટી, અનેક ધારા ધરાવતી નદીઓમાંની એક બ્રહ્મપુત્ર પાણીના પ્રવાહ અને કાંપના જથ્થા એમ બેય બાબતે વિશ્વની ટોચની પાંચ નદીઓમાં સ્થાન ધરાવે છે.
આ કાંપનો મોટો હિસ્સો તિબેટમાંથી આવે છે, જ્યાંથી આ નદી નીકળે છે.
બ્રહ્મપુત્ર આસામનાં વિશાળ મેદાનોમાં પ્રવેશે છે, ત્યાં આશરે 2.8 કરોડ લોકો વસે છે. તેઓ ચારેય તરફ ટેકરીઓથી ઘેરાયેલા છે. અહીં બ્રહ્મપુત્રનો પ્રવાહ ધીમો પડે છે અને કાંપ જમા થવા લાગે છે.
પરિણામે ધોવાણ અને પૂરમાં વધારો થાય છે. આસામમાં દર વર્ષે પૂર આવવું સામાન્ય બાબત છે, પરંતુ કેટલાક વર્ષોમાં તેની ગંભીરતા ઘણી વધી છે: 2004ના પૂરે જ 1.2 કરોડ લોકોને અસર કરી હતી અને 251 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
તાજેતરના પૂરમાં, આસામના ઉપરવાસમાં સતત ભારે વરસાદ અને પડોશી નાગાલૅન્ડના મોન જિલ્લામાં ભારે વરસાદને કારણે શિવસાગર, ચરાઇદેવ અને જોરહાટમાં ગંભીર પૂર અને મોટા પાયે કાંપ જમા થયો, એમ સહરિયા કહે છે.
હવે કેમ વધુ પૂર આવવા લાગ્યું છે?
સહરિયા કહે છે કે અગાઉ પૂર આવતાં નહોતાં, એવા વિસ્તારોમાં પણ હવે પાણી પહોંચવા લાગ્યું છે. તેનું એક કારણ એ છે કે વધુ લોકો પૂરનાં મેદાનોમાં વસ્યા છે, જંગલો સાફ થઈ ગયાં છે, ખાણકામ અને ટેકરીઓ કાપવાથી નદીઓમાં કાંપ વધ્યો છે અને આ વિસ્તારની જળવ્યવસ્થાને પૂરતી ધ્યાનમાં લીધા વિના રસ્તા, પુલ તેમજ અન્ય બાંધકામો કરવામાં આવ્યાં છે.
પણ આસામ એકલા હાથે બ્રહ્મપુત્રનું સંચાલન કરી શકે તેમ નથી. તેની ઘણી સહાયક નદીઓ આસપાસનાં પર્વતીય રાજ્યોમાંથી નીકળે છે, જ્યારે પૂર નિયંત્રણનાં પગલાંનું આયોજન મોટાભાગે આસામમાં જ કરવામાં આવે છે.
"જરૂરિયાત છે સમગ્ર નદી-તટપ્રદેશને ધ્યાનમાં રાખીને આયોજન કરવાની," સહરિયા કહે છે, સાથે જ રાજ્યો વચ્ચે વધુ સારા સંકલન અને નદીઓની બદલાતી ભૂગોળની બહેતર સમજણ કેળવવાની પણ જરૂર છે.
જોકે, બરુઆ માટે આ વિજ્ઞાન હવે અત્યંત અંગત અને દુ:ખદ અનુભવ બની ગયું છે.
બરુઆ પૂરથી નુકસાન પામેલા પોતાના ઘરની આસપાસના વિસ્તારમાં પાછાં ફર્યાં છે. હાલ તેઓ અને તેમનો પરિવાર એક પાડોશીના ઘરે રહે છે અને એક અઠવાડિયામાં પોતાના ઘરમાં પાછા જઈ શકશે એવી આશા રાખે છે.
બરુઆ કહે છે કે પોતે ચરિંગ છોડવાના નથી. સ્થળાંતર કરવા માટે જરૂરી આર્થિક અને સામાજિક સંજોગો તેમના પરિવાર પાસે નથી.
એટલે, અત્યાર સુધી તેમના જીવનથી લગભગ અળગું રહેલું આ જોખમ હવે પ્રત્યક્ષ થયું છે, અને તેની સાથે કેવી રીતે જીવવું એ અંગે તેઓ વિચારવા લાગ્યાં છે.
તેઓ કહે છે કે ફરી ભારે વરસાદ પડશે તો ઘર વધુ ઊંચું કરવું પડશે, કદાચ તેનો પાયો ઊંચો કરીને. એ કેવી રીતે કરવું કે તેનો ખર્ચ કેવી રીતે ઉઠાવવો, એ બાબતે તેઓ હજી નિશ્ચિત નથી. પરિવારે એક ઊંચું પ્લૅટફૉર્મ પણ બનાવવું પડશે, જ્યાં સલામતી માટે આશરો લઈ શકાય, અને અગાઉથી ખોરાક તથા પીવાના પાણીનો સંગ્રહ કરવો પડશે.
બરુઆ હવે વધુ પૂર આવવાની સંભાવનાની સાથે જીવતાં અને તેના માટે તૈયાર થતાં શીખી રહ્યાં છે. શું તેમને લાગ્યું કે પૂરનાં કારણે હવે તેમણે પોતાનું ઘર છોડીને બીજે જવું પડશે?
"ના. અમે અમારી આર્થિક અને માનસિક શક્તિ ફરી મેળવી લઈએ, તો જીવન ફરી પહેલાં જેવું થઈ જશે."
"આપણે પૂર સાથે રહીને જીવતાં શીખવું પડશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન