You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ચોરને પકડ્યા, સમજાવ્યા, પણ તે ન સુધર્યા': રામમંદિરમાં દાનચોરી પર બીબીસીની તપાસ
- લેેખક, રાઘવેન્દ્ર રાવ
- પદ, બીબીસી સંવાદદાતા, અયોધ્યાથી પરત ફર્યા બાદ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 13 મિનિટ
અયોધ્યાના રામમંદિરમાં દાનની ચોરીના કેસ મામલે તપાસ ચાલી રહી છે, પરંતુ, આ કેસ સાથે જોડાયેલા ઘટનાક્રમે દેશનાં સૌથી લોકપ્રિય ધર્મસ્થાનો પૈકીના એકની વહીવટી વ્યવસ્થા, દેખરેખ અને ઉત્તરદાયિત્વ સામે ગંભીર સવાલો ખડા કરી દીધા છે.
હજ્જારો ભક્તોની આસ્થા સાથે જોડાયેલા આ મંદિરમાં દાન તથા ચઢાવાની વ્યવસ્થાને લઈને ઊઠી રહેલા પ્રશ્નોએ રાજકીય, સામાજિક તેમજ વહીવટી સ્તરે પણ ચર્ચા જગાવી છે.
દાન ચોરીના કેસની તપાસ કરવા દરમિયાન, બીબીસીએ એવી બે વ્યક્તિઓ સાથે વાત કરી હતી, જેમણે રામમંદિરમાં કામ કરવા દરમિયાન દાન અને ભેટની વ્યવસ્થાનું નજીકથી નિરીક્ષણ કર્યું છે.
આ બે વ્યક્તિઓએ જે જણાવ્યું તે, એસઆઇટીની પ્રારંભિક તપાસમાં જે બહાર આવ્યું તે અને રામમંદિર ટ્રસ્ટ સાથે સંકળાયેલા લોકો જે કહી રહ્યા છે, તેના પર ધ્યાન આપવામાં આવે, તો આ સમગ્ર મામલાનું ચિત્ર ઘણું જટિલ જણાઈ રહ્યું છે.
"આ ભગવાનની સંપત્તિ છે, ભગવાન બધું જોઈ રહ્યા છે"
આ તપાસમાં અમે જે પ્રથમ વ્યક્તિ સાથે વાત કરી હતી, તેઓ હજુ થોડા મહિનાઓ અગાઉ સુધી મંદિરના કાઉન્ટિંગ રૂમ (ગણતરી થતી હોય તે રૂમ)માં કામ કરતા હતા. તેમણે નામ ન જણાવવાની શરતે અમારી સાથે વાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, ભાવિકો દ્વારા દાન પેટીમાં જે રોકડ રકમનું દાન કરવામાં આવતું હતું, તે દાન કાઉન્ટિંગ રૂમમાં લાવવામાં આવતું હતું અને ત્યાં નોટોનું વર્ગીકરણ કરવામાં આવતું હતું. તે પછી બૅંકના કાઉન્ટિંગ મશીન (નોટોની ગણતરી કરતા મશીન) દ્વારા નોટોની ગણતરી કરવામાં આવતી હતી અને તે પૈસા બૅંકમાં મોકલવામાં આવતા હતા.
અમે આ વ્યક્તિને પૂછ્યું હતું કે, શું તેમણે કે તેમની સાથે કામ કરનારા લોકોએ મંદિરમાં ચઢાવવામાં આવતી ભેટની ચોરી થતી જોઈ હતી?
તેના જવાબમાં તેમણે કહ્યું હતું, "અમે ચોરી થતી નહોતી જોઈ, પણ કેટલીક વખત અમને એવું લાગતું હતું કે, કશુંક ખોટું થઈ રહ્યું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અમારી સાથે કામ કરનારા લોકોએ ચોરોને પકડ્યા હતા, ઘણી વખત ફરિયાદો પણ થઈ હતી અને એવું કહેવામાં આવતું હતું કે, સુરક્ષા વધારી દેવી જોઈએ."
"આ ફરિયાદ ઇનચાર્જ સુભાષ શ્રીવાસ્તવજીને કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, આ ભગવાનના પૈસા છે અને ભગવાન તે જોઈ રહ્યા છે. તમે અને હું આ વિશે શું કરી શકીએ? આપણા ઘરમાંથી શું જવાનું છે?"
આ કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)એ તેનાં પ્રારંભિક તારણોમાં જણાવ્યું હતું કે, સુભાષ શ્રીવાસ્તવ મંદિરમાં દાનની ગણતરીના ઇનચાર્જ હતા. 26મી જૂનના રોજ ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા જે આઠ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી, તેમાં તેમનો પણ સમાવેશ થતો હતો.
અમે ધરપકડ કરાયેલી આઠ વ્યક્તિના વકીલ કુલશેખર સિંહ સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, આરોપી સુભાષ શ્રીવાસ્તવના જણાવ્યા પ્રમાણે, તેઓ કાઉન્ટિંગ રૂમના ઇનચાર્જ ન હતા અને એ રૂમમાં હાજર નહોતા રહેતા, જ્યાં નોટો અને સિક્કાઓને અલગ પાડવામાં આવતા હતા અને જ્યાંથી પૈસાની ચોરી થઈ હતી. તેમણે એવો દાવો કર્યો હતો કે, તેઓ ફક્ત એ રૂમમાં જ હાજર રહેતા હતા, જ્યાં બૅંકના કર્મચારીઓની હાજરીમાં પૈસાની ગણતરી થતી હતી.
કાઉન્ટિંગ રૂમમાં કામ કરી ચૂકેલા એક ભૂતપૂર્વ કર્મચારીએ નામ જાહેર ન કરવાની શરતે અમને કહ્યું હતું કે, તેમને મંદિરમાં ચોરી થયાની જાણ સૌપ્રથમ સાથી કર્મચારી મારફત થઈ હતી.
તેઓ કહે છે કે, કેટલાક સહકર્મીઓએ દાનની ગણતરી કરવા દરમિયાન પૈસા ચોરવામાં આવ્યા હોવાની જાણ કરી હતી. તેઓ કહે છે કે, એ પછી તેમના કેટલાક સાથી કર્મચારીઓએ કાઉન્ટિંગ રૂમમાં કામ કરનારા કેટલાક લોકો પર નજર રાખવાનું શરૂ કર્યું હતું.
આ વ્યક્તિએ અમને જણાવ્યું હતું કે, કાઉન્ટિંગ રૂમમાં કામ કરતા કેટલાક કર્મચારીઓ તેમનાં શૂઝ, જૅકેટ કે કપડાંની અંદર નાણાં છૂપાવી દેતા હતા.
તેમના જણાવ્યા પ્રમાણે, કાઉન્ટિંગ રૂમના ઇનચાર્જ હોય, તેવા કેટલાક લોકો આ ચોરી થતી અટકાવવા બાબતે ગંભીર નહોતા, જેના લીધે આરોપીઓને મોકળું મેદાન મળી ગયું હતું.
રામમંદિરમાં આવતા દાન મામલે ગેરરીતિના આરોપો 2022માં પણ લગાવવામાં આવ્યા હતા
દાન અને ભેટની ચોરી અંગે તાજેતરમાં થયેલો વિવાદ હજુયે અખબારોમાં છવાયેલો રહે છે.
જોકે, રામમંદિર સંકુલની અંદર દાન અને ચઢાવામાં ગરબડ થતી હોવાની ફરિયાદો થોડાં વર્ષો પહેલાં પણ સપાટી પર આવી હતી.
મહિપાલ સિંહે રામમંદિરમાં કામ કર્યું હતું અને 2021 અને 2022 દરમિયાન તેઓ હિસાબો પર દેખરેખ રાખતા હતા.
તેમણે એવો દાવો કર્યો છે કે, તેમણે 2022માં મંદિરના દાનમાં પાંચ લાખ રૂપિયાની ગરબડ પકડી પાડી હતી.
મહિપાલ સિંહ જણાવે છે કે, તેઓ તે સમયે ગણતરીની પ્રક્રિયા પર નજર રાખતા હતા. એક દિવસ ગણતરીના આધારે તેમણે મોટી રકમ એકઠી થઈ હોવાની અપેક્ષા રાખી હતી, પણ સાંજના સમયે જાહેર કરવામાં આવેલો સત્તાવાર આંકડો તેમને ઓછો લાગ્યો હતો.
મહિપાલ સિંહ કહે છે, "સીસીટીવી કૅમેરા ગોઠવવામાં આવ્યા હતા, નીચે પાટિયાં હતાં, જેના પર તમામ રોકડ રકમ પાથરવામાં આવતી હતી. પહેલાં તેને અલગ પાડવામાં આવતી હતી. તે પછી તે બૅંકના માણસોને આપી દેવામાં આવતી હતી. "
"આથી, એક વખત, મેં બધી નોટો પર ધ્યાન આપવાને બદલે માત્ર મોટી નોટો પર જ ધ્યાન આપ્યું અને વિચાર્યું કે, આજે અંદાજે આટલી રકમ થવી જોઈએ, ચાલો જોઈએ, સાંજે તેઓ શું આંકડો જણાવે છે."
પોતાની વાત ચાલુ રાખતાં તેઓ કહે છે, "તેમણે જે રકમ જણાવી, તે હું સમજી ન શક્યો. મેં કહ્યું કે રકમ તો વધારે હોવી જોઈએ, કારણ કે મોટી નોટોનું પ્રમાણ ઘણું વધારે હતું."
"મેં તેમને કહ્યું કે, મને કશું સમજાયું નહીં, મહેરબાની કરીને આ બૉક્સ ખોલો અને મને બતાવો."
"જ્યારે તેમણે તે બૉક્સ ખોલીને મને બતાવ્યું, ત્યારે વાઉચર અને તેમની પાસે રહેલી રોકડ રકમ વચ્ચે પાંચ લાખ રૂપિયાનો તફાવત હતો."
મહિપાલ સિંહના જણાવ્યા પ્રમાણે, જો તે બૉક્સ ફરી વખત ખોલવામાં ન આવ્યું હોત, તો વધારાની રકમનો કોઈ રેકૉર્ડ જ ન નોંધાયો હોત.
મહિપાલ સિંહના દાવા 2022ની ઘટનાઓ અંગેના છે અને બીબીસી આ દાવાઓની સ્વતંત્રપણે ખરાઈ કરી શક્યું નથી.
મહિપાલ સિંહે એવો પણ દાવો કર્યો હતો કે, તેમણે આ કથિત ગેરરીતિની જાણ વરિષ્ઠ અધિકારીઓને એ જ દિવસે કરી હતી.
તેમના જણાવ્યા પ્રમાણે, તેમણે ગોપાલ રાવ, અનિલ મિશ્રા અને ચંપત રાયને આ વિશે વાત કરી હતી.
તેમણે એવો આક્ષેપ કર્યો છે કે, તેમને એમ હતું કે, કોઈ કાર્યવાહી કરવામાં આવશે, પણ તેને બદલે, કેટલાક સીસીટીવી ફૂટેજને ડિલીટ કરી દેવાની કોશિશ કરવામાં આવી હતી અને મહિપાલ સિંહને બીજા જ દિવસે ત્યાંથી હટાવી દેવામાં આવ્યા હતા.
ગોપાલ રાવ રામમંદિર ટ્રસ્ટમાં વિશેષ આમંત્રિત સભ્ય હતા. દાન ચોરીનું કૌભાંડ બહાર આવ્યા પછી તેમના પર મંદિરના ટ્રસ્ટના કામકાજમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.
બીબીસીએ મહિપાલ સિંહના આરોપો અંગે ગોપાલ રાવને પૂછ્યું, તો તેમણે જવાબ આપ્યો હતો કે, મહિપાલ સિંહ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો ખોટા છે અને એસઆઈટીની તપાસ બાદ જ સત્ય બહાર આવશે.
આ ઉપરાંત બીબીસીએ આક્ષેપો અંગે અનિલ મિશ્રાનો પક્ષ જાણવાનો પણ પ્રયત્ન કર્યો હતો, પણ તેમણે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.
રામમંદિરમાં દાનચોરી કેસનો ઘટનાક્રમ
ટ્રસ્ટની સાથે જોડાયેલા લોકોએ બીબીસીને કહ્યું હતું કે, મંદિરમાંથી દાનની રકમની ચોરીની ઘટના સૌપ્રથમ ત્રીજી અને પાંચમી જૂનની વચ્ચે પ્રકાશમાં આવી હતી અને ટ્રસ્ટની અંદર ચર્ચાઓ શરૂ થઈ હતી.
સાતમી જૂનના રોજ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર એવો દાવો કર્યો હતો કે, રામમંદિરના દાનના કરોડો રૂપિયા ગુમ થઈ ગયા હોવાનું બહાર આવ્યું છે.
આઠમી જૂનના રોજ શ્રીરામ જન્મ મંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટના તત્કાલીન જનરલ સેક્રેટરી ચંપત રાયે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરતાં કહ્યું કે, દાનની ગણતરી જ્યાં કરવામાં આવે છે, તે રૂમનું ઑડિટ ચાલી રહ્યું છે અને હજી સુધી કોઈના ધ્યાનમાં કંઈ ખાસ આવ્યું નથી.
પરંતુ, 12મી જૂનના રોજ રામમંદિર ટ્રસ્ટે દાન-ભેટની ગણતરીને લઈને પ્રવર્તી રહેલી ચિંતાઓને પગલે તપાસ કરવા માટે ઉત્તર પ્રદેશ સરકાર પાસે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની રચના કરવાની માગણી કરી હતી.
તેના બીજા જ દિવસે 13મી જૂને રાજ્ય સરકારે એસઆઈટીની રચના કરી હતી.
25મી જૂન - એસઆઈટીની રચના થયાના 12 દિવસ પછી 25મી જૂને ઉત્તર પ્રદેશ પોલીસે આખરે મંદિરમાં કામ કરતા આઠ લોકો સામે એફઆઈઆર દાખલ કરી હતી.
તેના બીજા જ દિવસે, 26મી જૂનના રોજ એફઆઈઆરમાં નામ ધરાવતી આઠેય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી.
અત્રે ઉલ્લેખનીય છે કે, એસઆઇટીની રચના થઈ ત્યાં સુધી અને તેની રચનાના 12 દિવસ વીત્યા પછી પણ આ કેસમાં કોઈ એફઆઇઆર દાખલ કરવામાં આવી ન હતી.
આ પરિસ્થિતિમાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે, જ્યારે ટ્રસ્ટને દાનની ચોરી થતી હોવાની શંકા હતી, તો એફઆઇઆર દાખલ કરવામાં આટલું મોડું કેમ કરવામાં આવ્યું?
આશિષ અગ્નિહોત્રી અત્યારે રામમંદિરમાં પ્રસાદ વ્યવસ્થાના ઇનચાર્જ છે અને તેઓ ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી ચંપત રાયના નિકટવર્તી ગણાય છે.
તેમણે કબૂલ્યું હતું કે, ચોથી જૂનના રોજ જ ટ્રસ્ટના લોકોએ કાઉન્ટિંગ રૂમમાં કામ કરી રહેલા કેટલાક આરોપીઓને સીસીટીવીમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ કરતા જોયા હતા અને પાંચમી જૂનથી ટ્રસ્ટે આ મામલે આંતરિક તપાસ શરૂ કરી દીધી હતી.
તેમણે કહ્યું હતું, "કામ કરતી વખતે અમારું ધ્યાન ત્યાં ગયું હતું. કૅમેરા અને ગણતરીની સમીક્ષા કરવામાં આવી રહી છે."
"જોકે, અમે જે કામ અમારું નહોતું, તે સીબીઆઈને સોંપી દીધું હતું."
"ગેરરીતિ પકડી પાડવામાં આવી, એ પછી તેમના પર નજર રાખવામાં આવી અને છૂપા કૅમેરા ગોઠવવામાં આવ્યા હતા."
અમે તેમને પૂછ્યું કે, શંકા કેવી રીતે ગઈ?
ત્યારે તેમણે કહ્યું, "તેઓ જે રીતે કૅમેરાની સામે ઊભા રહ્યા હતા, તેઓ ચોક્કસ સમયે જ તે તરફ ઊભા રહ્યા હતા... આથી અમને તે અસહજ લાગ્યું અને શંકા ગઈ."
હવે, સવાલ એ રહે છે કે, જ્યારે કાઉન્ટિંગ રૂમમાં કામ કરી રહેલા કેટલાક લોકો પર શંકા ગઈ, તો પછી ટ્રસ્ટે તે જ સમયે તેમની સામે એફઆઇઆર દાખલ કેમ ન કરી?
આશિષ અગ્નિહોત્રી તેના જવાબમાં કહે છે, "જો અમારે પહેલા જ દિવસે એફઆઇઆર નોંધાવવી હોત, તો અમે ચાર પ્રસંગો બન્યા પછી તે તરત જ નોંધાવી દીધી હોત."
"કૅમેરા જોયા પછી અમને શંકા ગયા બાદ જ અમે એસઆઇટી પાસે ગયા હતા. એવું નથી કે અમને ચોરી થઈ રહી હોવાની શંકા નહોતી."
"તેને છૂપાવવાનો કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો નહોતો, અમે તરત જ તપાસ આદરી દીધી હતી. તપાસ કોઈના દબાણ હેઠળ કરવામાં આવી નહોતી."
પણ મામલો આટલેથી નથી અટકતો.
ટ્રસ્ટની સાથે સંકળાયેલા ઘણા લોકોએ એ કબૂલાત કરી છે કે, આ કેસના શરૂઆતના દિવસોમાં જ ટ્રસ્ટે ઘણા આરોપીઓ પાસેથી ચોરીની મોટી રકમ વસૂલવાની કામગીરી શરૂ કરી દીધી હતી.
એસઆઈટીએ પણ તેના પ્રારંભિક તપાસ અહેવાલમાં આ બાબતની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે, એસઆઈટીની રચના થઈ, તે પહેલાં જ ટ્રસ્ટના અધિકારીઓએ કેટલાક આરોપીઓ પાસેથી આશરે 81 લાખ રૂપિયા જેટલી રકમ પરત મેળવી લીધી હતી.
આરોપીઓની ઓળખ થઈ ગઈ હતી અને ટ્રસ્ટ તેમની પાસેથી ચોરીની રકમ પાછી મેળવી રહ્યું હતું, તેમ છતાં તેણે આ મામલે ઘણા દિવસો સુધી પોલીસને જાણ કરી નહોતી. અહીં મહત્ત્વનો સવાલ થાય છેઃ શા માટે?
ચંપત રાય અને નવા સવાલો
મહિપાલ સિંહ કહે છે કે, દાનને લઈને થતી ગેરરીતિ વિશે ટ્રસ્ટના ટોચના નેતૃત્વને ચાર વર્ષ પહેલાં જાણ કરી, તે પછી તેમણે આ મામલો ફરી ઉખેળ્યો નહોતો. અલબત્ત, ચાલુ વર્ષની પાંચમી જૂને જ્યારે તેઓ રામમંદિરની મુલાકાત લેવા માટે અયોધ્યા પહોંચ્યા, ત્યારે દાનની રકમની ચોરીનો મુદ્દો વેગ પકડી રહ્યો હતો. તેઓ દાવો કરે છે કે, તેઓ પાંચમી જૂનના રોજ રામમંદિર ટ્રસ્ટના ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી ચંપત રાયને મળ્યા હતા.
મહિપાલ સિંહ આગળ કહે છે, "હું ચંપત રાયજીને મળવા માટે ગયો હતો. તેમણે શ્યામ યોગ સેન્ટરના નામનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, તેમણે ત્યાં જવાનું છે. તેમણે મને કહ્યું હતું, 'તમારો મુદ્દો સાચો હતો અને મારે અત્યારે આ મામલાને લઈને જ જવાનું થયું છે. આપણે આવતીકાલે મળી શકીએ છીએ.'"
અમે તેમને પૂછ્યું કે, "મુદ્દો સાચો હતો," એમ કહેવાનો અર્થ શું હતો?
ત્યારે મહિપાલ સિંહે જવાબ આપ્યો કે, ચંપત રાય એ પુષ્ટિ કરી રહ્યા હતા કે, ચાર વર્ષ પહેલાં મહિપાલ સિંહે પાંચ લાખ રૂપિયાના કૌભાંડનો જે મુદ્દો ઉઠાવ્યો હતો, તે સાચો હતો.
દાન ચોરીનો કેસ આ વર્ષે જૂનમાં જાહેર થઈ ગયા પછી ચંપત રાયે રામ મંદિર ટ્રસ્ટમાંથી રાજીનામું આપી દીધું હતું.
સાતમી જુલાઈના રોજ તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે, એસઆઈટીનો ફાઇનલ રિપોર્ટ આવ્યા પછી તેઓ બધા સવાલોના જવાબ આપશે અને ત્યારે સમગ્ર સત્ય બહાર આવશે.
બીબીસીએ ચંપત રાયને મૅસેજ મોકલ્યા હતા અને ફોન દ્વારા તેમનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો, પણ કોઈ જવાબ મળ્યો નહોતો.
આ દરમિયાન, મહિપાલ સિંહે એવો પણ દાવો કર્યો છે કે, આ મામલે જાહેરમાં બોલ્યા પછી તેમના પર દબાણ કરવામાં આવી રહ્યું છે.
તેમણે કહ્યું હતું કે, તેઓ 1968થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે જોડાયેલા છે, પણ આ મુદ્દા વિશે વાત કર્યા પછી તેમને સંગઠનની પ્રવૃત્તિઓમાંથી હટાવી દેવામાં આવ્યા છે.
આરએસએસે આ આક્ષેપો અંગે કોઈ સીધી પ્રતિક્રિયા આપી નહોતી, જ્યારે સંગઠનના નજીકના લોકોએ તેમના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.
રાજકીય ઊથલપાથલ
આ દરમિયાન, આ મામલે રાજકીય ઊથલપાથલ હજુ ચાલુ જ છે.
અયોધ્યાના કૉંગ્રેસના નેતા શરદ શુક્લા જણાવે છે, "જુઓ, આ દેશમાં ઘણાં મઠો અને મંદિરો આવેલાં છે. કોઈ ગામ કે નગરમાંથી મંદિરનો નાનો અમથો ઘંટ ચોરાઈ જાય, તો પણ તે મંદિરના પૂજારી તાત્કાલિક પોલીસ પાસે જઈને એફઆઈઆર નોંધાવે છે અને ફરિયાદ નોંધાવે છે."
"પણ ટ્રસ્ટની અંદર આટલી મોટી ગરબડ થઈ, આટલા મોટાપાયે ચોરી થઈ ગઈ, રીતસરની લૂંટ થઈ... તેમ છતાં તે લૂંટની ફરિયાદ તાત્કાલિક નોંધાવવામાં ન આવી. 12-13 દિવસ વીતી ગયા હતા."
"પ્રથમ ફરિયાદ કરનારાઓમાં હું પણ સામેલ છું, મેં રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી છે. તે ટ્રસ્ટ શું કરી રહ્યું હતું?"
પોતાની વાત કહેવાનું ચાલુ રાખતાં તેઓ જણાવે છે, "એ સમજવાની જરૂર છે કે, ચોરી આટલા લાંબા સમય સુધી ચાલતી રહી હોય, ત્યારે કોઈને તેના વિશે જાણ ન થઈ હોય, એ અશક્ય છે."
"તે લોકો મંદિરની અંદર લૂંટ ચલાવી રહ્યા હતા, તેમની સંરક્ષણ વિના આવું કરવાની હિંમત ન ચાલી હોત."
સમાજવાદી પાર્ટીના નેતા તથા ફૈઝાબાદથી લોકસભાના સાંસદ અવધેશ પ્રસાદ આ વિશે કહે છે, "આ પ્રકરણની સમગ્ર જવાબદારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની છે. મંદિરના ખૂબ નિકટવર્તી, સલાહકાર તથા જવાબદાર વ્યક્તિ એવા નૃપેન્દ્ર મિશ્રાએ આને ચોરી નહીં, બલ્કે લૂંટ ગણાવી છે."
"આ માટે કોણ જવાબદાર છે? ટ્રસ્ટમાં રહેલા લોકો કોણ છે? આ ટ્રસ્ટની રચના ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી હતી અને આથી તેની જવાબદારી ભારતીય જનતા પાર્ટીના લોકોની અને સરકારની છે."
અમે આ સમગ્ર વિવાદમાં ભાજપની થઈ રહેલી ટીકા વિશે ભારતીય જનતા પાર્ટીના નેતા અને અયોધ્યાના મેયર ગિરીષપતિ ત્રિપાઠીને સવાલ પૂછ્યો હતો.
તેમણે જવાબ આપ્યો હતો, "એક ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી, તેની અંદર કેટલીક ગરબડો સામે આવી."
"ભાજપના ચૂંટાયેલા મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ તે વિસંગતતાઓ સામે અસરકારક પગલાં ભરી રહ્યા છે."
"ભાજપ તેની જવાબદારીથી મોં નથી ફેરવી રહ્યું. જો ક્યાંક કોઈ વિસંગતતા સામે આવે છે, તો તેની સામે પગલાં ભરવામાં આવી રહ્યાં છે, કાર્યવાહી કરવામાં આવશે અને સત્ય બહાર આવશે. જો તેની કામગીરીમાં કોઈ સમસ્યા હશે, તો તેમાં સુધારો કરવામાં આવશે."
ગિરીષપતિ ત્રિપાઠીએ જણાવ્યા અનુસાર, "એકંદરે આ ઘટના નહોતી બનવી જોઈતી. પણ આ બનાવમાંથી બોધપાઠ મેળવીને - રામમંદિરની વ્યવસ્થાને વધુ અસરકારક કેવી રીતે બનાવી શકાય, મંદિરની વ્યવસ્થઆઓને બહેતર કેવી રીતે બનાવી શકાય - આ તમામ ક્ષેત્રે પ્રયાસો અને પ્રક્રિયાઓ ચાલી રહી છે."
એસઆઈટીની પ્રારંભિક તપાસમાં શું બહાર આવ્યું?
અત્યાર સુધીમાં જે આઠ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, તેમાંથી છ વ્યક્તિ કાઉન્ટિંગ રૂમમાં કામ કરતી હતી.
તે સિવાય, બાકીની બે વ્યક્તિ કાઉન્ટિંગ રૂમ ઇનચાર્જ સૌરભ શ્રીવાસ્તવ અને રામશંકર યાદવ ઊર્ફે ટીનુ છે. ટીનુ એક સમયે ચંપત રાયના ડ્રાઇવર હતા પણ વર્ષો વીતવા સાથે તેઓ તેમના ખાસ સહયોગી બની ગયા હતા.
એસઆઈટીની પ્રારંભિક તપાસમાં એમ જણાવવામાં આવ્યું છે કે, કાઉન્ટિંગ રૂમમાં કામ કરતા સ્ટાફની નિયમિત તપાસ ન કરવામાં આવતી હોવાને લીધે દાનની રકમની ચોરીની ઘટના બની હતી અને આ માટે સુભાષ શ્રીવાસ્તવ જવાબદાર છે.
રામશંકર યાદવ ઊર્ફે ટીનુ પર ઔપચારિક સત્તા (ઑથોરિટી) વિના બિલની ચાવીઓ રાખવાનો આરોપ છે.
એસઆઈટી જણાવે છે કે, ટીનુની ભલામણ પર તેમના સંબંધી મનીષકુમાર યાદવને કાઉન્ટિંગમાં નોકરીએ રાખવામાં આવ્યા હતા, જેના કારણે તેમને આ ચોરી આચરવાનો મોકો મળી ગયો.
ધરપકડ કરાયેલા આઠ લોકોનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલ કુલશેખરસિંહ જણાવે છે કે, આરોપીઓ પર અગાઉ કોઈ કેસ દાખલ ન થયો હોવા છતાં તેમના પર રીઢા ગુનેગાર હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમના મત અનુસાર, આ આરોપો માત્ર જામીન ન મળે, એ હેતુથી લગાવવામાં આવ્યા છે.
રામશેખર યાદવ ઊર્ફે ટીનુના કેસ વિશે સિંહ કહે છે કે, તેમને ફસાવવામાં આવી રહ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, જો ચોરાયેલી મિલકત એફઆઇઆર દાખલ કરવામાં આવી, તે પહેલાં જ ટ્રસ્ટને પરત કરી દેવામાં આવી હોય, તો પછી તે ચોરાયેલી સંપત્તિ ગણાતી નથી. આથી, પોલીસ દ્વારા હવે પરિવારના સભ્યો દ્વારા અથવા તો બૅન્ક ખાતાં દ્વારા રિકવરીના જે દાવા કરવામાં આવી રહ્યા છે, તે ખોટા છે.
એસઆઈટીની તપાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે, 2024માં પ્રસ્થાપિત કરવામાં આવેલા સુરક્ષાના નિયમો 2025માં નબળા કરવામાં આવ્યા હતા અને કર્મચારીઓની નિયમિત તપાસ બંધ કરી દેવામાં આવી હતી. ભૂતપૂર્વ ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ આ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.
એસઆઇટીના જણાવ્યા પ્રમાણે, અનિલ મિશ્રા સલામતીના નિયમોનો અમલ કરાવવામાં નિષ્ફળ ગયા હતા અને જ્યારે તેમને નિયમોનું પાલન ન થઈ રહ્યું હોવાની જાણ કરવામાં આવી, ત્યારે તેમણે વ્યવસ્થા સુધારવા માટે કોઈ પગલાં ભર્યાં ન હતાં. આ ઘટનાને પગલે અનિલ મિશ્રાએ ટ્રસ્ટમાંથી રાજીનામું આપી દીધું હતું.
રામ મંદિરની સુરક્ષાની જવાબદારી ખાનગી કંપની SISને સોંપવામાં આવી હતી. આથી, આ કંપનીના કર્મચારીઓ કાઉન્ટિંગ રૂમમાં કામ કરનારા લોકોની તપાસ શા માટે નહોતા કરતા, એ સવાલ પણ ઊભો થયો હતો.
કંપનીના એક અધિકારીએ નામ ન જણાવવાની શરતે બીબીસીને કહ્યું હતું કે, તેમની જવાબદારી માત્ર ભીડનું વ્યવસ્થાપન કરવાની હતી અને કાઉન્ટિંગ રૂમ છોડીને જઈ રહેલા લોકોની તપાસ કરવાનું કામ તેમને સોંપવામાં આવ્યું ન હતું. અધિકારીના જણાવ્યા મુજબ, દાન ચોરીનો કેસ પ્રકાશમાં આવ્યા પછી હવે આ જવાબાદરી તેમને સોંપવામાં આવી છે.
એસઆઇટી ફક્ત 27મી એપ્રિલથી પાંચમી જૂન સુધીના સીસીટીવી ફૂટેજની જ તપાસ કરી શકી છે, કારણ કે તે પહેલાંનું ફૂટેજ ઉપલબ્ધ નહોતું.
પણ આ 39 દિવસમાં જ સીસીટીવી પર 70 વખત ચોરી થતી જોવા મળી હતી, જેમાં કેટલાક કર્મચારીઓ નોટોનાં બંડલો અને છૂટી નોટો તેમનાં કપડાં, ખિસ્સાં અને જૂતાંમાં છૂપાવતા જોવા મળ્યા હતા.
એસઆઇટીનું કહેવું છે કે, આરોપીઓનાં નિવેદનો અને તેમનાં બૅંક ખાતાંઓમાં જમા થયેલી રકમો દર્શાવે છે કે, 27મી એપ્રિલ પહેલાં પણ ચોરીઓ થઈ હતી. અલબત્ત, જૂનું સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ ન હોવાને કારણે 27મી એપ્રિલ પહેલાં કેટલી રકમની ચોરી થઈ, તે નક્કી કરી શકાયું નથી.
આ કેસમાં સૌથી મોટો સવાલ માત્ર એ નથી કે, કેટલાં નાણાંની ચોરી થઈ? અહીં મુખ્ય સવાલ એ છે કે, લાખો ભાવિકોની શ્રદ્ધાનું પ્રતીક એવા આ મંદિરની સુરક્ષા વ્યવસ્થા કેવી રીતે નિષ્ફળ ગઈ? અને તેનાથીયે વધુ, શું આ તપાસ બેદરકારી અને સંડોવણીના
આરોપી તમામ જવાબદાર લોકો સુધી પહોંચશે ખરી?
13મી જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ને આ કેસ મામલે તેની તપાસનો અહેવાલ સુપરત કરવાનો આદેશ આપ્યો હતો. 19મી જુલાઈના રોજ ઉત્તર પ્રદેશની એસઆઈટીએ તેનો સ્ટેટસ રિપોર્ટ સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટને સુપરત કર્યો હતો.
20મી જુલાઈએ સુપ્રીમ કોર્ટે એવું સૂચન કર્યું હતું કે, આ કેસમાં કરવામાં આવેલા આરોપોની તટસ્થ તપાસ સુનિશ્ચિત કરવા માટે વરિષ્ઠ અધિકારીઓની આગેવાની હેઠળની એક મજબૂત એસઆઈટીની રચના કરવામાં આવે અથવા તો હાલની એસઆઈટીની પુનઃ રચના કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી ઉત્તર પ્રદેશ સરકારે કેસની તપાસ કરી રહેલી એસઆઈટીની પુનઃ રચના કરી છે.
27મી જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે નિષ્પક્ષ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત તપાસની આવશ્યકતા પર ભાર મૂકતાં ઉત્તર પ્રદેશ સરકારને કેસની તપાસ ચલાવી રહેલી પુનઃ રચિત એસઆઈટીમાં એક સ્વતંત્ર ફોરેન્સિક ઑડિટરને સામેલ કરવાનો આદેશ આપ્યો હતો.
આ મામલાની તપાસ હજુ ચાલુ છે.
ઉમેરારૂપ રિપોર્ટિંગઃ ગૌરવ ગુલમોહર
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન