પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયેલા 'આત્મઘાતી' હુમલામાં 14 લોકોનાં મોત, 15થી વધુ ઘાયલ – ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 9 મિનિટ

બીબીસી ઉર્દૂના જણાવ્યા પ્રમાણે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના સ્વાત જિલ્લામાં કાબલ પોલીસ સ્ટેશનની બહાર થયેલા વિસ્ફોટમાં 14 લોકો માર્યા ગયા છે અને 15થી વધુ ઘાયલ થયા છે.

પાકિસ્તાનની રૅસ્ક્યૂ 1122ના પ્રવક્તા બિલાલ ફૈઝીએ બીબીસી ઉર્દૂને જણાવ્યું હતું કે, 9 લોકોના મૃતદેહોને સેન્ટ્રલ હૉસ્પિટલ સૈદુ શરીફ લઈ જવામાં આવ્યા છે, જ્યારે કે કાબલ હૉસ્પિટલે પાંચ લોકોનાં મોતની પુષ્ટિ કરી છે.

પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નક્વીના મતે, આ વિસ્ફોટ એક 'આત્મઘાતી હુમલો' હતો, તેમણે જણાવ્યું, "બહાદુર પોલીસ કર્મચારીઓએ આત્મઘાતી બૉમ્બરને પોલીસ સ્ટેશનમાં પ્રવેશતો અટકાવવા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું."

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે જ્યારે રવિવારે સાંજે કેટલાક લોકો પોલીસ સ્ટેશન પાસે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા હતા તે વખતે વિસ્ફોટ થયો હતો.

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે એક નિવેદન જારી કરીને આ વિસ્ફોટમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યું છે.

તેમણે કહ્યું, "આતંકવાદને નાબૂદ નહીં કરાય ત્યાં સુધી અમારો સંઘર્ષ ચાલુ રહેશે."

મનુ ભાકર બોલ્યાં, 'ગાળો આપવી કૂલ નથી, સન્માન કરવું જ સાચું કૂલ છે'

ભારતીય નિશાનેબાજ મનુ ભાકરે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર ભાષા અને વર્તન અંગે એક મહત્ત્વપૂર્ણ સંદેશ શૅર કર્યો છે.

તેમણે કહ્યું, "તમે જેવી ભાષા બોલો છો, તે જ તમારા વ્યક્તિત્વ અને વિચારસરણીને દર્શાવે છે. તેથી શબ્દો હંમેશાં વિચારીને પસંદ કરો. કારણ કે, સમય જતાં માણસ એવો જ બની જાય છે જેવું તે વિચારે છે, બોલે છે અને પોતાના જીવનમાં અપનાવે છે. કોઈનું અપમાન કરવું અથવા અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો એ કૂલ નથી."

"જો 'કૂલ'ની વ્યાખ્યા સરળ શબ્દોમાં સમજીએ, તો કૂલ એ જ છે જે મહેનતુ હોય, બીજાઓનું અને પોતાનું સન્માન કરે, ઇમાનદારીથી સફળતા મેળવવાનો પ્રયાસ કરે અને પોતાનાં માતાપિતા તથા દેશનું નામ રોશન કરે. આ જ સાચું કૂલ છે."

તેમણે આગળ લખ્યું, "આ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કારણ કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગાળો-અપશબ્દો અંગે લોકોની વિચારસરણીમાં ઘણો બદલાવ આવ્યો છે. આજે ઘણા લોકો માટે અભદ્ર ભાષાનો ઉપયોગ એટલો સામાન્ય બની ગયો છે કે તેને જ 'કૂલ' માનવામાં આવે છે. વિચાર્યા વિના લોકો રોજિંદી વાતચીતમાં એવી ભાષા બોલી દે છે જે બીજાનું અપમાન કરે છે અને સન્માનની ભાવનાને ઠેસ પહોંચાડે છે."

વાસ્તવમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાત્રે વિવિધ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક વર્ટિકલ વીડિયો શૅર કરીને જંતર-મંતર પર કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)નાં પ્રદર્શનો દરમિયાન તેમને અપશબ્દો બોલનારાં બાળકોને માફ કરવાની વાત કહી હતી.

ત્યારથી જ લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

ગ્રીસનાં જંગલોમાં લાગેલી આગને ઓલવવા જતાં બે હેલિકૉપ્ટર ક્રૅશ

ગ્રીસના ઍથેન્સના પશ્ચિમી વિસ્તારમાં આવેલાં જંગલોમાં લાગેલી આગને ઓલવવાના મિશન દરમિયાન બે હેલિકૉપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયાં. ગ્રીક ફાયર સર્વિસે આ અકસ્માતની પુષ્ટિ કરી છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ અકસ્માત અટિકાના પસાથા વિસ્તારની આસપાસ થયો. બંને હેલિકૉપ્ટર ફાયર ડિપાર્ટમેન્ટે લીઝ પર લીધાં હતાં. બંને હેલિકૉપ્ટરમાં બે-બે ક્રૂ સભ્યો સવાર હતા.

હાલ ક્રૂ સભ્યોને લઈને કોઈ માહિતી મળી નથી રહી. રાહત અને બચાવ કર્મચારીઓ તેમની શોધખોળ કરી રહ્યા છે. આ બંને હેલિકૉપ્ટરો કેમ દુર્ઘટનાગ્રસ્ત થયાં તે વિશે આધિકારીક જાણકારી આપવામાં નથી આવી, ન તો ક્રૂ સભ્યોની ઓળખ સાર્વજનિક કરવામાં આવી છે.

ટ્રમ્પના નિવેદન બાદ ઈરાનના કાર્યકારી સંરક્ષણ મંત્રી શું જવાબ આપ્યો?

ઈરાનના કાર્યકારી સંરક્ષણ મંત્રી મજીદ ઇબ્ર રઝાએ કહ્યું છે કે ઈરાન માટે તમામ પ્રકારની ધમકી વાસ્તવિક છે અને તેને ગંભીરતાથી લેવામાં આવે છે.

ન્યૂઝ એજન્સી આઈઆરએનએએ તેમના નિવેદનને ઍક્સ પર શૅર કર્યું છે.

મજીદ ઇબ્ર રઝાએ પોતાના નિવેદનમાં કહ્યું છે, "દુશ્મનનાં હાલનાં નિવેદનો ભલે મનોવૈજ્ઞાનિક અને રણનીતિક યુદ્ધનો ભાગ હોય, પરંતુ અમારા માટે તમામ ધમકી વાસ્તવિક અને ગંભીર છે."

તેમણે કહ્યું, "અમે ન તો ચોંકીશું ન નિષ્ક્રિય રહીશું. તમામ ધમકીને અમે પોતાની સૈન્ય તૈયારી વધારવા અને પ્રતિરોધક ક્ષમતા મજબૂત કરવા તથા પોતાની શક્તિ વધારવાનો આધાર માનીએ છીએ."

મજીદ ઇબ્ર રઝાએ પોતાના નિવેદનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લીધું નહોતું. હાલમાં જ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન તથા ક્ષેત્રના અન્ય દેશોના અનુરોધ કરવા પર તેમણે હાલ ઈરાન પર સંભવિત હુમલાની યોજનાને રોકી દીધી છે.

ટ્રમ્પે હાલ ઈરાન પર પોતાના સંભવિત હુમલાને રોકવાનું કર્યું ઍલાન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલ ઈરાન પર પોતાના સંભવિત હુમલાને રોકવાનું ઍલાન કર્યું છે.

ટ્રમ્પે આ ઍલાન ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ લખીને કર્યું હતું. તેમણે લખ્યું કે ઈરાન સામેના હુમલા એટલા માટે રોકવામાં આવ્યા છે જેથી ઝડપથી સમજૂતી થઈ શકે. તેમણે એમ પણ લખ્યું કે ઈરાન અને મધ્યપૂર્વના દેશો દ્વારા આ હુમલા રોકવા માટે તેમને કહેવામાં આવ્યું છે.

વેબસાઇટ ઍક્સિયોસના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ પહેલાં તેમણે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ફોન પર વાતચીત કરી હતી.

આ વાતચીત પહેલાં અમેરિકા અને સાઉદી અરેબિયાએ સંયુક્ત રીતે ઇરાકમાં ઈરાન સમર્થિત જૂથોને નિશાન બનાવીને સાર્વજનિક રીતે ઘોષિત પહેલો હુમલો કર્યો હતો.

મનાતું છે કે ત્યાર પછી ટ્રમ્પ ઈરાન સામે ફરી મોટો હુમલો કરી શકે છે પરંતુ ટ્રમ્પના આ ઍલાન બાદ આ આશંકા હાલ ટળી ગઈ છે.

અગાઉ અમેરિકાની સરકારે મધ્યપૂર્વમાં રહેતા અમેરિકનોને આ ક્ષેત્રમાં સતર્ક રહેવા અને જો તણાવ વધે તો ત્યાંથી જવા માટે તૈયાર રહેવાની અપીલ કરી હતી.

'પીએમ મોદી રીલ્સ બનાવે છે કારણ કે...'કૉંગ્રેસ નેતા પવન ખેરાએ શું કહ્યું

કૉંગ્રેસના રાજ્યસભા સાંસદ પવન ખેરાએ રવિવારે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેન ઝીથી ડરે છે કારણ કે આ 2029માં સૌથી મોટો મતદાર વર્ગ છે.

પવન ખેરાની આ ટિપ્પણી પીએમ મોદીએ તાજેતરમાં યુવાનોને સંબોધિત કરતી કેટલીક રીલ્સ પોસ્ટ કર્યા બાદ આવી છે.

પવન ખેરાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કર્યું , "જેન ઝી 2029માં ભારતમાં સૌથી મોટો મતદાતા વર્ગ હશે અને મોદી આનાથી ડરે છે. તેથી જ તેઓ અડધી રાતે રીલ્સ બનાવી રહ્યા છે. તેમને તેમની ચિંતા નથી, તેઓ ફક્ત પ્રચાર કરે છે."

નોંધનીય છે કે પીએમ મોદીએ શુક્રવારે રાત્રે જ ઇન્સ્ટાગ્રામ પર બીજી રીલ શેર કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે જંતર-મંતર પર કેટલાંક શરારતી બાળકોએ મને અને મારાં માતાને ખરાબ ગાળો બોલી હતી.

જોકે, તેમણે કહ્યું કે બાળપણ એ ભૂલો સુધારવાની તક પણ હોય છે, તેથી તેઓ તે બાળકોને માફ કરી રહ્યા છે.

અભિજીત દીપકે ફરી તબિયત લથડી, તેમની માતાએ બીબીસીને તેમના સ્વાસ્થ્ય વિશે શું કહ્યું?

કૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકેની તબિયત શનિવારે અચાનક બગડી ગઈ હતી. તેમના ઘરે લોકોને મળતી વખતે તેઓ અસ્વસ્થ અનુભવતા હતા.

અભિજિત દીપકેના માતા અનિતા ભગવાન દીપકે બીબીસી ન્યૂઝ હિન્દીને જણાવ્યું કે અભિજીત દીપકને ટાઈફોઈડ થયો ત્યારથી તે બીમાર છે.

તેમણે કહ્યું, "તેમને ખૂબ જ ઉધરસ છે. તેમને અત્યારે તાવ નથી પણ તેમણે ઘણી વાર ઉલટી કરી છે. રવિવારે બપોરની આસપાસ ડૉક્ટર તેમની ફરી તપાસ કરવા આવી રહ્યા છે. હાલ પૂરતું ડૉક્ટરે તેમને આરામ કરવાની સલાહ આપી છે."

તેમણે કહ્યું કે શનિવારે પણ ડોક્ટરોએ તેમની તપાસ કરી હતી. ડોક્ટરોની એક ટીમે તેમના સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરવા માટે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર સ્થિત તેમના ઘરે મુલાકાત લીધી હતી.

અનિતા દીપકે કહ્યું કે અભિજીતની તબિયત હવે પહેલા કરતાં સારી છે અને તેને તાવ નથી. તે હાલમાં ઘરે આરામ કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે અભિજીતને મળવા માટે લોકો સતત તેમના ઘરે આવી રહ્યા છે. તેઓ શનિવારે લોકો સાથે મળ્યા હતા અને રવિવારે પણ ફરીથી તેમની સાથે મુલાકાત કરશે.

શનિવારે ડોક્ટરોએ જણાવ્યું હતું કે દીપકેનું બ્લડ પ્રેશર થોડું ઓછું હતું અને તેને ઉલટી અને ઝાડાની ફરિયાદ હતી.

દિલ્હીના જંતર-મંતર પર થયેલા વિરોધ પ્રદર્શન બાદ સીજેપીએ કહ્યું હતું કે તેમને ટાઇફોઇડ છે. દીપકે સોશિયલ મીડિયા પર તેમના હોસ્પિટલમાં દાખલ થવાનો ફોટો પણ શેર કર્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પે કોના કહેવા પર ઈરાન પર હુમલા બંધ કર્યા?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર ઈરાન પર સંભવિત હુમલાને રોકવાની જાહેરાત કરી છે.

આ પહેલાં, ન્યૂઝ વેબસાઇટ ઍક્સિયોસના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી.

આ દરમિયાન તેમણે ઈરાન વિરુદ્ધ સંભવિત લશ્કરી કાર્યવાહી અંગે ચિંતા વ્યક્ત કરી અને બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવને ઓછો કરવાની અપીલ કરી.

અહેવાલ મુજબ , કતાર, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ), તુર્કી અને પાકિસ્તાન પણ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને ઘટાડવા માટે રાજદ્વારી પ્રયાસોમાં રોકાયેલા હતા.

દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પરની તેમની પોસ્ટમાં દાવો કર્યો હતો કે ઈરાન અને કેટલાક અન્ય મધ્ય પૂર્વીય દેશોએ તેમને હુમલાઓ રોકવા વિનંતી કરી હતી.

હકીકતમાં, તણાવ ઘટાડવાના પ્રયાસોના ભાગ રૂપે, કતારના મધ્યસ્થીઓએ શનિવારે ઈરાની વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી, ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને ઓમાની અધિકારીઓ સાથે અલગ-અલગ બેઠકો યોજી હતી.

આ બેઠકોમાં હોર્મુઝની સામુદ્રધુનીને ફરીથી ખોલવા માટેના સંભવિત કરારની ચર્ચા કરવામાં આવી હતી.

ટ્રમ્પે એવો પણ દાવો કર્યો છે કે પ્રસ્તાવિત કરારમાં હોર્મુઝ સામુદ્રધુનીને કોઈપણ અવરોધ વિના ખોલવાનો સમાવેશ થાય છે.

અમેરિકાએ તેના નાગરિકોને ચેતવણી આપી, ગમે ત્યારે મધ્ય પૂર્વ છોડવા માટે તૈયાર રહો

અમેરિકાની સરકારે મધ્ય પૂર્વમાં રહેતા તેના નાગરિકોને સતર્ક રહેવા અને જો આ ક્ષેત્રમાં તણાવ વધે તો ત્યાંથી નીકળવા માટે તૈયાર રહેવા અપીલ કરી છે.

આ અપીલ એવા સમયે આવી છે જ્યારે અમેરિકાના મીડિયામાં એવા સમાચાર છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સપ્તાહના અંતે ઈરાન પર નવા અને વધુ ઘાતક હુમલાઓનો પ્લાન બનાવી શકે છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયે તેમના સુરક્ષા એલર્ટમાં જણાવ્યું કે, "મધ્ય પૂર્વની બહાર સ્થિત અમેરિકા રાજદ્વારી સુવિધાઓ સહિત અમેરિકાનાં ઠેકાણાંને નિશાન બનાવવામાં આવ્યાં છે."

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ઈરાન અને તેના સમર્થક સમૂહ અમેરિકા અને વિશ્વભરમાં વસતા અમેરિકાના નાગરિકોને નિશાન બનાવી શકે છે.

અગાઉ, ઈરાને અમેરિકા પર તણાવ વધારવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે કોઈપણ પ્રાદેશિક દેશ તેની સાથે સહયોગ કરશે તો તે "યુદ્ધની લપેટમાં આવી જશે."

શનિવારે જાહેર કરાયેલા અમેરિકન સુરક્ષા એલર્ટમાં જણાવાયું, "મધ્ય પૂર્વમાં રહેતા અમેરિકન નાગરિકોએ સાવધાની રાખવી જોઈએ, વધુ સતર્ક રહેવું જોઈએ અને ફ્લાઇટ રદ થવા અને સમયાંતરે એરસ્પેસ બંધ હોવા સાથે સંભવિત મુસાફરી વિક્ષેપો માટે તૈયાર રહેવું જોઈએ"

પેરુમાં પ્રવાસી વિમાન ક્રેશ, ક્રૂ સહિત 13 લોકોનાં મોત

શનિવારે પેરુમાં એક નાનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં સવાર તમામ 13 લોકોનાં મોત થયાં હતાં. સ્થાનિક મીડિયા અહેવાલો અને પેરુના અધિકારીઓએ અકસ્માતની પુષ્ટિ કરી છે.

અહેવાલો અનુસાર, સેસ્ના કારવાં સી-208 વિમાન શનિવારે દક્ષિણ પેરુમાં વિશ્વ પ્રસિદ્ધ નાઝકા લાઇન્સ ઉપર ઉડાન ભરી રહ્યું હતું ત્યારે તે ક્રૅશ થયું હતું. વિમાનમાં 11 પ્રવાસીઓ અને બે પાઇલટ સવાર હતા.

પેરુની સરકારી સમાચાર એજન્સી અનુસાર, મૃતકોમાં બે જર્મન, બે સ્પેનિશ અને સાત ઇટાલિયન પ્રવાસીઓ હતા. અકસ્માતનું કારણ હાલમાં અજ્ઞાત છે અને તપાસ ચાલુ છે.

પોલીસ મેજર જૉર્જ એન્ડ્રેડે એએફપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે અકસ્માત અત્યંત ગંભીર હતો અને કોઈના બચવાની શક્યતા નથી.

તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં ચાર મૃતદેહ મળી આવ્યા છે.

પિસ્કો ઍરપૉર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી, સ્થાનિક સમય મુજબ બપોરે 1:00 વાગ્યે આ અકસ્માત થયો હતો. વિમાન નાઝકા લાઇન્સ પર પ્રવાસીઓને લઈ જઈ રહ્યું હતું.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ક્રૅશ થયેલું વિમાન સ્થાનિક ઍરલાઇન ઍરોડિયાનાનું હતું.

ઍરલાઇને એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે સંબંધિત અધિકારીઓની સૂચના અનુસાર તેના ફ્લાઇટ શેડ્યૂલની સમીક્ષા કરશે.

નોંધનીય છે કે નાઝકા લાઇન્સ પર પ્રવાસી વિમાનોને લગતા અકસ્માતો પહેલા પણ બન્યા છે.

2022માં અહીં એક નાનું પ્રવાસી વિમાન ક્રૅશ થયું હતું, જેમાં સાત લોકો માર્યા ગયા હતા. 2010માં આ જ વિસ્તારમાં થયેલા વિમાન દુર્ઘટનામાં છ લોકોનાં મોત થયાં હતાં.

નાઝકા લાઇન્સ પેરુમાં એક પ્રખ્યાત પર્યટનસ્થળ છે અને તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો છે.

અહીં, પ્રવાસીઓ રણ પર બનાવેલા હજારો વર્ષ જૂના વિશાળ ચિત્રો જોવા માટે નાના વિમાનોમાં હવાઈ પ્રવાસ કરે છે.

રશિયા: મૉસ્કોમાં રેસ્ટોરાંની બહાર વિસ્ફોટ - ત્રણ લોકોનાં મોત, 21 ઘાયલ

રશિયાની રાજધાની મૉસ્કોમાં રવિવારે સાંજે એક ઇટાલિયન રેસ્ટોરાંની બહાર થયેલા વિસ્ફોટમાં ત્રણ લોકોનાં મોત થયાં છે અને 21 લોકો ઘાયલ થયા છે.

રશિયન રાજ્ય મીડિયાએ સુરક્ષા અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે વિસ્ફોટ ઘરે બનાવેલા વિસ્ફોટક ઉપકરણ દ્વારા થયો હતો.

માહિતી અનુસાર, વિસ્ફોટ શહેરના મધ્યમાં કુડ્રિંસ્કાયા સ્ક્વેર પાસે સ્થાનિક સમય મુજબ રાત્રે 8 વાગ્યે થયો હતો.

રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી સમિતિના જણાવ્યા અનુસાર, એક મહિલા વિસ્ફોટકો સાથે રેસ્ટોરાંમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ સુરક્ષા ગાર્ડ્સે તેને અટકાવી દીધી.

આ દરમિયાન, એક વિસ્ફોટ થયો જેમાં મહિલા સુરક્ષા ગાર્ડ અને રેસ્ટોરાંમાં હાજર અન્ય એક વ્યક્તિનું મોત થયું.

ઘટના સમયે ત્યાં એક ખાનગી કાર્યક્રમનું આયોજન ચાલી રહ્યું હતું.

હાલમાં, અધિકારીઓએ કાર્યક્રમમાં સામેલ લોકોની યાદી જાહેર કરી નથી કે તેમણે કહ્યું નથી કે હુમલાનું સંભવિત લક્ષ્ય કોણ હતું.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ પછી ઘણા લોકોને લોહીથી લથપથ હાલતમાં રેસ્ટોરાંમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે તાજેતરના વર્ષોમાં, મૉસ્કો અને તેની આસપાસ વરિષ્ઠ રશિયન લશ્કરી અધિકારીઓની અનેક હત્યાઓ થઈ છે, જેના માટે મૉસ્કો યુક્રેન પર આરોપ લગાવતું રહ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન