You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અક્ષર પટેલ : 52 બૉલમાં 57 રન અને 4 વિકેટ.. ગુજરાતી ખેલાડીની શાનદાર ઇનિંગ જેણે ભારતને ઇંગ્લૅન્ડ સામે વનડે મૅચ જિતાડી
ભારત ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ વનડે મૅચ જીતી ગયું છે. મૅચમાં ઇંગ્લૅન્ડની ટીમે પહેલા બેટિંગ કરીને 258 રન કર્યા હતા અને જવાબમાં ટીમ ઇન્ડિયાએ શુભમન ગિલ, અક્ષર પટેલ અને વૉશિંગ્ટન સુંદરની મદદથી ચાર ઓવર પહેલાં જ મૅચ જીતી લીધી.
આ સાથે ટીમ ઇન્ડિયાએ સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે.
ભારતની શરૂઆત સારી નહોતી રહી. રોહિત શર્મા માત્ર 11 રન કરી શક્યા, જ્યારે વિરાટ કોહલી પણ 5 રન કરી શક્યા હતા.
જોકે ત્યાર બાદ બેટિંગમાં આવેલા શુભમન ગિલે બાજી સંભાળી અને 75 બૉલમાં 11 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 80 રન કર્યા હતા.
વૉશિંગ્ટન સુંદરે પણ અર્ધ સદી ફટકારીને અણનમ 52 રન કર્યા હતા.
ઑલરાઉન્ડર અક્ષર પટેલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. અક્ષર પટેલે 52 બૉલમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 57 રન કર્યા હતા.
ઇંગ્લૅન્ડે ટી20 સિરીઝમાં ભારતની ટીમને 4-0થી હરાવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ આ વખતની ભારતીય ટીમ કોઈ અલગ અંદાજમાં દેખાતી હતી.
259 રનના સામાન્ય લક્ષ્યનો પીછો કરતાં શુભમન ગિલે સૌથી મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. જોકે ભારત લક્ષ્યથી 99 રન દૂર હતું અને તેની ચાર વિકેટ પડી ગઈ હતી અને ગિલ રિટાયર્ડ હર્ટ થઈ ગયા હતા, પરંતુ આની અક્ષર પટેલ અને વૉશિંગ્ટન સુંદર પર કોઈ અસર ન થઈ. અક્ષરે આ મૅચમાં આક્રમક બૅટ્સમૅનની ભૂમિકા ભજવી હતી, જ્યારે સુંદરે એક છેડો જાળવી રાખ્યો હતો. અને આમ ભારત 28 બૉલ બાકી રહેતા મૅચ જીતી ગયું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અક્ષરે 52 બૉલમાં માત્ર 57 રન જ નહીં, પરંતુ ચાર વિકેટ પણ લીધી. ઇંગ્લૅન્ડ કદાચ 290 સુધી પહોંચી શક્યું હોત, પરંતુ અક્ષર પટેલે ડોસનને ડીપ સ્ક્વેર લૅગ પર પુલ શૉટ રમવા માટે મજબૂર કર્યા, જ્યાં તેમનો કૅચ થયો. ત્યાર બાદ ડાબોડી સ્પિનર અક્ષરે નીચલા ક્રમના બૅટ્સમૅનોને ઝડપથી આઉટ કરીને મૅચને પૂરી કરી નાખી.
ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં અક્ષર પટેલ છવાઈ ગયા
આ મુકાબલા પહેલાં અક્ષર પટેલે પોતાની છેલ્લી વનડે મૅચ સિડનીમાં રમી હતી. એ મૅચમાં તેમણે સારી બૉલિંગ કરી હતી, છતાં રવીન્દ્ર જાડેજા અને પછી હર્ષ દુબેને મહત્ત્વ આપવામાં આવ્યું અને અક્ષર પટેલને પડતાં મુકાયા હતા.
એવામાં ટીમમાં સ્થાન મેળવવા માટે ચાલતી પ્રતિસ્પર્ધાને જોતાં આ મૅચ અક્ષર પટેલ માટે મહત્ત્વપૂર્ણ હતી. એક નાની સ્પર્ધા વૉશિંગ્ટન સુંદર સાથે પણ હતી.
તામિલનાડુના આ ઑલરાઉન્ડરને કેએલ રાહુલ પહેલાં બેટિંગ માટે મોકલવામાં આવ્યા, જેથી ટોચના પાંચ બૅટ્સમૅનમાં સતત જમણેરી બૅટ્સમૅનનો ક્રમ તૂટી શકે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં આ ભૂમિકા અક્ષર પટેલ ભજવી રહ્યા હતા.
વનડે ક્રિકેટમાં ઉતારચઢાવ ભરેલા સમય બાદ એ કહેવું ખોટું નહીં હોય મંગળવારના આ પ્રદર્શનને કારણે અક્ષર પટેલ બધા ફિંગર સ્પિનરોથી આગળ પહોંચી ગયા છે. ખાસ કરીને ત્યારે જ્યારે દક્ષિણ આફ્રિકામાં યોજાનાર વિશ્વકપમાં ભારતની એક ફિંગર સ્પિનર સાથે ઊતરવાની સંભાવના છે.
અક્ષરે ઇંગ્લૅન્ડની ઇનિંગ્સમાં સૌથી મહત્ત્વપૂર્ણ સમયે બૉલિંગ કરતાં સદી બનાવનાર બેટિંગ પાર્ટનરશિપને તોડી અને પછી નીચલા ક્રમને સમેટીને જો રૂટને છેલ્લી ઓવરો સુધી બેટિંગ કરવાની તક ન આપી.
જોકે ટીમ પ્રબંધનને તેમની બેટિંગ કદાચ આનાથી પણ વધારે પસંદ આવી હશે. લક્ષ્યનો પીછો કરતી ભારતીય ટીમ સતત વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં હતી ત્યારે અક્ષર પટેલે વૉશિંગ્ટન સુંદરની સાથે મળીને ઇનિંગ્સ સંભાળી હતી.
બંનેએ પાંચમી વિકેટ માટે 100થી વધારે રન જોડ્યા. આ પાર્ટનરશિપમાં અક્ષરે આક્રમક ભૂમિકા ભજવી અને ભારતને જીત સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું.
ચાર વિકેટ, નૉટ-આઉટ અર્ધ સદી અને પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર, કોઈ પણ ઑલરાઉન્ડર માટે આનાથી વધુ સારું પ્રદર્શનની કલ્પના કરવી મુશ્કેલ છે.
અક્ષર પટેલના આ પ્રદર્શન અંગે પૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, "આ વિજય ટીમ ઇન્ડિયાને ખૂબ સંતોષ આપશે, કારણ કે તે બે ઑલરાઉન્ડરો વચ્ચેની શાનદાર ભાગીદારી પર આધારિત હતી, જેની ટીમને લાંબા સમયથી જરૂર હતી. અક્ષર પટેલે લગભગ ભૂલરહિત પ્રદર્શન કર્યું, જ્યારે વૉશિંગ્ટન સુંદર સમગ્ર ઇનિંગ્સ દરમિયાન સંપૂર્ણ નિયંત્રણમાં જોવા મળ્યા."
ઇંગ્લૅન્ડ સામેની વનડેમાં રોહિત અને કોહલી ન ચાલ્યા
જાન્યુઆરીમાં શ્રીલંકામાં મળેલી જીતને સામેલ કરવા છતાં આ ઇંગ્લૅન્ડની છેલ્લી 20 વનડેમાં આ 14મી હાર હતી.
આ મેદાનમાં પીચથી ઝડપી બૉલરને કેટલીક મદદ મળી રહી હતી, પરંતુ ઇંગ્લૅન્ડની ટીમમાં એક નિષ્ણાત ફાસ્ટ બૉલરનો અભાવ જણાયો. તેના ઑલરાઉન્ડરનું પણ ભારતીય ઑલરાઉન્ડરની સામે પ્રદર્શન પ્રભાવી ન રહ્યું.
અંતે મૅચ ભારત માટે સરળ જીતમાં ફેરવાઈ ગઈ, જેનાથી બર્મિંઘમમાં હાજર ભારતીય ફૅન્સ પણ ઘણા ખુશ દેખાયા.
હાલના વિશ્વ ચૅમ્પિયન ભારતનું ટી20 સિરીઝમાં બહુ ખરાબ પ્રદર્શન રહ્યું હતું, પણ આ વનડે ટીમમાં હાજર મોટા સેલેબ્રિટીને જોતાં સિરીઝ ઇંગ્લૅન્ડ માટે પણ પડકારજનકર રહેશે એ લગભગ નક્કી જ હતું.
બુમરાહના શરૂઆતના સ્પેલને કારણે એજબેસ્ટનમાં રોમાંચ પેદા થયો, 37 વર્ષીય કોહલી જે કદાચ ઇંગ્લૅન્ડમાં પોતાની છેલ્લી સિરીઝ રમી રહ્યા છે, કવર ક્ષેત્રમાં બહુ ચુસ્ત અને સક્રિય રહ્યા. 39 વર્ષીય રોહિત પણ દેશ માટે કદાચ છેલ્લી વખત રમી રહ્યા છે.
લક્ષ્યનો પીછો કરવા ઊતરેલા રોહિત 11 રન બનાવીને સૅમ કરનનો બૉલ મિડ-ઑન પર રમી બેઠા. આગલી ઓવરમાં કોહલી પાંચ રન બનાવીને જોફ્રા આર્ચરના બૉલ પર સ્પષ્ટ રીતે એલબીડબલ્યુ આઉટ થયા.
ગિલ આ મેદાન પર સહજ દેખાયા. ગયા વર્ષે તેમણે અહીં એક ટેસ્ટ મૅચમાં 439 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યર સાથે 101 રનની પાર્ટનરશિપને કારણે ભારત મૅચ જીતવાને આરે પહોંચી ગયું હતું. આ દરમિયાન ગિલે કેટલાક શાનદાર શૉટ માર્યા.
ઇંગ્લૅન્ડનો ટી20વાળો દબદબો ગાયબ રહ્યો
કૅપ્ટન શુભમન ગિલ 80 રને સરસ બેટિંગ કરી રહ્યા હતા, પરંતુ ઈજાને કારણે તેમને રિટાયર્ડ હર્ટ થવું પડ્યું. જોકે, પાછળથી તેમણે સ્પષ્ટતા કરી કે તે માત્ર સામાન્ય ઈજા હતી અને તેઓ ગુરુવારે કાર્ડિફમાં થનારી બીજી મૅચ માટે ફિટ રહેશે.
ભારતનો સ્કોર બે વિકેટે 149 હતો, પરંતુ ટૂંક સમયમાં ચાર વિકેટે 160 રન થઈ ગયા. આ સમયે ઇંગ્લૅન્ડ પાસે વાપસી કરવાની તક હતી. જોકે, 62 રનમાં ચાર વિકેટ લેનારા અક્ષર પટેલે અણનમ 57 રન કર્યા અને વૉશિંગ્ટન સુંદરે અણનમ 52 રન બનાવીને ભારતને આસાન જીત અપાવી.
એક સમયે એવું લાગતું હતું કે મૅચ બપોર સુધીમાં પૂરી થઈ જશે, પરંતુ જો રૂટ અને લિયામ ડોસન વચ્ચે 111 રનની ભાગીદારી થઈ અને ઇંગ્લૅન્ડે સ્થિરતા મેળવી લીધી.
ડોસનના 68 રન આંતરરાષ્ટ્રીય ક્રિકેટના કોઈ પણ ફૉર્મેટમાં ઇંગ્લૅન્ડ માટે તેમનો સર્વોચ્ચ સ્કોર હતો, જ્યારે રૂટે તેમના અંદાજમાં શાનદાર બેટિંગ કરીને અણનમ 76 રન કર્યા.
ઇંગ્લૅન્ડે પોતાની છેલ્લી ચાર વિકેટ માત્ર 30 રનમાં ગુમાવી દીધી અને રૂટ બીજા છેડે અણનમ રહ્યા.
ઇંગ્લૅન્ડ આમ તો ટી20 ક્રિકેટમાં વિશ્વની નંબર વન ટીમ છે, છતાં વનડેમાં આ તેની એક ચિરપરિચિત હાર હતી. તેનાથી સ્પષ્ટ થઈ ગયું કે ઇંગ્લૅન્ડને 19 મહિના પછી વર્લ્ડકપના દાવેદાર બનવા માટે હજુ કેટલું કામ કરવાનું બાકી છે.
બુમરાહએ પણ શાનદાર બૉલિંગ કરી
ઇંગ્લૅન્ડની શરૂઆતની બેટિંગ બહુ ખરાબ રહી. ટીમના કોઈ નુકસાન વગર 61 રન હતા, પણ પછી ત્રણ વિકેટે 64 અને છ વિકેટે 107 રને પહોંચી ગઈ.
બેન ડકેટે 43 રન કર્યા, પરંતુ નવા ઓપનર તરીકે જેકબ બેથેલ અસહજ લાગ્યા. તો ઇંગ્લૅન્ડ માટે 200 વનડે રમનાર બીજા ખેલાડી બનેલા જૉસ બટલર ફક્ત પાંચ રન બનાવી શક્યા.
આ મૅચમાં જસપ્રીત બુમરાહનું પ્રદર્શન ઉત્તમ હતું. તેમણે 31 રન આપીને માત્ર એક વિકેટ લીધી હોય પણ ઘણી સારી બૉલિંગ કરી. તેમની એકમાત્ર વિકેટ નિર્ણાયક હતી, જ્યારે હેરી બ્રુક સ્લિપમાં કૅચ આપી બેઠા.
ઇંગ્લૅન્ડના આઠમા નંબરના બૅટ્સમૅન ડોસન 22મી ઓવરમાં જો રૂટને સાથ આપવા આવ્યા અને તરત બાજી સંભાળી. તેમણે મજબૂત રક્ષણાત્મક ભૂમિકા ભજવી, ઘણી વખત રૂટ કરતા તેમણે સ્ટ્રાઇક રાખી.
રૂટને સાત રને જીવતદાન મળ્યા બાદ તેમણે શાનદાર બેટિંગ કરી. 2025ની શરૂઆતથી આ ફૉર્મેટમાં તેમની સરેરાશ 70ની રહી છે.
આદિલ રશીદ, જોફ્રા આર્ચર અને જોશ ટોંગ અક્ષરના ફક્ત છ બૉલમાં જ આઉટ થઈ ગયા. રૂટ પાસે સામા છેડે કોઈ ભાગીદાર રહ્યા નહીં અને ઇંગ્લૅન્ડની આખી ટીમ ઑલઆઉટ થઈ ગઈ.
છેલ્લી 19 વનડેમાં 11મી વખત ઇંગ્લૅન્ડ 50 ઓવર પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન