You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતની પડોશમાં આવેલા રાજ્યના એક ખેડૂતના પાંચ લાખ રૂપિયાની નોટ ઊધઈ ખાઈ ગઈ, પછી શું થયું?
- લેેખક, મોહરસિંહ મીણા
- પદ, બીબીસી હિંદી માટે
- દ્વારા રિપોર્ટિંગ, જયપુરથી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
સોશિયલ મીડિયા પર એક વૃદ્ધ વ્યક્તિ અને એક મહિલાનો વીડિયો વાઇરલ થયો છે. આ વિડિયોમાં તેઓ બંને પાંચસો-પાંચસો રૂપિયાની ફાટેલી-તૂટેલી ઘણી બધી ચલણી નોટોને ગણતાં દેખાઈ રહ્યાં છે.
આ રાજસ્થાનના પચપદરાના નેવાઈં ગામમાં રહેતાં માંગીલાલ મેઘવાલ અને તેમનાં પત્ની સાયલીદેવી છે.
માંગીલાલ મેઘવાલનો દાવો છે કે તેમણે પોતાની જમીનનો એક ભાગ વેચ્યો હતો, જેના બદલામાં તેમને પાંચ લાખ રૂપિયા મળ્યા હતા.
દંપતિનું કહેવું છે કે આ ચલણી નોટો જોઈને તેમને રડવું આવે છે, ખાવા-પીવાની ઇચ્છા થતી નથી, એક જ વિચાર આવે છે કે આ નોટો હવે કેવી રીતે બદલાશે?
શું છે આખો મામલો?
બાલોતરા જિલ્લાના નેવાઈં ગામની એક ઢાણી (રાજસ્થાનમાં પરંપરાગત ખેડૂત કે પશુપાલકનું ઘર)માં માંગીલાલ મેઘવાલ પોતાના પરિવાર સાથે રહે છે.
તેમનો વીડિયો વાઇરલ થયા પછી બીબીસી ન્યૂઝ હિંદીએ તેમની સાથે સંપર્ક કર્યો.
ફોન પર થયેલી વાતચીતમાં માંગીલાલે જણાવ્યું, "મેં લગભગ એક વર્ષ પહેલાં પચપદરામાં પોતાનો એક પ્લૉટ પાંચ લાખ રૂપિયામાં વેચ્યો હતો. આ પૈસાથી પરિવાર માટે પાકું મકાન બનાવવાનું હતું."
તેઓ કહે છે, "ત્યારે વરસાદની ઋતુ હતી અને મારી પાસે પાકું મકાન નથી તેથી એવો ડર હતો કે પૈસા વરસાદમાં ભીંજાઈ જશે. તેથી રાત્રે મેં પાંચ લાખ રૂપિયા થેલીમાં નાખ્યા અને તેને ખેતરમાં દાટી દીધા. બાદમાં ભારે વરસાદ થયો. સવારે જ્યારે ખેતરમાં ગયો ત્યારે એ જ ખબર પડી નહીં કે મેં પૈસા ક્યાં દાટ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમે તેમને પૂછ્યું કે તેમણે પૈસા બૅન્કમાં જમા કેમ કરાવ્યા નહોતા?
જવાબમાં માંગીલાલ કહે છે, "મેં વિચાર્યું હતું કે બીજા દિવસે સવારે પૈસા કાઢીને બૅન્કમાં જમા કરાવી દઈશ. પરંતુ હું એ ભૂલી ગયો હતો કે મેં પૈસા ક્યાં દાટ્યા છે."
માંગીલાલનું કહેવું છે કે તેમણે ઘણા દિવસો સુધી પૈસા દાટેલી જગ્યાની શોધ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ સફળતા મળી નહીં. માંગીલાલ આ વાત પોતાના પરિવારને કહી શકતા નહોતા. જોકે, થોડા દિવસો પછી તેમણે પોતાની પત્ની અને પુત્ર સાથે આ વાત શૅર કરી.
માંગીલાલના સૌથી નાના પુત્ર દીપક મેઘવાલ બીબીસી ન્યૂઝ હિંદીને કહે છે, "અમે ઘણી શોધખોળ કરી પરંતુ પૈસાની થેલી ખેતરમાં ક્યાંય મળી નહીં."
માંગીલાલ પણ ફોન પર થયેલી વાતચીતમાં ભાવુક થઈ ગયા. તેમનું કહેવું છે, "બૅન્કવાળા કહી રહ્યા છે કે આ પૈસા હવે નહીં ચાલે અને આવું થયું તો હું ઘર કેવી રીતે બનાવું?"
એક વર્ષ પછી પૈસા કેવી રીતે મળ્યા?
પચપદરા વિસ્તારમાં આખી ખેતી વરસાદ પર નિર્ભર રહે છે તેથી અહીં ખેડૂત સામાન્ય રીતે વર્ષમાં એક જ પાક ઉગાડી શકે છે.
માંગીલાલનું કહેવું છે કે આ વિસ્તારમાં હાલમાં સારો વરસાદ થયો છે. ત્યારબાદ ખેડૂત ખેતરોમાં વાવણીની તૈયારી માટે ખેતર ખેડવાની તૈયારી કરી રહ્યા હતા.
માંગીલાલનો પરિવાર એક વર્ષ પછી છ ઑગસ્ટની સાંજે ખેતર ખેડવા માટે ભાડે ટ્રૅક્ટર લાવ્યો અને ખેતર ખેડવા તેને ચલાવ્યું.
માંગીલાલ કહે છે, "લગભગ પાંચ કલાક સુધી ખેતર ખેડવામાં આવ્યું. રાત પડતા બધા લોકો ઘરે પરત ગયા."
બીજા દિવસે સવારે માંગીલાલનાં પત્ની સાયલીદેવી અને તેમનો પુત્ર ખેતરે પહોંચ્યાં.
સાયલીદેવી જણાવે છે, "ખેતર ખેડાયા પછી ખેતરમાં એક થેલી બહાર નીકળેલી દેખાઈ, તેને કાઢી તો તેમાં નોટો દેખાઈ પરંતુ તેમાં ઊધઈ લાગી ગઈ હતી. આ જોઈને મને રડવું આવી ગયું, જોયું તો એક પણ નોટ સારી બચી નહોતી."
માંગીલાલ કહે છે કે છેલ્લા બે દિવસથી ચિંતા અને દુઃખના કારણે તેમણે ભોજન સુધી લીધું નથી.
તેઓ કહે છે, "સમજાતું નથી કે હવે શું કરવું."
મજૂરીથી ચાલે છે ઘર
માંગીલાલ પાસે લગભગ 60 વિઘા જમીન છે. વરસાદની ઋતુમાં તેઓ આ જ જમીન પર બાજરી અને દાળનો પાક ઉગાડે છે. વરસાદ સારો થઈ જાય તો પાક થાય છે, નહિતર કંઈ પણ ઉપજતું નથી.
માંગીલાલ અને તેમનાં પત્ની સાયલીદેવી ભણેલાં-ગણેલાં નથી. તેમનાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે.
પુત્રી આઠમા ધોરણ સુધી ભણી છે અને લગ્ન પછી સાસરે છે. ત્રણ પુત્રોમાં સૌથી નાના પુત્ર દીપકે દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે, જ્યારે બાકીના બે પુત્રો આઠમા ધોરણ સુધી ભણ્યા છે.
પરિવાર પાસે હાલમાં કાચું મકાન છે, જેની છત વરસાદના દિવસોમાં ટપકે છે.
માંગીલાલ કહે છે કે તેઓ પોતાના પરિવાર માટે પાકું ઘર બનાવવું ઇચ્છતા હતા.
તેમણે કહ્યું, "ઘર બનાવવા માટે પચપદરામાં એક પ્લૉટ હતો, તે વેચ્યો હતો. પરંતુ હવે પૈસા પણ ખરાબ થઈ ગયા. નોટોને ઊધઈ ખાઈ ગઈ."
દીપક મેઘવાલે જણાવ્યું કે તેમનાં માતા ઊધઈથી ખરાબ થયેલી નોટો લઈને પચપદરાની એક બૅન્કમાં ગયાં હતાં પરંતુ બૅન્કે નોટો વધુ ખરાબ હોવાના કારણે બાલોતરા જવા માટે કહ્યું.
માંગીલાલનાં પત્ની સાયલીદેવી જણાવે છે, "અમે બાલોતરા ગયા પરંતુ ત્યાં પણ બૅન્કે કહ્યું કે આ નોટો નહીં ચાલે. બૅન્કે અમને જયપુર જવા માટે કહ્યું છે. અમે ભણેલાં-ગણેલાં નથી અને હવે નોટો બદલાવવા માટે પરેશાન છીએ."
સાયલીદેવી હજુ પણ આશા રાખીને બેઠાં છે કે તેમની નોટો બદલી શકાશે. ત્યારબાદ તેમના પરિવારના માથા પર પાકી છત બની શકશે.
માંગીલાલ અને તેમનો પરિવાર હવે આશા રાખીને બેઠો છે કે કોઈ રીતે તેમની ખરાબ થયેલી ચલણી નોટોનો કોઈ રસ્તો નીકળે અને બૅન્કમાંથી તેમની રકમ બદલાઈ જાય.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (જયપુર ઝોન)ના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન છાપવાની શરતે બીબીસીને કહ્યું છે, "જો નોટો ખૂબ જ નુકસાન પામેલી હોય તો રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની એક વિશેષ પ્રક્રિયા છે, જેના હેઠળ આ પ્રકારની ચલણી નોટો બદલી શકાય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન