અમેરિકન હુમલા વચ્ચે ગુરુવારે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી અવરજવર ઠપ - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Shady Alassar/Anadolu via Getty Images
અમેરિકા અને ઈરાનના જવાબી હુમલા વચ્ચે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતાં કૉમર્શિયલ જહાજોની અવરજવર પર અસર થઈ છે.
શિપિંગ ડેટા અને અન્ય સ્રોતો અનુસાર, ગુરુવારે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતાં ટૅન્કરોની અવરજવર લગભગ ઠપ થઈ ગઈ.
કેપ્લરના આંકડા અનુસાર, ગુરુવારે વહેલી સવાર સુધી બે ઑઇલ ટૅન્કર હોર્મુઝમાંથી પસાર થઈ શક્યાં હતાં.
આ દરમિયાન, ઈરાનના પ્રમુખ પરમાણુ ઊર્જા પ્લાન્ટની નજીક સ્થિત બુશહર અને બંદર અબ્બાસમાં વિસ્ફોટોના સમાચાર સામે આવ્યા છે.
જૉર્ડને કહ્યું છે કે તેણે ઈરાન તરફથી છોડવામાં આવેલી આઠ મિસાઇલોને અધવચ્ચે જ તોડી પાડી હતી.
ઈરાનના વિદેશ મંત્રાલયે નાગરિક આંતરમાળખા પર થયેલા અમેરિકન હુમલાને 'યુદ્ધ અપરાધ' ગણાવ્યો.
બીબીસી વેરિફાયે ઈરાની મીડિયા તરફથી જાહેર કરાયેલા એ વીડિયો અને તસવીરોની પુષ્ટિ કરી છે, જેમાં ઉત્તર ઈરાન અને અખ-ખલા શહેરમાં એક રેલવે પુલને થયેલા નુકસાનને બતાવવામાં આવ્યું છે.
ઈરાન પર હુમલાની અસર ત્યાંના પેટ્રોકેમિકલ ઉદ્યોગ પર પડતી દેખાઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યાંના માહશહર પેટ્રોકેમિકલ વિશેષ આર્થિક ક્ષેત્ર સંગઠને એક નોટિસ જાહેર કરીને કહ્યું છે કે યુદ્ધ જેવી પરિસ્થિતિઓને જોતાં 10 જુલાઈથી કાર્યસ્થળો પર કર્મચારીઓની સંખ્યામાં લગભગ 70 ટકાનો કાપ મુકાશે.
મશહર પેટ્રોકેમિકલ વિશેષ આર્થિક ક્ષેત્ર દક્ષિણ-પશ્ચિમ ઈરાનમાં ફારસની ખાડીના તટ પર સ્થિત છે.
આ વિસ્તાર ઈરાન પેટ્રોકેમિકલ ઉદ્યોગનાં પ્રમુખ કેન્દ્રોમાંથી એક માનવામાં આવે છે. દેશના પેટ્રોકેમિકલ ઉત્પાદન અને નિકાસનો મોટો ભાગ આ ક્ષેત્રમાંથી સંચાલિત થાય છે.
અમેરિકન હુમલા અંગે ઈરાને સંયુક્ત રાષ્ટ્રને પત્ર લખ્યો

ઇમેજ સ્રોત, Getty Images
ઈરાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને યુએનના મહાસચિવને પત્ર લખીને અમેરિકાના હુમલાનો વિરોધ કર્યો છે.
બીબીસી પર્શિયનના અહેવાલ મુજબ, ઈરાને કહ્યું છે કે તેણે અમેરિકાના હુમલાઓ અંગે સુરક્ષા પરિષદના પ્રમુખ અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવને વિરોધ પત્ર મોકલ્યો છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના પ્રતિનિધિ સઈદ ઈરાવાનીએ જણાવ્યું હતું કે અમેરિકાએ ફરી એક વાર "ઈરાનનાં સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાની સામે એક મોટો લશ્કરી હુમલો કર્યો છે, જે યુએન ચાર્ટર અને તેની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓનું સ્પષ્ટ ઉલ્લંઘન છે."
તેમણે અમેરિકાની આ કાર્યવાહીને ઈરાન અને અમેરિકા વચ્ચેના થયેલા ઇસ્લામાબાદ એમઓયુની એક કલમનું ઉલ્લંઘન ગણાવ્યું.
આ એમઓયુ પર બંને દેશો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, ગયા મહિને ફ્રાન્સના વર્સેલ્સ પૅલેસ ખાતે રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેના પર સહી કરી હતી.
યુરેનિયમ સપ્લાય માટે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે કરાર

ઇમેજ સ્રોત, Asanka Ratnayake/Getty Images
ઑસ્ટ્રેલિયાએ ભારત સાથે યુરેનિયમ આપૂર્તિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર ઘણો મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
એક દાયકાથી વધારે સમયથી આ કરાર પર વાટાઘાટો ચાલી રહી હતી.
વડા પ્રધાન મોદી સાથે સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સમાં ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની અલ્બનીઝે કહ્યું કે, "આજે અમે વર્ષ 2015ની ઑસ્ટ્રેલિયા-ભારત પરમાણુ સહયોગ સમજૂતી હેઠળ શાંતિપૂર્ણ હેતુ માટે ભારતને યુરેનિયમ નિર્યાત કરવાની વ્યવસ્થા પર હસ્તાક્ષની પુષ્ટિ કરી શકીએ છીએ."
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે સોશિયલ મીડિયા ઍક્સ પર જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઑસ્ટ્રેલિયા મુલાકાતમાં 18 કરાર પર સહમતી થઈ છે.
આમાં રક્ષા, સુરક્ષા સહયોગ, સમુદ્રી સુરક્ષા માટે રોડમૅપ, ઊર્જા સુરક્ષા, પરમાણુ ઊર્જાના ક્ષેત્રમાં સહયોગ પણ સામેલ છે.
અમરેલીમાં સિંહના હુમલાથી 21 વર્ષીય યુવાનનું મોત, ખલેલ પહોંચાડવાનો આરોપ

ઇમેજ સ્રોત, Faruk Qadri
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમરેલીના લીલીયાના અંટાળિયા ગામ નજીક સિંહે કરેલા હુમલામાં 21 વર્ષીય યુવક સોહિલ મૂંઝાવરનું મોત થયું છે.
જોકે, યુવકો પર આરોપ છે કે તેમણે મેટિંગ કરી રહેલા સિંહોને ખલેલ પહોંચાડી હતી.
સમગ્ર ઘટના અંગે વાત કરતાં ડેપ્યુટી કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ ચિરાગ અમીને કહ્યું હતું કે, "સાંજે સાડા સાતથી આઠથી વચ્ચે આ ઘટના બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર સિંહો મેટિંગ કરી રહ્યા હતા. એ દરમિયાન સિંહની કોઈ પજવણી થઈ હતી કે નહીં એની તપાસ કરવામાં આવશે. હાલમાં એક નર સિંહનું રૅસ્ક્યૂ કરવામાં આવ્યું છે."
તેમણે કહ્યું હતું કે કેટલા માણસો હાજર હતા અને ત્યાં શું બન્યું હતું તે અંગેની ઊંડી તપાસ થાય એ પછી ખ્યાલ થશે.
મૃતક સોહિલ સાથે જઈ રહેલા તથા સિંહનો હુમલો નજરે જોનાર યશરાજસિંહે કહ્યું હતું કે, "અમે ત્રણ જણા હતા. અમે રસ્તે ભૂલા પડ્યા હતા અને સોહિલભાઈને પેશાબ કરવો હતો. એ બહાર ગયા અને લપાઈ રહેલા નર સિંહે હુમલો કર્યો હતો. અચાનક હુમલો કર્યો હતો. અમે એક જ સિંહ જોયો હતો."
અહીં ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર આ અંગે અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે આ યુવાનો ત્યાં ગેરકાયદેસર સિંહદર્શન કરવા ગયા હતા.
જોકે, વનવિભાગનું કહેવું છે કે તેઓ આ અંગે તપાસ કરી રહ્યા છે, પરંતુ હજુ સ્પષ્ટતા નથી.
અમેરિકાનો 'એચ-1બી વિઝા દગાખોરો માટે નથી', ઉપરાષ્ટ્રપતિ જે ડી વૅન્સે બીજું શું કહ્યું

ઇમેજ સ્રોત, Andrew Harnik/Getty Images
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વૅન્સે કહ્યું છે કે અમેરિકાનો એચ-1બી વિઝા અસાધારણ પ્રતિભા ધરાવતા લોકો માટે છે, દગાબાજો માટે નહીં.
અમેરિકન કરદાતાઓના પૈસાની સુરક્ષા સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં વૅન્સે કહ્યું કે, "અમારી પાસે એચ-1બી વિઝા કાર્યક્રમ છે. અમે એ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યા છીએ કે કરદાતાઓના પૈસાનો સાચો ઉપયોગ થાય અને કોઈ દગાખોરો આ વિઝા કાર્યક્રમનો ગેરલાભ ન લઈ શકે."
તેમણે કહ્યું કે, "આ વિઝા કાર્યક્રમ એટલા માટે બનાવાયો હતો જેથી કોઈ અસાધારણ પ્રતિભાવાળા પ્રૌદ્યોગિક નિષ્ણાત, વૈજ્ઞાનિક અથવા ડૉક્ટર હોય તો તેઓ અમેરિકા આવીને આ વિઝા કાર્યક્રમનો લાભ લઈ શકે."
તેમણે કહ્યું કે તેઓ એવા કેટલાય વિદેશ દગાખોરો વિરુદ્ધ સમન્સ બહાર કાઢવામાં આવ્યા છે અને તપાસ શરૂ કરાઈ છે, જે એચ-1બી વિઝા કાર્યક્રમનો ગેરલાભ લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
વૅન્સે કહ્યું કે, "અમેરિકન નોકરીઓ કામદારોને મળવી જોઈએ, નહીં કે એવા વિદેશ દગાખોરોને જે આ વ્યવસ્થાનો દુરુપયોગ કરવા માગે છે."
અમેરિકાનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનના દક્ષિણ કિનારે મોટા વિસ્ફોટ

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકાએ કહ્યું છે કે તેણે ફરીથી ઈરાન પર હુમલો કર્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે હુમલાના થોડા કલાકો પહેલાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 'ભારે નુકસાન પહોંચાડવાની' ધમકી આપી હતી.
ટ્રમ્પે કહ્યું હતું કે આ હુમલાઓ 'ગઈકાલે હોર્મુઝ સામુદ્રધુનીમાં ઈરાન દ્વારા જહાજો પર કરવામાં આવેલા બૉમ્બમારાનો જવાબ હતો.'
તેમણે ચેતવણી આપી હતી કે, "જો આવું ફરી થશે, તો પ્રતિક્રિયા વધુ તીવ્ર હશે."
ઈરાની મીડિયા અનુસાર, ઈરાનના દક્ષિણ કિનારાના વિસ્તારોમાં વિસ્ફોટો સંભળાયા હતા અને પર્શિયાની ખાડીમાં ઈરાનના નિયંત્રણવાળા ટાપુઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે કહ્યું છે કે, "ઈરાને હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થતાં ત્રણ કૉમર્શિયલ જહાજોને નિશાન બનાવ્યાં હતાં અને તેના જવાબમાં અમેરિકાએ તેના પર હુમલો કર્યો."
ઈરાને કહ્યું છે કે તેણે બુધવારે વહેલી સવારે બહેરીન અને કુવૈતમાં અમેરિકન લશ્કરી મથકો પર પર બદલો લેવા માટે હુમલા કર્યા હતા.
ટ્રમ્પની અગાઉની ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપતા, ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ કહ્યું છે કે, "અમે અભદ્રતાનો જવાબ અભદ્રતાથી નથી આપતા, પરંતુ કાર્યવાહી કરીને આપીએ છીએ. અમે જવાબ નિર્ભયતાથી આપીએ છીએ."
સંજુ સેમસનને ટીમમાંથી બહાર કરવા અંગે ઊઠ્યા સવાલો

ઇમેજ સ્રોત, Getty Images
ક્રિકેટ કૉમેન્ટેટર અને વિશ્લેષક હર્ષા ભોગલેએ સંજુ સેમસનને ટીમમાંથી બહાર કરવા અંગે સવાલો ઉઠાવ્યા છે.
તેમણે કહ્યું કે 'સંજુ સેમસન સંબંધિત નિર્ણય અંગે જે થઈ રહ્યું છે તે અંગે હું ખૂબ ચિંતિત છું.'
તાજેતરમાં ઝિમ્બાબ્વે પ્રવાસ માટેની ટીમમાંથી સંજુ સેમસનને બહાર કરી દેવામાં આવ્યા છે.
હર્ષા ભોગલેએ કહ્યું હતું કે, "મને દુઃખ છે કે તેને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને આરામ આપવામાં આવ્યો છે. હું ઘણા સમયથી આ ક્ષેત્રમાં છું અને મને 'આરામ' આપવાનો અર્થ શું થાય એ ખબર છે."
પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે કહ્યું હતું કે, "ભારતની ક્રિકેટ ટીમ એ જ ભૂલ કરી રહી છે જે તેણે ટી20 વર્લ્ડકપમાં કરી હતી. એ સમયે ઈશાન કિશન અને અભિષેક શર્મા ઓપનિંગ કરી રહ્યા હતા અને વિરોધી ટીમો ઑફ સ્પિનર લગાવીને તેમને સસ્તામાં આઉટ કરી રહી હતી."
"અભિષેક અને વૈભવ સૂર્યવંશી લાંબાગાળા માટે ઓપનર ન હોઈ શકે. તમારે એક જમણેરી બૅટ્સમૅન ઓપનિંગમાં જોઈએ જ."
ક્રિકેટના વરિષ્ઠ જાણકાર અને લેખર અયાઝ મેમણે કહ્યું હતું કે, "ટીમમાં જ્યારે કોઈ બદલાવ થાય છે ત્યારે સંજુ સેમસનને જ ટીમમાંથી બહાર કરી દેવામાં આવે છે."
"આ ખેલાડી વર્લ્ડકપમાં પ્લેયર ઑફ ધ મૅચ હતો. દરેક ખેલાડીની ઇચ્છા હોય છે કે જ્યારે તેનો સારો સમય ચાલી રહ્યો હોય ત્યારે તે વધુ રમે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























