You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં આગામી બે-ત્રણ દિવસ કયા જિલ્લામાં વરસાદ પડશે અને ક્યાં સુધી જોર રહેશે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
ગુજરાતમાં 10 ઑગસ્ટથી કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાયું છે અને હજી બે દિવસ સુધી રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે એક લૉ-પ્રેશર એરિયા મધ્ય પ્રદેશ પર બનેલો છે, જેની અસર ગુજરાત સહિત દેશનાં અન્ય રાજ્યો પર થઈ રહી છે અને ચોમાસું ફરી સક્રિય થયું છે.
આ સિસ્ટમને લીધે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો, મધ્ય ભારત અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાતમાં 1 જૂનથી 11 ઑગસ્ટ સુધીમાં સામાન્ય કરતાં 3 ટકા વધારે વરસાદ થયો છે અને એમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સામાન્ય કરતાં 21 ટકા ઓછો વરસાદ થયો છે.
હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં હજી વરસાદ બંધ નહીં થાય પરંતુ હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ હજી પાંચ દિવસ સુધી ચાલુ રહે તેવી શક્યતા છે.
ગુજરાતમાં કયા વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે?
હવામાન વિભાગ પ્રમાણે 11થી 13 ઑગસ્ટની વચ્ચે ગુજરાત રીજનમાં ઘણાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. જેમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાત રીજનમાં 11 ઑગસ્ટના રોજ એકાદ-બે સ્થળે ભારે વરસાદ પણ થઈ શકે છે. ગુજરાત રીજનમાં સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓને બાદ કરતાં બાકીના તમામ જિલ્લાનો સમાવેશ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
11થી 13 ઑગસ્ટ દરમિયાન પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે. મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, છોટા ઉદેપુર, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ તથા મહેસાણા જિલ્લાના વિસ્તારોમાં વરસાદનું જોર વધારે રહેવાની શક્યતા છે. આ જિલ્લાઓમાં ઘણાં સ્થળોએ વરસાદ પડવાની શક્યતા છે. મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની શક્યતા છે. જ્યારે એકાદ-બે વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.
આ ઉપરાંત પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદનું જોર 11 અને 12 ઑગસ્ટ દરમિયાન રહેવાની શક્યતા છે અને આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની સ્થિતિ શું થશે?
સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ સુધી વરસાદનું જોર વધવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં મધ્યમ પ્રકારનો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
ખાસ કરીને સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર જિલ્લામાં વધારે સ્થળોએ હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ થવાની શક્યતા છે. જ્યારે મોરબી, રાજકોટ, અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લામાં કેટલાંક સ્થળોએ હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ થવાની શક્યતા છે.
જ્યાં વરસાદની વધારે જરૂર છે એવા જિલ્લા જેવા કે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં વરસાદમાં ખાસ વધારો જોવા મળશે નહીં. અહીં છૂટોછવાયો હળવો વરસાદ પડવાની શક્યતા છે.
જ્યારે કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં બે દિવસ સુધી વરસાદનું જોર થોડું વધશે અને હવામાન 11 ઑગસ્ટથી પલટાઈ ગયું છે. જેથી કેટલાક વિસ્તારોમાં મધ્યમ તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.
હાલ સૌરાષ્ટ્રના સૌથી વધારે જિલ્લાઓ વરસાદની ઘટ અનુભવી રહ્યા છે એટલે કે તેમાં ચોમાસું અડધાથી વધારે પૂરું થઈ ગયું હોવા છતાં પૂરતો વરસાદ પડ્યો નથી.
ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની ઘટ પૂરી થશે?
સૌરાષ્ટ્રના સાત જિલ્લાઓમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો છે, એટલે કે ચોમાસાના બે મહિના કરતાં વધારે સમય પસાર થઈ ગયો હોવા છતાં હજી રાજ્યમાં પૂરતો વરસાદ નથી.
દેવભૂમિ દ્વારકામાં 86 અને પોરબંદરમાં 68 ટકા જેટલી વરસાદની ઘટ છે. એનો અર્થ એ થયો કે આ વિસ્તારોમાં હજી ઘણા ખેડૂતો વાવણી કરી શક્યા નથી. ઉપરાંત આગામી દિવસોમાં આ જિલ્લાઓમાં પાણીની તંગી પણ શરૂ થશે.
હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ હજી 20 તારીખ સુધી ચાલુ રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધારે રહેવાની શક્યતા છે.
જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ખૂબ વધારે રહેવાની શક્યતા નથી. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાત પર કોઈ મોટી સિસ્ટમ આવે તેવી શક્યતા નથી. એટલે રાજ્યમાં વરસાદ ચાલુ રહેશે પરંતુ સાર્વત્રિક વરસાદ અને ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા નથી.
જેથી આગામી દિવસોમાં રાજ્યમાં હજી પણ વરસાદની ઘટ વધે તેવી શક્યતા છે. ખાસ કરીને ગુજરાતમાં જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં વધારે વરસાદ પડતો હોય છે પરંતુ આ વર્ષે જુલાઈમાં કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ થઈ પરંતુ રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરતો વરસાદ થયો નથી. ઑગસ્ટ મહિનો લગભગ અડધો પૂરો થઈ ગયો છે પરંતુ હજી પૂરતો વરસાદ થયો નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન