You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એક માતા જેણે પોતાની દીકરીને વર્ષો સુધી નિર્દયતાથી બીમાર રાખી, આખરે કેવી રીતે સાજી થઈ?
- લેેખક, ઇન્ડિયા રાકુસેન અને રાડેક બોશેટ્ટી
- પદ, બીબીસી આઉટલૂક*
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
1970 અને 1980ના દાયકામાં નેધરલૅન્ડ્ઝમાં ઉછરી રહેલાં નીના સામાન્ય બાળક જેવાં જ લાગતાં હતાં.
તેમને સંગીત, ગાયન અને નૃત્યમાં રુચિ હતી અને ઘરની અગાશી પર પોતાની બહેન સાથે રમવાની આનંદપ્રદ યાદો પણ તેમના મનમાં અંકિત થયેલી હતી.
પણ આનંદની તે ક્ષણો દુર્લભ હતી.
નીનાને ક્યારેક જ ઘરની બહાર નીકળવાની છૂટ અપાતી અને આઠ વર્ષની ઉંમરે પહોંચ્યા પછી તેમનાં માતાએ તેમને સમજાવ્યું કે, નીના ગંભીર રીતે બીમાર હતાં.
માતા અવાર-નવાર પરીક્ષણો અને સારવાર માટે નીનાને હૉસ્પિટલ લઈ જતાં હતાં.
ગણતરીનાં વર્ષોમાં જ નીનાને જુદી-જુદી છ હૉસ્પિટલોમાં 15 વખત લઈ જવાયાં હતાં.
સમય વીતવા સાથે તેમણે નીનાને વ્હીલચેરનો ઉપયોગ કરવા માટે લાચાર બનાવી દીધી અને કહ્યું કે, તેમને સ્નાયુની સાજા ન થઈ શકાય એવી બીમારી છે અને તે ધીમે-ધીમે મૃત્યુ તરફ ધકેલાઈ રહ્યાં છે.
વર્ષો સુધી ઘણા ડૉક્ટરોએ નીનાની તપાસ કરી, પણ કોઈ એ ન જાણી શક્યું કે, નીનાને શું થયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આખરે, એક ચબરાક અને તીક્ષ્ણ નજર ધરાવતા ડૉક્ટરે નીનાની કહાણીના ટુકડા ગોઠવીને નીનાની 'બીમારી'નું ચોંકાવી મૂકનારું સાચું કારણ શોધી કાઢ્યું અને તે કારણ હતું: નીનાનાં માતા!
પીડિયાટ્રિક કન્ડિશન ફૉલ્સિફિકેશન નામની બીમારી ફેબ્રિકેટેડ અથવા ઇન્ડ્યુસ્ડ ઇલનેસ (એફઆઈઆઈ) અથવા તો મન્ચાઉસેન સિન્ડ્રોમ બાય પ્રૉક્સી તરીકે પણ ઓળખાય છે.
તે બાળકના શોષણનું એક સ્વરૂપ છે, જેમાં કાળજી લેનાર (સામાન્યપણે વાલી) બાળક એકદમ સ્વસ્થ હોવા છતાં તે બીમાર હોવાની વાત ઉપજાવી કાઢે છે, તેની બીમારીને અતિશયોક્તિ સાથે રજૂ કરે છે કે ઇરાદાપૂર્વક બાળકને બીમાર કરે છે.
આવી માનસિકતા પાછળનાં કારણો હજુપણ પૂર્ણપણે સમજી શકાયાં નથી.
હૉસ્પિટલમાં પ્રથમ વખત કેવી રીતે દાખલ કરવામાં આવ્યાં?
નીના આઠ વર્ષનાં હતાં, ત્યારે તેમને વારંવાર પેટમાં દુખાવો થવા માંડ્યો અને તેમનું વજન પણ ઘણું ઘટી ગયું.
જ્યારે નીનાને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં, ત્યારે ત્યાં તેમને સફરજનનો જ્યૂસ અને સૂપ આપવામાં આવ્યો અને નવાઈની વાત છે કે, તેઓ સાજા થવા માંડ્યાં.
"ડૉક્ટર કહેતા, 'નીના હવે સ્વસ્થ છે... તે ઘરે જઈ શકે છે.'"
પણ નીનાનાં માતા નીનાને ફરી હૉસ્પિટલમાં લઈ જવાનો આગ્રહ રાખતાં અને નીનાને સમજાવતાં કે, ત્યાં જઈને ડૉક્ટરને કહેવાનું કે, હજુયે પેટમાં દુ:ખે છે, ભલે દુખાવો ન થતો હોય, તો પણ.
બાળપણમાં નીના મોજથી રમી શકતાં હતાં.
ત્યાર પછીનાં વર્ષોમાં આ સ્થિતિનું વારંવાર પુનરાવર્તન થયું હતું.
એક વખત સમગ્ર પરિવાર રજાઓ ગાળી રહ્યો હતો, ત્યારે નીનાએ સ્વિમિંગ પછી શરીરમાં કળતર થતી હોવાની ફરિયાદ કરી, તો તેમનાં માતાએ તાત્કાલિક નક્કી કરી લીધું કે, નીનાને સ્નાયુની બીમારી છે અને ફરી વખત હૉસ્પિટલ જવું પડશે.
જ્યારે નીનાએ ઇનકાર કર્યો, તો માતાએ જવાબ આપ્યો, "મને મૂર્ખ ન બનાવ. તને દુખાવો થાય છે અને ડૉક્ટર પાસે જઈએ, ત્યારે તારે એમ જ કહેવાનું છે."
નીના માટે આ સમગ્ર સ્થિતિ ભારે મૂંઝવી નાખનારી હતી.
નીના કહે છે, "હું અપરાધભાવ અનુભવતી, કારણ કે, હું એવા વૉર્ડમાં દાખલ હતી, જ્યાં જેમને કૅન્સર હોય, સાચે જ બીમાર હોય, એવાં બાળકોને રાખવામાં આવ્યાં હતાં. હું વિચારતી હતી, 'મને તો કંઈ નથી થયું.'"
નીના હૉસ્પિટલમાં હતાં, ત્યારે તેમની બાજુના બૅડ પરનો એક છોકરો મૃત્યુ પામતાં નીનાનો અપરાધ ભાવ વધી ગયો હતો.
બાળકી ખુશ થાય તો માતા કેમ ગુસ્સે થતાં?
નીનાના ઘણા ટેસ્ટ કરાવવામાં આવ્યા, જેમાં બોન મેરો બાયોપ્સી જેવી પીડાદાયક પ્રક્રિયાનો પણ સમાવેશ થતો હતો. તો પણ ડૉક્ટરને બીમારીનાં કોઈ લક્ષણો જોવા મળ્યાં નહીં.
તેમનાં માતા હંમેશાં તેમની સાથે રહેતાં અને જ્યારે પણ તેઓ નીનાને હસતાં જુએ, ત્યારે ગુસ્સે થઈ જતાં અને તેમને શિક્ષા કરતાં.
હૉસ્પિટલમાં ચાર અઠવાડિયાં સુધી દાખલ રહ્યાં પછી ડૉક્ટરે આખરે નીનાને ઘરે મોકલવાનો નિર્ણય કર્યો.
ઘરે પહોંચતાંવેંત તેમનાં માતાએ તેમને વ્હીલચેરમાં બેસાડી દીધાં, સ્કૂલમાંથી તેમનું નામ કઢાવી નાખ્યું અને નીનાને તેમના રૂમની અંદર રાખેલા પલંગમાં જ દિવસો પસાર કરવાની ફરજ પાડી.
નીના હવે તેમનાં મિત્રોને મળી શકતાં નહોતાં અને તેમને ગમતું સંગીત સાંભળવાની પણ માતાએ મનાઈ ફરમાવી દીધી હતી.
નીનાને ગૂંથણકામ કરવાથી શાંતિનો અનુભવ થતો, પણ તેમના હાથ થાકી જતા અને દુખવા લાગતા.
નીનાનાં માતાએ તરત જ વિચાર્યું કે, નીનાને કશું થયું છે અને તેમણે નીનાના હાથ ઉપર એકદમ ટાઇટ પાટા બાંધી દીધા.
પાટા એટલા તંગ હતા કે નીનાના હાથ અને આંગળીઓ સુન્ન પડી ગયા અને આમ થવાથી તેમનાં માતા ખુશ થયાં હોય, એમ લાગતું હતું: "હું તમને કહી નથી શકતી કે, મારી માતા જાણે આનંદ ઉઠાવી રહી હોય, એ જોવું કેટલું ભયાવહ હતું."
માતાએ દીકરીને કેમ કહ્યું 'તું મરી જવાની છે'
જ્યારે પણ પરિવાર ઘર બદલતો, ત્યારે નીનાને નવા ડૉક્ટરો પાસે લઈ જવામાં આવતાં.
વર્ષો વીતતાં ગયાં, તેમ-તેમ તેમનાં માતાની કહાણી બદલાતી ગઈ.
તેમણે નીનાને કહ્યું, "જો મને જાણ થઈ કે, તને દુખાવો નથી થતો અને આ બધું તેં જાતે જ ઉપજાવી કાઢ્યું છે, તો હું તને છોડીશ નહીં."
નીના વધુને વધુ ગૂંચવાતાં ગયાં અને તેઓ કહે છે કે, તેઓ 'પોતાની જાતને ગુમાવી બેઠાં હતાં.'
નીનાએ ઘણો સમય પથારીમાં વીતાવ્યો હતો અને હાથ પર પાટા હોવાથી ધીમે-ધીમે તેમની શક્તિ ક્ષીણ થવા લાગી. આખરે, ડૉક્ટરોએ તેમને ફિઝિયોથેરેપી માટે રિહેબિલિટેશન ક્લિનિકમાં મોકલ્યાં.
ત્યાં નીના ફરી ચાલતાં શીખ્યાં અને એક એવા છોકરાના પ્રેમમાં પડ્યાં, જે પોતે પણ એક દર્દી હતો.
આટલાં વર્ષોમાં પ્રથમ વખત નીનાએ ખુશી અનુભવી.
પણ જ્યારે ક્લિનિકે તેમને વીકેન્ડ પસાર કરવા માટે ઘરે જવાની મંજૂરી આપી, તે સાથે જ તેમનાં માતા ફરી વખત નીના પર અંકુશ રાખવા માંડ્યાં અને તેમને ફરી વખત પીડાદાયક પાટા પહેરવાની અને પલંગમાં પડ્યા રહેવાની ફરજ પાડી.
માતાએ નીનાને કહ્યું કે, તેને હૃદયની બીમારી છે અને એક દિવસ કહ્યું: "હવે તું મરી જવાની છે."
"એ પહેલી વખત મેં મારી જાતને એકલી-અટૂલી અનુભવી," નીના કહે છે, "જાણે હું કોઈ અંધકારભર્યા ખાડામાં ખૂંપી રહી હતી."
'અમને ઇચ્છામૃત્યુ જોઈએ છે, તમે અમને મદદ કરશો, ડૉક્ટર?'
એ પછી કશુંક બદલાઈ ગયું.
હૉસ્પિટલમાં ફરી એક વખત દાખલ થવા દરમિયાન, નીના નવાં પીડિયાટ્રિશ્યન ડૉક્ટર વિરિન્ટેનને મળ્યાં.
તેમણે નીનાને કહ્યું કે, તેઓ એક એવી જગ્યા શોધવા માગે છે, જ્યાં સ્પેશ્યાલિસ્ટ્સ નીનાના હાથ-પગ અને સાંધાનું હલન-ચલન સુધારવામાં મદદ કરે, જેથી નીના ફરી પાછાં ચાલી શકે.
આ સાંભળીને નીના મૂંઝાઈ ગયાં.
કારણ કે, તેમનાં માતાએ કાયમ તેમને કહ્યું હતું કે, તેમને સ્નાયુની જીવલેણ બીમારી છે અને તેના કારણે તેઓ મૃત્યુ પામશે. માતાની વાત પર નીનાને શંકા તો હતી, પણ તેમણે કદી સવાલ પૂછવાની હિંમત નહોતી કરી.
તેમનાં માતાનો રોષ ભભૂકી ઊઠ્યો હતો અને ઘરે આવતાંવેંત તેમણે નીનાના પગને ઍક્સ આકારમાં વાળી દીધા અને ઓશીકાંની મદદથી બાંધી દીધા. તેમણે નીનાના ખોરાક પર પ્રતિબંધ ફરમાવી દીધો અને નીનાના નાક વાટે ખાવાની નળી (ફીડિંગ ટ્યૂબ) નાખી અને રોજની 20 ગોળી લેવાની ફરજ પાડી.
એક વખત ડૉક્ટર સાથેની મુલાકાત દરમિયાન માતાએ નીના માટે ઇચ્છામૃત્યુ વિશે ડૉક્ટરને વાત કરી હતી.
બીમાર અને થાકી, હારી ગયેલાં નીના પણ સંમત થઈ ગયાં હતાં.
નીનાએ ડૉક્ટરને કહ્યું હતું, "ડૉક્ટર મારે મરી જવું છે. શું તમે મને મદદ કરી શકશો?"
પણ ડૉક્ટર સંમત ન થયા. તેમણે નીનાનાં માતા સાથે થોડી વાત કરી અને નીનાને 24 કલાક મોર્ફિન આપવાનું નક્કી કર્યું.
ડૉક્ટરે કહ્યું હતું કે,"આપણે તેને ઊંઘમાં રાખીશું."
આખરે નીનાનો બચાવ કેવી રીતે થયો
પરંતુ, ડૉક્ટર વિરિન્ટેને આ આખો કોયડો ઉકેલી નાખ્યો અને બાળ સુરક્ષા સેવાનો સંપર્ક સાધ્યો.
એક દિવસ એક મહિલા નીનાના રૂમમાં આવ્યાં અને કહ્યું કે, તેઓ નીનાને અલગ હૉસ્પિટલમાં લઈ જઈ રહ્યાં છે. નીનાને વિનવણી કરીઃ "ના, પ્લીઝ, મને મરી જવા દો."
તેમણે જોયું કે, તેમનાં માતાનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. બાજુમાં બે પોલીસ અધિકારી ઊભા હતા.
થોડી જ વારમાં નીનાને સ્ટ્રેચરમાં ઉઠાવીને ઍમબ્યુલન્સમાં લઈ જવામાં આવ્યાં.
તેમના હાથ અને પગમાંથી પાટા હટાવી દેવામાં આવ્યા. તેમના રૂમમાં એક વીડિયો કૅમેરા રાખવામાં આવ્યો હતો.
બે દિવસ સુધી નીનાએ માતા-પિતાને જોયાં નહીં.
છેવટે જ્યારે તેઓ આવ્યાં, ત્યારે નીનાએ વારંવાર તેમને કહ્યું: "હું બીમાર નથી."
નીના આ એકનું એક વાક્ય બોલતાં રહ્યાં — કુલ 18 વખત.
તેમનાં માતા ભૂલી ગયાં કે, કૅમેરામાં રેકૉર્ડિંગ ચાલુ છે. તેઓ નીના પર ગુસ્સે થઈ ગયાં, આટલાં વર્ષોથી જે ચાલી રહ્યું હતું, તેનો તે પુરાવો હતો.
નીનાનું જીવન કેવી રીતે પાટા પર આવ્યું?
નીનાએ માતા-પિતાનો ભૂતકાળ પાછળ છોડી દઈને પોતે બચી ગયાની ખુશી મનાવવાનું નક્કી કર્યું.
થોડા સમય પછી નીનાએ તેમનાં માતા-પિતા સાથેના તમામ સંપર્કો તોડી નાખવાનો નિર્ણય કર્યો.
તેમને એક ટ્રિટમેન્ટ સેન્ટરમાં ખસેડવામાં આવ્યાં, જ્યાં તેમણે શારીરિક અને માનસિક થેરેપી મેળવી અને આખરે એક જુદી ઓળખ સાથે નવા જ શહેરમાં સ્થાયી થયાં.
તેમણે નવું જીવન શરૂ કર્યું: એક આર્ટ સ્કૂલમાંથી સ્નાતકની ડિગ્રી લીધા બાદ કામ શોધ્યું અને પ્રેમમાં પડ્યાં.
નીનાનાં માતા-પિતાએ કદીયે તેમનાં કૃત્યોની કબૂલાત ન કરી - અને એક તબક્કે નીનાનો પતો લગાવવા માટે એક ખાનગી જાસૂસ પણ રોક્યો, જેના કારણે નીનાને ઘણા માનસિક તણાવ અને હતાશામાંથી પસાર થવું પડ્યું.
નીનાએ માતા-પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાનું પણ વિચારી જોયું - આ એક એવું પગલું હતું, જે તે સમયે અગાઉ કોઈએ ભર્યું નહોતું.
પણ આખરે, નીનાએ એ વિચાર પડતો મૂક્યો અને થોડાં વર્ષો પછી તેમનાં માતા-પિતા એક પછી એક મૃત્યુ પામ્યાં.
નીના કહે છે, "મારાં માતા-પિતાએ મારી સાથે જે કર્યું, તે અપરાધ હતો. તે એક ગંભીર બાળ શોષણ હતું અને હું માંડ-માંડ બચી છું."
પણ નીના કૃતજ્ઞતા અનુભવે છે કે, હવે તેઓ સારી સ્થિતિ ધરાવે છે.
"હું ખૂબ, ખૂબ ખુશ છું કે હું બચી ગઈ. જીવનમાં જીવવા માટે ઘણી અદ્ભુત વસ્તુઓ છે."
આ લેખ બીબીસી વર્લ્ડ સર્વિસ પરના આઉટલુક પ્રોગ્રામના એક એપિસોડ પર આધારિત છે. નીનાનાં સંસ્મરણો ધરાવતા પુસ્તકનું નામ છે 'યુ આર અ હૉરિબલ ચાઇલ્ડ'. અને માર્ગ્રીટ ડી હીર તથા નીના બ્લોમ દ્વારા લખવામાં આવેલી ગ્રાફિક નવલકથા 'યુ આર ગોઇંગ ટુ ડાઇ'માં પણ તેમની જીવનકથા વર્ણવવામાં આવી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન