You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગર્ભની અંદર જ બાળકની સર્જરી કરાઈ ને 3 મહિના પછી જન્મ થયો, તબીબી ચમત્કારનો કિસ્સો
- લેેખક, કેમિલા હોરોક્સ
- પદ, સ્વાસ્થ્ય સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
એક મહિલાના ગર્ભમાં કરાયેલી એક નવીન અને ઐતિહાસિક સર્જરી થકી ડૉક્ટરોએ એક ન જન્મેલા બાળકની જન્મજાત સમસ્યાને સફળતાપૂર્વક દૂર કરી. લંડનનિવાસી મેઇસી સેવેજનું ઑપરેશન અમેરિકામાં કરવામાં આવ્યું હતું. ત્યારે તેમને 26 સપ્તાહનો ગર્ભ હતો.
તેમના પુત્ર થિયોને ગેસ્ટ્રોસ્કીસિસ નામની બીમારી હતી. તેમાં બાળકની નાભિ યોગ્ય રીતે વિકસતી નથી અને આંતરડાં પેટની બહાર જ વિકસવા લાગે છે.
ડૉક્ટરોએ માતાના ગર્ભાશયનો એક ભાગ અત્યંત સાવધાનીપૂર્વક બહાર કાઢ્યો. ત્યાર પછી 'કી હોલ સર્જરી' (નાનકડો કાપ મૂકીને કરવામાં આવતી સર્જરી)ની મદદથી બાળકનાં અંગોને ધીમે-ધીમે ફરી તેના પેટની અંદર ગોઠવવામાં આવ્યાં.
થિયો હવે પાંચ મહિનાનો છે અને સ્વસ્થ રીતે ઊછરી રહ્યો છે.
થિયોનાં માતા 29 વર્ષીય મેઇસી અને પિતા 36 વર્ષીય જોશ ફ્રેન્ચ—બંને વ્યવસાયે શિક્ષક છે. તેમનું કહેવું છે કે આ ઐતિહાસિક સર્જરીની સફળતાથી તેઓ હાશકારો અનુભવી રહ્યાં છે.
મેઇસીએ બીબીસી ન્યૂઝને કહ્યું, "એ (અમારો પુત્ર) એક નાનકડો ચમત્કાર છે?"
પણ તેઓ બંને જાણે છે કે પરિસ્થિતિ ઘણી અલગ હોઈ શકતી હતી.
આ ગંભીર, જન્મજાત ખામી બ્રિટનમાં દર વર્ષે જન્મતાં 3000 બાળકોમાંથી એકને અસર કરે છે. સમગ્ર વિશ્વમાં ગૅસ્ટ્રોસ્કીસિસની ગંભીરતા વિસ્તાર મુજબ જુદી જુદી જોવા મળે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉચ્ચ અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં થયેલા અભ્યાસોની 2025ની વૈશ્વિક સમીક્ષા અનુસાર, દક્ષિણ અમેરિકામાં તેના સૌથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે ઓછી આવક ધરાવતા દેશોના આંકડા સાવ મર્યાદિત છે.
શ્રેષ્ઠ પરિસ્થિતિમાં પણ આવાં બાળકોને કેટલાંક અઠવાડિયાં સુધી આઈ.સી.યુ.માં રાખવાં પડે એમ બની શકે છે. તેમને નળી અથવા શિરામાર્ગે (આઈ.વી.) પોષણ આપવું પડે છે અને સુધારાત્મક સર્જરી પણ કરવી પડે એમ બની શકે.
થિયોનો કેસ શાથી દુર્લભ હતો?
થિયોના જેવા જટિલ કિસ્સાઓમાં સ્થિતિ વધુ ગંભીર હોય છે. આવાં બાળકોને છ મહિના સુધી એન.આઈ.સી.યુ.માં રહેવું પડે એમ બની શકે. તેમને અનેક સર્જરીઓ કરાવવી પડે એમ બને. ઉપરાંત, બે વર્ષ સુધી શિરામાર્ગે (આઈ.વી.) પોષણ આપવું પડે અને કેટલાક કિસ્સાઓમાં આંતરડાનું પ્રત્યારોપણ પણ કરવું પડે એમ બની શકે છે.
શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ મળવા છતાં આવાં દર દસ બાળકોમાંથી એકનું મૃત્યુ થાય છે. થિયોનાં માતા-પિતાને શરૂઆતમાં સહેજે અંદાજ નહોતો કે તેમના અણજન્મેલા બાળકને કોઈ તકલીફ છે.
જોશે કહ્યું, "20 અઠવાડિયાંના સ્કેન માટે જતી વખતે અમે ફક્ત અમારા બાળકની તસવીર જોવા માટે ઉત્સાહિત હતાં. એ સમયે અમને જાણ સુદ્ધાં નહોતી કે તે દીકરો છે." જોશે કહ્યું કે થિયોને ગૅસ્ટ્રોસ્કીસિસ હોવાની જાણ થવી તેમના માટે એક આઘાતજનક અને અત્યંત ભયજનક અનુભવ હતો.
ગર્ભાવસ્થાના 25મા સપ્તાહે લંડનની 'ગ્રેટ ઓરમંડ સ્ટ્રીટ હૉસ્પિટલ'ના નિષ્ણાત ડૉક્ટરો મેઇસી અને જોશને સમજાવી રહ્યા હતા કે થિયોના જીવનના આરંભિક છ મહિના કેવી રીતે પસાર થઈ શકે છે. જોકે, ડૉક્ટરોને જાણ થઈ કે ભ્રૂણસ્વરૂપના થિયોને ગૅસ્ટ્રોસ્કીસિસની સૌથી ગંભીર બીમારી છે, ત્યારે તેમણે આ દંપતીને અમેરિકાના હ્યુસ્ટનસ્થિત 'ટેક્સાસ ચિલ્ડ્રન્સ હૉસ્પિટલ'માં મોકલ્યું. ત્યાં ભ્રૂણ અને બાળ-શલ્યચિકિત્સકોની એક ટીમ આ સમસ્યા પર કામ કરી રહી હતી, જેનું નેતૃત્વ ડૉ. માઇકલ બેલફોર્ટ કરી રહ્યા હતા.
જન્મ પહેલાં જ જટિલ ગૅસ્ટ્રોસ્કીસિસની સારવાર માટે આ ટીમ વિશ્વના આ પ્રકારના પહેલવહેલા ક્લિનિકલ ટ્રાયલનું સંચાલન કરી રહી હતી. આ ટ્રાયલના મુખ્ય સંશોધક ડૉ. બેલફોર્ટ અગાઉ પણ ગર્ભમાં રહેલા સ્પાઇના બિફિડાથી પીડિત બાળકો પર આ જ પ્રકારની સર્જરીની આગેવાની લઈ ચૂક્યા હતા.
મેઇસીને જણાવાયું કે તેમણે તરત જ ટેક્સાસ જવું પડશે. સાથે જ, ગર્ભાવસ્થાના બાકી રહેલા તમામ સમય દરમિયાન તેમણે ત્યાં જ રહેવું પડશે. મેઇસીએ કહ્યું, "આ ઘણો મોટો નિર્ણય હતો."
આ ટ્રાયલ અંતર્ગત તેમણે પહેલાં બેલ્જિયમની લ્યુવેન હૉસ્પિટલે જવું પડ્યું. ત્યાં નિષ્ણાતોએ મેઇસીના ગર્ભાશય દ્વારા થિયોની પેટની દીવાલમાં બોટોક્સનું ઇન્જેક્શન આપ્યું. તેનો હેતુ સ્નાયુઓને ઢીલા કરવાનો હતો, જેથી સર્જરી કરવી સરળ બની રહે.
ત્યાર પછી પરિવાર ટેક્સાસ પહોંચ્યો. નવેમ્બર, 2024માં, ગર્ભાવસ્થાના 26મા સપ્તાહે આ ઑપરેશન કરવામાં આવ્યું.
જોશે કહ્યું કે સર્જરી દરમિયાન રાહ જોતા રહેવું અત્યંત પીડાદાયક હતું. તેમણે કહ્યું, "એ દિવસની દરેક ક્ષણ એટલી લાંબી લાગતી હતી, જાણે કે આખું અઠવાડિયું વીતી ન ગયું હોય! અમે રાહ જોઈ રહ્યા હતા અને દરેક તબક્કે શું થઈ રહ્યું છે, એની પણ અમને જાણ નહોતી."
સર્જરી દરમિયાન મેઇસીના ગર્ભાશયનો એક ભાગ અત્યંત સાવધાનીપૂર્વક બહાર કાઢવામાં આવ્યો, જેથી ગર્ભાશય અને બાળકને સર્જરી માટે યોગ્ય સ્થિતિમાં ગોઠવી શકાય. એ પછી ગર્ભમાં રહેલા એમ્નિયોટિક પ્રવાહીને બહાર કાઢવામાં આવ્યું અને તેની જગ્યાએ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભરવામાં આવ્યો. તેનાથી ઑપરેશન માટે વધુ જગ્યા ઉપલબ્ધ થઈ. પછી કીહોલ સર્જરીની મદદથી થિયોનાં અંગોને ધીમે-ધીમે ફરી તેના પેટની અંદર ગોઠવવામાં આવ્યાં. ત્યાર બાદ ટાંકા લઈને પેટને બંધ કરવામાં આવ્યું.
મેઇસીના પેટ પર એક કાપાની નિશાની રહી ગઈ, જે સી-સેક્શનના ચીરા કરતાં લગભગ બમણી હતી. પણ અન્ય મહિલાઓની સરખામણીએ તેમની સ્થિતિ જુદી હતી. સી-સેક્શન પછી સામાન્ય રીતે બાળકનો જન્મ થઈ ચૂક્યો હોય છે, જ્યારે મેઇસીને સર્જરી પછી પણ બીજાં 14 અઠવાડિયાં સુધી બાળકને પોતાના ગર્ભમાં રાખવાનું હતું. મેઇસીએ જણાવ્યું કે થિયો ગર્ભમાં ઘણી વાર લાત મારતો હતો. ઘણી વખત તેની લાત સર્જરીની નિશાની પર વાગતી હતી, જેના કારણે પોતાને દુખાવો થતો હતો. તેમણે કહ્યું, "એ મુશ્કેલ સમય હતો અને તેમાંથી બહાર આવવું સહેલું નહોતું, પણ અમારી મહેનત રંગ લાવી."
આ ઑપરેશન સંપૂર્ણપણે સફળ રહ્યું. થિયો ગર્ભમાં સંપૂર્ણ અવધિ સુધી સુરક્ષિત રહ્યો અને ફેબ્રુઆરીમાં ટેક્સાસમાં સામાન્ય પ્રસૂતિ દ્વારા તેનો જન્મ થયો. ટેક્સાસ ચિલ્ડ્રન્સ હૉસ્પિટલમાં પ્રસૂતિ અને સ્ત્રીરોગ વિભાગના વડા ડૉ. માઇકલ બેલફોર્ટે કહ્યું કે અત્યાર સુધી મળેલાં પરિણામોથી તેઓ અને તેમની ટીમ અત્યંત રાજી છે. તેમણે કહ્યું, "માતા અને બાળક—બંનેની સ્થિતિ સારી રહી હતી. સર્જરી યોગ્ય સમયે કરવામાં આવી અને સૌથી મહત્ત્વની વાત એ કે ભ્રૂણની સર્જરી દરમિયાન કે ત્યાર પછી કોઈ જટિલતા પેદા ન થઈ. આ ઉપલબ્ધિ ખરેખર અત્યંત અસાધારણ છે."
આ ટ્રાયલ સફળ સાબિત થશે, તો ગ્રેટ ઓરમંડ સ્ટ્રીટ હૉસ્પિટલમાં બાળ શલ્યચિકિત્સાના પ્રોફેસર તથા યુનિવર્સિટી કૉલેજ લંડનમાં સ્ટેમ સેલ અને રિજનરેટિવ મેડિસિન વિભાગના વડા પ્રોફેસર પાઓલો દે કોપ્પી આ સારવાર બ્રિટનમાં શરૂ કરી શકશે. તેમણે કહ્યું, "અમને આશા છે કે બહુ જલ્દી અમે આ સારવાર મોટી સંખ્યામાં દર્દીઓને ઉપલબ્ધ કરાવી શકીશું."
ડૉ. બેલફોર્ટ પણ આ ભાગીદારીને કારણે ઉત્સાહિત છે. તેમનું કહેવું છે કે ટેક્સાસ ચિલ્ડ્રન્સ હૉસ્પિટલ અને ગ્રેટ ઓરમંડ સ્ટ્રીટ હૉસ્પિટલની ટીમ એક અત્યંત મજબૂત અને અસરકારક જોડાણ સાબિત થશે. ડૉ. બેલફોર્ટ હવે આગામી સંભાવનાઓ પર પણ નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું, "ગર્ભાશયની અંદરનો ભાગ હવે નવી તબીબી તકનીકો અને સર્જરી માટેનું એક નવું ક્ષેત્ર બની ગયો છે." તેમણે વધુમાં કહ્યું, "સ્પાઇના બિફિડા અને ગૅસ્ટ્રોસ્કીસિસ તો કેવળ બે ઉદાહરણ છે. મારું માનવું છે કે ભવિષ્યમાં ગર્ભમાં જ હૃદય સાથે સંબંધિત કેટલીક સર્જરી કરી શકાશે. આ ઉપરાંત, ફેફસાંની કેટલીક સર્જરી પણ બાળક ગર્ભમાં હોય ત્યારે જ કરી શકાશે."
લંડનમાં પોતાના ઘરે પાછા ફર્યા પછી મેઇસીએ કહ્યું કે થિયો ખૂબ સારી રીતે વિકસી રહ્યો છે. તેમણે કહ્યું, "એ લોકોએ જે કંઈ કર્યું તેનાથી તેના જીવનની એક ભયાનક શરૂઆત સદંતર બદલાઈ ગઈ અને હવે તે ખરેખર ખૂબ સ્વસ્થ છે. તે એકદમ સામાન્ય બાળક છે."
જોશે કહ્યું, "અમે બંને અમને પોતાને અત્યંત નસીબદાર માનીએ છીએ. એક પરિવાર તરીકે અમારા પર એમનો જે પ્રભાવ પડ્યો એ અવિશ્વસનીય છે. ગ્રેટ ઓરમંડ સ્ટ્રીટની ટીમથી માંડીને ડૉ. બેલફોર્ટ અને તેમની સમગ્ર ટીમ સુધીના સૌ કોઈએ અમારું અત્યંત ઉષ્માભર્યું સ્વાગત કર્યું. અમે ત્યાં હતા ત્યારે અમને મળેલી સારવાર અને સંભાળ અદ્ભુત સ્તરની હતી. તેમણે અમારા જીવનના અત્યંત દુઃખદ સમયને ઘણો સરળ બનાવી દીધો અને આજે અમને આ નાનકડો દીકરો મળ્યો છે. આનાથી વધુ ખુશી બીજી શી હોઈ શકે!"
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન