ટીપુ સુલતાને મંદિર-મઠોને દાન અને જમીન આપ્યા છતાં અંગ્રેજોએ કેમ તેમને 'ધાર્મિક કટ્ટરપંથી' ચીતર્યા હતા

    • લેેખક, જીએ મણિકુમાર
    • પદ, બીબીસી તામિલ માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 11 મિનિટ

બંગાળમાં અને ફ્રેન્ચ સામેના યુદ્ધોમાં વિજય મેળવનારા બ્રિટિશરોએ હૈદરઅલી અને આગળ જતાં ટીપુ સુલતાન (1767-1799) તરફથી મોટા પડકારનો સામનો કરવો પડ્યો હતો.

હૈદર અને ટીપુ પાસે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પડકાર ફેંકવાની તાકાત હોવા છતાં, તેમનું નિયંત્રણ દક્ષિણ ભારત પૂરતું સીમિત હતું. આ કમજોરીને પારખીને મરાઠાઓએ હૈદરાબાદના નિઝામ આસફ શાહ દ્વિતીય અને અવધના નવાબ શુજા-ઉદ-દૌલા સાથે મળીને સંયુક્ત પ્રયાસ થકી અંગ્રેજોનો મુકાબલો કરવાની યોજના ઘડી.

પરંતુ આસફ શાહ અને શુજા-ઉદ-દૌલાએ હૈદર અલીના વધતા પ્રભાવથી ડરી જઈને સંપૂર્ણ સહકાર આપવાનો નનૈયો ભણી દીધો. અપમાન છતાં, મરાઠાઓ અને રાજપૂતોએ સત્તા ટકાવી રાખવા અંગ્રેજોને સહકાર આપ્યો અને છેતરાઈ ગયા.

તેનાથી ઊલટું, હૈદર અને ટીપુએ ભારતીય રાજાઓ વિરુદ્ધની લડાઈમાં કદીયે અંગ્રેજોને સાથ ન આપવાના શપથ લીધા હતા. પિતા-પુત્ર આખર સુધી અંગ્રેજો સામે લડ્યા, માતૃભૂમિ કાજે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી અને ઇતિહાસમાં અમર થઈ ગયા.

1784 સુધી બ્રિટિશરોએ ટીપુને અત્યાચારી અને ધાર્મિક કટ્ટરપંથી તરીકે નહોતા ચીતર્યા.

જ્યારે તેમને ખાતરી થઈ ગઈ કે, ટીપુને ઝુકાવી શકાય તેમ નથી, ત્યારે જ તેમણે ટીપુને ગાદી પરથી હટાવવા માટે અને પોતાનાં આક્રમક પગલાંઓને વાજબી ઠેરવવા માટે તેમને અત્યાચારી અને કટ્ટરપંથી રાજા તરીકે ચીતર્યા અને દાવો કર્યો કે તેઓ પ્રજાને આવા રાજાથી બચાવી રહ્યા છે.

પોતે ભારતમાં ફ્રેન્ચ શાસનનાં મૂળિયાં ઉખાડી ફેંક્યાં હોવાનું વિચારનારા બ્રિટિશરો ફ્રેન્ચો સાથેના ટીપુના જોડાણથી ચિંતામાં પડી ગયા હતા. આથી, અંગ્રેજો ટીપુને તેમના મુખ્ય દુશ્મન તરીકે જોતા હતા.

મરાઠા-નિઝામનાં રાજ્યોએ બ્રિટિશર સાથે મિલાવ્યા હાથ

1782માં હૈદરના અવસાન પછી ટીપુ સત્તા પર આવ્યા હતા.

1790-92 વચ્ચે ટીપુએ ત્રીજું યુદ્ધ લડ્યું, આ મૈસૂર યુદ્ધ કમનસીબે ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે સાનુકૂળ પરિસ્થિતિમાં લડાયું હતું. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે શેરીમાં આવેલી હતી તેનું નામ લીડનહોલ સ્ટ્રીટ હતું.

ગવર્નર જનરલ કોર્નવૉલિસ મહત્ત્વનાં પ્રાદેશિક રાજ્યો - મરાઠા અને હૈદરાબાદના નિઝામ સાથે જોડાણ કરવામાં સફળ રહ્યા હતા. આ બંને રાજ્યો નહોતા ઇચ્છતા કે મૈસૂર એક મજબૂત પ્રાદેશિક સત્તા તરીકે ઉભરી આવે, માટે તેઓ બ્રિટિશરો સાથે જોડાયાં.

અગાઉના યુદ્ધમાં ટીપુને સહાય કરનારા ફ્રેન્ચ સાથીઓ તે સમયે જ શરૂ થયેલી ફ્રેન્ચ ક્રાંતિમાં વ્યસ્ત હોવાથી આ લડાઈમાં ભાગ ન લઈ શક્યા.

કેટલીક લશ્કરી પીછેહઠ છતાં, ત્રણ વર્ષના યુદ્ધ દરમિયાન, કોર્નવૉલિસે ટીપુના મજબૂત કિલ્લાઓ કબ્જે કર્યા અને યુદ્ધને મૈસૂરની મધ્યે પહોંચાડી દીધું.

જ્યારે તેમની રાજધાની શ્રીરંગપટનમ કબ્જે થવાની તૈયારીમાં હતી, ત્યારે ટીપુએ શાંતિ સંધિ માટે વાટાઘાટ કરવાની ફરજ પડી. 1792માં કરાયેલી શ્રીરંગપટનમની સંધિ પ્રમાણે, ટીપુએ તેમનો મોટાભાગનો પ્રદેશ ગુમાવી દીધો, તેમણે વળતર સ્વરૂપે ધરખમ રકમ ચૂકવવાની અને શાંતિ સંધિની બાંહેધરી (ગેરન્ટી) તરીકે પોતાના બે પુત્રો (અબ્દુલ ખલી અને મોઇઝુદ્દીન)ને બંધક તરીકે સોંપવાની ફરજ પડી હતી.

અંતિમ મૈસૂર યુદ્ધ

ટીપુએ ત્રીજા મૈસૂર યુદ્ધમાં તેમણે વેઠેલા ભારે નુકસાનની ભરપાઈ માટે રિપબ્લિક ઑફ ફ્રાન્સ પાસેથી લશ્કરી સહાય મળવાની અપેક્ષા રાખી હતી, પણ તેમને ભાવિ સહાયનાં ઠાલાં વચનો સિવાય કશું મળ્યું નહીં.

નવા ગવર્નર જનરલ રિચાર્ડ વેલેસ્લીએ નવું યુદ્ધ શરૂ કરવાના બહાના હેઠળ ફ્રેન્ચો સાથેના ટીપુના સંબંધોનો ઉપયોગ કર્યો હતો.

ચોથા અને અંતિમ મૈસૂર યુદ્ધ (1799)ની શરૂઆતના છ મહિના પહેલાં ઇસ્ટ ઇન્ડિયા આર્મીને મજબૂત કરવામાં આવી હતી. આર્થર વેલેસ્લીની આગેવાની હેઠળ મરાઠાઓ અને હૈદરાબાદના નિઝામના સંયુક્ત દળ દ્વારા શ્રીરંગપટનમને ઘેરી લેવામાં આવ્યું હતું.

ટીપુએ બ્રિટિશરોને તાબે થવાનો ઇનકાર કર્યો અને તેઓ છેવટ સુધી શ્રીરંગપટનમના કિલ્લા પર લડ્યા અને 14મી મે, 1799ના રોજ શહીદ થયા.

ટીપુની અંતિમ ક્ષણોના પ્રત્યક્ષદર્શી એક સાક્ષીના જણાવ્યા પ્રમાણે, "ટીપુએ તેમની સાથે અવિભાજ્ય રીતે જોડાયેલી રહેલી પોતાની રાજધાનીનું એવી રીતે રક્ષણ કર્યું, જેણે તેમના પિતા, તેમને પોતાને અને તેમના રાષ્ટ્રને સન્માન અપાવ્યું."

ટીપુ સુલતાનની શહીદી સાથે બ્રિટિશ કમાન્ડર જ્યૉર્જ હૅરિસે જાહેરાત કરી, "હવે ભારત આપણું છે."

જો પ્લાસીના યુદ્ધ સાથે દેશના એક ભાગ પર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તાના પાયા નખાયા હતા, તો શ્રીરંગપટનમનની પડતીએ દક્ષિણ ભારતમાં બ્રિટિશ સત્તાને ચઢિયાતી અને કાયમી બનાવી દીધી.

પશ્ચિમી રીતોનો અમલ કરનાર પ્રથમ ભારતીય શાસક

એચ. એચ. ડોડવેલે તેમના કલેક્શન 'ગ્રેટ મૅન ઑફ ઇન્ડિયા'માં 'ટીપુ સુલતાન' પરના લેખમાં ઉલ્લેખ કર્યો છે કે, ટીપુ વહીવટમાં પશ્ચિમી પદ્ધતિઓ અજમાવનારા પ્રથમ ભારતીય શાસક હતા.

સામાન્યપણે ટીપુની આલોચના કરનારા કર્નલ વિલ્ક્સ નોંધે છે કે, "મૈસૂર સરકારે પલૈયાકરોને અમુક અંશે નિયંત્રિત કર્યા હોય એવું લાગે છે, આખરે હૈદરે તેમની (એક-દસમા ભાગ સિવાયની) જમીનો પર નિયંત્રણ મેળવી લીધું હતું."

ટીપુની પ્રાદેશિક નીતિ

મિલ તેમના 'હિસ્ટ્રી ઑફ ઇન્ડિયા'માં જણાવે છે કે, "ટીપુનો પ્રદેશ ભારતમાં ખેતીના મામલે સૌથી વધુ સંપન્ન હતો અને ત્યાંના લોકો સૌથી સમૃદ્ધ હતા." આ વિચારને તે સમયના ઘણા અંગ્રેજોએ સમર્થન આપ્યું હતું.

હૈદરના વ્યવસ્થિત જમીન સર્વેક્ષણે તેમની કર વસૂલાતનો પાયો તૈયાર કર્યો હતો. તેમણે કરવેરો વધાર્યો હોવા છતાં તેઓ તેને વ્યવસ્થિત માળખામાં લાવ્યા હતા. તેમની વહીવટી કુશળતાને લીધે તેઓ કરવેરો પૂર્ણપણે વસૂલી શકતા હતા.

નાંસાઈ (નંજઈ-ભીની) જમીન માટે પણ, જ્યાં ઉપજનો બે તૃત્યાંશ ભાગ સરકારને અને એક તૃત્યાંશ ભાગ ખેડૂતોને આપવામાં આવતો હતો, ત્યાં કરવેરાનું નિર્ધારણ અને તેની વસૂલાત 'વીરરાયા પનામ'ના નાણાંકીય મૂલ્યાંકનના આધારે રોકડમાં કરવામાં આવતી હતી. આ વ્યવસ્થા જૂની વિતરણ વ્યવસ્થા કરતાં બહેતર હતી, કારણ કે, તેના કારણે કર વસૂલાત સરળ થઈ ગઈ હતી.

ટીપુના સિક્કા કેવા હતા

ઇતિહાસમાં ટીપુની ગણના ભારતીય નાણાંકીય પદ્ધતિના સર્જકોમાંના એક તરીકે અને ખાસ કરીને કેટલાક અત્યંત કલાત્મક સિક્કાઓના સર્જક તરીકે થાય છે.

'ફનામ' એ ચલણમાં રહેલો એક સામાન્ય સોનાનો સિક્કો હતો અને તેનું મૂલ્ય પાંચ આના અને પાંચ પૈસા જેટલું હોવાનું પછીના સિક્કાઓના મૂલ્યના આધારે જાણવા મળે છે. જોકે, ટીપુના શાસનકાળ દરમિયાન સોના, ચાંદી અને તાંબાના ઘણા નવા સિક્કા બહાર પાડવામાં આવ્યા હતા.

ટીપુના સિક્કાઓમાં સૌથી મૂલ્યવાન સિક્કો સોનાની 'મહોર' હતી, જેની કિંમત ચાર પગોડા (આશરે 14 રૂપિયા) કે અંગ્રેજી ચલણમાં એક પાઉન્ડ બરાબર હતી. ચાંદીના સિક્કાઓમાં ટીપુનો 'બેવડો રૂપિયો' સૌથી વધુ મહત્ત્વનો મનાય છે અને તે ભારતમાં બહાર પાડવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી સુંદર સિક્કો ગણાય છે. તેનું મૂલ્ય પછીના નાણાંકીય મૂલ્ય મૂજબ એક રૂપિયો અને 12 આના હતું.

જ્યારે વિવિધ પૈસા તાંબાના સિક્કા સ્વરૂપે ચલણમાં હતા.

એ ભારતીય રાજા, જેમને ભારત પ્રવેશવાની ક્યારેય મંજૂરી ન મળી

ટીપુ સુલતાનની આર્થિક નીતિઓ કેવી હતી?

ટીપુ તેમના રાજ્યને આર્થિક રીતે સમૃદ્ધ, તકનીકી દૃષ્ટિએ અત્યાધુનિક અને લશ્કરી દૃષ્ટિએ શક્તિશાળી બનાવવા ઇચ્છતા હતા.

પોતાની પ્રજાના કલ્યાણાર્થે તેમણે તમામ જમીન, ફેક્ટરીઓ અને ખાણોને સરકારના સીધા નિયંત્રણ હેઠળ લાવી દીધી હતી અને તેઓ સમાનતા માટેના (સમતાવાદના) હિમાયતી બન્યા હતા. ખેતી સાથે સંકળાયેલા ન હોય, તેવા માલિકોના અધિકારો તેમણે નકારી દીધા હતા અને જમીન ખેડનારાઓના હક્કોને માન્ય રાખ્યા હતા.

જમીન મહેસૂલ વસૂલવા માટે વચેટિયાઓને મંજૂરી ન આપનારા ટીપુએ આ જવાબદારી સરકારી મહેસૂલ અધિકારી (અમલદાર)ને સોંપી હતી અને જ્યારે તેમણે ભ્રષ્ટાચાર આચર્યો હતો, ત્યારે તેમને આકરી સજા ફટકારી હતી. મૈસૂરમાંથી ઉત્ખનન કરવામાં આવેલા સોના-ચાંદી, હાથીદાંત, એલચી, મરી, ચંદન અને સૂતરના તાંતણાનું વેચાણ કરવા તેમજ વિદેશમાંથી રસાયણો, પિસ્તોલ અને તોપોની આયાત કરવા માટે વિશ્વના ઘણા ભાગોમાં અને ખાસ કરીને કરાચી, ઓમાન અને કોન્સ્ટેન્ટિનોપલ જેવાં શહેરોમાં વેપારી મથકો સ્થાપવામાં આવ્યાં હતાં.

આના પર દેખરેખ રાખવા માટે સરકારે નવ મુખ્ય વેપારીઓની નિમણૂંક કરી હતી. માલ-સામાનના ખરીદ-વેચાણ માટે એજન્ટો પણ રાખવામાં આવ્યા હતા. ટીપુ કેટલાક વિદેશી વેપારીઓ સાથે સીધો સંપર્ક ધરાવતા હતા અને તેમણે તેમને મૈસૂર આમંત્રિત કર્યા હતા. વિશ્વના બજારમાં આજે મૈસૂર સિલ્કને વિખ્યાત બનાવવામાં ટીપુનું યોગદાન અત્યંત મહત્વનું હતું.

ટીપુએ ઇસ્ટ ઇન્ડિયા કંપની જેવું જ એક 'જાહેર ક્ષેત્રનું સાહસ' (પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ) સ્થાપવાનો સક્રિય પ્રયત્ન કર્યો હતો. આ મામલે તેઓ આવી સંભવિતતાઓને લઈને તદ્દન બેપરવા એવા તેમના સમકાલીન ભારતીય શાસકો કરતાં ઘણા દૂરદર્શી હતા.

ટીપુના હુક નામામાં તેમના નિયમો સમાવિષ્ટ છે. તે દર્શાવે છે કે તેઓ મૈસૂરની અંદર અને બહાર, બંને જગ્યાએ વ્યાવસાયિક સાહસોની બાબતો પર પોતાની વ્યક્તિગત દેખરેખ અને નિયંત્રણ પ્રસ્થાપિત કરવા માગતા હતા. તેઓ વેપારી માલ-સામાનની નિકાસો વધારવા અને આયાતોને ઉત્તેજન આપવા માગતા હતા.

ટીપુ સુલતાને નૌકાદળ બનાવવાના પ્રયાસ કેવી રીતે કર્યો

મલબાર દરિયાકાંઠાના વિજય સાથે આ પ્રદેશનાં પ્રસિદ્ધ બંદરો અને જહાજવાડાઓ મૈસૂર રાજ્યના તાબામાં આવી ગયાં. 1792માં પરાજય મળ્યા પછી ટીપુ નૌકાદળ ઊભું કરવાના કામમાં વ્યસ્ત થઈ ગયા.

સપ્ટેમ્બર, 1796માં આ હેતુ માટે એક અલાયદા નેવલ બોર્ડની સ્થાપના કરવામાં આવી અને જુમાલાબાદ, વજિદાબાદ, મજિદાબાદ અને પશ્ચિમ કાંઠાની અન્ય જગ્યાઓનાં જહાજવાડામાં 40 યુદ્ધ જહાજો અને કેટલાંક માલવાહક જહાજોના નિર્માણ માટે સખ્ત આદેશો જારી કરવામાં આવ્યા હતા.

જહાજ નિર્માણ અને નૌકાકાફલાના વિસ્તરણ આપવાનો તેમનો ઉદ્દેશ્ય તેમને ફરી તેમના સમકાલીનો કરતાં આગળ લાવી મૂકે છે અને સાથે જ તેમના જહાજ વિકાસના પ્રયત્નોની જહાજ નિર્માણ ઉદ્યોગમાં તેમણે કરેલાં રોકાણોની પુષ્ટિ કરે છે.

વૈજ્ઞાનિક અને ટેકનૉલૉજિકલ વિકાસ પર ખાસ ધ્યાન

ટીપુએ તેમના દૂતોને ફ્રાન્સથી કારીગરો અને નિષ્ણાતોને રોકવાની અને ત્યાંથી કેટલાંક છોડ અને સાધનો એકત્રિત કરવાની સૂચના આપી હતી.

તેમને બેરોમીટર, થર્મોમીટર, ચશ્માં, ઘડિયાળ અને પ્રિન્ટિંગ પ્રેસમાં ઘણો રસ હતો. ફ્રેન્ચ લોકોએ તેમણે માગેલી મોટાભાગની ચીજો પૂરી પાડી હતી, ખાસ કરીને એવી ચીજો જેની ટીપુએ વારંવાર માગણી કરી હતી.

લાલબાગ બગીચામાં ટીપુના પિતા હૈદરને દફનાવવામાં આવ્યા હતા, તેની નજીક ટીપુનો મૃતદેહ જ્યાં દફનાવવામાં આવ્યો છે, તે જગ્યાએ સરુનાં વૃક્ષો તેમના દૂતો દ્વારા ફ્રાન્સથી લાવવામાં આવ્યાં હતાં.

વિદેશી વિજ્ઞાન અને લશ્કરી તકનીકનો ઉપયોગ કરીને મૈસૂરમાં શસ્ત્રોનું ઉત્પાદન પણ કરવામાં આવતું હતું. મૈસૂરમાં અનોખી 'સ્થાનિક' રૉકેટ ડિઝાઇન વિકસાવવા માટે યૂરોપિયન શસ્ત્રો પ્રત્યેની ટીપુની રુચિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

બ્રિટિશરો સામે ટીપુ દ્વારા તાકવામાં આવેલા રૉકેટોના ટુકડા આજે પણ બ્રિટિશ મ્યુઝિયમમાં સચવાયેલા છે. ટીપુએ લૂઈ સોળમાને ભેટ સ્વરૂપે આપેલી મૈસૂરની બનાવટની બે પિસ્તોલના સૌંદર્યથી ફ્રેન્ચ નિષ્ણાતો અચંબિત છે.

1780માં પોલિલુરના યુદ્ધ અને 1799માં શ્રીરંગપટનમની ઘેરાબંદી દરમિયાન ઉપયોગમાં લેવામાં આવેલિં રૉકેટો અંગ્રેજો માટે મોટા ઝાટકા સમાન હતી.

ટીપુ સુલતાનની ધાર્મિક વિચારસરણી વિશે શું કહેવાય છે

ઇસ્લામિક ધાર્મિક સિદ્ધાંતોનો સ્વીકાર ન કરનારા લોકો પર ત્રાસ ગુજારવા બદલ હૈદર અને ટીપુ, તેમાં ખાસ કરીને ટીપુની આકરી ટીકા કરવામાં આવે છે.

પણ હકીકત આખી અલગ હતી. એવું લાગે છે કે, હૈદરને દક્ષિણ ભારતમાં ઇસ્લામનો પ્રસાર કરવામાં કોઈ રસ નહોતો.

અને તેની સાથે જ, એચ.એચ. ડોડવેલે ટીપુ વિશે નિષ્પક્ષ વિશ્લેષણ કરતાં નોંધ્યું હતું, "હકીકતમાં, જ્યારે તેમનાં કાર્યોનું વૈજ્ઞાનિક રીતે વિશ્લેષણ કરવામાં આવે છે, ત્યારે તેઓ એક કટ્ટર તાનાશાહ નહીં, બલ્કે એક જીવંત અને ઉદ્યોગસાહસિક વ્યક્તિ લાગે છે, જેઓ તાજેતરમાં જ ઉભરેલા નવા વાતાવરણમાં કામ કરી રહ્યા હતા."

ડૉક્ટર એસ.એન. સેન તેમના પુસ્તક "સ્ટડીઝ ઇન ઇન્ડિયન હિસ્ટ્રી"માં લખે છે કે, ટીપુ દ્વારા કરાવવામાં આવેલાં તમામ ઇસ્લામ ધર્માંતરણો ધાર્મિક કારણોસર નહીં, બલ્કે રાજકીય કારણોસર કરાવવામાં આવ્યાં હતાં.

ટીપુના નામ સાથે ઘણી અતિશયોક્તિપૂર્ણ વાર્તાઓ જોડાયેલી છે, જે મુસ્લિમો અને હિંદુઓ, બંને દ્વારા જુદા-જુદા દૃષ્ટિકોણથી લખવામાં આવી છે. એ વાતનો ઇનકાર કરી શકાય એમ નથી કે, તેમના શાસનમાં દક્ષિણ ભારતમાં મોટાપાયે ધર્માંતરણ થયું હતું, પણ તેમાંનાં મોટાભાગનાં ધર્માંતરણો જેલની આકરી સજામાંથી બચવાના કે સરકારી સંરક્ષણ મેળવવાના પ્રયાસરૂપે થયાં હતાં, ધાર્મિક અત્યાચારને કારણે નહીં.

બિન-મુસ્લિમોની ધરપકડ અને તેમને કેદમાં રાખવાનું કારણ મોટાભાગે રાજકીય હતું અને તેમાં ધાર્મિક કારણો ઘણાં ઓછાં હતાં. હૈદર અને ટીપુ, બંનેના દરબારોમાં બ્રાહ્મણો ઊંચા હોદ્દા ધરાવતા હતા.

કોઈમ્બતૂર અને પલક્કડના 'આસફ' (વહીવટી વડાઓ) બ્રાહ્મણ હતા, ધાર્મિક મામલાઓમાં ટીપુ તટસ્થ રહેતા હતા. ટીપુએ ઉચ્ચ સરકારી હોદ્દાઓ પર ઘણા હિંદુઓની નિમણૂંક કરી હતી. તેમાં દીવાન પૂર્ણૈયા અને નાણાં પ્રધાન ક્રિશ્નરાવ નોંધપાત્ર હતા.

હૈદરે કાંચી (કાંચીપુરમ)માં એક મિનારનો પાયો નાખ્યો હતો, જ્યારે ટીપુએ દક્ષિણ કનરામાં નષ્ટ થઈ ગયેલાં ચર્ચોનું પુનઃનિર્માણ કરાવવાનું વચન આપ્યું હતું.

ટીપુના અધિકારક્ષેત્ર હેઠળના દરેક વિસ્તારમાં એક કાઝી (કાજી) અને એક પંડિત હતા તેમજ અપીલ અદાલતમાં એક હિંદુ અને એક મુસ્લિમ ન્યાયાધીશ હતા. ટીપુએ હિંદુ ધર્માદા અને મંદિરોને જમીન અને ભંડોળનું દાન કર્યું હતું. તેમણે ગુરુવાયુર મંદિરને 613.2 એકર જમીન અને 1,428 રૂપિયા નવ આના અને બે પૈસાની વાર્ષિક ગ્રાન્ટ આપી હોવાનો પુરાવો મોજૂદ છે.

જ્યારે મરાઠા લશ્કરના સેનાપતિ રઘુનાથ રાવે 1791માં શ્રુંગેરી મઠ લૂંટીને તેને નુકસાન પહોંચાડ્યું, ત્યારે શંકરાચાર્યએ ટીપુ પાસે મદદ માગી હતી. ટીપુએ માત્ર નાણાં અને ખાદ્ય પુરવઠો જ પૂરો ન પાડ્યો, બલ્કે શારદાપીઠમના પુનઃનિર્માણમાં મદદ પણ કરી હતી.

1785માં ટીપુએ શ્રુંગેરી મઠને સર્વમાન્યમ (સંપૂર્ણ કરમુક્ત જમીન) પૂરા પાડ્યા, ત્યારથી શંકરાચાર્ય-ટીપુનો સંબંધ સ્થપાયો હતો. સુલતાન શ્રુંગેરી મઠના વડા સ્વામી સચ્ચિદાનંદ ભારતીને 'જગદગુરુ' તરીકે સંબોધતા હતા.

જ્યારે ટીપુ અંગ્રેજો સામે બીજું ઍંગ્લો-મૈસૂર યુદ્ધ (1780-84) લડ્યા, ત્યારે નાયર સમુદાયે અંગ્રેજોનો પક્ષ લીધો અને ટીપુનો વિરોધ કર્યો. યુદ્ધના અંતે મલબાર ટીપુને સોંપવામાં આવ્યું અને તે લગભગ છ વર્ષ સુધી ટીપુના સીધા નિયંત્રણ હેઠળ રહ્યું.

તે સમયે ટીપુ દ્વારા હાથ ધરવામાં આવેલી જમીન સુધારણા જમીનદાર (જેનમી) એવા નંબુદિરી અને નાયર સમુદાયો માટે નુકસાનકારક હતા અને ભાડૂતી ખેડૂતો એવા મપ્પિલઈ મુસલમાનો માટે ફાયદાકારક હતા.

વધુમાં, વેપાર અને ઉદ્યોગ મૈસૂર સરકારના નિયંત્રણ હેઠળ હોવાથી સમગ્ર ઉચ્ચ વર્ગ ટીપુનો વિરોધી હતો.

તે સમયના ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારી માર્ક વિલ્ક્સની સૂચના અનુસારનો ઇતિહાસ લખાતો રહ્યો, જેમણે આ વિરોધને ધાર્મિક દૃષ્ટિકોણ આપીને તોડીમરોડીને રીતે રજૂ કર્યો હતો.

બળજબરીપૂર્વક ધર્મપરિવર્તનની વાત છે તો, ટીપુએ સ્વયં કબૂલ્યું હતું કે, જ્યારે કુર્ગ અને મલબારના નાયરોએ તેમને છ વખત અપાયેલી ક્ષમાનો દુરુપયોગ કર્યો અને સાતમી વખત બળવો પોકાર્યો, ત્યારે તેમને ધર્મ પરિવર્તનની સજા ફટકારવામાં આવી હતી.

ચેન્નાઈના ગવર્નરે કરી પ્રશંસા

1783ના પ્રારંભમાં, ગવર્નર મેકકાર્ટનીએ ટીપુના વ્યક્તિત્વ વિશે વાત કરતાં કહ્યું હતું, "તેઓ હૈદરના યુવાન અને ઊર્જાથી ભરપૂર ઉત્તરાધિકારી છે, જેઓ તેમના પિતાની બુરાઈઓ કે અત્યાચારોથી અલિપ્ત છે. લોકો માટે ઇચ્છનીય હોય તેવાં ચોક્કસ પગલાં, નવી સરકારોની અપેક્ષાઓ તથા યુરોપિયન શૈલીમાં લશ્કરના નિયંત્રણ પરથી એવું લાગે છે કે, તેઓ તેમના પિતા કરતાં પણ વધુ કદાવર પ્રતિસ્પર્ધી બની શકે છે."

કદાચ આ દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને જ મેકકાર્ટનીએ યુદ્ધ પૂરું થયા પછી ટીપુ સાથે રાજદ્વારી સંબંધો વિકસાવવાની નીતિને વેગ આપ્યો હતો.

જ્યારે ઇસ્ટ ઇન્ડિયા કંપનીનાં દળો લશ્કરી કાર્યવાહી દરમિયાન ટીપુના પ્રદેશોમાં પ્રવેશ્યાં હતાં, ત્યારે લોકોમાં તેમના સુલતાન વિરુદ્ધ કોઈ બળવાખોર વલણ જોવા મળ્યું નહોતું. તેનાથી ઉલટું, કંપનીના અધિકારીઓને એ જાણીને આશ્ચર્ય થયું હતું કે, લોકો તેમના સુલતાન પ્રત્યે ભારોભાર નિષ્ઠા ધરાવતા હતા અને તેમણે આક્રમણ કરનારાં દળોનો સખ્ત વિરોધ કર્યો હતો.

12મી જુલાઈ, 1791ના રોજ મોર્નિંગ ક્રોનિકલે ભારતમાંથી એક પત્ર પ્રકાશિત કર્યો હતોઃ

"અમને આશ્ચર્ય થાય છે કે, જેને બધા લોકો દ્વારા અત્યાચારી કહેવામાં આવતો હતા, એ ટીપુ સુલતાનને હકીકતમાં તેમની પ્રજા ખૂબ પ્રેમ કરતી હતી, અમારું લશ્કર એ જાણીને સ્તબ્ધ થઈ ગયું કે, ટીપુ તેમના દેશમાં તેમની પ્રજાએ જોયેલા અત્યાર સુધીના સૌથી શ્રેષ્ઠ વહીવટનો અમલ કરી રહ્યા હતા. ત્યાંના લોકો આઝાદીથી, સુરક્ષિત અને સમૃદ્ધ જીવન જીવતા હતા, તેઓ ટીપુને તેમના પિતા માનતા હતા - તેમને કોઈ પરિવર્તન નહોતું જોઈતું, કોઈ સાચા પ્રજાજને તેમને છોડ્યા નથી કે તેમને દગો દીધો નથી. આ હકીકતોમાં કોઈ શંકાને સ્થાન નથી, ત્યાં શોષણનો જરા અમથો સંકેત જોવા મળતો નથી."

રૉડ્રિક મૅકેન્ઝીએ તેમના ઇતિહાસમાં આ વિચારોની પુષ્ટિ કરી હતી. 'નીચલા વર્ગો પર ક્રૂરતા' આચરવાના સુલતાન પર લાગેલા આરોપો સાચા હતા, અતિશયોક્તિભર્યા હતા કે પછી ઉપજાવી કાઢેલા હતા, તે ધ્યાન પર લીધા વિના તેમણે નોંધ્યું હતું કે, આ પ્રદેશમાં તેમની પ્રજાએ સત્તા પરિવર્તન સ્વીકારવામાં દર્શાવેલી અનિચ્છા નોંધપાત્ર હતી. પૂર્વીય દેશોના લોકો ભાગ્યે જ આવી અનિચ્છા પ્રગટ કરે છે.

મેકેન્ઝી એમ પણ લખે છે, "કુરાનના સિદ્ધાંતો ગમે તેટલા ધાર્મિક કે કટ્ટરપંથી રહ્યા હોય", તેમ છતાં મૈસૂરમાં ઘણાં ભવ્ય હિંદુ મંદિરો હતાં, જે લૂંટાયાં નહોતાં કે ધ્વસ્ત થયાં નહોતાં, કંપનીનાં દળોને સહાય કરવાને બદલે લોકો સ્વૈચ્છિક રીતે પોતાના વિસ્તારો નષ્ટ કરીને ત્યાંથી જતા રહ્યા."

બ્રિટિશ સામ્રાજ્યવાદ સામેના પ્રતિકારના ભારતીય ઈતિહાસમાં ટીપુ સુલતાન આગવું સ્થાન ધરાવતા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહીવટદારો, લશ્કરી કમાન્ડરો અને ઇંગ્લૅન્ડના લોકોના મનમાં ટીપુ સુલતાને જે ડર બેસાડ્યો હતો, તે પછીનાં 30 વર્ષો સુધી અકબંધ રહ્યો. તેની બે પેઢી પછી ઇંગ્લૅન્ડ ગયેલા રાજા રામમોહન રોય જ્યારે બ્રિસ્ટલના માર્ગો પરથી પસાર થતા હતા, ત્યારે યુવાનોનાં ટોળાંએ "ટીપુ, ટીપુ"ના નારા લગાવીને તેમના પર પથ્થરમારો કર્યો હતો.

લેખક કે.એ. મણિકુમાર તિરુનેલવેલી સ્થિત મનોન્મનિયમ સુંદરનાર યુનિવર્સિટીમાં Fતિહાસના નિવૃત્ત પ્રોફેસર છે.

આ લેખની માહિતી નીચેનાં પુસ્તકો તથા સ્રોતોમાંથી લેવામાં આવી છેઃ

  • મહમ્મદ મોઇનુદ્દીન, સનસેટ ઓફ શ્રીરંગપટ્ટમઃ આફ્ટર ધ ડેથ ઑફ ટીપુ સુલતાન, સંગમ બુક્સ, 2000
  • એફ.એ. નિકોલ્સન, મેન્યુઅલ ઑફ કોઇમ્બતૂર ડિસ્ટ્રિક્ટ, (ચેન્નઇઃ ગવર્મેન્ટ પ્રેસ, 1887), પાના નં. 93-94.
  • એમ. એરોકિયાસ્વામી, ધ કોંગુ કન્ટ્રીઃ અ હિસ્ટ્રી ઑફ ધ કોઇમ્બતૂર ઍન્ડ સલેમ ડિસ્ટ્રિક્ટ ફ્રૉમ ધ અર્લી પીરિયડ ટુ ધ અરાઇવલ ઑફ ધ બ્રિટિશ (ધ કોંગુ કન્ટ્રી...), (ચેન્નઈ, મદ્રાસ યુનિવર્સિટી, 1956), પાનું 403.
  • એફ.એ. નિકોલ્સન, કોઈમ્બતૂર ડિસ્ટ્રિક્ટ હેન્ડબૂક, પાના નં. 93.
  • એમ. એરોકિયાસ્વામી, કોંગુ નાડુ, પાના નં. 402.
  • કે.એ. મણિકુમાર, પોટ્રુધાકુરિયા ટીપુ, થીક્કદિર, 23-11,2020.
  • ઈફ્તિખાર એ. ખાન, ધ રેગ્યુલેશન્સ ઓફ ટીપુ સુલતાન ફોર હિઝ સ્ટેટ ટ્રેડિંગ એન્ડરપ્રાઇઝ, પ્રોસીડિંગ્ઝ ઓફ ધ ઇન્ડિયન હિસ્ટોરિકલ સોસાયટી, વોલ્યૂમ 53 (1992), પાના નં. 225-235.
  • રાજકુમાર, ધ મૈસૂર નૅવી અન્ડર હૈદર અલી એન્ડ ટીપુ સુલતાન, પ્રોસીડિંગ્ઝ ઓફ ધ ઇન્ડિયન હિસ્ટોરિકલ સોસાયટી, 52 સેશન, 1991-92, પાના નં. 91.
  • એમ.પી. શ્રીધરન, ટીપુઝ લેટર્સ ટુ ફ્રેન્ચ ઓફિશ્યલ્સ, પ્રોસીડિંગ્ઝ ઓફ ધ ઇન્ડિયન હિસ્ટોરિકલ સોસાયટી, વોલ્યૂમ 45 (1984), પાના નં. 503-508.
  • કે.એ. મણિકુમાર, એડમાયરેબલ ટીપુ.
  • એમ. એરોકિયાસ્વામી, કોંગુ નાડુ, પાના નં. 394.
  • ભૂપેન્દ્ર યાદવ, ઇકોનૉમિક ઍન્ડ પોલિટિકલ વીકલી, વોલ્યૂમ 25, નંબર 52, 1990, પાના નં. 2836.
  • કે.એન. પાનિકર, અગેઇન્સ્ટ લોલૉર્ડ ઍન્ડ સ્ટેટઃ રિલીજિયન ઍન્ડ પીઝન્ટ અપરાઇઝિંગ ઇન મલબાર, 1836-1921, (દિલ્હીઃ ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, 1989), પાના નં. 52.
  • માઇકલ સોરાકો, ટાયરન્ટ ટીપુ સુલતાન ઍન્ડ ધ રિકન્સેપ્શન ઑફ બ્રિટિશ ઇમ્પિરીયલ આઇડેન્ટિટી, 1780-1800, યુનિવર્સિટી ઑફ મૅરીલૅન્ડને સુપરત કરવામાં આવેલું પીએચડી ડેઝર્ટેશન, 2013.
  • કે.એ. મણિકુમાર, ફોરશેડોઇંગ ધ ગ્રેટ રેબેલિયનઃ વેલ્લોર રિવોલ્ટ, 1806, (હૈદરાબાદઃ ઓરિએન્ટ બ્લૅકસ્વાન, 2021).

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન