"શૌચાલયના સખ્ત સિમેન્ટ ઉપર મેં બાળકને જન્મ આપ્યો", એ ગામ જ્યાં કોઈ ગર્ભવતી ડૉક્ટર પાસે નથી જતી, ઘરે જ ડિલિવરી કરાવે છે

    • લેેખક, શાઝિયા હયા
    • પદ, બીબીસી ન્યૂઝ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

ચેતવણીઃ આ લેખની કેટલીક વિગતો વાચકોને વ્યથિત કરી શકે છે.

"અમારા ગામમાં એવો રિવાજ છે કે, ગર્ભવતી થયેલી મહિલા કદી ડૉક્ટર પાસે જતી નથી."

આ શબ્દો છે કાબુલથી લગભગ એકાદ કલાકના અંતરે અફઘાનિસ્તાનના મધ્યમ પ્રાંતમાં રહેનારાં એક માતાના.

તેઓ કહે છે, "અમારાં ઘરોમાં, જ્યારે મહિલાઓને પ્રસવ પીડા (લેબર પેઇન) ઉપડે, ત્યારે આખો પરિવાર પહેલાં દેશી ઉપચાર કરવામાં લાગી જાય છે... અને તે પ્રમાણે એક કપડું લાવીને તેને ગરમ કરે છે, પેટ અને કમર ઉપર મૂકે છે અને મહિલાની પીઠ પર માલિશ કરે છે."

બોલતી વખતે તેમનો અવાજ ઊંચો થઈ જાય છે અને તેમનો સ્વર કઠોર થઈ જાય છે.

તેઓ કહે છે કે, તેમણે જે સહન કર્યું છે અથવા જોયું છે, તેના કારણે તેમને ગુસ્સો આવે છે.

માતા વધુમાં જણાવે છે કે, "સુવાવડ વખતે મહિલાને હૂંફાળી જગાએ સૂવડાવવામાં આવે છે અને બાળકને જન્મ આપવાનું દરદ તે ઘરમાં જ સહન કરે છે."

"મને મળસ્કે પાંચ વાગ્યાથી દુખાવો ઉપડ્યો હતો, જે સાંજે સાત વાગ્યા સુધી રહ્યો"

આ પ્રાંતમાં એક પ્રાંતીય હૉસ્પિટલ આવેલી છે, જે કાબુલથી પણ નજીક છે.

આઠ બાળકોનાં માતા એવાં એક મહિલા તેમનું નામ ન જણાવવા માગતાં હોવાથી આપણે અહીં તેમને ઝરમીના તરીકે સંબોધીશું.

ઝરમીનાએ કહ્યું હતું, "અમે મોટા સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ. અમારા પરિવારની મહિલાઓને પ્રસૂતિ માટે હૉસ્પિટલ નથી લઈ જવામાં આવતી."

તેઓ કહે છે કે, તેમણે તેમની પ્રથમ સુવાવડ વખતે મોતને નજીકથી જોયું હતું. "મને મળસ્કે પાંચ વાગ્યે દરદ ઊપડ્યું હતું અને સાંજે સાત વાગ્યા સુધી મેં ઘરે તે પીડા વેઠી હતી."

"સાંજે સાત વાગ્યે ઠંડાગાર ટૉઇલેટમાં સખ્ત સિમેન્ટ ઉપર મેં બાળકને જન્મ આપ્યો હતો. મને એટલો બધો રક્તસ્રાવ થઈ રહ્યો હતો કે, મારું આખું શરીર લોહીથી લથબથ થઈ ગયું હતું."

"મારી ગર્ભની કોથળી (મેલી) જાતે ફાટી નહોતી. પછીથી મને હૉસ્પિટલ લઈ જવાઈ. છેક બીજા દિવસે સવારે 10 વાગ્યે હું ભાનમાં આવી."

"હું ગર્ભવતી હતી, પણ ડરને કારણે હૉસ્પિટલ નહોતી જઈ શકી"

ઝરમીનાએ કહ્યું હતું કે, આ ઘટના પછી તેમના ઘરમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ અને હવે મહિલાઓને પ્રસૂતિ વખતે હૉસ્પિટલ લઈ જવામાં આવે છે.

પરંતુ, કાબુલનાં અન્ય એક મહિલા કહે છે કે, તેમના પતિના પરિવારમાં પરિસ્થિતિ હજુયે મોટાભાગે અગાઉ જેવી જ છે.

તેમણે ઓળખ પ્રગટ કરવાની અનિચ્છા દર્શાવતાં આપણે તેમને નાદિયા તરીકે સંબોધીશું.

નાદિયા કહે છે કે, તેઓ 17 વર્ષનાં હતાં, ત્યારે થોડા સમય માટે પાકિસ્તાન ગયાં હતાં.

તેઓ ઉમેરે છે કે, તેમણે થોડું શિક્ષણ મેળવેલું છે, પણ તેમના પતિનો પરિવાર અશિક્ષિત છે.

નાદિયાએ કહ્યું હતું કે, અન્ય ઘણી મહિલાઓની માફક, તેમને આરોગ્ય સેવાઓથી વંચિત રાખવામાં આવ્યાં હતાં. વળી, તેઓ ઘરેલૂ હિંસાનો ભોગ પણ બન્યાં હતાં.

નાદિયા કહે છે કે, "મારા સસરા કહે છે કે, બધી મહિલાઓ ઘરે જ બાળકને જન્મ આપે છે. તેમને ઘરેલૂ નુસખા અજમાવતાં પહેલાં જ ડૉક્ટર પાસે પહોંચી જવાનું બેવકૂફીભર્યું લાગે છે."

તેઓ આગળ જણાવે છે કે, જ્યારે તેમનું પ્રથમ બાળક જન્મ્યું, ત્યારે તેમણે ઘરમાં 24 કલાક પીડા વેઠી હતી.

"મારા સસરા તે વિશે જાણતા હતા, પણ તેમણે મને ડૉક્ટર પાસે ન જવા દીધી. ભયંકર પીડા થતી હોવા છતાં હું શરમને કારણે ચીસો પાડી શકતી નહોતી."

"મારાં સાસુએ મને દરદથી તરફડતી જોઈ, પણ તેમણે મને કોઈ મદદ ન કરી."

નાદિયાના જણાવ્યા પ્રમાણે, જ્યારે પીડા હદ વટાવી ગઈ, ત્યારે તેમના પરિવારે તેમને હૉસ્પિટલ લઈ જવાનું નક્કી કર્યું.

"પ્રસૂતિ ગમે તે ઘડીએ થઈ જાય એમ હતું, છતાં હું ચાલીને હૉસ્પિટલ ગઈ. બાળકનો જન્મ થઈ ગયો, એ પછી જ તેમણે મને ડૉક્ટર પાસે પહોંચાડી."

નાદિયા જણાવે છે કે, તેમનાં સાસરિયાંએ તેમને હૉસ્પિટલમાં બાળકને જન્મ આપવાની પરવાનગી નહોતી આપી.

"ડૉક્ટરે મારાં સાસુને કહ્યું હતું કે, મારે હૉસ્પિટલમાં બાળકને જન્મ આપવો પડશે, પણ મારાં સાસુએ મને ઘરે મોકલી દીધી, કારણ કે, તેમને બીક હતી કે, તેઓ મને ગુમાવી દેશે."

"તેમણે એક સાવ બિનઅનુભવી મહિલાને મારી મદદ માટે મોકલી, જેણે અંધારી રાતે બાળકને જન્મ આપવામાં મને મદદ કરી."

ઘરે સુવાવડનાં કેવાં જોખમો હોય છે

ગાયનેકોલૉજિસ્ટ શિંકી વરદાગ જણાવે છે કે, કેટલાક પરિવારોને લાગે છે કે, ઘરે જન્મ આપવો સહેલો અને મફત છે, પણ આમ કરવામાં માતા અને શિશુએ જીવ ગુમાવવો પડી શકે છે.

ડૉક્ટર શાંકી વારદાકના જણાવ્યા મુજબ, ઘરે જન્મ આપવા દરમિયાન ઘણાં જોખમો સર્જાઈ શકે છે, જેમકે, બાળકના હૃદયના ધબકારા અનિયમિત થવા, ગર્ભનાળ બહાર આવી જવી કે બાળકના ગળા ફરતે વીંટળાઈ જવી (જે જીવલેણ નીવડી શકે છે), ગર્ભાશયમાં બાળક સામાન્ય સ્થાન પર ન હોવું, જન્મ પછી પ્લેસેન્ટા (મેલી) પૂર્ણપણે અલગ ન થવી, માતાને અતિશય રક્તસ્રાવ થવો અને બ્લડ પ્રેશર અત્યંત ઊંચું કે નીચું હોવું.

ડૉક્ટર શિંકી ભારપૂર્વક કહે છે કે, આ તમામ કટોકટીની પરિસ્થિતિ છે અને માત્ર ડૉક્ટર જ સંપૂર્ણ તબીબી સુવિધાઓથી સજ્જ હૉસ્પિટલમાં તે કટોકટીને નાથી શકે છે અને માતા તથા શિશુનો જીવ બચાવી શકે છે.

તેઓ કહે છે, "ઘરે જન્મ થવા દરમિયાન માતા અને શિશુ માટે તમામ પ્રકારનાં જોખમો રહેતાં હોય છે, આથી માતાને સમયસર હૉસ્પિટલમાં ખસેડવામાં આવે અને ત્યાં જ શિશુનો જન્મ થાય, તે જરૂરી છે."

ઘરે પ્રસૂતિ કરાવવા દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

ડૉક્ટર શાંકી વારદાક જણાવે છે કે, પ્રથમ તબક્કે, દરેક મહિલાને ડિલીવરી માટે હૉસ્પિટલ લઈ જવી જોઈએ, પણ જો તેણે ઘરે જન્મ આપવો પડે, તો કેટલાક મુદ્દા ધ્યાનમાં રાખવા જરૂરી છે.

  • પ્રસવ પીડા દરમિયાન એક અનુભવી દાયણ માતાની સહાય માટે હાજર હોવી જોઈએ.
  • જ્યાં પ્રસૂતિ થઈ રહી હોય, એ જગ્યા એકદમ સ્વચ્છ હોવી જોઈએ.
  • માતાને મદદ કરનારી મહિલાએ તેના હાથ સ્વચ્છ રાખવા જોઈએ.
  • માતાએ પોતાની સફાઈ કરવા માટે સ્વચ્છ કપડાં વાપરવાં જોઈએ.
  • જન્મ પછી માતા અને નવજાત શિશુની સ્થિતિની સંપૂર્ણ તપાસ થવી જોઈએ.
  • જો માતાને ભારે રક્તસ્રાવ થઈ રહ્યો હોય અથવા તો માતા બીમાર હોય, તો તેને શક્ય તેટલી જલ્દી હૉસ્પિટલ લઈ જવી જોઈએ.
  • જો બાળક મોડું જન્મે, તો પણ તમારે હૉસ્પિટલ જવું જરૂરી છે. એક કલાકનો પણ વિલંબ માતા અને શિશુનો જીવ જોખમમાં મૂકી શકે છે.
  • જો પ્રસવ પીડા દરમિયાન કે એ પછી માતાને અતિશયઊલટી-ઊબકા થતાં હોય, તો તેમને હૉસ્પિટલ લઈ જવાં જોઈએ.
  • જો પેટ અને પીઠમાં ગંભીર દુખાવો થવાનું ચાલુ રહે, તો માતાને હૉસ્પિટલ લઈ જવી જોઈએ.
  • જો જન્મ આપ્યા પછી યોનિમાર્ગમાંથી પાણી વહેવાનું ચાલુ રહે, તો માતાને હૉસ્પિટલ લઈ જવી જોઈએ.

પ્રસૂતિ દરમિયાન દર બે કલાકે એક મહિલા જીવ ગુમાવે છે

તાલિબાનના જાહેર આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ગયા વર્ષે સમગ્ર દેશમાં બાળકને જન્મ આપવા દરમિયાન "220 મહિલાઓ"નાં મોત નીપજ્યાં હતાં.

મંત્રાલયના પ્રવક્તા ડૉક્ટર શરાફત ઝમાને જણાવ્યું હતું કે, "અગાઉ, આરોગ્ય સેવાઓની દૃષ્ટિએ 660 જિલ્લાઓને વ્હાઇટ ઝોન ગણવામાં આવતા હતા, જેનો અર્થ એ કે, ત્યાં આરોગ્યલક્ષી સેવાઓ નહીંવત્ હતી. હવે, 400 કરતાં વધુ કેન્દ્રો સ્થાપવામાં આવ્યાં છે અને અન્ય ઘણાં સ્થળોએ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે."

તેમના જણાવ્યા મુજબ, મંત્રાલય સમગ્ર દેશમાં આરોગ્ય સેવાઓ વિસ્તારવા માટે કામ કરી રહ્યું છે, પણ કેટલાક પ્રદેશોનાં ભૌગોલિક સ્થાન કે પરિવારના નિર્ણયોને કારણે મહિલાઓને હજુ પણ ઘરે જ બાળકને જન્મ આપવાની ફરજ પડી રહી છે.

પ્રવક્તાએ કહ્યું હતું, "અમુક વિસ્તારોમાં સાંસ્કૃતિક સમસ્યા પ્રવર્તે છે, જ્યારે અમુક પ્રદેશોમાં લોકોમાં ઓછી જાગૃતિ હોવાથી મહિલાઓ ઘરે જન્મ આપે છે. "

જોકે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપેલા ડેટા પ્રમાણે, 2025માં પ્રત્યેક 1,00,000 મહિલાઓમાંથી 620 મહિલાઓ કાં તો બાળકના જન્મ દરમિયાન અથવા જન્મના ગણતરીના કલાકોની અંદર મૃત્યુ પામી હતી.

તેનો અર્થ એ કે, દર બે કલાકે એક મહિલા બાળકને જન્મ આપવા દરમિયાન અથવા તો પ્રસૂતિની જટિલતાઓને લીધે મોતને ભેટે છે.

સંસ્થા જણાવે છે કે, અફઘાનિસ્તાનમાં મહિલા ડૉક્ટરોની અછત પ્રવર્તે છે.

આ આંકડા સામે આવ્યા છે, ત્યારે બીજી એક હકીકત એ છે કે, અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે છોકરીઓ અને મહિલાઓ માટે છ ધોરણથી ઉપરના શિક્ષણ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે અને દાયણ (મિડવાઇફરી) માટેનાં તાલીમ કેન્દ્રો બંધ કરી દીધાં છે, જેના કારણે ડૉક્ટરો માટે માતાઓ સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે.

ડૉક્ટરો કહે છે કે, અફઘાનિસ્તાનની કેટલીક માતાઓએ એવી સ્થિતિમાં જીવ ગુમાવે છે, જેમાં તેમને કોઈ આધુનિક તબીબી સેવાની જરૂર હોતી નથી અને માત્ર વ્યાવસાયિક ડૉક્ટર કે પછી દાયણની હાજરીથી પણ તેમનો જીવ બચી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન