ઊડતા વિમાનની બારી તૂટી અને મુસાફર બહાર લટકી ગયો, આખરે કેવી રીતે અંદર ખેંચી લીધો?

    • લેેખક, જારોસ્લાવ લુકીવ, થિયો લેગેટ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

જો વિમાન હવામાં ઊડતું હોય અને અચાનક તેની બારી ખૂલી જાય કે તૂટી જાય તો શું થાય?

રેયાનઍરના એક વિમાનમાં મુસાફરી કરી રહેલા એક મુસાફર બારીમાંથી બહાર ફેંકાતાં રહી ગયા છે, તેમને બચાવી લેવાયા છે. વિમાન હવામાં ઊડતું હતું ત્યારે તેની બારી તૂટી ગઈ હતી.

ઉડાન ટ્રેકિંગ ડેટાથી માહિતી મળી કે વિમાન 9,000 ફૂટની ઊંચાઈએ અચાનક (નીચું) આવી ગયું એ પહેલાં 10 મિનિટ હવામાં રહ્યું હતું. મુસાફરોએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે એ સમયે તેમણે "વિસ્ફોટ જેવો અવાજ" સાંભળ્યો હતો.

ગ્રીસની એક હૉસ્પિટલના અધિકારી માઇકલિસ જિયાનકોસે જણાવ્યું કે 61 વર્ષીય સર્બિયન મુસાફરને સામાન્ય ઈજા થઈ છે અને તેમની સારવાર ચાલી રહી છે.

તેમણે કહ્યું, "તેમનાં પત્નીએ તેમના પડતા બચાવવા માટે લગભગ પાંચ મિનિટ સુધી તેમના પગ પકડી રાખ્યા હતા."

વિમાનમાં ખરેખર શું થયું હતું?

રેયાનઍરે તેના નિવેદનમાં કહ્યું કે શુક્રવારે સવારે ગ્રીસના થેસાલોનિકી શહેરથી જર્મનીના મેમિંગેન માટે રવાના થયેલા વિમાનને ઉડાન ભર્યાની થોડી મિનિટોમાં પાછા ફરવા મજબૂર થવું પડ્યું હતું, કેમ કે ઉડાન દરમિયાન વિમાનની એક બારી તૂટી ગઈ હતી.

આયરીશ બજેટ ઍરલાઇને કહ્યું કે "વિમાન સામાન્ય રીતે ઊતર્યું અને મુસાફરો ટર્મિનલ પર પહોંચી ગયા હતા. થેસાલોનિકીમાં એક મુસાફરે ચિકિત્સા માટે વિનંતી કરી અને ગ્રાઉન્ડ ક્રૂ દ્વારા તેમની સારવાર કરવામાં આવી.

એવું પણ કહેવાયું કે મુસાફરોને કેટલાક કલાકો બાદ મેમિંગેન શહેર મોકલવા માટે એક વૈકલ્પિક ઉડાનની વ્યવસ્થા કરાઈ હતી.

સહયાત્રીઓએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે એક મુસાફર બારી સાથે ઊંધો લટકેલો હતો અને અન્ય મુસાફરોએ તેને ખેંચી લીધો હતો.

વિમાનમાં સવાર લોકોએ જણાવ્યું કે વિમાનના એન્જિનના ટુકડાઓને કારણે બારી તૂટી ગઈ હતી. જોકે રેયાનઍરે હજુ સુધી આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી.

'મુસાફર બારીમાંથી બહાર ઊંધો લટકેલો હતો'

સહયાત્રી ક્રિસ્ટીનાએ રેડિયો થેસાલોનિકીને જણાવ્યું કે "મને તરત અહેસાસ થયો કે વિમાનમાં હવાનું દબાણ અચાનક ઓછું થઈ ગયું છે. મેં મુસાફરોની બૂમાબૂમ સાંભળી. મને લાગ્યું કે કોઈએ ભૂલથી આપાતકાલીન દરવાજો ખોલી નાખ્યો છે."

તેમણે કહ્યું, "ઑક્સિજન માસ્ક પડી ગયા. ભયંકર દુર્ગંધ આવતી હતી. એક મુસાફર બારીમાંથી બહાર ઊંધો લટકેલો હતો. સદનસીબે તેણે તેનો સીટ બેલ્ટ ખોલ્યો નહોતો."

અન્ય એક મુસાફર સોફિયાએ રેડિયો થેસાલોનિકીને જણાવ્યું કે "જ્યારે ઑક્સિજન માસ્ક પડી ગયા તો અમને સમજાયું નહીં કે શું થશે."

"અમને ખબર પણ નહોતી કે અમે સુરક્ષિત રીતે પાછા ફરી શકીશું કે નહીં. અમે વિમાનના પાછળના ભાગમાં બેઠા હતા અને સ્પષ્ટ હતું કે કોઈ પ્રકારનો વિસ્ફોટ થયો છે."

"અમને વિમાન પડી રહ્યું હોય તેવું લાગ્યું. હવાનું દબાણ અચાનક ખૂબ જ ઘટી ગયું."

"એવું લાગ્યું કે શ્વાસ લઈ શકાતો નથી. ઘાયલ માણસનું લોહી વહેતું હતું અને ઑક્સિજનના અભાવે અને આઘાતને કારણે ઘણી વખત એ બેભાન થઈ ગયો હતો."

પેનહેલેનિક પબ્લિક હૉસ્પિટલ કર્મચારી ફેડરેશનના પ્રમુખ મિખાલિસ ગિયાનાકોસે જણાવ્યું કે "પીડિત ઊંડા આઘાતમાં છે અને સભાન છે."

શું સીટ બેલ્ટને કારણે મુસાફરનો જીવ બચ્યો?

આ વિમાન 18 વર્ષ જૂનું માનવામાં આવે છે. તેનું સંચાલન રેયાનઍરની સહાયક કંપની 'માલ્ટાઍર' કરે છે.

થેસાલોનિકી ઍરપૉર્ટનું સંચાલન કરનારી કંપની ફ્રૅપોર્ટ ગ્રીસે કહ્યું, "આ ઘટનાની તપાસ વર્તમાનમાં હેલેનિક ઍર ઍન્ડ રેલ સેફ્ટી ઇન્વેસ્ટિગેશન ઑથૉરિટી દ્વારા કરાઈ રહી છે."

કંપનીએ કહ્યું, "અમે સંબંધિત વિભાગોને સહયોગી આપી રહ્યા છીએ. અમે નિર્દિષ્ટ આપાતકાલીન રાહત ઉપાયોને લાગુ કરી દીધા છે."

આયરીશ વિમાનીય ઑથૉરિટીએ અગાઉ બીબીસીને જણાવ્યું હતું કે તેને આ ઘટનાની ખબર છે અને તે તપાસકારોને જરૂરી મદદ આપશે.

સેવાનિવૃત્ત ઍરલાઇન પાઇલટ ક્રિસ બ્રૅડીએ બીબીસીને જણાવ્યું કે જો તેમણે સીટ બેલ્ટ ન પહેર્યો હોત તો આ દુર્ઘટના "વધુ ગંભીર થઈ શકતી હતી."

તેમણે કહ્યું, "અમે કૅપ્ટન હોવાને નાતે અમે મુસાફરોને કહીએ છીએ કે સાવધાની માટે હંમેશાં તમારા સીટ બેલ્ટ બાંધીને રાખો."

"અમે આવું અનપેક્ષિત ઘટનાઓને રોકવા કે હવામાં ઝટકાથી બચવા માટે કહીએ છીએ. માટે મુસાફરી વખતે સીટ બેલ્ટ બાંધવો એ સારી ટેવ છે."

ઉલ્લેખનીય છે કે 2018માં અમેરિકામાં સાઉથવેસ્ટ ઍરલાઇન્સનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું, જેમાં ક્ષતિગ્રસ્ત એન્જિનના કાટમાળને કારણે એક બારી તૂટી ગઈ હતી. બારીમાંથી અડધી બહાર નીકળી ગયેલી એક મહિલાનું મોત થયું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન