You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરતમાં ટેક્સ્ટાઇલ કામદારોની કફોડી સ્થિતિ : એમ્બ્રૉઇડરી એકમોમાં સતત કામ, પાવરલૂમમાં સપ્તાહમાં 2 દિવસની રજા
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
સુરતમાં એક તરફ એમ્બ્રૉઇડરી વર્કના કામદારો ચાલુ પગારે અઠવાડિયામાં એક ફરજિયાત રજાની માંગણી કરી રહ્યા છે અને કારખાનેદારો તૈયાર નથી, જ્યારે બીજી તરફ પાવરલૂમ ઉદ્યોગનાં કેટલાંક એકમોએ અઠવાડિયામાં બે દિવસ યુનિટ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
યાર્નના ભાવો વધવાને કારણે પાવરલૂમ ઉદ્યોગકારોએ આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે.
કહેવાય છે કે સુરતના ટેક્સ્ટાઇલ ઉદ્યોગનો મહત્ત્વનો ભાગ એવા પાવરલૂમ ઉદ્યોગને ઈરાન-અમેરિકા યુદ્ધ ભારે નડતરરૂપ બન્યું છે.
જાણકારોના મત પ્રમાણે, મધ્ય-પૂર્વના યુદ્ધના કારણે 'ક્રૂડઑઇલનો પુરવઠો' ખોરવાઈ જવાથી આયાતી યાર્નનો ભાવ સતત વધતો જાય છે, જે આ ઉદ્યોગને પોસાય તેમ નથી.
આ કારણોને લઈને કેટલાક ઔદ્યોગિક વિસ્તારોમાં 'અઠવાડિયે બે રજા' પાળવી પડે તેવી સ્થિતિ છે.
ઉદ્યોગજગતના લોકોનું કહેવું છે કે, તેઓ ગળાકાપ સ્પર્ધાના કારણે બહુ પાતળા માર્જિન પર કામ કરે છે. તેથી આવી જ રીતે યાર્ન મોંઘું થતું જશે તો 'કારખાના બંધ કરવાનો વારો' આવશે.
ટેક્સ્ટાઇલ ઉદ્યોગ માટે કઈ મુશ્કેલી?
બીબીસી ગુજરાતીએ આ વિશે પાવરલૂમ ઉદ્યોગના લોકો સાથે વાત કરીને સ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો હતો.
સધર્ન ગુજરાત ચૅમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ (એસજીસીસીઆઈ)ના પ્રમુખ અને પાવરલૂમ ઍસોસિયેશનના આગેવાન અશોક જીરાવાલાએ કહ્યું કે "એક તરફ પૉલિઍસ્ટર યાર્નના ભાવ સતત વધતા જાય છે, બીજી તરફ તેના માટે ઊંચો ભાવ આપવા ખરીદદારો રાજી નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલમાં ઊન ઇન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટે આગામી દિવસોમાં પોતાની ફૅક્ટરીઓ અઠવાડિયામાં બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
જીરાવાલાએ જણાવ્યું કે "યાર્નના ભાવમાં જે રીતે વધારો થાય છે તેમાં ઇન્ડસ્ટ્રીઝ ટકી શકે તેમ નથી. યાર્નના ભાવમાં કિલો દીઠ 15થી 20 રૂપિયાનો વારંવાર વધારો થાય છે. આ કૃત્રિમ તેજી લાવવાની એક કાર્ટેલ હોય તેવું લાગે છે. અમે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે કે યાર્નના ભાવને નિયંત્રણમાં રાખવા માટે એક સમિતિ રચવામાં આવે."
અશોક જીરાવાલાએ કહ્યું કે "ક્રૂડનો ભાવ વધે ત્યારે યાર્નનો ભાવ વધે તે સમજી શકાય, પરંતુ ક્રૂડ ઘટે અથવા સ્થિર હોય ત્યારે પણ યાર્ન મોંઘું થતું જાય છે જે આ ઉદ્યોગ માટે ફટકારૂપ છે."
'ઊંચા ભાવે ખરીદદાર નથી મળતા'
પાવરલૂમ ઉદ્યોગના અગ્રણી જીરાવાલાના કહેવા પ્રમાણે સુરતમાં લગભગ સાડા સાત લાખ પાવરલૂમ મશીનો છે અને 18 લાખ લોકોને ટેક્સ્ટાઇલ કારખાનાઓના કારણે સીધી કે આડકતરી રીતે રોજગારી મળે છે.
આમ તો મધ્ય-પૂર્વમાં યુદ્ધ શરૂ થયું ત્યારથી ક્રૂડઑઇલના ભાવ વધવાના કારણે પાવરલૂમ ઇન્ડસ્ટ્રી માટે ચિંતા શરૂ થઈ છે, પરંતુ તાજેતરના મહિનાઓમાં યાર્નનો ભાવ નક્કર કારણો વગર વધ્યો છે.
અગાઉ ઊન પાવરલૂમ ઍસોસિયેશનના સભ્ય ઝાહિદ કાપડિયાએ ઇન્ડિયન ઍક્સપ્રેસને જણાવ્યું હતું કે "ફેબ્રુઆરી 2026માં ક્રૂડઑઇલનો ભાવ 70 ડૉલર પ્રતિ બેરલ હતો ત્યારે પૉલિઍસ્ટર યાર્નનો ભાવ 112 રૂપિયા પ્રતિ કિલો હતો. યુદ્ધના કારણે ક્રૂડઑઇલનો ભાવ વધીને 95 ડૉલર પ્રતિ બેરલ થયો જ્યારે યાર્નનો ભાવ પ્રતિ કિલો 140 રૂપિયા થયો હતો. ટેક્સ્ટાઈલ માર્કેટના ટ્રેડરો જૂના ભાવે કાપડ ખરીદવાનો આગ્રહ રાખે છે જેના કારણે વિવર્સ માટે મુશ્કેલ સ્થિતિ પેદા થઈ છે."
અશોક જીરાવાલા કહે છે કે "અગાઉ યાર્નનો ભાવ વધતો ત્યારે અમને એટલો વાંધો ન હતો, કારણ કે તેની સામે બજારમાં ખરીદદારી હતી. હવે એક તરફ ખરીદદારો નથી અને બીજી તરફ યાર્ન મોંઘું થતું જાય છે."
"હવે અમે જરૂરિયાત પ્રમાણે જ યાર્ન ખરીદવા અને તેટલું જ ઉત્પાદન કરવાનો નિર્ણય લીધો છે."
પાવરલૂમ ઉદ્યોગમાં 'ગળાકાપ' સ્પર્ધા નડતરરૂપ
સુરતમાં કારખાનાઓ વચ્ચે 'ગળાકાપ' સ્પર્ધાને પણ ટેક્સ્ટાઈલ ઉદ્યોગ માટે એક મોટી સમસ્યા ગણવામાં આવે છે.
આ વિશે અશોક જીરાવાલાએ કહ્યું કે "આ ઉદ્યોગમાં નવા લોકો આવે ત્યારે તેમને બજારના ડાયનેમિક્સની જાણ હોતી નથી. તેથી તેઓ ઘણી વખત નીચા રેટ પર ભાવ વેચતા હોય છે, જે લાંબા સમય સુધી ટકી શકે તેમ નથી."
સુરતમાં પાવરલૂમના ધંધાર્થી અને ફેડરેશન ઑફ ગુજરાત વિવર્સ વેલફેર ઍસોસિયેશનના ઉપપ્રમુખ હરિભાઈ કથિરિયાએ જણાવ્યું કે "ગ્રે કાપડ બનાવવું એ અત્યારે નુકસાનીનું કામ છે, કારણ કે યાર્નના ભાવ નિરંતર વધતા જાય છે. બજારમાં હાલમાં કાપડનું વેચાણ સાવ ઘટી ગયું છે. આ સિઝનમાં હંમેશાં વિદેશથી જે ઑર્ડર આવતા હતા, તેનો આ વખતે અભાવ છે."
તેઓ કહે છે કે "સામાન્ય રીતે અમારા માટે અત્યારે તહેવારોમાં પિક સિઝન હોય છે. 15 જુલાઈથી આ સિઝન શરૂ થાય છે અને નવરાત્રિ સુધી રહે છે. પરંતુ હાલમાં માર્કેટ ડાઉન છે. મોટા ભાગનો માલ દુબઈ અને તુર્કીથી બીજા દેશોમાં જાય છે. હાલમાં અમે વિદેશથી આવતા યાર્ન પરની ડ્યૂટી ઝીરો કરવા માંગણી કરી છે."
તેમણે કહ્યું કે, "સુરતના વિવર્સ વતી સધર્ન ગુજરાત ચૅમ્બર ઑફ કૉમર્સે અગાઉ DTY (ડ્રૉ ટેક્સ્ચર્ડ યાર્ન), POY (પાર્શલી ઑરિયેન્ટેડ યાર્ન) અને FDY (ફુલી ડ્રૉન યાર્ન) પરની બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી ત્રણ મહિના માટે ઘટાડીને ઝીરો ટકા કરવાની માંગણી કરી હતી, જે સ્વીકારવામાં આવી હતી. પરંતુ 15 જુલાઈએ તેની મુદત પૂરી થઈ હતી. હવે ફરીથી આ ડ્યૂટી શૂન્ય ટકા કરવા માંગણી કરવામાં આવી છે."
રમણીક પટેલ નામના પાવરલૂમ કારખાનેદારે જણાવ્યું કે "પૉલિઍસ્ટર યાર્નના ભાવમાં જે વધારો થાય છે તેની સૌથી વધારે અસર સુરતના વિવર્સ પર પડશે. કારણ કે, દેશમાં લગભગ 60 ટકા યાર્ન સુરતમાં વપરાય છે. તેમાંથી સાડી, ડ્રેસ મટીરિયલ તથા સિન્થેટિક કાપડનું ઉત્પાદન કરવામાં આવે છે. ક્રૂડઑઇલના વધતા ભાવ પૉલિઍસ્ટર યાર્નના ભાવને સીધી અસર કરે છે અને તેના લીધે કાપડ ઉત્પાદનનો ખર્ચ વધી જાય છે."
તેમણે એમ પણ કહ્યું કે ક્રૂડઑઇલનો ભાવ જ્યારે ઘટે ત્યારે યાર્ન સસ્તું થવું જોઈએ, પરંતુ છેલ્લા બે મહિનામાં તેનાથી બિલકુલ ઊંધું જોવા મળે છે.
પેમેન્ટ સાઇકલના મુદ્દે તેમણે કહ્યું કે નવા નિયમો પ્રમાણે 90 દિવસની અંદર પેમેન્ટ ફરજિયાત કરવું પડે છે તે એકમાત્ર જમા પાસું છે.
કામદારોની રજા મામલે નિર્ણય નહીં
દરમિયાન સુરતના ટેક્સ્ટાઈલ ઉદ્યોગમાં મહત્ત્વનો ભાગ એવા એમ્બ્રૉઇડરી એકમોમાં કામદારોને ચાલુ પગારે એક દિવસની રજા આપવા વિશે હજુ કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ. કારખાનેદારો અને શ્રમ વિભાગના અધિકારીઓ સોમવારે બેઠક કરીને મંગળવારે તેની જાહેરાત કરશે એવું જાણવા મળ્યું છે. પરંતુ કામદારોએ જણાવ્યું કે હજુ સુધી તેમને કોઈ પણ પ્રકારની સૂચના નથી મળી.
ગઈ 16 ઑગસ્ટે અમરોલી અને કતારગામ વિસ્તારમાં કેટલાંક એમ્બ્રૉઇડરી એકમોના હજારો કામદારો રવિવારની રજા અને એકથી સાત તારીખ સુધીમાં માસિક પગાર મળે તેવી માંગણી સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા.
અમરોલીના એક ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં કામ કરતા વિજય રાજપુત નામના એક કામદારે જણાવ્યું કે તેઓ અને તેમના જેવા બીજા કામદારો હજુ પણ રવિવારે કામ કરે છે અને તેમની માંગણીઓનું શું થયું તેના વિશે કોઈ માહિતી નથી. તેઓ હજુ બે-ત્રણ દિવસ રાહ જોવાનું વિચારે છે. સોમવારે પણ કેટલાક કામદારોએ કલેક્ટર કચેરીએ આ મામલે રજૂઆત કરી હતી.
વેદાંત ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં કામ કરતા સુરજસિંહ નામના કામદારે કહ્યું કે તેઓ અઠવાડિયામાં એક દિવસ કામ પર ન જવાનું વિચારતા હતા, પરંતુ તેમની સાથેના બીજા કામદારો નિયમિત જઈ રહ્યા હોવાથી તેઓ પણ રજા પાળવાનું ટાળે છે. હવે આગામી દિવસોમાં શું થાય છે તેના પર તેમની નજર છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન