અમદાવાદ: આનંદ નિકેતન સ્કૂલની કૅન્ટિનમાં વિદ્યાર્થીના ભોજનમાં 'કાચનો ટુકડો' આવતા વિવાદ, શાળાએ શું જવાબ આપ્યો?

    • લેેખક, બીબીસી ગુજરાતી
    • પદ, અમદાવાદથી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

'મારો દીકરો આઠમા ધોરણમાં ભણે છે, સોમવારે એની સ્કૂલમાં કૅન્ટિનમાં મળતું ભોજન જમતી વખતે કાચના ટુકડા જેવો પદાર્થ ગળી જવાને કારણે હાલ ખાનગી હૉસ્પિટલમાં તેના ટેસ્ટ કરાવી રહ્યો છું.'

ગવર્મેન્ટ લાઇઝનિંગનું કામ કરતા માલવ શાહનો દીકરો અમદાવાદના શીલજ ખાતે આવેલી આનંદ નિકેતન સ્કૂલનો વિદ્યાર્થી છે.

આરોપ છે કે ધો. 8માં ભણતા એક વિદ્યાર્થીને સ્કૂલમાં પીરસાતું બપોરનું ભોજન ખાતી વખતે પોતાના 'મોંમાં કોઈક કઠણ પદાર્થ આવ્યા'નું અનુભવાયું.

વિદ્યાર્થીના માલવ શાહનું કહેવું છે કે જ્યારે તેમનો પુત્ર આ પદાર્થ થૂંકવા માટે જઈ રહ્યો હતો, ત્યારે સ્થળ પર હાજર એક શિક્ષિકાએ તેને રોક્યો હતો અને શિક્ષિકાને જવાબ આપતી વખતે વિદ્યાર્થી તેનો કેટલોક ભાગ ગળી ગયો હતો.

તેમની ફરિયાદ છે કે શાળા તરફથી આ મામલા બિલકુલ 'સહકાર' નહોતો મળ્યો.

તેમણે શાળા પર 'પરિસ્થિતિની ગંભીરતાને ન સમજવાનો' આરોપ કર્યો હતો.

બીજી તરફ, શાળાએ આ મુદ્દે જાહેર કરેલી પ્રેસ નોટમાં જણાવ્યું છે કે, "શાળા વિદ્યાર્થીઓની સુરક્ષા અને સ્વાસ્થ્યને ખૂબ ગંભીરતાથી લે છે. શાળામાં ફૂડ-સેફ્ટી અંગે તાજેતરમાં ઊઠેલી ફરિયાદ બાદ તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવાયાં છે." શાળાનો પક્ષ રજૂ કરતાં સ્કૂલનાં એક પદાધિકારીએ આ કિસ્સામાં શાળા અત્યંત 'જવાબદારીપૂર્વક અને સંવેદનશીલતા' સાથે વર્તી હોવાનું જણાવ્યું હતું.

તેમજ અમદાવાદ શહેરના શિક્ષણાધિકારીએ આ મામલે શાળાને નોટિસ મોકલી એક દિવસમાં ખુલાસો કરવા જણાવ્યું છે.

કાચનો ટુકડો ગળી જનાર વિદ્યાર્થીના પિતાએ શું કહ્યું?

માલવ શાહ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં સમગ્ર ઘટના અંગે વાત કરતાં કહે છે, "સોમવારે શાળામાં બપોરનું ભોજન કરતી વખતે મારા દીકરાને અચાનક તેના મોંમાં કંઈક કઠણ પદાર્થ આવ્યાનું અનુભવાયું, આ જોઈને તેના મિત્રોએ તરત તેને કચરાપેટીમાં જઈને આ પદાર્થ બહાર થૂંકી આવવાનું કહ્યું, પરંતુ વચ્ચે તેને તેનાં એક શિક્ષિકા મળી ગયાં, જેમણે રોકીને તેને પૂછ્યું કે, 'ક્યાં જઈ રહ્યો છે?' તેને જવાબ આપવામાં મારો દીકરો આ પદાર્થનો આ નાનો ટુકડો ગળી ગયો."

"એ બાદ મારા દીકરાને નિકટની ખાનગી હૉસ્પિટલમાં લઈ જવાયો અને ત્યાંથી મારી પત્નીને ફોન કરીને બોલાવી લેવાયાં. ત્યાં ડૉક્ટરે તેને જે પદાર્થ ગળી જવાયો છે, તે લઈ આવવાનું કહેવાયું, જેથી આગળની સારવારની દિશા નક્કી થઈ શકે."

તેઓ આગળ જણાવે છે કે, "પહેલાં મારી પત્નીએ અને પછી મેં શાળાના શિક્ષકો અને સંચાલકોને એ પદાર્થ આપવા વિનંતી કરી, પણ કોઈએ અમારું ન સાંભળ્યું અને અમને જણાવી દેવાયું કે એ પદાર્થ ગુમ થઈ ગયો છે, અમને માત્ર તેનો ફોટો શૅર કરાયો, એ પણ ઘણી માથાકૂટ બાદ."

"પણ ડૉક્ટરે આગળની તપાસ માટે એ ટુકડો લાવવાનું કહ્યું, જે અમને ન મળ્યો, શાળા માત્ર એક જ વાતનું રટણ કરતી રહી કે એ ગુમ થઈ ગયો છે."

તેઓ આગળ કહે છે કે, "અમને આ સ્થિતિમાં શાળા તરફથી કોઈ પણ સહકાર ન મળ્યો, તેઓ આને ખૂબ હળવાશથી લઈ રહ્યા હતા. ગંભીરતા નહોતા દાખવી રહ્યા. શાળાનું વલણ બેદરકારીભર્યું હતું."

માલવ શાહ આ અંગે આગળ કહે છે કે, "અમારી માગ છે કે આ ઘટના માટે તમામ જવાબદારોનાં રાજીનામાં લઈ લેવાય."

"તેમજ કૅન્ટિનને મરજિયાત બનાવી દેવાય, તેમજ શાળામાં ફૂડ-સેફ્ટીનું બરોબર ધ્યાન રાખવામાં આવે."

"અમે પોલીસ સ્ટેશનમાં એક અરજી કરી છે અને ગુરુવારે હું જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં પણ મારી ફરિયાદ દાખલ કરીશ."

આનંદ નિકેતન શાળાએ શું કહ્યું?

આનંદ નિકેતન શાળાએ આ સમગ્ર મામલે એક પ્રેસ નોટ જાહેર કરી હતી.

જેમાં લખાયું હતું કે, "આનંદ નિકેતન તેના વિદ્યાર્થીની સલામતી અને સંપૂર્ણ વિકાસ માટે પ્રતિબદ્ધ છે. અમે અમારી પેરન્ટ કૉમ્યુનિટીની ચિંતાઓ સમજીએ છીએ અને તેમની સલામતી અને આરોગ્યને લગતા તમામ મુદ્દાને ખૂબ જ ગંભીરતાપૂર્વક લઈએ છીએ."

જે પ્રમાણે, "તાજેતરમાં સામે આવેલી શાળામાં ફૂડ-સેફ્ટી અંગેની ચિંતાઓ બાદ અમારા મૅનેજમેન્ટે તાત્કાલિક સુધારાત્મક પગલાં લીધાં છે, જેમાં સુપરવાઇઝરી જવાબદારીઓમાં બદલાવ, વિગતવાર રિવ્યૂ, હાઇજિન, ફૂડ-સેફ્ટી અને ગુણવત્તા નિયંત્રણ પ્રોટોકૉલને વધુ મજબૂત બનાવવા સહિતનાં પગલાં સામેલ છે."

આનંદ નિકેતન સ્કૂલ્સનાં કોર ટીમ મેમ્બર માનસીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમે આ ઘટનાની જાણ થતાં શક્ય તેટલું જલદી બાળકને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાનું જવાબદારીભર્યું પગલું લીધું હતું. અમે આ સમગ્ર મામલામાં ખૂબ જ સંવેદનશીલ અને જવાબદાર સ્કૂલ તરીકે ભૂમિકા ભજવી છે."

"અમારી પ્રથમ પ્રાથમિકતા બાળકની સલામતી હતી, અમે તેને હૉસ્પિટલ લઈ જવાની દોડાદોડીમાં હતા ત્યારે બાળકના ભોજનમાં મળી આવેલો પદાર્થ ક્યાં મુકાઈ ગયો, સફાઈ સમયે ક્યાં ગયો એની અમને ખરેખર કોઈ જાણ નથી. જેવો આરોપ મુકાઈ રહ્યો છે કે અમે વાલીને એ પદાર્થ જાણીજોઈને ન આપ્યો એ હકીકત નથી."

તેઓ આગળ કહે છે કે, "અમારી સ્કૂલનો આખો સ્ટાફ પણ વિદ્યાર્થીઓ સાથે જ આ જ કૅન્ટિનમાં ત્યાં બનતું ભોજન જ લે છે. આ સંપૂર્ણ ઘટના બહાર આવ્યા બાદ અમે તરત અમારા કૅન્ટિન સુપરવાઇઝર અને કૂકિંગ સ્ટાફની આખેઆખી ટીમ બદલી નાખી. આ ઉપરાંત અમે અમારું ફૂડ મૅનેજમેન્ટ પણ બદલી નાખ્યું અને તેમાં સલામતી માટેનું વધુ એક સ્તર ઉમેર્યું છે."

શાળાના જનસંપર્ક અધિકારી અંકિત રાજપૂતે આ મામલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "શાળાએ આ ઘટના બાદ તાત્કાલિક કૅન્ટિનમાં ભોજન પૂરું પાડતી એજન્સીને બદલી નાખી છે. ઉપરાંત આગામી દિવસોમાં શાળાના ટ્રસ્ટી મંડળ દ્વારા પ્રેસ કૉન્ફરન્સ કરવામાં આવશે અને વાલીના તમામ પ્રશ્નો દૂર કરવામાં આવશે."

જિલ્લા શિક્ષણાધિકારીએ એક દિવસમાં ઘટનાનો રિપોર્ટ માગ્યો

અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી રોહિત એમ. ચૌધરીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ સમગ્ર ઘટના બાદ સ્કૂલને જાહેર કરેલી નોટિસમાં માગેલા ખુલાસા અંગે જણાવ્યું હતું

"અમે આ ઘટનાની જાણ થયા બાદ નોટિસમાં શાળા પાસેથી સમગ્ર ઘટનાનો અહેવાલ માગ્યો છે. તેમજ પ્રિન્સિપાલ, કૅટરિંગ કૉન્ટ્રેક્ટર અને સુપરવાઇઝર અને આ ઘટના માટે જવાબદાર તમામ સામે તાત્કાલિક અસરથી સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે. "

તેઓ આગળ કહે છે કે, "આ ઉપરાંત અમે ડેપ્યુટી મ્યુનિસિપલ કૉર્પોરેશન અને હેલ્થ વિભાગને આ શાળામાં ચાલતી કૅન્ટિન પૂરાં ધારાધોરણોનું પાલન કરે છે કે કેમ એની ચકાસણી કરવા ભલામણ કરી છે."

"આ સિવાય શાળાને પણ સંપૂર્ણ ચકાસણી થઈ જાય એ બાદ જ કૅન્ટિન ચાલુ કરવા કહેવામાં આવ્યું છે."

તેઓ આગળ કહે છે કે, "ઉપરાંત વિદ્યાર્થીઓ માટે કૅન્ટિનની સવલત મરજિયાત બનાવી દેવા જણાવાયું છે. તેને એક વૈકલ્પિક સુવિધા તરીકે રાખી શકાય. તેમજ જો કોઈ વાલી આ સુવિધા અધવચ્ચે બંધ કરવા માગતા હોય તો તેમને રિફંડ આપવા જણાવ્યું છે."

"શાળાને અમારા આ બધા નિર્દેશો મામલે એક દિવસમાં રિપોર્ટ કરવાનું કહેવાયું છે. જો સમયમર્યાદામાં રિપોર્ટ નહીં મળે તો કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન