You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નાલસાર : CJIનો વિરોધ કરનારા લૉ ગ્રૅજ્યુએટ્સની પ્રૅક્ટિસ પર લગાવેલી રોક બાર કાઉન્સિલે હઠાવી, શું છે મામલો? - ન્યૂઝ અપડેટ
- લેેખક, બીબીસી ન્યૂઝ
- દ્વારા રિપોર્ટિંગ, નવી દિલ્હી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 8 મિનિટ
બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (બીસીઆઈ)એ હૈદરાબાદસ્થિત નૅશનલ ઍકેડમી ઑફ લીગલ સ્ટડીઝ ઍન્ડ રિસર્ચ (નાલસાર) લૉ યુનિવર્સિટીના 2026 બૅચના સ્નાતકોની ઍડ્વોકેટ તરીકેની નોંધણી પર રોક લગાવવાના પોતાના નિર્ણયને પાછો ખેંચી લીધો છે.
આ પહેલાં બીસીઆઈના અધ્યક્ષ મનનકુમાર મિશ્રાએ દેશની તમામ રાજ્ય બાર કાઉન્સિલોને નિર્દેશ આપ્યો હતો કે તેઓ "2026માં નાલસારમાંથી સ્નાતક થયેલા વિદ્યાર્થીઓની આગામી આદેશ સુધી વકીલ તરીકે નોંધણી ન કરે."
બાર કાઉન્સિલે યુનિવર્સિટી પાસેથી ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની દીક્ષાંત સમારોહમાં ભાગીદારીનો વિરોધ કરનારા અભિયાનમાં સામેલ લોકો અંગે તથ્યાધારિત અહેવાલ પણ માંગ્યો છે.
ગયા સપ્તાહે નાલસાર લૉ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં સીજેઆઈ સૂર્યકાંતને આમંત્રિત કરવાના પ્રસ્તાવને લઈને વિવાદ ઊભો થયો હતો.
હકીકતમાં કેટલાક વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી પ્રશાસનને ઈ-મેઇલ દ્વારા એક અરજી સોંપી હતી, જેમાં સીજેઆઈને આમંત્રિત કરવાના પ્રસ્તાવ પર પુનર્વિચાર કરવાની વિનંતી કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓના આ અભિયાન સામે વાંધો ઉઠાવતા બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ મનનકુમાર મિશ્રાએ નાલસારના કુલપતિને ત્રણ દિવસની અંદર પ્રમાણભૂત અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું.
આમાં તે વ્યક્તિઓની ઓળખ કરવાની પણ વાત કરવામાં આવી હતી જેમણે આ અભિયાન શરૂ કર્યું હતું.
બીસીઆઈ અધ્યક્ષ મનનકુમાર મિશ્રાએ ઍક્સ પર બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાનું નિવેદન શૅર કરતાં લખ્યું, "વિસ્તૃત ચર્ચા-વિચારણા પછી, બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ નાલસાર યુનિવર્સિટી ઑફ લૉ અંગેના પોતાના અગાઉના નિર્દેશોમાં ફેરફાર કર્યો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"હવે નાલસારમાંથી 2026માં અભ્યાસ પૂર્ણ કરનારા બધા વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની રાજ્ય બાર કાઉન્સિલમાં નોંધણી માટે અરજી કરી શકશે."
તેમણે આગળ લખ્યું, "તથ્યોની તપાસ ચાલુ રહેશે અને અહેવાલના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ વિદ્યાર્થીએ પોતાની કોઈ ભૂલ ન હોવા છતાં મુશ્કેલી વેઠવી નહીં પડે."
પોતાનો આદેશ પાછો ખેંચતા બાર કાઉન્સિલે જણાવ્યું, "કેટલાક વિશ્વસનીય સ્ત્રોતોએ એ પણ જણાવ્યું છે કે કેટલાક શિક્ષકો અને બહારના લોકોએ નિર્દોષ વિદ્યાર્થીઓને ઉશ્કેરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. કાઉન્સિલ કુલપતિ દ્વારા થનારી તપાસના અહેવાલની રાહ જોશે અને અહેવાલ મળ્યા બાદ આગળની કાર્યવાહી કરશે."
10 ઑગસ્ટે પ્રકાશિત બીબીસી તેલુગુના એક લેખ મુજબ, જુલાઈના બીજા સપ્તાહમાં યુનિવર્સિટીના અધિકારીઓ અને પ્રોફેસરોને માહિતી મળી હતી કે નાલસાર યુનિવર્સિટી ઑફ લૉનો દીક્ષાંત સમારોહ ટૂંક સમયમાં યોજાવાનો છે, જેમાં ભારતના મુખ્ય ન્યાયાધીશે ભાગ લેવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
ત્યારબાદ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓએ કુલપતિ અને રજિસ્ટ્રારને ઈ-મેઇલ મોકલ્યો.
તેમાં કહેવામાં આવ્યું હતું, "દીક્ષાંત સમારોહમાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતને આમંત્રિત કરવામાં આવે તેની સામે તેમને વાંધો છે."
એક વિદ્યાર્થીએ જણાવ્યું કે ઈ-મેઇલ શરૂઆતમાં કાયદાના વિદ્યાર્થીઓ દ્વારા મોકલવામાં આવ્યો હતો અને પછી અન્ય વિભાગોના વિદ્યાર્થીઓએ પણ તેમાં પોતાનો વાંધો ઉમેર્યો હતો.
20 જુલાઈએ કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના આહ્વાન પર યુવાનો અને વિદ્યાર્થીઓએ દિલ્હીમાં સંસદ તરફ કૂચ કરી હતી.
એક વકીલે વિદ્યાર્થીઓ અને યુવાનો પર પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જ અને ટિયરગૅસના શૅલ છોડવાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
વકીલે અરજીમાં જણાવ્યું હતું, "પોલીસની બર્બરતાના વીડિયો પુરાવા ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓ જંતર-મંતર ખાતે વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. પોલીસ અત્યંત કડકાઈથી વર્તી રહી છે."
આ અરજીના જવાબમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે ટિપ્પણી કરી હતી, "તમારો સમય બગાડશો નહીં, અમારો સમય પણ બગાડશો નહીં."
નાલસર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પોતાના ઈ-મેઇલમાં યુવાનો અને વિદ્યાર્થીઓ વિશે મુખ્ય ન્યાયાધીશની આ જ ટિપ્પણીઓનો ઉલ્લેખ કર્યો હતો.
બાંગ્લાદેશના પીએમ તારિક રહેમાનના ભારત પ્રવાસને લઈને બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે શું જણાવ્યું?
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે વડા પ્રધાન તારિક રહેમાનની ભારત યાત્રા બંને દેશો વચ્ચેની વાતચીતની પ્રગતિ પર નિર્ભર રહેશે.
બીબીસીની બાંગ્લા સેવા અનુસાર, ભારતે તારિક રહેમાનને પોતાના દેશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે.
બીબીસીની બાંગ્લા સેવા મુજબ, બાંગ્લાદેશનાં વિદેશ બાબતોનાં રાજ્ય મંત્રી શમા આબિદ ઇસ્લામે જણાવ્યું, "વડા પ્રધાનની ભારત યાત્રા અંગે ચર્ચા ચાલી રહી છે. ભારત યાત્રા સહિત કોઈપણ યાત્રાને હજુ સુધી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી."
તેમણે કહ્યું, "વડા પ્રધાન હાલ ઘણા રાજકીય અને સંવિધાનિક કાર્યક્રમોને કારણે ખૂબ વ્યસ્ત છે. હજુ સુધી કોઈપણ યાત્રાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. જો બધું સારું રહેશે તો યાત્રા થશે. તે તેમના સમય અને બંને દેશો વચ્ચેની વાતચીતની પ્રગતિ પર નિર્ભર કરશે."
ભારત યાત્રાના સંબંધમાં તેમણે કહ્યું, "જ્યારે બે દેશોના રાષ્ટ્રપ્રમુખો ચર્ચા કરે છે અને દ્વિપક્ષીય વાટાઘાટો કરે છે, ત્યારે ઘણી સમસ્યાઓના ઉકેલ માટે તક મળે છે. તે તક ઉપલબ્ધ છે અને યથાવત્ રહેશે."
તેમણે કહ્યું, "ભારતે પણ આ તકનો લાભ લેવો જોઈએ."
ટ્રમ્પના કયા દાવાને ઈરાને ગણાવ્યો 'ફેક' – ન્યૂઝ અપડેટ
ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ ગુરુવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ દાવાનો જવાબ આપ્યો, જેમાં તેમણે કહ્યું હતું કે હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકાનું સંપૂર્ણ નિયંત્રણ છે.
તેમણે કહ્યું કે અમેરિકા વારંવાર ગુપ્તચર માહિતીના મામલે નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. અરાગચીએ કહ્યું કે વ્યૂહાત્મક જળમાર્ગોને લઈને અમેરિકા મોટી 'ગેરસમજ'નું શિકાર છે.
અરાગચીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "અમેરિકા ખોટી ગુપ્તચર માહિતીના કારણે લાંબા સમયથી ભૂલો કરતું આવ્યું છે. ઉદાહરણ તરીકે ઈરાન વિરુદ્ધનું યુદ્ધ સામે છે. હવે હોર્મુઝ જળમાર્ગને લઈને તેનાથી પણ મોટી ભૂલ તે કરી રહ્યું છે. ફેક ન્યૂઝ કરતાં પણ ખરાબ છે ફેક ગુપ્તચર માહિતી. સાવધાન રહો."
કેટલાક દિવસો પહેલાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકાનું સંપૂર્ણ નિયંત્રણ છે અને તે તેને જાળવી રાખશે.
તેમણે કહ્યું હતું કે હોર્મુઝ વિસ્તારમાં અમેરિકી નૌસેનાની તૈનાતી 'સ્ટીલની દિવાલ' સમાન છે. ઈરાન પાસે તેનો મુકાબલો કરવાની ક્ષમતા નથી.
પંજાબના પૂર્વ ઉપમુખ્ય મંત્રી અને અકાલી દળના અધ્યક્ષ સુખબીરસિંહ બાદલ પર મહારાષ્ટ્રમાં હુમલો
શિરોમણી અકાલી દળ (બાદલ)ના અધ્યક્ષ અને પંજાબના પૂર્વ ઉપમુખ્ય મંત્રી સુખબીરસિંહ બાદલ પર મહારાષ્ટ્રના નાંદેડમાં હુમલો થયાના સમાચાર મળી રહ્યા છે.
સમાચાર એજન્સી એએનઆઈએ નાંદેડ પોલીસના હવાલાથી જણાવ્યું છે કે હુમલો નાંદેડના એક ગુરુદ્વારામાં થયો હતો. માહિતી અનુસાર, આ ઘટના ગુરુવારે બપોરે 2.15 વાગ્યે બની હતી.
બીબીસી પંજાબી અનુસાર, સુખબીરસિંહ બાદલ પોતાના પરિવાર સાથે નાંદેડ સ્થિત તખ્ત શ્રી હજૂર સાહિબમાં માથું ટેકવા ગયા હતા.
હુમલામાં તેમના હાથમાં ઈજા થઈ છે અને તેમને એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સમાચાર એજન્સી પીટીઆઈએ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં ફિલ્માવેલાં દૃશ્યો સુખબીરસિંહ બાદલને ઍમ્બ્યુલન્સ દ્વારા હૉસ્પિટલ લઈ જતાં હોય તેવાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
આ વીડિયોમાં સુખબીરસિંહ બાદલ ઍમ્બ્યુલન્સમાંથી ઉતરીને પગપાળા ચાલતા હૉસ્પિટલમાં દાખલ થતા જોવા મળે છે.
તેમના જમણા હાથ પર લાલ કપડું બાંધેલું છે.
માનસૂન સત્રના છેલ્લા દિવસે હોબાળા વચ્ચે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત
સંસદના માનસૂન સત્રના છેલ્લા દિવસે ભારે હોબાળા વચ્ચે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી. માનસૂન સત્રના અંતિમ દિવસે રાજ્યસભા અને લોકસભા, બંનેની કામગીરી અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી.
પરંપરા અનુસાર 'વંદે માતરમ'ના ગાન બાદ પણ સદનની કાર્યવાહી આગળ વધી શકતી નથી. વિરોધ પક્ષના સાંસદોના સતત વિરોધ અને જોરદાર નારેબાજી વચ્ચે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી.
સત્રના સમાપન દરમિયાન સંસદ પરિસરના મકર દ્વાર પર પણ સત્તાપક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે તીવ્ર અથડામણ જોવા મળી. ભાજપ અને વિરોધ પક્ષના સાંસદોએ એકબીજાના વિરોધમાં પ્રદર્શન અને નારેબાજી કરી.
ભાજપના સાંસદોએ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શન કર્યું.
સત્તાપક્ષનો આરોપ હતો કે કૉંગ્રેસે ઝારખંડમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલન અંગે કોઈ સ્પષ્ટ વલણ અપનાવ્યું નથી અને રાહુલ ગાંધીએ પણ આ મુદ્દે મૌન ધારણ કર્યું છે.
તેના જવાબમાં વિરોધ પક્ષના સાંસદોએ પણ જોરદાર નારેબાજી કરી.
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રાહુલ ગાંધીને લઈને કહ્યું, "શું તમે પોતાને અમિત શાહની સમકક્ષ ગણો છો?"
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રાહુલ ગાંધી પર નિશાન સાધતાં કહ્યું કે રાહુલ ગાંધી પોતાની 'મનમાની' કરે છે.
તેમણે કહ્યું, "તેઓ લોકસભામાં વિરોધ પક્ષના નેતા છે અને કહે છે - 'હું પડકાર આપું છું.' તેઓ કઈ બાબતનો પડકાર આપી રહ્યા છે? સંસદીય વ્યવસ્થાની પોતાની એક મર્યાદા હોય છે. શું તમે અમિત શાહ સાથે તેમની તુલના કરશો?"
તેમણે આગળ કહ્યું, "અમિત શાહે કામ કરીને બતાવ્યું છે. કલમ 370 કેવી રીતે દૂર કરવામાં આવી, 35એ કેવી રીતે સમાપ્ત કરવામાં આવી અને સીએએ કેવી રીતે અમલમાં મૂકવામાં આવ્યો, તે તેમણે કરીને બતાવ્યું છે."
"તમે દેશમાં આતંક ફેલાવવા માંગો છો. તમે અર્બન નક્સલની ભૂમિકામાં છો. જો હિંમત હોય તો સંસદીય વ્યવસ્થા મુજબ વાત કરો અને બીજાની વાત પણ સાંભળો. તમે 'હિટ એન્ડ રન' પ્રકારની રાજનીતિ કરો છો."
ગિરિરાજ સિંહે કહ્યું, "અમિત શાહે તેમના બધા ભેદ ખુલ્લા પાડી દીધા છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા પાસે નીટ મુદ્દે ચર્ચા કરવાની હિંમત નથી."
"જ્યારે પેલેટ ગનના મુદ્દા પર ચર્ચા થશે, ત્યારે નીટ ઉપર પણ ચર્ચા થશે. તે દરમિયાન દેશના અન્ય રાજ્યોની પણ ચર્ચા થશે, જેમાં પંજાબ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને ઝારખંડનો પણ સમાવેશ થશે. એટલે તેમનામાં હિંમત નહોતી થઈ."
તેમણે કૉંગ્રેસ પર પણ પ્રહાર કરતાં કહ્યું, "કૉંગ્રેસને શરમ આવવી જોઈએ. ખડગેજી જેવા એટલા વરિષ્ઠ નેતા પણ રાહુલ ગાંધીની 'ચમચાગીરી' કરવામાં લાગેલા છે."
બુધવારે અમિત શાહે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે તેઓ સંસદમાં નીટ મુદ્દે ચર્ચા કરવા અને વિરોધ પક્ષના તમામ પ્રશ્નોના જવાબ આપવા માટે તૈયાર છે.
ત્યાર બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "અમિત શાહની કલ્પનાઓ સાંભળવામાં મને કોઈ રસ નથી."
રાહુલ ગાંધીએ આગળ પ્રશ્ન કર્યો, "શું અમિત શાહે વિદ્યાર્થીઓ પર ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો? જો આપ્યો હોય, તો તેમણે રાજીનામું આપવું જોઈએ."
લગભગ 30 વર્ષમાં સૌથી અદ્ભુત સૂર્યગ્રહણ ક્યાં જોવા મળ્યું, જુઓ તસવીરો
બ્રિટન અને યુરોપના લોકોએ લગભગ 30 વર્ષ પછી આટલું અદ્ભુત સૂર્યગ્રહણ જોયું.
બ્રિટનમાં લોકોએ આંશિક સૂર્યગ્રહણ જોયું. સ્થાનિક સમય મુજબ સાંજે સાત વાગ્યાની આસપાસ ગ્રહણ જોવા મળ્યું હતું.
આ સમયે મોટાભાગના વિસ્તારોમાં ચંદ્રએ સૂર્યના 90 ટકાથી વધુ ભાગને ઢાંકી દીધો હતો.
જોકે, ગ્રીનલૅન્ડ, આઇસલૅન્ડ અને સ્પેનના કેટલાક ભાગોમાં લોકો પૂર્ણ સૂર્યગ્રહણ જોઈ શક્યા.
અહીં દિવસ દરમિયાન સંપૂર્ણ અંધકાર છવાઈ ગયો હતો, જેના કારણે લોકો આ અદ્ભુત દૃશ્યનો અનુભવ કરી શક્યા.
લદ્દાખ: સવારે છ વાગે 5.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
વહેલી સવારે લદાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, લદ્દાખના લેહ વિસ્તારમાં ગુરુવારે સવારે 6:05 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.
નૅશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજી (એનસીએસ)ના એક નિવેદન મુજબ, ગુરુવારે વહેલી સવારે લદ્દાખના લેહમાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.
રિક્ટર સ્કેલ પર 5.5ના ભૂકંપથી અચાનક ધરતી ધ્રૂજી ઊઠતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આંચકા અનુભવાતા લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા.
એએનઆઈ અનુસાર, સવારે છ વાગે આવેલા આ ભૂકંપમાં હજુ સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન