24 કલાકમાં બંગાળની ખાડી સિસ્ટમ બનવાની શક્યતા, ગુજરાતમાં કયા ચાર જિલ્લામાં ભારે વરસાદ પડશે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદનું જોર પહેલાં કરતાં ઘણું ઘટી ગયું છે. જોકે જિલ્લાના ઘણા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થઈ ગયો છે.

તો હજુ પણ કેટલાક જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ નહિવત્ જેવું રહ્યું છે. તો જ્યાં ભારે વરસાદ પડ્યો છે એવા કેટલાક વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયેલાં છે.

ત્યારે હવે આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી વરસાદની આગાહી કરાઈ છે.

આજે અને એ પછીના દિવસોમાં પણ ગુજરાતમાં ઘણી જગ્યાએ વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.

હવામાન વિભાગના આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી દિવસોમાં હળવોથી સામાન્ય વરસાદ પડશે તેવું અનુમાન છે.

હવામાન વિભાગ અનુસાર, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે.

બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે?

હાલ એક લૉ-પ્રેશર એરિયા મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની આસપાસ બનેલો છે અને બીજો એક લૉ-પ્રેશર એરિયા આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં બનવાની શક્યતા છે.

મધ્ય પ્રદેશ પર રહેલી સિસ્ટમની અસર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં થવાની શક્યતા છે. આગામી 48 કલાક સુધી ગુજરાત રીજનમાં ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં ફરીથી વરસાદ શરૂ થાય તેવી શક્યતા છે.

હવામાનનાં વિવિધ મૉડલો અનુસાર આ સિસ્ટમ થોડી આગળ વધી ઉત્તર તરફ જાય તેવી શક્યતા છે, જેના કારણે ઉત્તર ભારતના વિસ્તારોમાં વરસાદ વધશે.

સિસ્ટમની અસર ગુજરાત પર બે દિવસ સુધી રહે તેવી શક્યતા છે, જેના કારણે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ફરીથી વરસાદનું આગમાન થશે. જોકે, મોટા ભાગના વિસ્તારોમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે. એકાદ સ્થળે કદાચ ભારે વરસાદ થઈ શકે છે.

આ ઉપરાંત કચ્છ અને સોરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સુધી છૂટોછવાયો હળવો વરસાદ થવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદ થઈ શકે છે. આ બંને રિજનમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા ઓછી છે.

ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે?

હવામાન વિભાગના તાજેતરના બુલેટિન અનુસાર, આજથી આગામી દિવસોમાં ગુજરાતમાં મોટા ભાગના જિલ્લામાં વરસાદની આગાહી છે.

11 ઑગસ્ટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા કેટલાંક સ્થળોએ સામાન્ય વરસાદની આગાહી છે.

તેમજ સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ઘણાં સ્થળોએ સામાન્ય વરસાદ પડી શકે છે.

તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં ઘણાં સ્થળોએ વરસાદનું અનુમાન છે.

એ જ રીતે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ કેટલાંક સ્થળોએ વરસાદ પડી શકે છે. તેમજ રાજકોટ, જામનગર, મોરબી, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

12 ઑગસ્ટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ઘણાં વિસ્તારમાં વરસાદની સંભાવના છે.

તેમજ દક્ષિણમાં વડોદરા, છોટા ઉદેપુર ઘણાં સ્થળોએ અને નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં કેટલાંક સ્થળોએ વરસાદનું અનુમાન છે.

તો સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, કચ્છ,પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

આ ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે એમાં મોટા ભાગે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.

જ્યારે આવતી કાલે એટલે કે 11 ઑગસ્ટે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

એટલે કે બાકીના જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે.

તો 13 અને 14 ઑગસ્ટે પણ ગુજરાતમાં મોટા ભાગના જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન