You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર 'પૅલેટ ગનના ઉપયોગ' કરવાના મામલામાં બીબીસીને શું જાણવા મળ્યું?
- લેેખક, ગીતા પાંડે
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 9 મિનિટ
ચેતવણી : આ લેખમાં કેટલીક તસવીરો એવી છે જે કેટલાક લોકોને વિચલિત કરી શકે છે.
બીબીસી સાથે વાત કરનારા સ્વતંત્ર બૅલિસ્ટિક નિષ્ણાતોએ એવો દાવો કર્યો છે કે, ગયા અઠવાડિયે દિલ્હીમાં કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના કેટલાક સમર્થકોને થયેલી ઈજા પૅલેટ ગનને લીધે થઈ હતી.
ગત 20મી જુલાઈના રોજ મધ્ય દિલ્હીમાં વ્યાપક સ્તરે હિંસા ફાટી નીકળી હતી અને હજ્જારો દેખાવકારોએ કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામા તથા શિક્ષણમાં સુધારાની માગણી સાથે સંસદ તરફ કૂચ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
આ દરમિયાન, પોલીસ અને અર્ધલશ્કરી દળો ટોળાં ઉપર લાકડી, લાઠી તથા ટિયર ગૅસ વડે ક્રૂરતાપૂર્વક હુમલો કરતાં જોવા મળ્યાં હતાં.
દિલ્હી પોલીસના અહેવાલ પ્રમાણે આ હિંસામાં 60 દેખાવકારો અને તેના 118 સુરક્ષાકર્મીઓને ઈજા થઈ હતી. જોકે, સીજેપીના જણાવ્યા પ્રમાણે, ઈજાગ્રસ્ત પ્રદર્શનકારીઓની સંખ્યા સત્તાવાર આંકડા કરતાં ઘણી વધારે હતી.
આ કાર્યવાહી થયાના ઘણા દિવસો પછી પણ સરકારે માધ્યમોના એ અહેવાલોની પુષ્ટિ કરી ન હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, દેખાવકારો સામે પૅલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પરંતુ, બીબીસી એવા ઓછામાં ઓછા ચાર કિસ્સાની પુષ્ટિ કરવામાં સફળ રહ્યું હતું, જેમાં હૉસ્પિટલોમાં પ્રદર્શનકારીઓની એવી ઈજાઓ થવા બદલ સારવાર કરવામાં આવી છે, જે પૅલેટ ગનથી થઈ હોવાનો નિષ્ણાતોનો અભિપ્રાય છે.
પૅલેટ ગન એ મૂળ પક્ષીઓનો શિકાર કરવા માટે બનાવવામાં આવેલી શૉટગન છે. તેમાં "બર્ડશૉટ" તરીકે ઓળખાતાં કારતૂસનો ઉપયોગ કરવામાં આવે છે, જે 200થી 400 નાના-નાના ધાતુના છરા (પૅલેટ્સ)થી ભરેલાં હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે ટોળાંને વિખેરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે, ત્યારે આ છરા વ્યાપક ભાગમાં પ્રસરી જાય છે, જેના કારણે ગમે ત્યાં ઊભેલા લોકોને ઈજા થઈ શકે છે. આ જ કારણસર, ઘણા દેશોમાં આ ગનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે.
નિષ્ણાતોએ ઘાયલોને જોયા પછી બીબીસીને જણાવી આ વાત
બીબીસીએ બે ઈજાગ્રસ્ત લોકો સાથે વાત કરી છે, જેમનું માનવું છે કે, તેમને સુરક્ષાદળો દ્વારા ચલાવવામાં આવેલી પૅલેટ ગનના છરા વાગ્યા હતા.
અમે આ બે ઉપરાંત વધુ એક ઈજાગ્રસ્ત વ્યક્તિના ફોટા અને વીડિયો બે સ્વતંત્ર શસ્ત્ર અને ફોરેન્સિક નિષ્ણાતોને બતાવ્યા હતા.
વધુમાં, હૉસ્પિટલના એક વરિષ્ઠ અધિકારીએ એ વાતની પુષ્ટિ કરી હતી કે, ચોથી વ્યક્તિને પણ પૅલેટ ગનના છરા વાગવાથી ઈજા પહોંચી હોવાથી તેની પણ સારવાર કરવામાં આવી હતી.
નિષ્ણાતો જણાવે છે કે, ચહેરા પર ડઝનબંધ નાનાં-નાનાં છિદ્રો બર્ડશૉટથી થયેલી ઈજાનો સ્પષ્ટ સંકેત આપે છે.
બ્રિટન સ્થિત બૅલિસ્ટિક્સ ફોરેન્સિક વિજ્ઞાની ફિલિપ બૉયસે બીબીસીને જણાવ્યા અનુસાર, "બતાવવામાં આવેલી ઈજાઓ નિઃશંકપણે પૅલેટ ગનથી જ થઈ છે અને જે હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે 12-ગૅજ પમ્પ-ઍક્શન શૉટગન છે."
"ખાસ કરીને નજીકના અંતરેથી આ છરાના જખમ પ્રાણઘાતક નીવડી શકે છે," એમ તેમણે જણાવ્યું હતું.
સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું, "દિલ્હીમાં મેં જે ઈજાઓ જોઈ છે, તે નજીકની રેન્જને કારણે નથી થઈ, પણ ઓછામાં ઓછા 50 ફૂટના અંતરેથી થઈ છે, પણ 10 ફૂટના અંતરેથી પણ તે જીવલેણ નીવડી શકે છે."
બ્રિટનસ્થિત આર્મામેન્ટ રિસર્ચ સર્વિસિઝના ડિરેક્ટર એનઆર જૅન્ઝેન-જૉન્સે બીબીસીને જણાવ્યું હતું કે, "વિરોધપ્રદર્શનની તસવીરો તથા વીડિયો દર્શાવે છે કે, પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે શૉટગનની મદદ લીધી હતી."
સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ઘાયલોની તસવીરોમાં દેખાઈ રહેલી ઈજાઓ "બર્ડશૉટને કારણે થતી ઈજાઓ સાથે ઘણી મળતી આવે છે."
"વિશ્વના ઘણા દેશોમાં ઓછાં ઘાતક હથિયારો તરીકે શૉટગનનો ઉપયોગ થાય છે, પણ ભારતીય કાયદા અમલકર્તા સંસ્થાઓ ટોળાંને અંકુશમાં લેવા માટે સીસાના નાના છરા ધરાવતી શૉટગન કારતૂસનો ઉપયોગ કરવાનો લાંબો ઈતિહાસ ધરાવે છે," એમ એનઆર જૅન્ઝેન-જૉન્સે કહ્યું હતું.
વધુમાં તેમણે કહ્યું હતું કે, તે 'બર્ડશૉટ' તરીકે ઓળખાય છે અને જ્યારે બર્ડશૉટ કારતૂસનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે શૉટગનને કેટલીક વખત 'પૅલેટ ગન' પણ કહેવામાં આવે છે.
તેમણે ઉમેર્યું હતું, "પણ આ છરા (પૅલેટ્સ) સલામત નથી હોતા. તેના કારણે થતી ઈજાથી વ્યક્તિનું સમૂળગું જીવન બદલાઈ શકે છે. અમુક કિસ્સાઓમાં તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. તે ઉપરાંત, તે શરીરમાં ઝેરી સીસું છોડી જાય છે, જેને કેટલીક વખત સલામત રીતે બહાર કાઢવું અઘરું હોય છે."
આ કારણોસર ઘણા દેશોએ પૅલેટ ગન્સ પર પ્રતિબંધ ફરમાવ્યો છે અથવા તો તેના ઉપયોગ પર ચુસ્ત નિયંત્રણો લાદ્યાં છે.
ફિલિપ બૉયસ જણાવે છે કે, બ્રિટનમાં પૅલેટ ગન્સ સામાન્યપણે પક્ષીઓના શિકાર માટે વપરાતી હોય છે અને તે સહેલાઈથી મળી જાય છે. જોકે, ટોળાંને કાબૂમાં લેવા માટે તેનો ઉપયોગ થયો હોવાનું તેમની જાણમાં નથી.
'હું નથી જાણતો કે, મારા શરીરમાં ફસાયેલા આ છરાથી કેટલું નુકસાન થશે'
કાશ્મીરમાં ભારતીય સુરક્ષાદળો દ્વારા 2010થી પૅલેટ ગન્સનો ઉપયોગ થઈ રહ્યો છે.
હ્યુમન રાઇટ્સ વૉચ દ્વારા સંકલિત કરવામાં આવેલા સત્તાવાર આંકડા પ્રમાણે, તેનાથી હજ્જારો લોકો ઈજાગ્રસ્ત થઈ ચૂક્યા છે અને ઓછામાં ઓછા 17 લોકોએ જીવ ગુમાવ્યો છે. છરાથી ઈજા પહોંચવાથી ડઝનબંધ લોકો દૃષ્ટિ ગુમાવી ચૂક્યા છે.
જો દિલ્હીમાં સુરક્ષાદળોએ પૅલેટ ગનનો ઉપયોગ કર્યાનું પુરવાર થાય, તો ભારતે પોતાની રાજધાનીમાં નાગરિકો સામે તેનો ઉપયોગ કર્યાનું આ પ્રથમ વખત બનશે.
અમારી સાથે વાત કરનારા બે યુવાનોએ જણાવ્યું હતું કે, 20મી જુલાઈના રોજ સાંજે ચાર વાગ્યા પછી સંસદ નજીક આવેલા એક મુખ્ય કેન્દ્ર એવા કનૉટ પ્લેસ ખાતે તેઓ ઘાયલ થયા હતા.
મોહિત (નામ બદલ્યું છે)એ કહ્યું હતું કે, જ્યારે તેમણે સુરક્ષાકર્મીને તેમની તરફ ગન તાકતા જોયા, ત્યારે તેઓ પાછા વળીને વિરુદ્ધ દિશામાં દોડવા લાગ્યા હતા.
"બે કે ત્રણ સેકન્ડ પછી મારા જમણા હાથ અને પીઠ પર બળતરા થવા લાગી હતી," એમ 28 વર્ષના પત્રકારે બીબીસીને જણાવ્યું હતું.
મોહિતના મત પ્રમાણે, પીડા થતી હોવા છતાં તેઓ દોડતા રહ્યા હતા. તે પછી તેઓ એક કાફેમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે પાણીની બૉટલ ખરીદીને પોતાના જખમ ધોયા હતા.
"તે પછી મારા હાથ અને પીઠના ઉપરના ભાગે નાનાં-નાનાં છિદ્રો તરફ મારું ધ્યાન ગયું. હું ખૂબ જ ડરી ગયો હતો," એમ તેમણે કહ્યું હતું.
તેમની જ્યાં સારવાર ચાલી રહી હતી, તે સફદરજંગ હૉસ્પિટલ ખાતે લેવામાં આવેલા ઍક્સ-રેમાં મોહિતના હાથ તથા શરીરના ઉપલા ભાગે નાના કણો ખૂંપેલા દેખાય છે.
મોહિતે બીબીસીને આપેલા મેડિકલ રેકૉર્ડ્ઝ પ્રમાણે, તેમના જમણા હાથની કોણી નજીક પૅલેટના 26 ઘા હતા. આ ઉપરાંત તેમની પીઠની ઉપર જમણી બાજુએ પણ ચાર જખમ છે.
ડૉક્ટરની નોંધમાં શરીરમાં આ કણો ક્યાં ફસાઈ ગયેલા છે, તે પણ બતાવવામાં આવ્યું છે.
મોહિતે કહ્યું હતું કે, ડૉક્ટરે તેમને જણાવ્યું કે, સર્જરીથી સ્થિતિ વધુ કથળી શકે છે.
તેમણે કહ્યું હતું, "પણ મને ચિંતા એ છે કે, મારા શરીરમાં ફસાઈ ગયેલા આ કણો ભવિષ્યમાં મને કેટલું નુકસાન પહોંચાડી શકે છે. સાથે જ મને એ પણ ચિંતા છે કે, આ ઈજાઓનાં કદરૂપાં નિશાન કદી જશે કે નહીં."
તેમણે ઉમેર્યું હતું, "પણ જ્યારે હું એવા લોકોની તસવીરો જોઉં છું, જેમને ચહેરા પર ઈજાઓ થઈ છે, ત્યારે મને લાગે છે કે હું નસીબદાર છું."
"હું મારી ગરદનમાં ભરાઈ ગયેલા છરા સાથે જીવીશ."
પણ ગુરુગ્રામની એક કંપનીમાં કામ કરતા શેખ ઇરશાદ મન્સૂરી એટલા નસીબદાર નહોતા.
ઇરશાદ કનૉટ પ્લેસથી સીજેપીના દેખાવના મુખ્ય સ્થળ એવા જંતર મંતર તરફ જઈ રહ્યા હતા.
તેઓ કહે છે કે, તે પછી "પોલીસ અને રૅપિડ ઍક્શન ફોર્સ (આરએએફ)ના સુરક્ષાકર્મીઓ ટોળાં પર લાઠીચાર્જ કરવા માંડ્યા. ટિયર ગૅસના શેલ પણ છોડવામાં આવ્યા. તેના કારણે નાસભાગ મચી ગઈ અને લોકોમાં ભય ફેલાઈ ગયો."
તેઓ કહે છે, "હું દેખાવકારોના જૂથ સાથે હતો, અમે સૂત્રો પોકારી રહ્યા હતા. તે પછી એક આરએએફ સૈનિકે અમારી તરફ ગન તાકી. અમને લાગ્યું કે તે ફાયરિંગ નહીં કરે. પણ પછી અચાનક જ મને જોરદાર અવાજ સંભળાયો અને મારી ડાબી આઇબ્રો તથા દાઢી પર છરા વાગ્યા."
ઇરશાદે કહ્યું કે, કેટલાક પ્રદર્શનકારીઓએ કપડાં વડે રક્તસ્રાવ અટકાવવાનો પ્રયત્ન કર્યો. એ પછી ઇરશાદે એક પસાર થઈ રહેલી કાર અટકાવી અને તેમને લેડી હાર્ડિંગ હૉસ્પિટલ લઈ જવાયા.
ઇરશાદના જણાવ્યા મુજબ, તપાસમાં માલૂમ પડ્યું કે, તેમના શરીરમાં 40 કરતાં વધુ છરા ઘૂસી ગયા હતા. આ પૈકીના ત્રણ છરા તેમની ગરદન, ડાબી આંખના સ્નાયુ અને નાકની નીચે ઊંડે સુધી ખૂંપી ગયા હતા. ડૉક્ટરોએ તેમને કહ્યું કે, તે કાઢવા જરૂરી છે.
ઇરશાદે જણાવ્યું હતું, "બીજા દિવસે સવારે સર્જનોએ સાત પૅલેટ્સ દૂર કર્યા. પણ ગરદનમાં ખૂંપી ગયેલો છરો કાઢી ન શકાયો, કારણ કે એમ કરવું અત્યંત જોખમી હતું. ડૉક્ટરોએ મને કહ્યું કે, તે છરો હવે મારા શરીરનો એક ભાગ બની ગયો છે. તેમણે મને ખાતરી આપી કે, તેનાથી ભવિષ્યમાં કોઈ જોખમ નહીં સર્જાય."
ઇરશાદ કહે છે કે, આ ઘટનાને 10 દિવસ કરતાં વધુ સમય વીતી ચૂક્યો હોવા છતાં તેમને "હજુ પણ થોડું દરદ અનુભવાય છે."
હૉસ્પિટલના એક વરિષ્ઠ અધિકારીએ બીબીસીને કહ્યું હતું કે, ઇરશાદને "છરા જેવા નાના કણોને લીધે" ઈજા થઈ હતી, પણ તેમણે એ ખુલાસો નહોતો કર્યો કે, તે કણો ગનમાંથી છોડવામાં આવ્યા હતા કે નહીં.
તેમણે કહ્યું હતું, "આ પૅલેટ્સની ચકાસણી કર્યા પછી જ ફોરેન્સિક ટીમ સાચું કારણ જાણી શકશે."
પૅલેટ ગનના ઉપયોગ વિશે દિલ્હી પોલીસે શું કહ્યું?
જ્યારે પૅલેટ ગન્સનો ઉપયોગ થયો હોવાના આરોપો ગયા અઠવાડિયે પહેલી વખત સપાટી પર આવ્યા, તે સમયે દિલ્હી પોલીસે તે આરોપોને "સદંતર ખોટા અને ગેરમાર્ગે દોરનારા" ગણાવીને નકારી કાઢ્યા. તેમણે કહ્યું હતું કે, તેમની પાસે પૅલેટ ગન્સ નહોતી.
તે પછી ભારતીય માધ્યમોએ અહેવાલ આપ્યો કે, પૅપિડ ઍક્શન ફોર્સ (આરએએફ) દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જે અર્ધલશ્કરી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) હેઠળ કામગીરી કરે છે.
બીબીસીએ સીઆરપીએફના વડા જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહનો સંપર્ક સાધીને ઈ-મેઇલ મારફત તેમને પ્રશ્નો મોકલ્યા હતા, પણ આ લખાય છે, ત્યાં સુધી તે ઈ-મેઇલનો કોઈ જવાબ મળ્યો નથી.
બુધવારે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે સંસદ ગૃહમાં એમ જણાવ્યું હતું કે, વિરોધપ્રદર્શન દરમિયાન કોઈ "બુલેટ્સ" છોડવામાં આવી નહોતી.
તેમણે કહ્યું હતું કે, ફક્ત ટિયર ગૅસના શેલનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો, પણ પૅલેટ ગન્સના ઉપયોગને લઈને તેમણે કોઈ ટિપ્પણી કરી ન હતી.
તેઓ કૉંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા આક્ષેપોનો જવાબ આપી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ આ મામલે ગૃહમંત્રી અમિત શાહને તેમના હોદ્દા પરથી હટાવવાની માગણી કરી છે.
રાહુલ ગાંધી જણાવે છે કે, દિલ્હી પોલીસ તથા સીઆરપીએફ, બંને ગૃહમંત્રીના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે.
રાહુલ ગાંધીએ ઈજાગ્રસ્ત સાથે પત્રકાર પરિષદ યોજી
ગયા શનિવારે રાહુલ ગાંધીએ એક પત્રકાર પરિષદ યોજી હતી. તેમની સાથે દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 19 વર્ષના વિદ્યાર્થી સાહિલ લોચાબ હતા.
સાહિલને પૅલેટ (છરા)ને લીધે ઈજાઓ પહોંચવાને કારણે તેમની એક આંખને કાયમી નુકસાન થવાનું સંકટ છે.
સાહિલના ચહેરાની એક તરફ અને તેમના જમણા હાથની પાછળના ભાગે ઘણા નાના-નાના ઘા દેખાય છે. પત્રકાર પરિષદ દરમિયાન રાહુલ ગાંધીએ સાહિલની ટી-શર્ટ ઊંચી કરીને તેમના શરીર પર થયેલાં ડઝનબંધ જખમો બતાવ્યા હતા.
રાહુલ ગાંધી સાથેની વિડિયો વાતચીતમાં તથા માધ્યમો સાથેના ઇન્ટરવ્યૂમાં સાહિલે જણાવ્યું હતું કે, તેઓ કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના વિરોધપ્રદર્શનને ટેકો આપી રહ્યા હતા. સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર લીક થવાના મુદ્દે આ વિરોધપ્રદર્શન યોજાયું હતું.
સાહિલે કહ્યું હતું કે, તેમણે ગયા વર્ષે પોલીસ ભરતી માટેની પરીક્ષા આપી હતી, પણ તે પેપર પણ લીક થવાને કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી.
સાહિલ તેમના ત્રણ મિત્રો સાથે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે ગયા હતા, પણ જ્યારે પોલીસે ટોળાં ઉપર લાઠીચાર્જ કર્યો, ત્યારે અંધાધૂંધી ફેલાઈ જતાં સાહિલ તેમના મિત્રોથી વિખૂટા પડી ગયા હતા. તેઓ કહે છે કે, તેઓ સુરક્ષાદળો તરફ જઈ રહ્યા હતા, તે સમયે તેમને પૅલેટ્સ વાગ્યા હતા.
સાહિલે કહ્યું હતું, "મેં એ નહોતું જોયું કે, પૅલેટ ગન કોણે ચલાવી હતી, પણ તે ફાયરિંગ એ જ દિશામાંથી થઈ રહ્યું હતું, જે દિશામાં સુરક્ષાદળો હાજર હતાં."
તેમણે આગળ કહ્યું હતું, "ઈજા થવાને કારણે મારી જમણી આંખ એટલી બધી સોજાઈ ગઈ હતી કે, મને લાગતું હતું કે, તે આંખના ખાંચામાંથી નીકળીને બહાર આવી જશે. હું મારો જમણો હાથ પણ ઊંચો કરી શકતો ન હતો. ઘણું લોહી વહી રહ્યું હતું. એ પછી કેટલાક પ્રદર્શનકારીઓ મને હૉસ્પિટલ લઈ ગયા હતા."
સાહિલે રાહુલ ગાંધીને જણાવ્યું હતું કે, તેમના પરિવારે તેમને વિરોધપ્રદર્શનમાં ભાગ લેવાની ના પાડી હતી, પણ "હું મારી જાતને જતી અટકાવી શક્યો ન હતો."
"મારે ન્યાય જોઈએ છે. જેણે પણ મારી સાથે આવું કર્યું છે, તે સત્તામાં રહેવાની લાયક નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન